ખાલીપો Sangita Soni ’Anamika’ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખાલીપો



સીમા એ આંખો ખોલી તો ચારે બાજુ કણસતા અવાજો અને દવાની વાસનો અનુભવ થયો. તેણે ચારે બાજુ નજર કરી તો દર્દીઓથી ભરેલા ખાટલા ઓ ની વચ્ચે એક ખાટલામાં તે સુતી હતી. તેની બાજુમાં નતમસ્તક ઉદાસ ભાવથી તેનો પતિ ભરત તેનો હાથ પકડીને બેઠેલો હતો. સીમાના હાથ ની નસ માં સોય લગાવેલી હતી અને ગ્લુકોઝ નો બાટલો પકડીને ભરત બેઠો હતો .સીમા પોતાનો બીજો હાથ વ્યાકુળતાથી પોતાના ઉદર પર ફેરવવા લાગી, કંઈક શોધતી હોય તેમ તેનો હાથ તેના ઉદર પર ફરી રહ્યો હતો. સ્ત્રી સહજ સંવેદના એ કંઈક અમંગળ થયા ના એંધાણ આપી દીધા.સમજ પડતા તેણે પોતાનો હાથ હલાવી ભરતને બોલાવવાનો પ્રયત્ન કર્યો પણ તેના મોંમાંથી કોઈ અવાજ જ ન નીકળી શક્યો , સીમાની સામે નજર માંડતા જ ભરતની આંખમાંથી અવિરત આંસુ વહેવા માંડયા. સીમાની આંખમાંથી પણ આંસુ વહી રહ્યા હતા.બંનેમાંથી કોઈ કંઈ બોલી ન શક્યું .એકબીજાના હાથને પકડીને જાણે એકબીજાને આશ્વાસન આપવાની ઠાલી કોશિશ કરવા લાગ્યા.

અમદાવાદમાં આવેલી વી. એસ. હોસ્પિટલ ના જનરલ વોર્ડમાં સીમા ને દાખલ કરવામાં આવી હતી.
સીમાએ જોરથી આંખો બંધ કરી દીધી. જાણે કશું વિચારવું જ નથી કે યાદ કરવું જ નથી, પરંતુ એ આખો જ ઘટનાક્રમ સિનેમાની ફિલ્મની જેમ તેની આંખો સામે ફરવા લાગ્યો.

સીમા અને ભરતના દસ વર્ષ પહેલાં લગ્ન થયા હતા. ગામડેથી બંને જણ અમદાવાદ શહેરમાં પોતાના જીવનની નવી શરૂઆત કરવા આવ્યા હતા. રાણીપ વિસ્તારમાં આવેલ ચાલી માં એક નાની ખોલી રાખીને નવા જીવનની શરૂઆત કરી હતી. લાઈનબંધ એક એક રૂમ ની ખોલી આવેલી હતી. લગભગ સો થી પણ વધારે ખોલી વાળી ચાલી હતી. આટલા બધા પરિવાર વચ્ચે ફક્ત પાંચ જ ટોયલેટ બનાવેલા હતા. આખી ચાલીમાં ફક્ત બે જ જગ્યાએ પાણી ભરવાના નળ હતા અને બે હેન્ડ પંપ હતા. નળ નું પાણી દરરોજ સવારે છ થી નવ આવતું અને સાંજે પાંચ થી સાત આવતું. હેન્ડ પંપ તો મોટેભાગે બંધ અવસ્થામાં જ રહેતા હતા. તે સમયમાં ઘરના કપડા, વાસણ, વાપરવાનું તથા પીવાનું પાણી ભરી લેવાનું હોય એટલે લગભગ તો દરરોજ ધક્કા મૂકી અને ઝઘડા થતા જ હોય .સીમા જેટલું ભરી શકાય એટલું પાણી ભરી લેતી.

ભરત નજીકમાં આવેલા એક બંગલામાં એક શેઠને ત્યાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. સીમા આજુબાજુના ઘરોમાં ઘરકામ કરતી હતી. આમ ભરત અને સીમા નો ઘર સંસાર સારી રીતે આનંદપૂર્વક ચાલતો હતો.

લગ્નના 10 વર્ષ થયા છતાં તેમને કોઈ બાળક ન હતું. ભગવાને જાણે 'શેર માટીની ખોટ 'આપી હતી. પૂજા ,પાઠ, બાધા, આખડી , માનતા કંઈ કરવાનું બાકી રાખ્યું ન હતું પરંતુ આટલા વર્ષોમાં તેમની અધૂરપ પૂરી થવાના કોઈ એંધાણ મળ્યા ન હતા. પ્રભુની આવી જ ઈચ્છા હશે એમ માની આશા છોડી દીધી હતી.

ભરત અને સીમા ને બાળકો ખુબ વ્હાલા હતા. ભરત વારંવાર આજુબાજુના બાળકો માટે ચોકલેટ ,બિસ્કીટ એવું કંઈક ને કંઈક લઇને આવતો અને બાળકોને આપતો. સીમા પણ બાળકોને પોતાના ઘરે બોલાવતી વાતો કરતી અને બાળકો સાથે રમતો રમતી. ભરત અને સીમા બાળકોમાં ખૂબ પ્રિય હતા. આડોશ પાડોશના લોકો સાથે પણ સીમા અને ભરતને સારા સંબંધો હતા.

એક દિવસ સવારે ચા નાસ્તો બનાવીને સાથે ચા પીવા બેઠા ત્યારે સીમાએ કહ્યું,ભરત, મને થોડા દિવસથી કંઈ સારું લાગતું નથી. જીવ ચૂંથાયા કરે છે. ચક્કર આવતા હોય એવું લાગે છે. ખૂબ જ નબળાઈ લાગે છે. ભરત એ કહ્યું, સારું ચાલ !આજે હું રજા લઇ લઉં અને તને આજે વી.એસ. હોસ્પિટલમાં બતાવી આવીયે.

સીમા અને ભરત વી એસ હોસ્પિટલ ગયા, ત્યાં બે કલાક લાઈનમાં ઊભા રહ્યા ત્યારે ડોક્ટરને બતાવવાનો નંબર આવ્યો. સીમા નું ચેકઅપ કરી ડોક્ટરે કહ્યું કે સીમા તમે ગર્ભવતી છો . સીમા અપલક નજરે ડોક્ટરને જોઈ રહી. ભરત એ ડોક્ટરને ફરી ફરીને પૂછ્યું, ડોક્ટર સાચું કહો છો ને? ડોક્ટરે કહ્યું ,હા.. હું સાચું કહું છું. સીમાબેન, તમે મા બનવાના છો. બંનેની આંખમાં ખુશીના આંસુ છલકાઈ આવ્યા. ડોક્ટરે દવાઓ લખી આપી અને મહિના પછી ફરી બતાવી જવાનું કહ્યું.

સીમા અને ભરત ની આંખોમાં ખુશી ઉમટી પડી.સીમા અને ભરત એ બે હાથ જોડી આકાશ તરફ નજર કરી જાણે કહેતા હોય કે ભગવાન તે અમારા સામું જોયું ખરું! હોસ્પિટલ થી બંને જણ અંબા માના મંદિર ગયા. ભાવપૂર્વક દર્શન કર્યા અને માતાજીનો આ ખુશી આપવા માટે ખુબ ખુબ આભાર માન્યો . ચાલીમાં આપવા માટે પ્રસાદ પણ લીધો.

ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. ભરત સીમા ની સારી રીતે દેખભાળ કરતો હતો. આજુબાજુના પાડોશીઓ પણ સીમા નું ધ્યાન રાખતા હતા. તેના નાના મોટા કામ કરી આપતા હતા .

સમયને જાણે પાંખો આવી હોય તેમ સીમાની ગર્ભાવસ્થાના આઠ મહિના વીતી ગયા. સીમાની ગર્ભાવસ્થા સારી રીતે પસાર થઈ રહી હતી. બંને ખૂબ આતુરતાથી બાળકની રાહ જોઈ રહ્યા હતા. હવે તો ખૂબ ઓછો સમય બાકી રહ્યો છે તેમ વિચારી ખુશ થતા હતા.

આજે ભરત ને સવારે વહેલા ઊઠીને તેના શેઠ જોડે બહારગામ જવાનું હતું. સીમા એ ઉઠી ને ભરત માટે ચા અને રોટલા બનાવી દીઘા અને સાથે ભાથુ બાંધી દીધું. ભરત પોતાના કામે નીકળી ગયો. પાણી આવવાનો સમય થતાં સીમા એક ડોલ અને એક માટલું લઈ પાણી ભરવાની લાઈન માં ઉભી રહી .રોજ તો ભરત પાણી ભરી લાવતો હતો પણ આજે ભરત ન હતો તેથી તે પાણી ભરવા આવી હતી. પાંચ છ લોકો આગળ ઊભા હતા. વારો આવતા સીમાએ પોતાની ડોલ અને માટલું ભરી લીધું. અને બાજુમાં ઉભેલા મંજુબેન ને કહ્યું, મંજુબેન ...માટલું ચડાવો ને જરા? મંજુબેન હાથ દઈ સીમાના માથે માટલું ગોઠવી આપતા બોલ્યા ,લાવ સીમા હું મૂકી આવું તારા ઘરે?સીમાએ એક હાથે માટલું પકડ્યું અને બીજા હાથે ડોલ પકડી અને ના ..ના....કરતા માથું હલાવ્યું ,અને જેવી ચોકડીમાંથી બહાર નીકળવા ગઈ અને એનો પગ લપસ્યો,
ઓ..... હ઼઼.......મા
સીમાના મોંમાંથી ચીસ નીકળી અને તે ઊંધા માથે પટકાઈ પડી..
અરે.......જો......જો઼.........બાપ.....રે
આજુબાજુ ઉભેલા લોકોના મોંમાંથી પણ ચીસો નીકળી ગઈ ,કાંઈ સમજાય તે પહેલા સીમા જમીન ઉપર ઊંધા માથે પટકાઈ અને ભાન ગુમાવી બેઠી.એકદમ જ સીમા એ આંખો ખોલી અને ચીસ પાડી અને ઉભા થવાનો પ્રયત્ન કરવા લાગી ભરતે તેને પકડીને સુવાડવાનો પ્રયત્ન કર્યો. સીમા મોટેથી પોક મૂકીને રડવા લાગી .આજુબાજુ ઉભેલા દર્દીઓના સગાં સંબંધીઓ ભેગા થઈ ગયા ભરતે સીમા ને માંડ માંડ શાંત પાડી.

સીમા થોડી શાંત થઈ ગઈ પછી ભરતે તેના પડી ગયા પછી જે કાંઈ બન્યું તે વિશે તેને વિસ્તારથી વાત કરતા કહ્યું,
ત્યાં ઉભેલા લોકોએ એ તુરંત જ 108 બોલાવી, અને તને હોસ્પિટલ લઈ આવ્યા. મને પણ ફોન કરી જાણ કરી દીધી . હું તાબડતોબ હોસ્પિટલ પહોંચ્યો . શું થયું સીમા ને? મંજુબેન ને જોતા જ મેં આતુરતાથી પૂછ્યું. મંજુલાબેન એ બનેલ ઘટનાની વાત કરી. અને કહ્યું કે સીમા ને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા છે . હું બેચેની અને ચિંતામાં આમતેમ આંટા મારવા લાગ્યો. થોડાક સમય પછી ડોક્ટર ઓપરેશન થિયેટર માંથી બહાર આવીને પૂછવા લાગ્યા, સીમાબેનના પતિ કોણ છે? ડોક્ટર પાસે જઈ મેં કહ્યું,હું સાહેબ,સીમા મારી પત્ની છે. ડોક્ટર મારી સામે જોઈ બોલ્યા, તમારી પત્નીના ગર્ભાશયમાં ખૂબ ઈજા થયેલ છે, બેમાંથી એક જીવ બચાવી શકાય તેમ છે . સમય ખૂબ ઓછો છે . હું થોડીક વાર વિચારમાં પડી ગયો પછી વિચાર્યું કે મા વગર બાળક કેવી રીતે જીવી શકશે ? અને મેં છલકતી આંખો થી રડતા અવાજે ડોક્ટર ને કીધું મારી સીમાની જિંદગી બચાવી લો. ભરત અને સીમાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.બંને જણ વચ્ચે ખામોશી છવાઈ ગઈ,કોઈપણ વાતચીત વગર માત્ર આંખો દ્વારા એકબીજાને આશ્વાસન આપવાની કોશિશ કરવા લાગ્યા.

હોસ્પિટલમાંથી રજા લઈ ભરત સીમા ને ઘરે લઈ આવ્યો. તેની સારી રીતે સારવાર કરતા થોડાક સમયમાં સીમા સ્વસ્થ થઈ ગઈ.

થોડા દિવસ પછી ભરત સીમા ને ચેકઅપ કરાવવા ડોક્ટર પાસે લઈ ગયો. ડોક્ટરે ચેકઅપ કરતા કહ્યું, સીમાબેન તમારી સ્થિતિ ખૂબ જ નાજુક છે, અને હવે તમે ફરી મા નહીં બની શકો. સીમા અને ભરત ના માથે જાણે પહાડ તૂટી પડ્યો.સીમા એકદમ શૂન્યમનસ્ક થઈ ગઈ. દિવસો સુધી તે ચૂપચાપ રહેવા લાગી . બહાર ખુલ્લી જગ્યામાં રમતા બાળકોને જોયા કરતી. કૂખનો ખાલીપો તેને ખાવા લાગ્યો. દિવસો સુધી તે કામ કરવા કે પાણી ભરવા પણ ના ગઈ. પણ કહ્યું છે ને કે "દુઃખ નું ઓસડ દહાડા ". આજે ફરી હિંમત કરી સીમા પોતાનું દુઃખ ઝાટકી ઊભી થઈ માટલું અને ડોલ ઊંચકી પાણી ભરવા માટે લાઈનમાં ઉભી છે.