મને નિવૃત્ત થવું છે
**********************************************************************************
સામાન્ય થી અતિસામાન્ય માણસના જીવનમાં ધારેલું થતું નથી અને જે થાય તે અણધાર્યું હોય છે.ધાર્યું અને અણધાર્યું એમા જ એનું જીવન અટવાતું રહે છે અને સમય આવે છે જીવનમાંથી કાયમનું નિવૃત્ત થવાનો.
ઉમા ,'સાંભળ મને હવે ૬૦મુ ચાલે છે. મારું શરીર પણ હવે થોડું થોડું થાક અનુભવે છે .વિચારું છું કે દિવાળી પછી હવે નિવૃત્ત થઇ જવું છું .દિવાળીને હજુ ૪ મહિના છે ત્યાં સુધી નોકરી ચાલુ રાખું છું .પહેલા જેટલી સ્ફૂર્તિ પણ નથી રહી."
સવજી કાકાના ધર્મપત્ની ઉમાબહેન નિરુત્તર રહ્યા .સવજી કાકા એમના પત્નીના જવાબની રાહ જોતા હતા. તેમના ચહેરાપરના હાવભાવ નીરખી રહ્યા હતા.
૨૧માં વર્ષે બી કોમ ગ્રેજ્યુએટ થયા બાદ એમને આગળ ભણવું હતું પણ આર્થિક સ્થિતિ જેમતેમ હતી એટલે એક ખાનગી કંપનીમાં એકાઉન્ટ કલાર્કની નોકરી પર ચઢી ગયા .
દસમું અને બારમું પાસ થયા બાદ ઉનાળાની રજાઓમાં નાની નાની નોકરી કરી લેતા. કોલેજમાં ગયા પછી પાર્ટટાઈમ નોકરી કરતા રહ્યા.
એક જ કંપનીમાં પ્રગતિ નહોતી થતી એટલે દર ૨-૩ વર્ષે કંપની બદલી કાઢતા અને અલગ અલગ શહેરોમાં નવી કંપનીમાં નોકરી ચાલુ કરી દેતા.
૩૦માં વર્ષે આ કંપનીમાં જોડાયા અને ૩૨માં વર્ષે હાઉસિંગ લોન લઈ ૨ bhk નો ફ્લેટ ખરીદ્યો હતો.તેમાં પાંચ સભ્યોના પરિવાર સાથે રહેતા હતા
આમ તો સરકારી નોકરીમાં નિવૃત્ત થવાની વય મર્યાદા ૫૮ વર્ષની છે તેમજ મોટી મોટી કંપનીઓ,બહુરાષ્ટ્રીય કંપનીઓમાં પણ નોકરી પરથી નિવૃત્ત થવાની આ જ ઉમર છે. પણ નાની કંપનીઓ કે નાની વેપારી સંસ્થાઓમાં એવી કોઈ વય મર્યાદા નક્કી નથી હોતી.માણસ જો શારીરિક રીતે તંદુરુસ્ત હોય તો ૭૦ થી ૭૫ વર્ષ સુધી નોકરી ખેંચી કાઢે છે .
"હું શું કહી શકું? જો તમને તેવું લાગે તો નિવૃત્ત થઇ જાઓ પણ આ બંને છોકરાઓ અને વહુ સાંજે ભેગા થાય એટલે તમે એમની આગળ આ વાત છેડો ." ઉર્મિલાબહેન બહુ વિચારીને જવાબ આપતા બોલ્યા.
વિશાલ, જો હું એમ વિચારું છું કે આ દિવાળી પછી હું નિવૃત્ત થઇ જાવ છું તું હવે સારું કમાતો થયો અને વહુ રંજીતા પણ કમાવે છે .આવતા વર્ષથી વિન્યો પણ કમાવતો થઇ જશે."
વિશાલ,વિનય અને વિદ્યા સવજીકાકા અને ઉર્મિલાબહેનના આ ત્રણ સંતાનો . મોટા દીકરા વિશાલના લગ્નને બે વર્ષ થઇ ગયા હતા . નાનો વિનય એન્જીનીયરીંગના કોલેજના ત્રીજા વર્ષમાં ભણતો હતો તેનું હજુ કોલેજનું ભણવાનું એક વર્ષ બાકી હતું
મોટા દીકરાએ પણ પાર્ટટાઈમ નોકરી કરી ગ્રેજ્યુએશન કર્યું હતું.
વિદ્યા પણ ફેશન ડિઝાઇનિંગનો બે વર્ષનો કોર્સ કરતી હતી તેનું આ છેલ્લું વર્ષ હતું. આ કોર્ષ પૂરો કર્યા પછી તેણીને નોકરી કરવાની ઈચ્છા હતી.
"પપ્પા , આવતા વર્ષે મારે અઢી લાખ ફી ભરવાની થશે. મારું એન્જીનીયરીંગનું છેલ્લું વર્ષ છે એટલે ફી ઓછી છે.
સવજી કાકા રોટલીનો ટુકડો શાકમાં બોળીને હોઠ સુધી લઈ ગયા અને વિનયની વાત સાંભળી કોળિયો થાળીમાં મૂકી દીધો .
ભઈલા વિશાલ તારાથી કઈ સગવડ થશે " સવજી કાકા બોલ્યા
" હમ્મ.પપ્પા હવે મારી પાછળ પણ ખર્ચ લાગેલા જ છે . રંજીતાનો દવાનો ખર્ચ કાઢવો, ભવિષ્યમાં ખર્ચાઓને પહોંચી વળવા અમુક જેટલી રક્કમ બચત રાખીયે છીએ એટલે મારાથી સગવડ થાય એમ નથી.
મોટા દીકરાને ૫ વર્ષનો દીકરો હતો.એના ભવિષ્યમાટે વિચારવું જે વિશાલના દૃષ્ટિએ એક પિતા તરીકે યોગ્યજ હતું .ભણતરનો ખર્ચ એટલો વધી ગયો હતો કે બાળક જન્મતાની સાથેજ એના ભવિષ્ય માટે બચત ચાલુ થઈ જતી જે વિશાલે કર્યું. એટલે એને પણ વિનયની ફી ભરવા માટે યોગદાન આપવા નાછૂટકે અસમર્થતા દર્શાવી
એક કામ કર તું તારા નામ પર શૈક્ષણિક લોન લઈ લે હપ્તા હું ચૂકવીશ .કેમ કે હવે મારા નામ પર કોઈ લોન નહિ આપે."સવજી કાકા ભાણા પરથી ઉભા થતા થતા બોલ્યા.
બે વર્ષ માટે સવજી કાકાની નોકરી પાક્કી. નિવૃત્તિનો વિચાર માંડી વાળ્યો.
**********************************************************************************
સાડા ત્રણ વર્ષની મુદતની ૫ લાખની શૈક્ષિણક લોન મંજૂર થઈ ગઈ. વિનયની ફી પણ ભરાઈ ગઈ હતી. દર મહિને રૂ. ૧૬૦૦૦ નો હપ્તો નિયમિત ભરાતો હતો. જોત જોતમાં ત્રણ વર્ષ પૂરા થવાની તૈયારીમાં હતા. લોન પૂરી થવાને ચાર મહિનાઓજ બાકી હતા
"આ ચાર મહિના થઇ જાય એટલે હું નિવૃત્તિ લઈ જ લવ. ૬૪મું બેઠું છે કમર અને ઘૂંટણના દુખાવાની ફરિયાદ છે. થાક પણ લાગે છે .પહેલા જેટલી દોડાદોડ થતી નથી ." સવજી કાકાએ બીજી વખત પત્ની ઉર્મિલાબહેન આગળ વાત વહેતી મૂકી.
ઉર્મિલાબહેન નિરુત્તર જ રહ્યા .તેમનું મૌન એ વાતનો ઈશારો કરતી હતી કે હજુ કઈંક ને કઈંક મુશ્કેલીઓ આવવાના એંધાણ દેખાઈ રહ્યા છે.
લોનનો છેલ્લો હપ્તો ભરાઈ ગયો. હવે આવતા મહીનેથી પૂરો પગાર આવશે એ આશાએથી પત્ની ઉર્મિલાબહેન નિરાંત અનુભવતા હતા
"પપ્પા, મારા ફેશન ડિઝાઇનિંગના કોર્સના છેલ્લા વર્ષની ફીરૂ.દોઢ લાખ છે . આવતા મહિને ભરવી પડશે.સગવડ કરી રાખજો." દીકરી વિદ્યાની આ વાત સવજી કાકાને વિચારતા કરી દીધા. તેમના કાળજાને ચીરી ગઈ. બીજી વાર નિવૃત્તિનો વિચાર મોકૂફ રાખવો પડે એવી સ્થિતિ સર્જાઈ હતી.
હવે ક્યાંથી લાવીએ? પહેલા કહી દીધું હોત તો વધારે લોન લઈ લીધી હોત " સવજી કાકા બોલ્યા
"વિદ્યા : પર્સનલ લોન લઇ લ્યો ."
સવજી કાકા : "વ્યાજ કેટલું જબરું છે ખબર છે? બેંકો ૧૮ % લેખે વ્યાજ ઉસેટે છે."
"વિદ્યા : લેવું તો પડશે ને..છેલ્લું વર્ષ છે પછીતો નિરાંત ને?"
નિરાશ મને સવજી ભાઈએ ડોક ધુણાવી મૂક સંમતિ આપી .
સવજી કાકાનો માસિક ૩૦ હજાર પગાર ૧૬૦૦૦નો હપ્તો વિનયના લોન માટે ભરાતો હતો હવે ૧૮૦૦૦ હજારનો ૨૪ હપ્તા એટલે બે વર્ષના ટૂંકી મુદત માટેનો હપ્તો હતો .તેમના હાથમાં ૧૨૦૦૦ બચત હતા તે પણ પુરી હાજરી હોય તો. જો રાજા પડે અને પગાર કપાય તો તે માટે સગવડ કરવી પડે એટલે સવજી કાકા ખાસ રજાઓ પાડતા જ નહોતા.નાની નાની માંદગી હોય તો નોકરીએ જતા જ હતા.
**********************************************************************************
સવજી કાકાને ૬૬મું બેઠું હતું .હાથ ટાંટીયામાં જોર રહ્યો નહોતો . વિદ્યાના લોનના ૨૪ હપ્તા પણ પૂરા થઈ ગયા હતા . લોનની પુરેપુરી ભરપાઈ થઇ ગઈ હતી.હવે માથે કોઈ આર્થિક બોઝો નહોતો . હવે તો ઉતરાણ (સંક્રાંતિ ) પછી નિવૃત્ત થઈજ જવું છે જે થવાનું હોય તે થાય .એમ મક્કમ વિચારી પત્ની ઉર્મિલા બહેન આગળ વિચાર વહેતો પણ મુક્યો હતો.
આ વખતે પણ ઉર્મિલાબહેન નિરુત્તર જ રહ્યા . કોણ જાણે અંતર્યામીની જેમ તેમને ખબર પડી જતી હતી કે હજુ કઈંક ને કઈંક આર્થિક મુશ્કેલીઓ આવવાની છે .
દેશમાં કોરોના ફાટી નીકળ્યો .કેટલાય નોકરીઓ ગુમાવી હતી તો કેટલાયના ધંધા ચોપટ થઇ ગયા હતા ગુજરાન ચલાવવા માટે નાના નાના વેપાર કરતા થઇ ગયા હતા .જેમની નોકરી ચાલુ હતી તેમનો પગાર અટકી ગયો હતો તો કેટલાયને અડધો પગાર મળતો હતો. દેશની ,વેપાર ધંધાની આર્થિક કમર તૂટી ગઈ હતી.તેમાં સવજી કાકા અને તેમનો મોટા દીકરો વિશાલ પણ આ કટોકટીમાં ફસાયા હતા.સવજી કાકાનો પગાર ૭૦ ટકા કરી દેવામાં આવ્યો.તો વિશાલ ને છ મહિના માટે ઘેર બેસાડી દીધો તો વહુ રંજીતાને પણ પાણીચું પકડાવી દેવામાં આવ્યું. વિશાલને વગર પગારે વર્ક ફ્રોમ હોમ સોંપી દેવામાં આવ્યું. ભગવાનનો પાડ કે માથે કોઈનું દેવું નહોતું.
ત્રણ વર્ષ બાદ દેશની,દુનિયાની આર્થિક સ્થિતિ ધીમે ધીમે પાટાપર ચઢી હતી. સવજી કાકાને ૬૯મુ ચાલતું હતું.
નાનો દીકરો પણ બહાર ગામ એક કંપનીમાં જોડાઈ ગયો હતો.પગાર અને અન્ય ભથ્થાઓ પણ સારા હતા. વિશાલની અને વહુ રંજીતાની નોકરી પણ રાબેતા મુજબ શરુ થઇ ગઈ હતી. બંનેને ગયા વર્ષે થોડોક પગાર વધ્યો હતો.
વિદ્યા પણ ગ્રેજ્યુએટ થઇ ગઈ હતી અને એક ગારમેન્ટ કંપનીમાં ફેશન ડિઝાઈનર તરીકે નોકરી મેળવી લીધી હતી. એટલે ઉર્મિલાબહેન સિવાય ઘરના બધાજ સભ્યો કમાતા થઇ ગયા હતા.
"ઉમી, મને ૭૦મું ચાલે છે હવે તો જબરીથી નિવૃત્ત થય જાવ છું. સમસ્યાઓં તો આવ્યા જ કરશે .બંને છોકરાઓ અને વહુ પર છોડી દવ છું. તેમને ઘર જેમ ચલાવવું હોય તેમ ચલાવે .હું હવે કેટલો પહોંચી વળવાનો ? હાડકા કમજોર થઇ ગયા .કમર વાંકી વળી ગઈ તો ઘૂંટણમાં ઘસારો વધી ગયો.ચાલવાના પણ ફાંફાં છે. સ્કૂટરની કિક મરાતી નથી. ઘૂંટણમાં દરદ થાય છે ."
સવજીકાકા આમ શારીરિક દૃષ્ટિએ સ્વસ્થ હતા. શરદી ખાંસી તાવ શુગર કે પ્રેશર જેવું કાઈંજ બીમાર નહોતી .૬૦માં પછી જ ધીરે ધીરે કમર અને ઘૂંટણમાં દરદ થવા લાગ્યો.ઘૂંટણમાં ઘસારો થવા લાગ્યો કમરના મણકાઓમાં પણ અંતર વધી ગયું હતું.મણકામાં ઘસારો હતો.
" તમે જાણો .. થઈ જાઓ નિવૃત્ત " ઉર્મિલાબહેન અચકાતા બોલ્યા .
તેમના મંતવ્ય પર વિશ્વાસનો અભાવ દેખાતો હતો.હજુ પણ અવઢવમાં હતા.
એક દિવસ અચાનક રાતના ઉર્મિલાબહેનની તબિયત બગડી . છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.પરસેવો છૂટતો હતો. વિશાલે એમ્બ્યુલન્સ બોલાવી અને તાત્કાલિક હોસ્પિટલ ભેગા કર્યા . ડોકટરે તપાસ્યું અને રિપોર્ટ કઢાવાયા. એન્જીયોપ્લાસ્ટી કરવાનું ડોકટરે કહ્યું હતું.બે નળીઓ બ્લોક હતી.
બે લાખનો ખર્ચ હતો. હોસ્પીટલમાં emi ની સગવડ પણ હતી એટલે જે દર્દીઓ એક સામટા પૈસા ના આપી શકતા હોય એવા દર્દીઓ માટે સરળ હપ્તેથી પૈસા ઉપલબ્ધ કરવાની સગવડ હતી. સરળ હપ્તા ચુકવવાની જબાબદારી અર્થાત સવજી કાકા પર આવી પડી. પણ તેમની કંપનીના માલિકોએ સવજી કાકાને બે લાખની લોન આપી અને દર મહિને પગારમાંથી ૨૦૦૦૦ હજાર કાપવાના એટલે દસ મહિનામાં લોન પૂરી.
દીકરી વિદ્યા હવે પરણવા લાયક થઇ ગઈ હતી . સારા મુરતિયાની શોધખોળ ચાલુ થઇ ગઈ હતી. જોત જોતમાં બે વર્ષ નીકળી ગયા અને એક સારા ઘરનો લાયક મુરતિયાની પસંદગી થઇ. એક ને એક દીકરી એટલે સવજી ભાઈ ધુમથી લગ્ન કરવા ઈચ્છીતા હતા. તેમની પાસે આટલા રૂપિયા નહોતા કોઈ બચત નહોતી કે કશે પૈસા રોક્યા નહોતા .બંને દીકરાઓને પૂછ્યું તો મોટા દીકરાએ કહ્યું મારી પાસે માંડ માંડ ૬ લાખ છે તો નાના દીકરા વિનય કહ્યું મારી પાસે માંડ માંડ ૩ લાખ નીકળશે .મારી નોકરીને હજુ ૪ વર્ષ જ થયા છે આટલા ટૂંકા સમયમાં મોટી રકમ ભેગી નથી થઇ.
દીકરી વિદ્યાએ કહ્યું મારી પાસે પણ માંડ માંડ ૩ લાખ જ હશે. લગ્નનો ખર્ચ ૧૫ લાખનો હતો.
સવજીભાઈએ આંકડા ભેગા કર્યા ૧૧ લાખ થયા .બીજા ૪ લાખ ક્યાંથી લાવવા ? કાપકૂપ કરીએ તો પણ ૧૩ લાખતો ખર્ચ કરવા પડે એમ હતું. શેઠને વાત કરી તો તેમને કહ્યું, “ સવજીભાઈ હવે તો તમારી ઉમર થઇ ગઈ હું તમને આપું પણ ખરો પણ પરત ફેડ કેવી રીતે કરશો? હું તો તમને નિવૃત્ત કરી દેવાનો વિચારતો હતો.
"શેઠ, મહેરબાની કરો,એકને એક દીકરી છે .એનું ઘર મંડાય છે. સારો મુરતિયો છે હાથમાંથી જતો રહેશે .તમે હમણાંનું વિચારો ભવિષ્યનું નહિ. તમે ફરીથી વિચારો." ગદગદ થઇ સવજીભાઈ હાથ જોડી વિનંતી કરી
શેઠ થોડા લાગણીશીલ સ્વભાવના હતા એટેલ વિચારીને કહ્યું ,"ઠીક છે હું તમને ૩ લાખની સગવડ કરી આપું.તમે અહીં છો ત્યાં સુધી તમારા પગારમાંથી કાપીશું પણ જો તમે અચાનક નોકરી છોડી દ્યો તો તમારી ગ્રેજ્યુએટી માંથી લોન કાપી લઈશું. ચાલશે ??
"મહેરબાની શેઠજી , મને મંજૂર છે .ચાલશે"
શેઠે ત્રણ લાખ રૂપિયા આપ્યા . કુલ ૧૫ લાખ થઇ ગયા. ધૂમધામથી દીકરી વિદ્યાના લગ્ન લેવાયા .અશ્રુભરી નયને માતાપિતાએ સાસરે વળાવી .
હવે સવજી કાકા ખરેખર થાકી ગયાં હતાં . ગયા મહિને ૭૭મુ પૂરું કરીને ૭૮માં પ્રવેશ કર્યો હતો છતાંય ફુલટાઇમ નોકરીએ જતા હતા. ૭૮મુ ચાલુ થયાને ૬ મહિના થઇ ગયા હતા .ચાલુ ઑફિસે ફરજ પર હતા ત્યારે અચાનક ચક્કર આવીને પડી ગયા.માથાના ભાગે ઈજાઓ થઇ હતી. પરસેવો છૂટતો હતો.આંખો પહોળી થઇ ગઈ હતી.
ઑફિસવાળાઓએ તરત હોસ્પિટલે ખસેડ્યા. ડોક્ટરોએ ઇમર્જન્સી વોર્ડમાં નિરીક્ષણ હેઠળ મૂક્યા. તાત્કાલિક ઉપચાર ચાલુ કરી દીધા.પછી સવજીકાકાને ઘરે ફોન કરી તેમના પત્ની અને દીકરાઓને જાણ કરી.બધા હોસ્પિટલે પહોંચી ગયા .ડોક્ટરોએ આઈ સી યુ માં રાખી ૭૨ કલાકની મુદત આપી.
૪૮ કલાક પૂરા થઈ ગયા હતા પણ તેમની તબિયતમાં કઈ સુધારો નહોતો. ૬૦ કલાક થયાને રાતના ૧૧ વાગ્યે અચાનક છાતીમાં જોદરદાર દુખાવો ઉપડ્યો .ડોક્ટરો દોડીને આવ્યા નિરર્થક કોશિશો કરી અને આખરે સવજી કાકાની આંખો મીંચી કહ્યું," સોરી, અમે બચાવી નહિ શક્યા."
સવજી કાકાને નોકરીમાંથી નિવૃત્તિ લેવી હતી પણ ઈશ્વરે તો તેમને જીવનમાંથી કાયમના નિવૃત્ત કરી દીધા. તેમને જીવતા હતા ત્યારે પત્નીને કહ્યું હતું કે એક વાર હું નિવૃત્ત થઈ જાવ એટલે આપણે પછી બહાર ગામ ફર્યાજ કરીશું. ધાર્મિક ક્ષેત્રો,પર્યટન સ્થળે સાથે ફરવા જઈશું. કેમકે ૫૭વર્ષની નોકરીની પળોજણમાં અને બાળકોને ઉછેરવામાં,ભણાવવામાં અને પરણાવવામાં જ પત્ની સાથે બાળકોને લઈને કશે જ ફરવા નહોતા ગયા. ઘરથી ઓફિસ અને ઑફિસથી ઘર એજ એમનું જીવન હતું.
ઉંમરના ૨૧ વર્ષથી લઈને ૭૮માં વર્ષ સુધી સળંગ ૫૭ વર્ષ સુધી નોકરી કરવી અઘરું છે. એ તો સવજીકાકા જેવા જ કરી જાણે ."ઇટ્સ નોટ એ મેજીક "
સવજીકાકાની અંતિમવિધિ પત્યા પછી તેમની કંપનીના શેઠે ઉર્મિલાબહેનના હાથમાં ચેક આપતા બોલ્યા," બહેન સવજીભાઈની ગ્રેજ્યુઈટી અને ૧ વર્ષના પગારનો ચેક છે .તેમને જે લોન લીધી હતી તે કંપનીએ માફ કરી દીધી છે. જે હપ્તા ચૂકવ્યા હતા તે પણ તમને આ ચેકની રકમમાં ઉમેરી દીધા છે ."
ઉર્મિલાબહેનના આંખોમા ઝળહળીયા આવી ગયા. શેઠની સામે આભારવશ જોઈએ હાથ જોડ્યા .
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
સમાપ્ત
ભરતચંદ્ર સી શાહ