દરેક વ્યક્તિનાં જીવનમાં કોઈક તો એવી ઘટના બનતી જ હોય છે કે જે વ્યક્તિને ધરમૂળથી બદલી નાંખે છે. એક નાનકડો પ્રસંગ પણ વ્યક્તિનું વલણ બદલવા પૂરતું છે. આજકાલનાં વાલીઓ પોતાના બાળકોની ઘણી ફરિયાદો કરતાં હોય છે. બાળકો માતા પિતાની કોઈ વાત સાંભળવા તૈયાર નથી થતા. પોતાની જીદ પૂરી કરાવીને જ રહે છે. તૌ આ બધાં માટે જવાબદાર કોણ? - બાળકો કે માતાપિતા? શા માટે આવું થાય છે એ સમજવા માટે અહીં એક પ્રસંગ રજુ કર્યો છે.
શ્લોક દરરોજની જેમ આજે પણ સાંજે ચાલવા નીકળ્યો હતો. ચાલતાં ચાલતાં આજે એ ઘરથી ઘણો દૂર નીકળી ગયો. રસ્તામાં એને બે બાળકો મળ્યાં. જેઓ અવનવા કરતબ કરી લોકોને ખુશ કરતાં હતાં અને પોતાનું પેટ ભરાય એટલું કમાઈ લેતાં હતાં.
એમને જોઈને શ્લોક વિચારમાં પડી ગયો. 'કેટલાં નાનાં છે આ બંને? પોતાનું પેટ ભરવા કેટલી મહેનત કરે છે અને તે છતાં પણ બધા લોકો કંઈ એ લોકોને પૈસા આપતાં નથી.'
'અને હું જો! મારી પાસે બધું જ છે. મારી દરેક માંગણી મારા મમ્મી પપ્પા પૂરી કરે છે અને તે છતાં પણ હું ક્યારેય ખુશ થતો નથી. દરેક બાબતમાં કંઈક ને કંઈક વાંધો હંમેશા ઊઠાવું છું. જો ને ગઈ કાલે જ પપ્પા સાથે નવી બાઈક અપાવવા માટે ઝગડો કર્યો!'
આમ વિચારતાં એ કેટલા સમય સુધી ફૂટપાથ પર મુકેલી બેંચ પર બેસી રહ્યો. પછી એ ઘરે ગયો. આજે ઘરે એને ન ભાવે તેવું ખાવાનું બનાવ્યું હતું. એટલે એની મમ્મીએ એને કહ્યું કે એ બહાર જઈને એણે જે ખાવું હોય તે ખાઈ આવે. પણ એણે કહ્યું કે ઘરમાં જે બન્યું છે તે જ ખાઈ લઈશ. એની મમ્મી એને આશ્ચર્યથી જોઈ જ રહી.
વિચારો કે આવું કેમ થયું? કારણ માત્ર એટલું જ હતું કે શ્લોક્ને એનાં મમ્મી પપ્પાએ ક્યારેય કોઈ વાતની ખોટ આવવા દીધી નહોતી. દૂધ માંગે તો પાણી હાજર થાય એટલી સાહ્યબી એને આપી હતી. એઓ હંમેશા એ વાતનું ધ્યાન રાખતાં કે ક્યારેય શ્લોક કોઈ બાબત માટે દુઃખી ન થાય કે રિસાઈ ન જાય. આનું પરિણામ એ આવ્યું કે શ્લોક્ને ખબર પડી ગઈ કે હું જેમ કહું છું તેમ જ આ ઘરમાં થાય છે. પછી તો એની નાની નાની માંગણીઓ મોટું સ્વરુપ ધારણ કરતી ગઈ. બર્થ ડે પર મોટી પાર્ટી, દર અઠવાડિયે એક વાર ફરજીયાત બહાર જમવા જવાનું, દરરોજ સાંજે મોડે સુધી મિત્રો સાથે ફરતાં રહેવું, માત્ર દેખાડો કરવા માટે મોંઘી મોંઘી વસ્તુઓ ખરીદવી વગેરે એને માટે સહજ બાબતો થઈ ગઈ. એ ક્યારેય કોઈનું સાંભળતો નહીં. એની માંગણીઓ અને ધમપછાડાથી એનાં પપ્પા હવે કંટાળ્યા હતાં. પરંતુ તેઓ કંઈ જ કરી શકે એમ ન હતાં. આખરે આદત તો એમણે જ પાડી હતી!
પરંતુ આજે અચાનક જ પેલા નાના છોકરાઓને જોઈને પહેલી જ વાર શ્લોકનાં મનમાં કોઈનાં પ્રત્યે દયાભાવ જાગ્યો અને એણે મનોમન પોતાની જાતને સુધારવાનું નક્કી કરી લીધું. આમ, એ નાનાં કલાકારરૂપી બાળકો સાથેનું એ અણધાર્યું મિલન શ્લોકની આખી જિંદગી બદલી ગયું.
મિત્રો, મારી દરેક વાલીઓને માત્ર એક જ વિનંતી છે કે આપણું બાળક તકલીફ ન ભોગવે એ આપણી સૌથી પહેલી ઈચ્છા હોય છે, પણ એનો અર્થ એ નથી કે બાળક સ્વચ્છંદી બની જાય કે જિદ્દી બની જાય તો પણ આપણે એને કંઈ જ ન કહીએ. જે રીતે બાળકનું યોગ્ય પાલન પોષણ માતા પિતાની જવાબદારી છે એ જ રીતે બાળકમાં યોગ્ય સંસ્કાર સિંચન એ પણ એમની જ જવાબદારી છે. વડીલોને માન આપવું, પરિસ્થિતી પ્રમાણે વર્તન કરવું, દરેક જણ સાથે સભ્યતાથી રહેવું, પોતાનાથી નાના પદ પરના માણસો સાથે પણ આદરપૂર્વક વ્યવહાર કરવો એ પણ બાળકોને શીખવવું જ જોઈએ. મોટા ભાગે બાળકો માતા પિતાનાં આચરણ જોઈને જ શીખે છે. જો ઉપરોક્ત બાબતો ઘરમાં થતી બાળકો જોશે તો આપોઆપ એ પોતે પણ એનું અનુસરણ કરશે જ. આપણુંબધું એમનું જ છે. માતા પિતા જે કંઈ કરે છે તે બાળકોના સારા જીવન માટે જ હોય છે. માટે જ બાળકોને ભણાવો, યોગ્ય સગવડો આપો, પણ સાથે એ સંસ્કાર પણ આપો કે આ સગવડતા એ સારુ જીવન જીવી શકે એ માટે છે નહીં કે એશો આરામ કરીને પોતાની જાતને મહાન સાબિત કરવા માટે!