કીટીપાર્ટી Sangita Soni ’Anamika’ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કીટીપાર્ટી




આજે અમારી ફ્રેન્ડ્સ ક્લબની કીટીપાર્ટીનું આયોજન મારા ઘરે બપોરે ત્રણ થી પાંચ કરેલ હતું. મેં ઝડપથી રસોઈ બનાવી અને ઘરકામ પતાવી દીધા. કીટી માટે બેસવાની વ્યવસ્થા કરી અને નાસ્તા - પાણીની વ્યવસ્થા કરી દીધી. બધું બરાબર આયોજન કરી હું તૈયાર થઈ ગઈ. આજનો ડ્રેસકોડ ગણેશચતુર્થી આવતી હોવાથી ટ્રેડિશનલ રાખ્યો છે. સૌથી પહેલા ભાવના, જીજ્ઞા, અમી અને પ્રીતિ આવી પહોંચ્યા. ધીરે ધીરે બધી સખીઓ આવવા લાગી. ખુશી, રોમા,પંક્તિ, રીટા, ફાલ્ગુની પણ આવી ગયા. હજુ ચાર પાંચ જણ આવવાના બાકી હતા એટલે વાતો કરતા કરતા બધા રાહ જોવા લાગ્યા. હિરલ, પીન્કી ,દર્શના, અને પારૂલ પણ આવી પહોંચ્યા. આજે અમારા ગ્રુપની સૌથી નટખટ અને તોફાની સખી આવવાની ન હતી, એ છે અમારી ચૂલબૂલી સખી નિયતિ . ખૂબ જ પ્રેમાળ અને લાગણીશીલ , હોશિયાર પણ એટલી જ, પોતે હાયર સેકન્ડરી માં અંગ્રેજી ની ટીચર ,સેન્સ ઓફ હ્યુમર તો ગજબનું એનામાં, એટલે તે અમારા સૌમાં ખૂબ જ લાડલી તેથી તેના વગર થોડી..... નીરસતા હતી.
સહુ આવી જતા અમે સૌ સખીઓએ પ્રાર્થના કરી .
આ નિયતિ વગર ખાલી ખાલી લાગે નહીં .....પારુલ બોલી.
હા સાચી વાત છે બે ત્રણ જણે ટાપસી પુરાવી.
એટલામાં જ ડોર બેલ વાગ્યો.
મેં જેવો દરવાજો ખોલ્યો તો સામે નિયતિ હતી. તે મોટે થી બૂમ પાડતા બોલી સરપ્રાઈઝ........અને મને ભેટી પડી. હસતા હસતા બધાને હાઈફાઈ કરવા લાગી.
નિયતિ ના આવવાથી જાણે સૌનાં મોં પર ખુશી છવાઈ ગઈ.અને......... શોરબકોર......
મેં વિચાર્યું. આનુ આજે જરૂર કંઈક નવું હશે.
અમીએ પૂછ્યું, તું ન'તી આવવાની ને?
કહું છું .....પાણી પીવા દો! અમે સૌ એના બોલવાની રાહ જોઈ એની સામે તાકી રહ્યા.
મનમાં મલકાતા મલકાતા એ બોલી, ચાલો હાઉસી રમીએ.
બે ત્રણ જણ સાથે જ બોલ્યા,
એ નૌટંકી .....પેલા વાત પૂરી કર.
ઓ...કે .......થયું એવું કે,
બે દિવસથી મારા ઘરમાં દેવદાસ મુવી ચાલતું હતું.
હું મીનાકુમારી અને અમીત દેવદાસ.
કેમ....... બધા એકસાથે બોલી પડ્યા.
હસતા હસતા તેણે જવાબ આપ્યો.
'જવાન' પિક્ચર ....અને વરસાદના ભજીયા.... માટે જામી ગઈ.
અમારો પિક્ચર જોવા જવાનો પ્રોગ્રામ નક્કી હતો. અને વરસાદ પડ્યો, અને ઉપરથી વડીલોને ભજીયા ખાવાની ઈચ્છા થઈ. પછી તો પૂછવાનું જ શું?
મારો વર તો પાછો માનો લાડકો એટલે કે' , મોં બનાવતા નિયતિ બોલી......પહેલા ભજીયા બનાવી દે........ પછી પિક્ચર જોવા જઈશું. વરસાદ નહીં આવતો હોય તો.....
આપણે તો મસ્ત ......તૈયાર થઈ પિક્ચર ના મૂડમાં બેઠા'તા, ત્યાં પાછો આ ડખો આવ્યો, એક તો વરસાદનો ગુસ્સો હતો જ ..... પછી તો એવો ગુસ્સો આવ્યો કે ટીપી નાખું અમિતને .
પણ .....શું થાય ?
એટલે આપણે ગુસ્સા માં ને ગુસ્સામાં કપડા બદલી નાખ્યા, મોં ધોઈ નાખ્યું... ,
જ્વેલરી કાઢી નાખી ..
અને રસોડામાં ધૂંઆપૂંઆ થતાં ભજીયા બનાવ્યા..... બધાને ખવડાવ્યા ,આપણે પણ પાછા મસ્ત ખાધા.... હોં.
પછી બધું કામ પતાવી અને હું તો રૂમમાં ભરાઈ ગઈ .
મીનાકુમારી ની સ્ટાઈલમાં ગમગીન અને રોતડ મોં કરી ટીવી જોવા લાગી. એ દિવસે તો અમિતે મને છંછેડી નહીં.
પણ પછી બે દિવસ મારો વર ......હા.....હા..... હા
હસતા હસતા નિયતિ બોલી,મારી પાછળ પાછળ ફર્યો.
વહાલી ...આઈસ્ક્રીમ ખાવો છે? એટલે આપણે તો મીનાકુમારી ની સ્ટાઈલમાં ગાવા લાગ્યા.
જબ દિલ હી તૂટ ગયા તો આઈસ્ક્રીમ ખા કે ક્યા કરેંગે?
બેબી... કોલ્ડ કોફી બનાવી આપું ? એટલે મેં ગાયું.
એક બેવફા સે પ્યાર કિયા.
ડિયર ..... કશું ઓનલાઇન ઓર્ડર કરવું છે? એટલે મેં લલકાર્યુ.....
દિલ કે અરમા આંસુઓ મેં બહે ગયે....
હા.... હા..... હા.... નિયતિ ખડખડાટ હસવા લાગી અને સાથે અમે સૌ પણ ખૂબ હસ્યા.
આમ, બે દિવસ અમિત બિચારો દેવદાસ થઈ મારી પાછળ પાછળ ફર્યો .
ત્યારે ....આજે પિક્ચર જોવા જવાની મેં હા પાડી અને લટકામાં નક્કી કર્યું કે... કીટી પાર્ટી પતાવી સીધું મોલમાં જવાનું,.... ત્યાંથી પિક્ચર જોવા જવાનું,.... પછી ડિનર કરવા જવાનું .....અને પછી ઘરે એટલે.......
અહીંથી સીધા .....ડેટ પર......
લેવા આવશે મારો વર અહીં જોજો ને!
જોયું ને મીનાકુમારીની એક્ટિંગ ની અસર કેવી થાય.
સો નિયતિ ની વાત નો આનંદ લેવા લાગ્યા,અને
મીનાકુમારી ,મીનાકુમારી કરી તેની જોડે એક્ટિંગ પણ કરાવી અને ખૂબ હસ્યા.
ચલો હવે ગેમ રમીએ, મેં કહ્યું.
અમે અંતાક્ષરી રમ્યા,પછી હાઉસી રમ્યા. હાઉસીમાં જે લોકો જીત્યા નહીં એ બધાએ ભેગા થઈને મોટેથી ગાવા માંડ્યું....ઈન હી લોગોને લે લીયા રૂપૈયા હમારા... આમ મજાક મસ્તી કરતા કરતા અમે સૌએ
સમોસા અને કચોરીનો નાસ્તો કર્યો.
ચા,કોફી પીધા.
અને છેલ્લે પ્રાર્થના કરી સૌ છુટા પડ્યાં.
ત્યાં જતાં જતાં જ કોઈક બોલ્યું ,
આ અમિતને ભજીયા કેટલામાં પડશે?
અને સૌ ખડખડાટ હસી પડ્યા.