અનોખો પ્રેમ - ભાગ 1
સાંજનો સમય હતો. સુરજ જાણે દરિયામાં ડૂબકી મારવાની તૈયારીમાં હતો. દરિયાના મોજાં મોજીલા બની ઉછાળા મારતા હતા. ને હેય ને ઠંડો ઠંડો પવન ગેલેરીમાં લટકાવેલ શંખ,છીપલાં અને ભૂંગળીઓથી બનેલ ઝુમ્મરને વીંધી મીઠો મધુરો રણકાર ઉત્પન્ન કરતો હતો. આવા આહલાદક વાતાવરણની મજા માણતા પ્રીતેશભાઈ ઘરની ગેલેરીમાં આરામથી ખુરશીમાં બેઠા હતા. ત્યાં અચાનક કંઇક અવાજ આવ્યો.
પ્રીતેશભાઈ અવાજ સાંભળી સફાળા થઈ ગયા. ઘરમાં કોઈ ધમપછાડા કરી રહ્યું હોય એવું લાગ્યું.આથી તેઓ દોડતા ઘરમાં ગયા.અંદર જઈ જોયું તો તેમનો દીકરો અનિરુદ્ધ તેના રૂમમાં પુરાઈને ગુસ્સામાં તોડફોડ કરી રહ્યો હોય એવું લાગ્યું. અવાજ સાંભળીને ઘરમાં કામ કરતા બહેન પણ દોડીને રૂમ આગળ આવી ગયા.
" શું થયું રમાબહેન..? તમને કંઈ ખબર છે..?" પ્રિતેશભાઈએ હળવેકથી પૂછ્યું.
" હું તો કિચનમાં હતી સાહેબ..! જ્યારે ડોરબેલ વાગી ને મેં દરવાજો ખોલ્યો, તો અનુ દીકરો ગુસ્સામાં બેગ સોફા પર ફેંકીને ચાલ્યો ગયો અને અંદરથી રૂમનો દરવાજો બંધ કરી દીધો." રમાબહેને કહ્યું.
" અનુ બેટા..! શું થયું દિકરા..? દરવાજો ખોલ..!" પ્રિતેશભાઇએ દરવાજો ખટખટાવતા કહ્યું. પણ સામેથી અનિરુદ્ધનો કોઈ જવાબ ન આવ્યો. બસ માત્ર તોડફોડનો અવાજ આવ્યો.
" અરે દીકરા..તું તારા પાપાને પણ કંઇ નહિ કહીશ..? શું થયું બચ્ચા..? દરવાજો તો ખોલ બેટા..!" પ્રિતેશભાઈના શબ્દે શબ્દે દીકરા પ્રત્યેનો પ્રેમ અને ચિંતા વર્તાતી હતી.
" પાપા..! તમે નહિ સમજો મારી સ્થિતિ..પ્લીઝ લિવ મી અલોન..!" અનિરુદ્ધએ ગુસ્સામાં કહ્યું.
" બેટા તું સમજાવે તો હું સમજુ ને..! પહેલા તું દરવાજો તો ખોલ દીકરા..!"
" મારી સાથે જ આવું કેમ થયું..? શુ બગાડ્યું હતું મેં કોઈનું..?વાય...? વાય..? વાય..?" કરતો ગુસ્સામાં અનિરુદ્ધ એકપછીએક વસ્તુ તોડે જતો હતો. વ્હાલસોયા દિકરાની આવી હાલત જોઈ પ્રિતેશભાઈ પણ ચિંતિત થઈ ગયા.
" બેટા પ્લીઝ...દરવાજો ખોલ..મને તારી ચિંતા થાય છે. મને નથી ખબર તારી સાથે શુ થયું છે પણ એટલી ખબર છે કે તને કંઈ થઈ જશે તો તારા વગર હું બિલકુલ નહીં જીવી શકું. અનુ.. I LOVE YOU બેટા..!" આટલું બોલતાં તો અનિરુદ્ધએ દરવાજો ખોલી દીધો અને પ્રિતેશભાઈને ભેટીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો.
" બસ..બસ..હવે તું રડવાનું બંધ કર બેટા..!" અનુના માથે હાથ ફેરવતા પ્રિતેશભાઈ બોલ્યા. તેઓ પોતે પણ દિકરાની હાલત જોઈ ગળગળા થઈ ગયા હતા. પણ તેઓએ પોતાના આંસુઓને બહાર આવવાની મંજૂરી ન આપી. તેમણે અનુને બેડ પર બેસાડ્યો. ગ્લાસ ભરી તેને પાણી પીવડાવ્યું અને પછી અનુની પાસે બેસીને તેનો હાથ પોતાના હાથમાં લઈ બોલ્યા.
" શું થયું અનુ બેટા..? તારું આવું સ્વરૂપ મેં પહેલાં ક્યારેય નથી જોયું. મને હંમેશા તારા પર એ વાતનો ગર્વ રહ્યો છે કે મારો દીકરો દુનિયાનો સૌથી સમજદાર દીકરો છે. તારી સમજદારી, તારા સદ્દગુણો, તારા સંસ્કારથી હંમેશા મારુ માથું ગર્વથી ઊંચું રહ્યું છે. તો આજ મારા દીકરામાં આ ગુસ્સાનો અવગુણ ક્યાંથી આવ્યો..? " પ્રિતેશભાઈએ દીકરા સાથે વાત કરવાની શરૂઆત કરી પણ અનિરુદ્ધ માથું નીચું રાખીને ડુસકા ભરે જતો હતો.
" ઠીક છે તારે મારી સાથે વાત ના કરવી હોય તો..! મને એમ કે મારો દીકરો જ મારો ખાસ મિત્ર છે પણ મારી માન્યતા ખોટી પડી. તું મારી સાથે તારું દુઃખ,તકલીફ નહિ વહેંચે તો પછી હું પણ મારી તકલીફો તને નહિ જણાવું. વધુમાં વધુ શુ થશે..? મને એટેક આવશે..બીજું શુ થશે. એ પણ સારું ને જલ્દી તારી મમ્મી પાસે પહોંચી જઈશ..!" આટલું બોલી પ્રિતેશભાઈ ઊભાં થઈ ચાલતા થયા.
To be continue....
મૌસમ😊