Janmashtami in my eyes books and stories free download online pdf in Gujarati

જન્માષ્ટમી મારી નજરે

લેખ:- જન્માષ્ટમી મારી નજરે
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની


ભારત દેશ એટલે તહેવારોનો દેશ. દર મહિને કોઈક ને કોઈક તહેવાર તો હોય જ! એની ઉજવણી પણ ધામધૂમથી થાય. પણ ક્યારેક આ ઉજવણી કરવામાં ને કરવામાં તહેવારનો જે મૂળભૂત હેતુ છે એ ભૂલાઈ જાય છે. શા માટે આ તહેવાર ઉજવવામાં આવે છે એનાં તરફ કોઈનું ધ્યાન જતું જ નથી. ઘરનાં બાળકોને તહેવાર વિશે યોગ્ય સમજ પણ આપવામાં આવતી નથી. બસ, માત્ર ફરજ પાડવામાં આવે છે કે, "આ તહેવારમાં આમ જ કરાય અને આવું જ ખવાય." પણ સમજાવો તો ખરાં કે શા માટે આવું જ કરાય? આવો જ એક તહેવાર હાલમાં જ સૌએ ઉજવ્યો. આ તહેવાર વિશેનાં મારા વિચારો રજૂ કરું છું. કોઈએ આને અંગત રીતે લઈ લેવાની જરુર નથી. આ મારા પોતાનાં વિચારો છે, બધાં એની સાથે સહમત હોય એ જરુરી નથી.


શ્રાવણ વદ આઠમ એટલે કે શ્રી કૃષ્ણનો જન્મોત્સવ! ધામધૂમથી લાલાનાં જન્મોત્સવની ઉજવણી થાય છે. આખો દિવસ ઘરની સ્ત્રીઓ રાત્રે લાલાને ધરવા માટેનાં છપ્પન ભોગ બનાવવાની તૈયારી કરતી હોય છે. આવા સમયે ઘરનાં બાળકોને આજનાં દિવસનું મહત્ત્વ સમજાવવું ખૂબ જ જરુરી છે.

સાતમ આઠમ એ માત્ર જુગાર રમવા માટે નથી, એ તો શ્રી કૃષ્ણમય થવાનાં દિવસો છે. જગતના એકમાત્ર પૂર્ણ પુરુષોત્તમને ભજવાનો સમય એટલે જન્માષ્ટમી! કૃષ્ણજન્મ માત્ર રાક્ષસોનો વધ કરવા માટે જ નથી થયો, પરંતુ કેટલાંય રાક્ષસરૂપી પુણ્ય જીવોનો ઉદ્ધાર કરવા માટે પણ થયો છે. પોતાની બાળલીલાઓ દ્વારા શ્રી કૃષ્ણ એટલું જ સમજાવે છે કે નટખટ બનશો તો સૌ કોઈ વહાલ વરસાવી દેશે, પણ જો તોફાન કરશો તો સગી મા પણ દંડ આપશે તમને સુધારવા માટે!

ગોપીઓ સાથેની રાસલીલા એ સૂચવે છે કે જો સાચા મનથી કૃષ્ણને ભજશો તો એ દરેક જગ્યાએ અને દરેક સાથે એક જ સમયે દેખાશે. સુદામાની દરિદ્રતા એમની મિત્રતા આડે આવતી નથી, જે સૂચવે છે કે મિત્ર ગમે તેવી સ્થિતિનો હોય એ ચાલશે, પણ જીવનમાં ક્યારેય દુર્જનની સંગતમાં ન પડતા. કુરુક્ષેત્રમાં અર્જુનને પોતાના સામે જ લડવા માટે ઉપદેશ આપીને માત્ર એક જ વાત સમજાવવામાં આવી છે કે ક્યારેય ધર્મ અને સત્યનો સાથ ન છોડવો, પછી ભલે ને આખી દુનિયા સામે લડવું પડે!

દહીં હાંડી ફોડી માત્ર મજા નથી કરવાની, કૃષ્ણની જેમ એમાંથી નીકળતો પ્રેમ બધાં સાથે વહેંચવાનો છે. પોતાનાં પર આવી પડેલા દુઃખોને જેઓ રડતાં રહે છે એમણે એકવાર શ્રી કૃષ્ણનું જીવન જીવી જોવા જેવું છે. આમ કરવાથી એમનું પોતાનું દુઃખ કદાચ ઓછું લાગશે. જન્મ જેલમાં મળ્યો, જન્મતાંની સાથે જ માતા પિતાથી દૂર થવું પડ્યું. જ્યારે માતા પિતા ફરીથી મળ્યાં ત્યારે બાળપણ પૂર્ણ થઈ ચૂક્યું હતું. પોતાનાં જ મામાનો વધ કરવો પડ્યો.

જન્મ સાથે જ કેટલાય લોકો મારવા માટે પાછળ પડ્યાં હતાં. પોતાનો જીવ બચાવવાની સાથે બીજાનું રક્ષણ કરવું અને જીવોનો ઉદ્ધાર પણ કરતા જવું એ કંઈ સહેલી વાત થોડી છે! પોતાનાં જ મુખમાં જન્મ આપનારી માને બ્રહ્માંડદર્શન કરાવવા શ્રી કૃષ્ણ થવું પડે, બાકી તો માને માર મારીને ઘરમાંથી કાઢી મૂકનાર નપાવટો પણ આ દુનિયામાં છે જ ને!

એમ જ થોડું કૃષ્ણનો યુદ્ધભૂમિ પરનો ઉપદેશ 'ભગવદ્દ ગીતા' બની જાય! કેટલી સ્થિરતા રાખવી પડે મગજની ત્યારે ઉપદેશ આપી ગીતા રચાય! કહેવાયા જે શબ્દો માત્ર અર્જુનને, એ આજે હજારો વર્ષો પછી પણ લોકોનો ઉદ્ધાર કરવાનું જ કામ કરે છે.

એમ જ થોડું કહેવાયું છે, "कृष्ण सदा सहायते। कृष्ण सदा रक्षयते।" અંતે એટલું જ કહીશ કે જ્યારે ચારે તરફ નિરાશા ઘેરી વળે અને કોઈ ઉપાય ન દેખાય ત્યારે એક જ કામ કરવું, શ્રી કૃષ્ણની શરણમાં જતા રહેવું. શ્રી કૃષ્ણ શરણમ મમ્ બોલી કૃષ્ણ ભક્તિમાં ખોવાઈ જાઓ.

બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલકી જય.....

જય શ્રી કૃષ્ણ🙏

શ્રીમતી સ્નેહલ રાજન જાની.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED