રાજુકાકા અને રેખાકાકી - ઉંમરનાં આખરી પડાવ પર હતાં. રાજુકાકા નિવૃત્ત સરકારી કર્મચારી. બન્ને પતિ પત્ની એકબીજાની ખૂબ કાળજી રાખે. શરીરે બન્ને સશક્ત એટલે ખાસ કોઈ તકલીફ પડતી ન હતી. ઘરનાં અન્ય કામો કરવા માટે તો કામવાળી રાખી હતી, પરંતુ ખાવાનું તો રેખાકાકી જાતે જ બનાવતા. એમને ખબર હતી કે કાકાને શું પસંદ છે. દરરોજ સવારે ચા સાથે ગરમ ગરમ નાસ્તો, પછી સવારનું જમવાનું, સાંજે ચા સાથે નાસ્તો કરીને થોડી વાર સોસાયટીના બાગમાં બેસવાનું. પછી ઘરે આવવાનું, થોડી વાર ટીવી જોવાનું અને સુઈ જવાનું. સાંજે જમવાનું બન્ને જણાને ફાવતું ન હતું.
આ જોઈને કોઈને પણ એમ જ લાગે કે બન્ને કેટલા સુખી છે! પણ હકીકત કંઈક જુદી જ છે. એમને એક દિકરો અને દિકરી છે. દીકરાને એમણે ઈજનેર બનાવ્યો હતો. ભણવામાં હોશિયાર, હંમેશા પ્રથમ ક્રમાંકે પાસ થાય. કૉલેજનાં અંતિમ વર્ષમાં તો એ આખી યુનિવર્સીટીમાં પ્રથમ આવ્યો હતો. એને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો. પિતાની ઈચ્છા હતી કે પોતાની નોકરી ચાલુ છે ત્યાં સુધીમાં દીકરાને પણ સરકારી નોકરીમાં સેટ કરી દઈએ. પરંતુ દીકરાની મહત્વકાંક્ષા કંઈક બીજી જ હતી, એણે તો વિદેશ જઈને સેટ થવું હતું. બન્ને પતિ પત્ની દીકરાની જીદ આગળ વિવશ થઈ ગયા અને પોતાની અનુમતિ એને આપી દીધી. વિદેશ ગયાના થોડા મહિનાઓ પછી એનો ફોન આવ્યો કે એણે ત્યાંની એક છોકરી સાથે લગ્ન કરી લીધા છે અને તે ક્યારેય ભારત પાછો આવવાનો નથી.
આ તરફ દિકરી પણ કૉલેજમાં હતી ત્યારે જ એક છોકરાના પ્રેમમાં પડી ગઈ હતી અને એક દિવસ એની સાથે ભાગીને લગ્ન કરી લીધાં. એ હાલમાં ક્યાં છે કોઈને ખબર નથી. બન્ને પતિ પત્નીએ એમ માની લીધું કે હશે, આપણી જ ઉછેર પદ્ધતિમાં કોઈ ખામી રહી ગઈ હશે. પહેલાં તો એમની કોઈની વર્ષગાંઠ કે લગ્નતિથી પર દિકરા વહુનો ફોન આવતો, પણ છેલ્લાં થોડા વર્ષોથી તો એ પણ બંધ થઈ ગયો હતો.
એક દિવસ અચાનક જ દીકરાનો ફોન આવે છે. એ ખુશખબર આપે છે કે એણે માતા પિતાની વિદેશ આવવાની વ્યવસ્થા કરી દીધી છે. હવે તેઓ કાયમ માટે તેની સાથે જ રહેશે. બંને પતિ પત્ની ખુશ થઈ ગયા. દિકરા સાથે રહેવા મળશે એ વિચારીને રેખાકાકી તો ફૂલ્યા નહોતા સમાતા. આખરે એ દિવસ આવી ગયો. બંને પતિ પત્ની દીકરાને ઘેર પહોચી ગયા. થોડા દિવસો સુધી તો બધુ બરાબર ચાલ્યું, પણ પછી ખબર પડી કે હવે દિકરા વહુનુ વેકેશન પુરુ થાય છે અને તેઓ નોકરીએ જશે. ધીમે ધીમે કાકા કાકીને સમજાયું કે તેમનાં દીકરાએ એમને માતા પિતા તરીકે નહીં પરંતુ પોતાના બાળકો સાચવનાર આયા તરીકે બોલાવ્યા હતાં.
છતાં કાકા કાકી એમ કે હશે, એ બહાને પૌત્ર પૌત્રી સાથે રહેવા મળશે. પરંતુ પછી ખબર પડી કે દિકરો વહુ તો બાળકો એમને ભરોસે મુકીને નોકરીએ તો જાય જ છે પરંતુ શનિ રવિની રજાઓમાં પણ પાર્ટીઓમાં જતા રહે છે. આખરે એક દિવસ અકળાઈને રાજુકાકાએ દીકરાને કહી જ દીધું કે એ લોકો ફરીથી ભારત જવા માંગે છે. દીકરાએ ઘણી આનાકાની કરી, બહુ સમજાવ્યા પણ એ બંને ન માન્યા તે ન જ માન્યા. અંતે દીકરાએ બંનેને ફરીથી મોકલી આપ્યાં.
ભારત આવીને જુએ છે કે એમનાં ઘરમાં તો કોઈ બીજું રહેતું હતું. તપાસ કરતાં ખબર પડી કે દીકરાએ એમની જાણ બહાર તેમનુ ઘર વેચી દીધું હતું અને બંને ભાઈ બહેને અડધી રકમ વહેંચી લીધી હતી. રેખાકાકીનાં આંખના આંસુ સુકાતા ન હતાં.
રાજુકાકાએ પોતાની તમામ મિલકત એક વૃદ્ધાશ્રમનાં નામ પર લખી દીધી હતી એ શરત સાથે કે એમને અને એમની પત્નીને એઓ ઇચ્છે ત્યારે ત્યાં કાયમ માટે રહેવા દે. આજે એમને આ જ રોકાણ કામ આવ્યું. બંને જણા એ વૃદ્ધાશ્રમમાં રહેવા જતાં રહ્યાં અને ક્યારેય પણ દિકરા કે દીકરીનો ફોન ઉપાડ્યો નહીં કે સંપર્ક કરવાની કોશિશ ન કરી. વૃદ્ધાશ્રમનાં મેનેજરને પણ એમણે લખાણ કરાવીને આપી દીધું કે એમનાં બંનેના મર્યા પછી જે કોઈ મૂડી વધે તે વૃદ્ધાશ્રમમાં વાપરી દેવી અને એમની મરવાની જાણ એમનાં કોઈ પણ સગાને કરવામાં ન આવે.
આમ, દિકરો - વહુ અને દિકરી - જમાઈ હોવા છતાં એ બન્ને એકબીજાનાં સંગાથે એકલતા દૂર કરવાનો પ્રયત્ન કરી જીવી રહ્યા હતા, તે છતાં પણ એકલતા એમનો પીછો છોડતી ન હતી.