અનોખો પ્રેમ - ભાગ 4 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જયદીપ અહલાવત

    ઓટીટી પર રિલીઝ વેબ સિરીઝ પાતાળ લોકમાં નામના મેળવી પણ ચર્ચાતો...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-83

    પ્રેમ સમાધિ પ્રકરણ-83 વિજયે ભાઉ સાથે વાત કરી... ભાઉની વાત ખૂ...

  • અગ્નિસંસ્કાર - 86

    બેભાન પડેલા કેશવને જૂની સ્મૃતિઓ યાદ આવી. જ્યારે એણે નાનપણમાં...

  • આગ

    **ચિંતન લેખ: આગ**આગ એ માનવજાત માટે એક મહત્વપૂર્ણ અને અનિર્વા...

  • વરસાદ સાથે ની યાદો

    કેમ છો મિત્રો , હું માનસી આજે જ્યારે વરસાદ આવ્યો તેને જોઈ ને...

શ્રેણી
શેયર કરો

અનોખો પ્રેમ - ભાગ 4

અનોખો પ્રેમ ભાગ 4

" એક વાત નાં સમજાઈ..આ ભાઈએ તે યુવાનની જગ્યાએ આ બહેનને કેમ પકડ્યા હતા..?" આટલું સાંભળતા તો પ્રિત ધીમે રહીને ટોળામાંથી બહાર નીકળી રસ્તો માપ્યો.

પ્રિત ઘરે જઈને રેડી થઈ થાણે આવ્યો. તે સીધો હેડ ઓફીસમાં એટેન્ડન્સ ભરવા ગયો. ટેબલ પર ચોપડો શોધતો હતો ત્યાં કોઈનો અવાજ સંભળાયો.

" તમે તેર મિનિટ અને પાંત્રીસ સેકન્ડ લેટ થયા છો મિસ્ટર પ્રિત..!" કોઈ સ્ત્રીનો રૂઆબદાર અવાજ આવ્યો.

" આ અવાજ તો ક્યાંક સાંભળ્યો હોય તેવું લાગે છે..!" મનમાં વિચારી પ્રિતે આજુબાજુ જોયું. ફાઇલ મુકવાના ઘોડામાંથી ફાઇલ કાઢી ચેક કરતી કોઈ પ્રતિકૃતિ નજરે પડી. શરીરનો બાંધો ઊંચો અને મજબૂત હતો. ઇન્સ્પેકટરના કપડાંમાં સજ્જ વ્યક્તિ હૂબહૂ પાછળથી યુવાન પુરુષ જેવી લાગતી હતી. પણ તેની ખાખી ટોપી નીચે મજબૂતાઈથી બાંધેલો ભરાવદાર વાળનો અંબોળો તે સ્ત્રી હોવાની ચાડી ખાતો હતો. પ્રિત તરત સમજી ગયો કે નક્કી આ જ હેડ ઇન્સ્પેક્ટર મેડમ સર છે.

" ગુડ મોર્નિંગ મેડમ સર..!" પ્રિતે સેલ્યુટ કરી અભિવાદન કરતાં કહ્યું.

" ગુડ મોર્નિંગ..પણ તમે લેટ થવાનું કારણ ન જણાવ્યું..?" ફાઈલના પાના ફેરવતા મેડમ સર બોલ્યા.

" જી..મેમ..આજ બન્યું એવું કે હું કાંકરિયા તળાવ ફરતે મોર્નિંગ વૉક કરવા ગયો હતો. ત્યાં કોઈ યુવાનએ જીવન ટૂંકાવવા તળાવમાં પડતું નાખ્યું. લોકો તેને બચાવવા માટેના પ્રયત્ન કરવાની જગ્યાએ આવું ન કરાય..તેમ ન કરાય જેવી બાબતો પર ટોળે વળી ચર્ચા કરતા હતા. તો બસ એ વખતે મારી માનવતા જાગી ઉઠી અને તેને બચાવવા હું પણ પાણીમાં કૂદી પડ્યો. એટલે થોડું મોડું થઇ ગયું.

" ઓહ..તમે એકલાએ જ એ ભાઈને મરતા બચાવ્યો..? " મેડમ સરે પૂછ્યું.

" આમ, એવું જ કહેવાય..એક બેન બિચારા તે યુવાનને બચાવવા તો પાણીમાં કુદયા પણ એમના એકલાથી તો કોઈને ઊંચકીને બહાર ન લાવી શકાય ને..? આમ, જોવા જઈએ તો બંનેને પછી મેં જ બહાર કાઢ્યા." પ્રિતે ગોળગોળ વાત ફેરવતા કહ્યું.

" ઓહ ગ્રેટ..! કેટલું મહાન કામ કર્યું છે આપે..!" કહેતા મેડમ સર પ્રિત સામે ફર્યા. મેડમ સરનો ચહેરો જોઈ પ્રિતનું મોઢું ખુલ્લુને ખુલ્લું જ રહી ગયું. હા, આ તેજ બહેન હતા જે તળાવમાં પડેલ યુવાનને બચાવવા પાણીમાં કુદયા હતા અને પ્રિતે મૂર્ખતા બતાવી હતી. ફરી એકવાર પ્રિત ભોંઠો પડ્યો.

" ઓહ..તમે..! તમે મારા પહેલાં જ થાણે પહોંચી ગયા..! " આટલું બોલતા તો પ્રિતની નજર મેડમ સર પર જ અટકી ગઈ.

મેડમ સર તેને રુલ્સ એન્ડ રેગ્યુલેશન સમજાવતા હતા, તેઓના શબ્દે શબ્દે શિષ્ટતા અને રૂઆબ છલકાતો હતો. પણ પ્રિતના કાને તો મેડમ સરના શબ્દો સંગીતના સૂર બની રેલાતાં હતા.

" હવે તમે જઈ શકો છો..!" મેડમ સરે પોતાની વાત પૂરી કરતા કહ્યું. પણ પ્રિત તો હજુ સ્ટેચ્યૂ બની પ્રેમના સૂરમાં ખોવાયેલો હતો. મેડમસરે ટેબલ પર હાથ પછાળીને કહ્યું, " હેલો.. મિસ્ટર પ્રિત..! આ પોલીસ સ્ટેશન છે..કોઈ બગીચો નથી..અહીં ઓલ્વેઝ એલર્ટ રહેવું પડશે..તમારો આવો વ્યવહાર અહીં થાણે નહિ ચાલે..!"

પ્રિત જાણે ઊંઘમાંથી કોઈ મનગમતા સ્વપ્નમાંથી જાગ્યો હોય તેમ ચોંકીને વર્તમાનમાં આવ્યો અને " યસ સર..!" કહી સેલ્યુટ કરી ચાલતો થયો.ચાર ડગલાં ભરી તેણે પાછળ વળીને જોયું, મેડમ સર ફરી ફાઈલોમાં વ્યસ્ત થયેલા જોઈ પ્રિત મીઠી મુસ્કાન સાથે પોતાના ટેબલ પર આવીને બેઠો. રાણાએ આપેલી ફાઈલનો અભ્યાસ કરવા તેને ખોલી તો તેમાં મેડમ સરનો જ ચહેરો દેખાય..તેણે ખુદને જ ટપલી મારી અને હસીને સ્વસ્થ થઈ કામે લાગ્યો.

આજ પહેલી વાર પ્રિતનું હૃદય કોઈને જોઈ ગાર્ડન ગાર્ડન થયું હતું. પહેલી વખત કોઈને જોઈને ચારેકોર સંગીત રેલાયું હતું. આજ પ્રિતના યુવાન હૈયે પ્રેમની લાગણીઓના બીજનું વાવેતર થયું હતું. હવે સમય જ બતાવશે કે પ્રેમની લાગણીઓનો છોડ વિકસિત થશે કે મૂરઝાઈ જશે.


To be continue...

મૌસમ😊