૩૬
મધરાતે પાટણે જોયેલું દ્રશ્ય
મુંજાલ બે ક્ષણમાં જ વસ્તુસ્થિતિ સમજી ગયો – દેવડી રા’ની સાથે ઊપડી ગઈ હતી. કેશવે આ જાણીજોઈને કર્યું હોય કે પછી ગાંડી રાજપૂતીનો ઊભરો એને આવ્યો હોય. એ પોતે ઝાંઝણના સમાચારે આ બાજુ આવ્યો હતો. કાંઈક સનસા લાગી; ઘોડાને એક બાજુ અંધારામાં રાખી, ગુપચુપ અવાજ તરફ આવ્યો. દેવડીના કેશવને સંબોધાયેલા છેલ્લા શબ્દો એણે સાંભળ્યા-ન-સાંભળ્યા ને તરત તેણે પ્રગટ થઈને પડકાર કર્યો, પણ રા’ની સોનરેખ તો એ જ ક્ષણે ઊપડી ગઈ હતી. તે કેશવ તરફ જોઈ રહ્યો: ‘કેશવ નાયક! આ શું? મહારાજને જવાબ શી રીતે અપાશે? પળ-બે-પળમાં મહારાજ આવ્યા બતાવું –‘
મુંજાલ આગળ બોલતો અટકી ગયો. તેને તરત સાંભર્યું કે આ ચર્ચાચર્ચીમા ખેંગાર તો મારગ કાપ્યે જતો હતો.
‘અલ્યા, કોણ એ જાય છે ત્યાં? કોણ છે?’ તેણે અંધારામાં બૂમ મારી.
એના જવાબમાં તરત ઠારણ આગળ આવ્યો: ‘એ તો હું છું, પ્રભુ! હું ઠારણ!’
‘દેવડાવાળો?’
‘હા, પ્રભુ!’
‘મહારાજનો કોટિધ્વજ આંહીં લાવ. જા, દોડતો જા, ત્યાં મારો ઘોડો છે, લેતો જા. અરે! ઝાંઝણ!’
‘પ્રભુ!’
‘આને, ભૈ! જાવા દેજે. પરમારને પણ ખબર કરતો જા – દોડ! કેશવ નાયક! તમે પણ દોડો! બીજી વાત કરવાનો અત્યારે વખત નથી. દોડો, જેટલા મળે તેટલાં સૈનિકો લઇ રા’ની પછવાડે પડો અને... સૌને ખબર કરો...’ મુંજાલે પોતેની કેડેથી લઈને શંખ ફૂંક્યો ને અંધારાને જાગતું કરી મૂક્યું.
‘ઠારણ! અલ્યા, તું પરમારને મોકલ. જલદી પરમારને મોકલ...!’
‘પ્રભુ! પરમાર તો કનકચૂડ સાથે ગયેલ છે. મહારાજે પોતે મોકલેલ છે!’
‘હેં! કનકચૂડ સાથે? ઓય – ત્યારે તું જલદી આવ! તું કોટિધ્વજને લઇ આવ... દોડ, જા!’
‘કોટિધ્વજ તો આંહીં જ છે, પ્રભુ!’
‘અરે! ઓટીવાર! ત્યારે બોલતો કેમ નથી? તો-તો કેશવ નાયક! મહારાજને ખબર તમે કરજો. હું ઊપડું છું રા’ની પછવાડે. અલ્યા ઝાંઝણ! તું દરવાજે ખબર કરી દે, રા’ની પછવાડેના કોઈ ભાગી જાય નહિ!’
‘પણ એ તો સૌ ભાગી ગયા કે ભાગી જશે... આ અવાજ આવે, જુઓ ને...’ ઠારણ બોલ્યો.
‘શેનો અવાજ?’
‘આ જુઓ ને!’
મુંજાલને સમય ઘણો જ જતો લાગ્યો. અવાજ તો બાબરાના મજૂરોની કામગીરીઓનો થતો એણે સાંભળ્યો હતો. તે એકદમ કોટિધ્વજ ઉપર ઊપડવાના વિચારે આગળ વધ્યો: ‘નાયક! તો હું જાઉં છું – હવે તમે આંહીંનું સંભાળજો ને તરત નીકળજો. મહારાજને ખબર કરજો. ચાલો, ઝાંઝણ! તું રાજગઢીમાંથી કનસડેથી જેટલા મળે તેટલાં સૈનિકોને તરત રવાના કરવાનું ભૂલતો નહિ. નાયક! તમે તરત ઊપડજો. મહારાજને ખબર કરી દેજો. રા’એ વર્ધમાનપુરનો મારગ પકડ્યો છે. લ્યો, ત્યારે...’
‘જય સોમનાથ!’ મુંજાલનો બોલવાનો શબ્દ અધૂરો રહી ગયો. ખડબડ ખડબડ અંધારામાં દોડ્યાં આવતાં ઘોડાંનાં દાબડાએ એનું ધ્યાન દોરી એણે જરાક થંભાવ્યો. ત્યાં તો ઉપર ‘જય સોમનાથ!’ – કહીને ઠારણ પોતે જ કોટિધ્વજ ઉપર ચડી બેઠો ને હાથ લાંબો કરીને, ઘોડાને ઉપાડતો જ બોલ્યો: ‘મુંજાલ મહેતા! એ અવાજ તો આવે છે – દેવડાની ઘોડાર આખી છૂટી ગઈ છે તેનો!’
દેવડીને આંહીં સુધી પહોંચાડવા આવ્યો ત્યારે જ ઠારણ પોતાના કામનો બંદોબસ્ત કરતો આવ્યો હતો. રણશિંગું ફૂંકાય કે તરત માલવ મદ્યવિક્રેતાઓ ઘોડારના ઘોડાં છૂટાં મૂકી દેવાના હતા. ખેંગારે ન ફૂંક્યું હોત તો એ ફૂંકવાનો હતો. એટલે ઠારણે શબ્દ સાંભળ્યો ને એ સમજી ગયો. દેવડીના મનસમાધાન પ્રમાણે મહારાજનો કોટિધ્વજ હાજર તો હતો જ, પણ ખેંગારને એણે ઊપડતો સાંભળ્યો ને એ પણ તરત આ બાજુ ઢળ્યો. હવે તેણે ઊપડવાની તક જોઈ લીધી: ‘મુંજાલ મહેતા! હું ખર્પરક! આજ તો જાઉં છું. વળી જૂનોગઢમા તમે આવો તો તમને પણ મદદ કરીશ. અમારો તો એ ધંધો થયો. લ્યો – જય મહાકાલ!’
એક ભયંકર સુસવાટ મારતું તીર ખર્પરકના કાન પાસેથી ચાલ્યું ગયું. મુંજાલે છેલ્લો શબ્દ સાંભળતાં જ એને વીંધી નાખવા નિશાન લીધું હતું.
પણ અંધારામાંથી ખર્પરકનું માત્ર અટ્ટહાસ્ય આવ્યું ને પવનવેગે દોડ્યા જતા કોટિધ્વજની જરાક હણહણાટી સંભળાઈ.
મુંજાલ સ્તબ્ધ થઈને ઊભો રહી ગયો. કેશવ નાયક પણ ત્યાં ઊભો હતો. રા’ની પછવાડે હવે એની સોનરેખને લગોલગ પહોંચે એવું કોઈ ન હતું. આ કોટિધ્વજ ગયો – અને જેમ વજ્રનો ઘા પડ્યો હોય તેમ બે ક્ષણ તો મુંજાલ બોલી શક્યો નહિ.
થોડી વાર પછી તેણે ધીમેથી કહ્યું: ‘કેશવ! નાયક! તમે હવે સૈન્ય લઈને ઊપડો. હું મહારાજને ખબર... કરું. પણ તમને ખબર નથી લાગતી... તમે શું કર્યું છે આ...?’
‘મહેતા! મેં જે કર્યું છે... એ તો જુગજુગાંતર... પણ એ વાત જવા દ્યો! એ વાત સમજવાનો અધિકાર માત્ર મહારાજને છે!’
‘એમ?’ મુંજાલ અત્યારે તો એનો ઘા ખાઈ ગયો, પણ એણે મનમાં તરત ગાંઠ વાળી લીધી: આને મહારાજના સાંનિધ્યનો ગરવ છે એ હવે ગાળી નાખવો જોઈએ, ને આ સમો છે. અત્યારે એ વધુ કાંઈ બોલ્યો જ નહિ.
કેશવને પોતાની ભૂલ તરત સમજાઈ ગઈ. આની પાસે વાત પ્રગટ કરવી નકામી હતી. એને જે ખબર હતી તેટલી જ ભલે રહી. વધારે સ્ફોટ કરવો નિરર્થક હતો. પોતે જે કર્યું તે કર્યું. એના પરિણામ માટે એણે, એક પણ શબ્દ સામે ઉચ્ચાર્યા વિના, તૈયાર રહેવાનું હતું, ને મૂંગા જ સહન કરવાનું હતું. તેણે પોતાના સર્વનાશની ઘડી આવતી દેખાઈ. પણ તે સ્વસ્થ હતો. અને તેણે પોતાનો વળાંક બદલી નાખ્યો:
‘મહેતા! તમે રાજદ્વારી પુરુષ છો, મંત્રી છો, રાજનીતિજ્ઞ છો. તમને શી ખબર પડે રજપૂતીની? તમને શી ખબર પડે મૈત્રીની? તમને શી ખબર હોય – આવે વખતે એક રતીભાર આમ કે તેમ થાય તો જુગજુગાંતરમા વાત રહી જાય તેની?’
મુંજાલ મહેતાએ વાત મૂકી દીધી. તેને લાગ્યું કે તે પોતે મહાન આપઘાતી કામ કરી રહ્યો છે – અમૂલો અવસર એળે જવા દે છે. ‘ત્યારે, નાયક! તમે આંહીંનું સંભાળજો... હું તો જાઉં છું... ખેંગારની પછવાડે. મહારાજને ખબર કરજો...’
એટલામાં એણે પૃથ્વીભટ્ટને ત્યાં હાથ જોડીને ઊભેલો જોયો. બનાવોની પરંપરાથી એ સંક્ષોભ પામ્યો હતો. એનું મસ્તક કયું કામ પહેલું કરવું એનો નિર્ણય કરવાના પ્રયત્નમાં ફાટફાટ થતું હતું. ત્યાં પૃથ્વીભટ્ટને ઊભેલો જોઇને વળી એના પેટમાં નવી ફાળ પડી. ‘પૃથ્વીભટ્ટ, શું છે તમારે?’ તેણે ઉતાવળે પૂછ્યું.
‘બીજું કાંઈ નથી, પ્રભુ! જગદેવ પરમારજીને કનકચૂડ નાગ સાથે જવું પડ્યું – મહારાજની આજ્ઞા મળી એટલે – ત્યારે એક સંદેશો મૂકતા ગયા હતા નાયકજીને આપવાનો –’
‘આ રહ્યા નાયકજી! બોલો.’
પૃથ્વીભટ્ટ આગળ સર્યો. તેણે કેશવ નાયકના કાનમાં કાંઈક વાત કરી. નાયક એકદમ વ્યગ્ર થઇ ગયો.
‘શું છે, કેશવ નાયક?’
‘મંત્રીશ્વર! હું હમણાં આવું છું. મહારાજ આંહીં આટલામાં જ છે!’
‘આટલામાં જ છે, એટલે? મહારાજ પોતે?’
પણ કેશવ નાયક જવાબ આપવા થોભ્યો નહિ. તે તરત દોડ્યો ગયો. મુંજાલ તેને જતો જોઈ રહ્યો.
કેશવ નાયકને પૃથ્વીભટ્ટે સમાચાર આપ્યા કે થોડે દૂર સુધી જઈ, પછી જગદેવને કનકચૂડ સાથે મોકલીને, મહારાજ પોતે તો બર્બરક પાસે અત્યારે જઈ રહ્યા હતા. જગદેવે પૃથ્વીભટ્ટ સાથે મોકલેલો સંદેશો ટૂંકો પણ અર્થવાહી હતો: ‘એક પળ ગુમાવશો તો એવી પળ પછી આખા યુગમાં નહિ મળે, કેશવ નાયક!’
કેશવ એનો અર્થ સમજી ગયો. એને મન અત્યારે આ વસ્તુ જ મહામૂલ્યવાન હતી. આજની પળ સચવાઈ જશે તો બધું બરાબર જ થઇ રહેશે. મહારાજ હજી તો આંહીંની વાત જાણતા પણ ન હતા. રણશિંગું ફૂંકાયું ત્યારે રા’ ભાગ્યો છે એ હજી એમના લક્ષમાં નહિ આવ્યું હોય, એટલે તે એકદમ દોડ્યો જ ગયો.
જયસિંહ સિદ્ધરાજ એકલો અંધારામાં ને અંધારામાં રાજમહાલયને માર્ગે ચાલી રહ્યો હતો. એણે પહેલાં રણશિંગું સાંભળ્યું, પછી શંખનો અવાજ આવ્યો. એને કાંઈક નવાજૂનીની શંકા પડી. તે પોતાનું કામ ત્વરાથી પતાવી લેવાની ઉતાવળે આગળ ધસ્યો. એણે અચાનક પોતાના પગ પાસે કોઈને પડતું જોયું ને એકદમ ચમકી ઊઠ્યો.
‘અલ્યા, કોણ છે એ? શું દુઃખ છે તારે? બોલ!’
મહારાજનો શબ્દ સાંભળતાં જ કેશવનું હ્રદય આનંદથી અને શોકથી ઊભરાઈ આવ્યું. આનંદથી એટલા માટે કે એનો મહારાજ ‘શું દુઃખ છે તારે?’ એવો વિક્રમી પ્રશ્ન પૂછવાનું મહાપરાક્રમી માણસ ધરાવતો હતો.
હરેકને એમ એ પૂછી શકે ને પોતે એ દુઃખનો ભાર ઉપાડી પણ શકે એવું સામર્થ્ય મેળવવા માટે તો પોતાના જીવનની ક્ષણેક્ષણ પરિશ્રમ કરવો પડે તો ભલે, પણ એ મેળવવા તલસી રહ્યો હતો. એણે આનંદ એ વાતો થયો. ને શોક એટલા માટે કે એણે આવા મહાન મિત્રનો દ્રોહ કર્યો હતો!
‘પ્રભુ! મારે દુઃખ નથી – દુઃખ તો તમે રાજ કરો છો, ને આંહીં કોને હોય? પણ મારી એક વિનંતી છે!’
‘અરે! આ તો કેશવ! કેશવ, શું છે અલ્યા તારે? બેઠો થા! બેઠો થા! શું છે? આ રણશિંગું કોને ફૂંક્યું? છે કાંઈ નવાજૂની?’
‘મહારાજ!’ મુંજાલ કેશવની પાછળ જ આવી પહોંચ્યો હતો. તેણે પ્રત્યુત્તર વાળ્યો: ‘એણે ગફલત કરી છે, પ્રભુ!... પણ એ બધું પછી થઇ રહેશે!’
‘શું છે, મુંજાલ મહેતા? આ બધું શું છે? શું છે કેશવનું?’
‘મહારાજ! એક પળ પણ ગુમાવવાની નથી. કેશવે તમને કહ્યું હશે નાં? ખેંગાર પાટણનું નાક વાઢીને ભાગી ગયો!’
‘નાક વાઢીને ભાગી ગયો? કોણ – ખેંગાર? આ રણશિંગું એણે ફૂંક્યું’તું?’
‘હા, પ્રભુ! ખેંગાર દેવડીને ઉપાડીને ભાગી ગયો!’
‘હેં! કોને – મારી દેવડીને?’ સિદ્ધરાજનો અવાજ સાંભળતાં તો કેશવ પણ ધ્રૂજી ઊઠ્યો. એક શબ્દમાં જ એણે કાંઈ ને કાંઈ કહી નાખ્યું હતું.
મુંજાલે એણે ટાઢો માર માર્યો: ‘હા મહારાજ! તમારી ગણો તો તમારી – પણ દેવડીને ખેંગાર ઉપાડી ગયો!’
‘હેં! કેશવ નાયક? શું કહે છે મુંજાલ મહેતા? તું ક્યાં હતો? ક્યારે ઉપાડી ગયો? ખેંગાર તો મહીડાને ત્યાં ગયો હતો ને? ક્યારે એ પાછો આવ્યો? આજ તો આવે તેમ ન હતો! આજ તો એ શાંત હતો, ત્યાં મહીડાને મારવા ગયો હતો ને?’
‘મહીડાને મારીને હમણાં જ આવ્યો –’
‘અને હમણાં જ ઉપાડી ગયો?’
‘બે પળ થઇ છે, પ્રભુ!’ મુંજાલે હાથ જોડ્યા, ‘બીજી બધી વાત પછી રાખો – પહેલાં ખેંગારની પછવાડે પડો!’
‘લાવો, કોટિધ્વજ લાવો! ને સૈનિકોને તૈયાર કરો! વર્ધમાનપુરનો માર્ગ જ એણે પકડ્યો હશે!’
મુંજાલ ને કેશવ – બંને ઊભા રહ્યા: ‘કેશવ! તું દોડ, જા... રાજમહાલયના કોટના દરવાજા પાસે ઠારણ ઊભો હશે. મેં એણે ત્યાં ઊભા રહેવાનું કહ્યું હતું... હમણાં જ ગયો છે.’
‘પ્રભુ!’ ઝાંઝણનો અવાજ સાંભળીને મુંજાલ ચમકી ગયો. બનાવોની પરંપરા હજી પણ આવી જ રહી હતી કે શું? તે ગભરાટમા બે ડગલાં પાછળ હટ્યો. ‘શું છે ઝાંઝણ? જલદી બોલી દે! શું છે તારે?’
‘ઘોડાર – દેવડાની સળગી ઊઠી છે, પ્રભુ! ને ઘોડાં તમામ છુટ્ટાં ભાગ્યાં છે! દેવડાજીને કહેવરાવવા માણસ મોકલ્યું છે!’
‘ત્યારે તો ઘા – સોરઠી બરાબર મારી ગયા છે, એમ બોલો ને! ચાલો, આપણે ત્યાં ચાલો પહેલાં ને પછી ઉપડીએ!’
‘મહારાજ! રાજમાતા પણ ત્યાં છે!’
‘ક્યાં?’
‘ઝાંઝણે હાથ જોડ્યા: ‘મહારાજ! મદનપાલની હવેલી પણ સળગી ઊઠી છે ને ત્યાં મોટી હાલકડોલક થઇ ગઈ છે! સૈનિકો અને પ્રજાજનો આગ બુઝાવવાના કામમાં પડ્યા છે – આ બુમરાણ સંભળાય છે એનું રાયઘણજી ને એ તો સૌ સાંજે જ કોટ બહાર મંદિરમાં હતા એટલે બચી ગયા છે!’
‘અરે! એનાં તો આ કામ છે –’
‘આપણે સૌ ત્યાં ચાલો –’
‘પણ મહારાજ!’કેશવે બે હાથ જોડ્યા, ‘આ રા’ ઘા મારીને ભાગ્યો છે – એને પડકારવા કોઈકે ઊપડવું જોઈએ. મહારાજની આજ્ઞા હોય તો હું ઊપડું?’
મુંજાલ કેશવને સાંભળી રહ્યો. તેણે અત્યારે કાંઈ પણ ન કહ્યું.
‘કોટિધ્વજ તો સલામત છે ને, ઝાંઝણ?’
‘કોટિધ્વજ? એને તો, મહારાજ! પેલો ઠારણ ઉપાડી ગયો! એણે તો વળી ઘા એવો માર્યો છે કે નાક કાપી આપ્યું છે!’
‘હેં! કેશવ નાયક! આ વળી શું કહે છે? કોટિધ્વજને ઠારણ ઉપાડી ગયો, એમ? આ શું? ઠારણ શું કરવા ઉપાડી જાય?’
‘પ્રભુ!’ મુંજાલે બે હાથ જોડ્યા, ‘મહારાજે દેવડાની ઘોડારમા કોટિધ્વજ રાખ્યો હતો ને પેલો ઠારણ એ જ ખર્પરક હતો!’
‘હેં! એ ખર્પરક? આ...હા! ત્યારે તો...’ સિદ્ધરાજને પેટમાં ટાઢો શેરડો પડી ગયો. તેનાથી ઘા સહન થતો ન હતો. પણ એણે પોતાની સ્વસ્થતા ડગવા ન દીધી: ‘કેશવ! ત્યારે તું તો ખેંગારની પછવાડે જ. સૈનિકો લઈને ઊપડો! અમે વાંસોવાંસ આવીએ છીએ. પરમારજી પણ નથી. હવે તો જે છે તે પાછળ પડો!’
પૃથ્વીભટ્ટ કોઈ એક સૈનિકને લઈને આવી રહ્યો હતો: ‘મહારાજ! ખેંગારના માણસો રાજમહાલય તરફના કોટનો દરવાજો ભાંગતા હતા – ત્યાં ઝપાઝપી થઇ ગઈ. ખેંગાર પણ એમાં હતો. આપણું સેન પછવાડે પડ્યું – પણ સોનરેખને કોઈ પહોંચે તેમ નહિ એટલે એ છટકી ગયો!’
‘ત્યારે તો, મહારાજ! કર્ણાવતી પણ માણસ મોકલીને કહેવરાવી દઈએ. કેશવ તરત ઉપડે. ને આ તરફ ફરીને, બધું જોઇને આપણે પગલે-પગલું દબાવો. ઝાંઝણ! તું ઘોષ કરાવીને કનસડે દરવાજે જેટલા થાય તેટલાં માણસ ભેગા કરી લડે...’
‘પણ ખેંગાર ભાગી ગયો છે, પૃથ્વીભટ્ટ! કે હજી ઝપાઝપી ચાલે છે?’ સિદ્ધરાજે અત્યંત શાંતિથી પૂછ્યું.
‘ખેંગાર તો ભાગી ગયો છે, પ્રભુ! આપણું સેન એણે પહોંચે એમ નથી. એની સાંઢણી ભારે ઝડપી રહી!’
એક ઘડીભર સિદ્ધરાજ એમ ને એમ ઊભો રહ્યો. દેખીતી રીતે આ ઘા ઝીલી લેવો એને આકરો પડતો હતો. પણ તેણે બે ક્ષણમાં પોતાની સ્વસ્થતા પાછી મેળવી લીધી. તે બોલ્યો ત્યારે તેનો અવાજ એકદમ સ્વસ્થ હતો – પણ એમાં રહેલી દ્રઢતાએ કેશવને પોતાના નિર્ણય વિષે વધુ શ્રદ્ધાવાન બનાવ્યો. એમાં સોરઠના સર્વનાશનો ટંકાર હતો.
‘મુંજાલ મહેતા! મેં તમને કહ્યું નથી કે મારે ઘોડાં ને સાંઢણીનાં મારભાગ જુદ્ધ હવે કરવાં નથી! રા’ખેંગાર ભાગીભાગીને ક્યાં જવાનો છે? દરિયો પાર તો કરવાનો નથી નાં? જૂનોગઢની એની અજિત ગિરિમાળાનો એને ગર્વ છે. તો એ અજિત ગિરિમાળાને તોડવા આપણે કાલે જ પ્રયાણ કરો, પરમ દિવસ પણ નહિ. વહેલા પ્રભાતથી જ બર્બરક અને એના સેનને વર્ધમાનપુર ભણી રવાના કરો. આંહીંથી મજૂર, ગાડાં, સરસામાન, હાથી, ઘોડાં, માણસ, સેન વર્ધમાનપુર તરફ ઊપડવા માંડે. ત્યાંનો કોટકિલ્લો શરુ કરી દ્યો. આવતી કાલે પ્રભાતે જ આંહીંથી સૌને ચાલવાનું કરો વર્ધમાનપુરનો કિલ્લો થાય – એટલે આપણું વધુ સેન આંહીંથી ઊપડશે. ઝાંઝણ! કાલે પ્રભાતે રણભેરીની ઘોષણા કરી, સોરઠ સામે આપણું જુદ્ધ જાહેર કરો. ને કોઈ પણ ઠેકાણે કોઈ પણ સોરઠી હોય, તે તમામને નજર તળે મુકવી દ્યો. મુંજાલ મહેતા! આપણે ચાલો, પહેલાં સળગતું ઠારો. રા’ની પછવાડે આંહીંથી હવે કોઈ નહિ જાય, એટલે એનો બિચારાનો અર્ધો હરખ તો એમ ને એમ માર્યો જાશે. એની સોનરેખ ઊડતી હોય ને પાછળ દોડવાવાળા લબડતા આવતા હોય અને આખો મુલક એ જોતો હોય એમાં એણે પરાક્રમની પરાકાષ્ઠા કલ્પી હશે. આપણે એની ધારણા પ્રમાણે યુદ્ધનો રંગ પકડવો નથી. હવે એણે જરાક આપણા યુદ્ધનો રંગ જોવા દ્યો. અને કેશવ!’ મહારાજ અચાનક બોલ્યા. એ અવાજે મુંજાલને ચમકાવી દીધો: ‘તું કાલે પ્રભાતે મને મળજે. તારે માલવા જવાનું છે!’
મહારાજનો છેલ્લો આજ્ઞાવાહી રણકો કેશવને વજ્રના ઘા સમાન લાગ્યો. મુંજાલ સાંભળી રહ્યો. કેશવની અવ્યવસ્થા મહારાજને આકરી પડી ગઈ હતી. તેણે તરત એ જોઈ લીધું.
કેશવ કાંઈ બોલ્યો નહિ, પણ એના હ્રદયમાં ઊંડેઊંડે આનંદની હવા ઊડતી હતી. ગમે તેમ, એણે પોતાના મહારાજને ઉગાર્યા હતા. એના મનથી એણે મહાન કાર્યસિદ્ધિ કરી હતી. એ માટે સહન કરવાની એની તૈયારી હતી. તેણે બોલ્યા વિના જ બે હાથ જોડીને મહારાજને નમસ્કાર કર્યા, આજ્ઞા માથે ચડાવી લીધી ને તરત દેવડાના ઘોડાર તરફ જવા માટે પગ ઉપાડ્યો.
બે ક્ષણમા તો વાતાવરણ જ બદલાઈ ગયું. રા’ ઘા મારીને ભાગી ગયો છે એની કોઈ વાત જ જાણે ક્યાંય રહી ન હતી. કાંઈક અકસ્માત થઇ ગયો તેમ સૌ કામમાં પડી ગયા. રા’, રા’ની દોડભાગ, પાટણનો દરવાજો ને દેવડી – એ બધી વાતો ભૂલી જવા માટે હોય તેમ સૌ ભૂલવા મથી રહ્યા.
એને બદલે આવી રહેલા મહાન સોરઠી જુદ્ધની વાતો સૌ કરવા મંડી પડ્યા.
એની તૈયારીની ઘોષણા થવા માંડી.