ભણતરનું મહત્ત્વ Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

ભણતરનું મહત્ત્વ

કર્ણ એક ખૂબ જ હોંશિયાર અને સમજુ છોકરો. ઘરની આર્થિક સ્થિતિ થોડી નબળી છે એ વાતથી એ સંપૂર્ણપણે વાકેફ હતો. તેથી અન્ય બાળકોની જેમ એણે ક્યારેય કોઈ પણ મોંઘીદાટ વસ્તુઓની માંગણી કરી નથી. ક્યારેય બહારથી કોઈ તૈયાર ખાવાનું લાવીને કે અન્ય કોઈ આકર્ષક વસ્તુ લાવીને વટ પાડવાની કોશિશ કરી નથી.
એનું માત્ર એક જ ધ્યેય હતુ કે એ ખૂબ ભણે અને એનાં માતા પિતા હાલમાં જે સ્થિતિમાં છે એમાંથી એમને બહાર લાવી એક આરામદાયક જીવન આપે. કર્ણ ભણવામાં હંમેશા આગળ જ રહેતો. એનાં જેટલાં તો છોડો એનાં માર્કસની નજીક પણ કોઈનાં માર્કસ આવતાં ન હતાં. રાત્રે જ્યારે બધાં બાળકો ઘરમાં શાંતિથી સૂતાં હોય છે ત્યારે કર્ણ ઘરની વીજળી બચાવવા સોસાયટીના ગાર્ડનમાં બેસીને ત્યાંની લાઈટમાં વાંચતો. 10મુ ધોરણ પાસ કર્યા પછી તો એણે પેપર વહેંચવાનું, ચાની લારી પર પૈસાનો હિસાબ રાખવાનો અને બીજા થોડાં કામો કરી ઘરને આર્થિક ટેકો પૂરો પાડવાનું શરુ કર્યું.
આમ છતાં પણ એનાં ભણતર પર તેણે આની કોઈ જ અસર પડવા દીધી ન હતી. 10માં ધોરણનું પરિણામ આવ્યું. કર્ણ માત્ર પોતાની શાળામાં જ નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં પ્રથમ આવ્યો હતો. શાળા તરફથી એને 5000 રોકડ તેમજ એક ગોલ્ડ મેડલ આપી સન્માન કરાયું હતું. બધાંને એવું જ હતું કે કર્ણ તો હવે વિજ્ઞાન પ્રવાહ લઈને એન્જિનિયર કે ડૉક્ટર જ બનશે. પણ બધાનાં અનુમાનો વચ્ચે કર્ણએ આર્ટ્સ લીધું. બધાએ ખૂબ સમજાવ્યો એને આવુ ન કરવા, પણ એ ન જ માન્યો.
બધાંને ડર હતો કે એનું જીવન બરબાદ થઈ જશે. પરંતુ કર્ણ તો આર્ટ્સ લઈને આગળ અંગ્રેજી વિષય સાથે સ્નાતક, અનુસ્નાતક અને આગળ એમ. ફીલ. તેમજ પી. એચ. ડી. કરીને એક ખૂબ જ સારી સરકારી કૉલેજમાં નોકરીએ લાગી ગયો. એની ભણાવવાની પદ્ધતિ એનાં વિદ્યાર્થીઓને એનાં પ્રત્યે ખેંચતી હતી.
થોડા વર્ષો પછી એણે જાતે જ ખુલાસો કર્યો કે બધાંને ડર હતો કે આર્ટ્સ લઈને મારૂં જીવન ખરાબ થઈ જશે, પરંતુ મને એક સ્થાયી અને યોગ્ય નોકરી જોઈતી હતી. જેવું જીવન જીવીને હું અહીં સુધી પહોંચી શક્યો છું એ વાતની પ્રેરણાથી કદાચ કોઈ અન્ય વ્યક્તિનાં જીવનનો ડર દુર થાય અને એ પણ પ્રગતિ કરી શકે. જો કોઈ ઈજનેર કે ડૉક્ટર કે કોમર્સમાં આગળ વધ્યો હોત તો કદાચ હું આજે આટલો પ્રખ્યાત ન થઈ શક્યો હોત. ક્યારેય કોઈ પણ ભણતર નકામું નથી હોતું. આ તો બધી સમાજે ઊભી કરેલી વાતો છે કે અમુક પ્રવાહમાં જાઓ તો જ સફળતા મળે કે પછી સમાજમાં માન મળે.
તમે મોટા મોટા ઈજનેર કે ડૉક્ટર કે બહુ મોટા બિઝનેસમેન બની જાઓ પણ અન્ય લોકો સાથે કે પોતાનાથી નીચલી કક્ષાના લોકો સાથે કેવી રીતે વાત કરવી અને એમને કેવી રીતે સન્માન આપવું એ જ જો ખબર ન હોય તો બધું ભણતર ધૂળ સમાન. ગમે એવી પ્રખ્યાત કંપનીમાં નોકરી મળે પણ સહકર્મચારીઓ સાથે કામ કરવાની આવડત ન હોય તો ફેંકાઈ જવાય.
કર્ણ આગળ વધુ જણાવે છે કે, "એક પ્રોફેસર તરીકેની મારી પ્રતિષ્ઠિત નોકરી પર મને ગર્વ છે. હું મારાથી બનતાં તમામ પ્રયત્નો કરીશ કે મારા વિદ્યાર્થીમાંથી કોઈનું પણ ભણતર પૈસાના વાંકે અધૂરું ન છૂટી જાય. સાથે સાથે એ પણ પ્રયત્ન કરીશ કે એમને આત્મ સન્માન સાથે પોતાના પગ પર ઊભા રહેતાં શીખવું કે જેથી તેમણે કોઈની પણ આગળ હાથ ન ફેલાવવો પડે."
કર્ણએ પસંદ કરેલ રસ્તો યથાયોગ્ય હતો. એને ખબર હતી કે આર્ટ્સ લઈને પણ પોતાનું કેરિયર બનાવી જ શકાય છે. સાથે સાથે તેને એ પણ ખબર હતી કે સાયન્સ કે કોમર્સનો ખર્ચ એનાં પિતા ઊઠાવી શકે એમ ન હતાં. એ પોતે પણ હજુ એટલું કમાતો ન હતો કે મોંઘા ભણતરના ખર્ચા એ ઊઠાવી શકે. માટે એણે આર્ટ્સ લીધું કે જેથી પોતાની કમાણીમાંથી જ એ ભણી શકે અને પોતાનાં પિતા ચિંતામુકત રહે.
કર્ણનાં બારમાં ધોરણ સુધીનો ખર્ચ એનાં પિતાએ જ કર્યો, પછી કર્ણએ એમને ના પાડી અને એણે એક વ્યવસ્થિત નોકરી શોધી લીધી જેથી એનાં કોલેજનો અને નોકરીનો બંને સમય સચવાઈ રહે. ત્યારબાદનો સંપુર્ણ અભ્યાસ એણે પોતાના જ ખર્ચે કર્યો હતો.
ડર એ માનવીના નબળા મનની નિશાની છે. જો પોતાનાં પર વિશ્વાસ હોય તો માનવી ધારે તે સફળતા મેળવી શકે છે. કહેવાય છે ને કે, 'ડર કે આગે જીત હે'. ભણતરનું મહત્ત્વ ક્યારેય ઓછું આંકવું નહીં. તમે મનથી ભણ્યા હો પછી ગમે તે શાખામાં ભણ્યા હો ક્યારેય પાછા વળીને જોવું પડતું નથી.