કૃતિનું નામ:- ચા વિશે અવનવું
લેખિકા:- શ્રીમતી સ્નેહલ જાની
સૌ કોઈ કે જે ચા પીવાનાં શોખીન છે એમને જ ખબર હશે કે ચા પીવાની મજા શું છે! મોટા ભાગનાં ઘરોમાં સવાર ચાથી જ થતી હોય છે. કેટલાંક ઘરોમાં તો આધુનિક લોકો Bed tea પીતા થઈ ગયા છે. બેડ ટી એટલે પથારીમાંથી બહાર નીકળવા પહેલાં જ પીવામાં આવતી ચા.😁 આજે આપણે જાણીશું ચા વિશેની કેટલીક જાણી અજાણી વાતો.
આમ તો દર વર્ષે 15 ડિસેમ્બરે ચા ઉત્પાદન કરતાં દેશો દ્વારા ચા દિવસ ઉજવાય જ છે, પરંતુ ચાર વર્ષ પહેલા ભારતે યુનાઇટેડ નેશન્સને મિલાનમાં કરેલ પ્રસ્તાવને માન આપી યુ એનનાં આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા 15મેને 'આંતરરાષ્ટ્રીય ચા દિવસ' તરીકે માન્યતા આપી છે. 15મેને પસંદ કરવાનું કારણ એ છે કે આ સમયમાં ચાનું મહત્તમ ઉત્પાદન થતું હોય છે.
ચા દિવસ ઉજવવા માટેનું સૌથી મોટું કારણ એનાં ઔષધિય ગુણોથી બધાને માહિતગાર કરવાનું છે. આ ઉપરાંત જે ગ્રામ્ય વિસ્તારોમાં ચાનું ઉત્પાદન થાય છે ત્યાંનાં લોકોને રોજગારી મળી રહે તે પણ એક આશય છે.
આંતર રાષ્ટ્રીય ચા દિવસની ઉજવણી કરનાર દેશોમાં ભારત, નેપાળ, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, તાંઝાનીયા મુખ્ય છે. આ ઉપરાંત અન્ય દેશો પણ આ દિવસ ઉજવે છે. આખા વિશ્વમાં સૌથી વધુ ચા ભારત અને ચીનમાં પીવાય છે.
ચા પીવાનાં શોખીન લોકો એને અલગ અલગ પ્રકારે પીએ છે. કેટલાંક દૂધવાળી ચા પીએ છે તો કેટલાંક કાળી ચા, કેટલાંક લોકો લેમન ટી પીએ છે તો કેટલાંક ગ્રીન ટી, કેટલાંક ભરપૂર આદુ નાખેલી તીખી ચા પીએ છે તો કેટલાંક મરી નાખેલી. આ ઉપરાંત એમાં ઈલાયચી તો હોય જ, એનો સ્વાદ અને સુગંધ વધારવા. આપણે ગુજરાતીઓ તો અડધી રાત્રે પણ ચા પીવા તૈયાર જ હોઈએ.
આપણાં દેશમાં તો મહેમાનોનું સ્વાગત કરવામાં પણ પીણાં તરીકે ચા વપરાય છે. અંગ્રેજો દ્વારા આસામમાં બનાવવામાં આવેલ ચાનાં એક બગીચાથી જેની શરૂઆત થઈ હતી એ આજે બહુ મોટો વેપાર બની ગયો છે અને અનેક નાની મોટી કંપનીઓ ચાનું ઉત્પાદન કરવા માંડી છે.
ઇ. સ. 1773માં અમેરિકાના બોસ્ટન બંદરેથી બ્રિટન તરફ જતાં ચાનાં ત્રણ વહાણો પર શેમ્યુઅલ એડમ્સ નામના અમેરિકન આઝાદીના લડવૈયાના નેતૃત્વમાં સ્થાનિક રેડ ઇન્ડિયનના વેશમાં હુમલો કરી 342 ચાની પેટીઓ દરિયામાં ફેંકી દીધી હતી, આ બનાવ ઇતિહાસમાં 'બોસ્ટન ટી પાર્ટી'ના નામે ઓળખાય છે.
ચા એ માત્ર પીણું નથી, એનાં ઔષધિય ગુણો પણ છે.
ચા પીવાનાં શોખીનો માટે એ પણ એક સારી બાબત જ છે કે ચા એ માત્ર તાજગી આપનાર પીણું જ નથી, પરંતુ સાથે સાથે આરોગ્યવર્ધક પણ છે. આપણાં દેશમાં મોટા ભાગે મસાલાવાળી ચા પીવાનો રિવાજ છે. ચા બનાવતી વખતે એમાં મુખ્યત્વે આદુ નાંખવામાં આવે છે. આ ઉપરાંત ઘણાં લોકો એમાં ફુદીનો, પીપર, ઈલાયચી, તુલસી અને લવિંગ પણ નાંખતા હોય છે.
ચાલો જોઈએ ચા પીવાથી થતાં ફાયદાઓ:-
🍵 શરીરમાં ગમે ત્યાં થયેલ સોજાને ઉતારવામાં મસાલા ચા ફાયદાકારક છે.
🍵 શરીરમાં થતો દુઃખાવો દૂર કરે છે.
🍵 શરીરને તાજગી પૂરી પાડે છે. શરીરમાં સ્ફૂર્તિ આવી જાય છે.
🍵 ચામાં નખાતી સામગ્રીમાં એન્ટી ઓક્ષિડન્ટ અને ફાયટોકેમિકલ્સ હોય છે, જે કેન્સર અવરોધક છે. આમ, પેટનાં કેન્સરથી પણ બચી શકાય છે.
🍵 ચામાં નાખવામાં આવતાં મસાલા પાચનશક્તિ વધારે છે.
🍵 ચામાં નાખેલા મસાલા એનજાઈમ્સ સ્ટીમ્યુલેટ કરે છે, જેનાથી ઓક્સીજનનું પ્રમાણ વધે છે.
🍵 સ્ત્રીઓને માસિકસ્ત્રાવ દરમિયાન પેટમાં થતાં દુઃખાવામાં રાહત મેળવવામાં ચામાં રહેલ આદુ મદદરૂપ થાય છે.
🍵 હોર્મોનનું સંતુલન જાળવી રાખે છે.
તો મિત્રો, ચા પીતા રહો, તાજા થતા રહો, મૂડ બનાવતા રહો.