મૃગ તૃષ્ણા Sangita Soni ’Anamika’ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃગ તૃષ્ણા



અમદાવાદ શહેરના આંબાવાડી જેવા પોશ વિસ્તારમાં આવેલ આલિશાન બંગલો 'પ્રેમ' ની બહાર મેઈન ગેટ પર સોનેરી અક્ષરોથી લખાયેલ 'વનિતા વિરાજ' નામની સુંદર નેઈમ પ્લેટ સૂરજની રોશનીમાં ચમકી રહી હતી.

બંગલાની બહાર કોટની પાસે આસોપાલવના ઝાડના થડ પર સાડીનો એક છેડો બાંઘી અને બીજો છેડો કોટની લોખંડની જાળી સાથે બાંધી ખોયા જેવું બનાવી તેમાં ત્રણ ચાર મહિનાના બાળકને સુવાડેલ હતું.બંગલાની સામે રિનોવેશન થતા એક બંગલાની બહાર રેતી,કપચી, ઈંટોની વચ્ચે બે નાના બાળકો રમી રહ્યા હતા. એક મજૂર દંપતિ ત્યાં કામ કરતુ હતું અને આ ત્રણેય બાળકો તેમના હોય તેમ લાગતું હતું.મે મહિનાની બપોરની કાળઝાળ ગરમીનો સમય હતો. મજૂરણ બાઈ રેતી ચાળીને તગારામાં ભરતી અને તેનો વર તે તગારા ઊંચકી ઊંચકીને અંદર ઠાલવી આવતો હતો. બાળકો થોડી થોડી વારે તેમના માતાપિતા પાસે આવતા, વળગી પડતાં,વહાલ કરતાં, બંને બાળકો એકબીજા સાથે ઝઘડતાં, ઘોડિયામાં સુતેલા બાળકને હિંચકો નાંખતા.., બંને પતિપત્ની બાળકો ને જોઈ મલકાતાં, તેમને સમજાવતાં,ગુસ્સો પણ કરતાં અને હસી પડતાં.
લગભગ કલાકથી વનિતા આ દ્રશ્ય તેના આલિશાન બંગલાની અંદર લગાવેલી ગ્લાસવિન્ડો માંથી જોઈ રહી હતી. વનિતા રમતાં બાળકોની દરેક પ્રવૃતિને  જોવામાં એટલી મશગૂલ થઈ ગઈ હતી કે તેને ધ્યાન ના રહ્યું કે સમય કેટલો વહી ગયો.
"યશોમતી મૌયા સે"વાળી મોબાઇલમાં વાગેલી રીંગથી તેનું ધ્યાન ફોન તરફ જતા તેણે ફોન લીધો.ફોન તેના પતિ વિરાજનો હતો. ફોન મૂકી વનિતા ફરીથી બારી બહાર જોવા લાગી.
વિરાજ અને વનિતા એક સફળ આર્કિટેક દંપતિ.કોલેજથી જ બંને એકબીજાને પ્રેમ કરતા હતા.
વિરાજ અને વનિતાનો કોલેજ કાળથી પાંગરેલો પ્રેમ સપ્તપદિના સાત ફેરા થી સંપૂર્ણતા પામ્યો હતો. લગ્ન પછી જ્યાં સુધી આર્થિક રીતે સંપૂર્ણપણે સક્ષમ ના બની જઈએ ત્યાં સુધી બાળકની જવાબદારી લેવામાં કોઈ ઉતાવળ કરવી નહીં તેવું બંનેએ સહમતિથી નક્કી કર્યું હતું. લગ્ન પછીના દસ વર્ષ કેરિયર, બિઝનેસ, ઇન્ટરનેશનલ ટૂર્સ અને પાર્ટીઓ કરવામાં ક્યાં નીકળી ગયાં તે ખબર ન રહી.
વનિતા અને વિરાજને તેમના બીજા મિત્ર વર્તુળ ના બાળકોને જોઈને હવે બાળક માટેની ઝંખના થવા લાગી.ગાયનેક ડોકટરોની એપોઈન્ટમેન્ટ અને લેબોરેટરી ટેસ્ટ થી શરૂ કરી શહેરના પ્રતિષ્ઠિત ડોક્ટર્સના અભિપ્રાય લેવામાં આવ્યા. આમ ને આમ પાંચ વર્ષ નીકળી ગયાં પણ કોઈ સફળતા મળી રહી ન હતી. કોઈ મંદિર-મહાદેવ, પૂજા  પાઠ કે દોરા-ધાગા કરવામાં તેમણે બાકી રાખ્યું ન હતું. મેડિકલ સાયન્સ ક્ષેત્રે ગર્ભધારણ માટેની લેટેસ્ટ ટેકનોલોજી આઈ.વી.એફ.નો સહારો પણ તેમણે લીધો હતો. તે ટ્રીટમેન્ટના ભાગરૂપે છેલ્લી વખતના પ્રયત્નનો રીપોર્ટ આજે આવવાનો હતો. વનિતા એક ન સમજાય તેવી બેચેની અનુભવી રહી હતી. થોડી થોડી વારે તે ફોનમાં જોતી. વનિતાનું મન આશા નિરાશા વચ્ચે ઝોલા ખાઈ રહ્યું હતું.
મોબાઇલમાં નોટિફિકેશનનો અવાજ આવ્યો. વનિતાએ મોબાઈલ હાથમાં લીધો. 'નેગેટિવ'... ટાઈપ થયેલા શબ્દો ચમકી રહ્યા.વનિતા ફરીથી બારીની બહાર જોવા લાગી જાણે ગ્રીષ્મની બપોર એના માટે હવે કાયમી થઈ ગઈ હતી.
ગ્રીષ્મની આજની બપોર સેન્ટ્રલી એ.સી. ઘરમાં બેઠેલી વનિતાને દઝાડી રહી હતી અને બીજી બાજુ વૈશાખી તડકામાં એક પરિવાર આકાશમાંથી વરસતી આગથી બચવા વૃક્ષની છાયામાં નિરાંતની પળો માણી રહ્યું હતું.

થોડીવારમાં સ્વસ્થ થઈ વનિતા બંગલા માંથી બ્લેક ઓડી કાર લઈ બહાર નીકળી. રમતાં બાળકો પાસે કાર ઉભી રાખી મંજૂર દંપતિને પૂછી બાળકોને ગાડીમાં બેસાડીને નીકળી.સૌથી પહેલાં કપડાં ના સ્ટોર માંથી બાળકોને કપડાં અપાવ્યાં. રમકડાંના સ્ટોર માંથી રમકડાં લીધાં.ચોકલેટ, આઈસ્ક્રીમ અપાવ્યાં.એક કલાક બાળકોને ગેમ્સ ઝોનમાં રમવા લઈ ગઈ.બાળકો સાથે વાતો કરવામાં અને રમવામાં તેનું પોતાનું દુઃખ હળવું થયું હોય તેવું અનુભવ્યું.ધરે પાછી આવી ત્યારે વનિતા પાસે પોતાના જીવનના ખાલીપાને માસૂમ બાળકો ના પ્રેમ થી ભરી દેવોનો વિચાર આકાર લઈ રહ્યો હતો.

વિરાજ અને વનિતા એ"વનિતા બાલ ક્રીડાંગણ"  મજૂરી કરતા માતા પિતાના બાળકો માટે શરૂ કર્યું. જ્યાં આવા બાળકોની નિ:શુલ્ક સારસંભાળ રાખવામાં આવતી. વનિતા દિવસ દરમિયાન એકવાર આવતી અને ત્યાં આવતા બાળકોને વ્હાલ અને પ્રેમ કરી પોતાના માતૃત્વ તરસતી તઝોળી ભરી લેતી.

સંગીતા સોની 'અનામિકા'