૩૫
દેવડીને રા’ ઉપાડી જાય છે!
કેશવ કનસડા દરવાજા પાસે મહારાજની રાહ જોતો ઊભો રહ્યો. જ્યાં સુધી હજી મહારાજે બર્બરક તરફ પગ માંડ્યા ન હતા ત્યાં સુધી એને કાંઈક પણ આશા હતી – એ એમનાં ચરણે પડીને પણ એમને પાછા વાળશે, કોઈ ને કોઈ ઉપાયે એ રાજાને શાશ્વત અશાંતિમાંથી ઉગારી લેશે. એના હ્રદયમાં રાજા પ્રત્યે જુદા જ પ્રકારની મમતા હતી. અત્યારે એ પાટણનો સેનાનાયક હતો ને ન હતો. અત્યારે તો એ સરસ્વતીનદીના કાંઠા ઉપર મહારાજ સાથે રમનારો એમનો બાલમિત્ર બની ગયો હતો. મહારાજ વિષે જે એ સમજે તે કોઈ ન સમજે. એ એના અંતરંગનો જાણકાર હતો, એનું સાંનિધ્ય સેવનાર હતો. દેવડીના નિષ્ફળ પ્રેમે મહારાજને આ શાશ્વત અશાંતિનો – પળેપળ કામ, કામ ને કામ જ કરવું પડે એવો માર્ગ સૂચવ્યો ન હોય? જગદેવે કહેલી એ વાત ઉપર એ વિચાર કરી રહ્યો. તો-તો દેવડીએ પોતાના ટૂંકા પાટણનિવાસમાં પણ ચમત્કાર બતાવ્યો કહેવાય. કેશવને તો દેવડીનું દિલ રાજા તરફ આકર્ષાયું એનો લેશ પણ રંજ ન હતો. એણે તો બીજી એક વાતનો વિચાર આવ્યો. રાજા જયસિંહ સિદ્ધરાજ ગૌરવશીલ હતો, સ્વાભિમાની હતો, ઉન્નત કલ્પનાથી પ્રેરિત એવી શક્તિ ધારનારો હતો. પણ એની પાસે જે હ્રદય હતું એ હ્રદયમા અન્યને જીતવાનો જાણે કે પ્રશ્ન જ ઊઠતો નહોતો; પ્રેમથી વશ કરવાની કળા જ જાણે ન હતી. એમાં અન્યને દોરવાની શક્તિ હતી. પોતાના વિરલ પરાક્રમને પ્રશંસાથી ઝીલનારી દ્રષ્ટિની અપેક્ષા એમાં રહેતી. પણ જયસિંહ સિદ્ધરાજ આ પૃથ્વી ઉપરના માણસોનો મિત્ર થઇ શકે, તો એના પરદુઃખભંજની સ્વપ્નને લીધે. અને છતાં એ કોઈનું પણ હ્રદય જીતનારો ન પણ થઇ શકે. કાર્તિકસ્વામી વિષે કહેવાય છે કે એમણે પોતાની મા પાર્વતીના સૌંદર્ય, કલ્પના, ભાવના, રસિકતા – એ સઘળાં જેમાં હોય એવી નારીની નારીજગતમાં શોધ માંડી – અને અંતે એવી નારી તો કોઈ જ ન મળી અને તેઓ એકાકી રહ્યા! જયસિંહની જોડની કોઈ નારી આ સોનલને તો મહારાજ પોતે આકર્ષાઈને ગણે છે એ પ્રશ્ન જુદો છે; બાકી કોઈ નારી ક્યાંય હશે ખરી? જયસિંહ પાસે પણ કાર્તિકસ્વામી જેવો જ પ્રશ્ન નથી? મહારાણી મીનલદેવીને પડછાયે પણ ઊભી શકે એવી કોઈ નારી એણે ક્યાંય મળે પણ ખરી? મહારાજ સિદ્ધરાજને એવી નારી વિના બીજી કોઈ દોરી શકે પણ ખરી? કેશવને લાગ્યું કે મહારાજ સિદ્ધરાજના સ્વભાવમાં મીનલદેવીની આ ગુપ્ત અસર રહી છે! એને કોઈ નારી – મીનલદેવી તુલ્ય – મળવાની નથી અને એમણે એકાકી જ રાજકારભાર વહેવાનો છે. રાજાની કલ્પનાને સ્પર્શે એવી સ્ત્રી હોય? મંત્રી કોણ? અને મિત્ર પણ કોણ?
દંડનાયકે લક્ષ્મીદેવીની વાત કરી અને કદાચ એ ભૃગુકચ્છ ઊપડી ગયો... આજે ને આજે એમાં એનો હેતુ પણ એ જ હતો – લક્ષ્મીદેવીને મહારાજની નજરમાં લાવવાનો. પણ કેશવને તો મહારાજને યોગ્ય કોઈ નારી દેખાતી ન હતી, એનું શું? રાજા પ્રત્યેની એની ભક્તિમાં ભરતી-ઓટને સ્થાન ન હતું. એમાં તો એક પ્રકારની અચળતા વસી રહી હતી.
એ ત્યાં બેઠો ઊંડું મનોમંથન કરી રહ્યો. ખેંગાર મહીડાને ડારવા ગયો હતો એ વાત તો તદ્દન સાચી હતી. મુંજાલ પોતાની નીતિને સફળ ઠરાવવા આંહીં પાટણમાં આજ તૈયારી પણ રાખી રહ્યો હતો છતાં ખેંગાર આજે આવે એ કોઈને શક્ય લાગ્યું ન હતું. ઉમેટાથી કદાચ એ પરબારો ભાગી છૂટે અને આંહીંવાળા આંહીંથી ભાગી છૂટે... એ શક્ય હતું. એ પ્રમાણે ન થાય તે માટે બીજે દિવસે મહીડા તરફ થોડા સૈનિકો મોકલવાનું પણ ઠર્યું હતું. દંડનાયકજીને ખબર દેવા પૃથ્વીભટ્ટને પણ તરત રવાના કર્યો હતો; પણ ખેંગાર મહીડાને પડકારવા માટે માત્ર એક જોજનવા જેટલે જ દૂર ગયો છે એ વાતની કોઈને ખબર ન હતી – કેશવને પણ.
મધરાતને થોડી વાર હતી ત્યાં કેશવે એક ઘોડેસવારને કનસડા તરફ આવતો જોયો. કોણ હશે એનો વિચાર કરે છે, ત્યાં પૃથ્વીભટ્ટ પોતે જ દેખાયો: ‘કેમ, ભટ્ટ? કાંઈ છે? કેમ પાછા ફર્યા?’
‘ખેંગાર પોતે આ બાજુ આવી રહ્યો હોય તેમ લાગે છે, પ્રભુ!’
કેશવને નવાઈ લાગી. તેણે પૃથ્વીભટ્ટને તદ્દન પાસે આવવા સૂચવ્યું, અત્યંત ધીમેથી પૂછ્યું: ‘ખેંગાર? તમે ખેંગાર કહ્યું? કેમ મહીડા તરફ એ નથી ગયો?’ કેશવના મનમાં એક બીજો વિચાર આવી ગયો: ‘ત્યારે તો ખેંગારે આ દેખાવ કર્યો હોય – ને એમ હોય તો દેવડી માટે જ આવતો હોય!’ તેના પેટમાં ફાળ પડી. આજે તો આ પડ જાગતું હતું. ખેંગાર દબાઈ જશે ને દેવડી આંહીં રહી જાશે. તે વિચાર કરી રહ્યો.
‘મહીડાને મારીને એ પાછો ફરતો લાગે છે!’ ભટ્ટે ધીમેથી કહ્યું.
‘મહીડાને મારીને? તમે શી રીતે જાણ્યું?’
‘મેં કાનોકાન વાત સાંભળી ને! આંહીં આ દરવાજે એ નહિ ડોકાય. રાજમહાલયવાળો કોટનો દરવાજો મહારાજ માટે ઉઘાડબંધ થાય એનો લાભ લેવા એ તરફ વળી ગયો લાગે છે! એ વાત એની જાણમાં લાગે છે. મહામંત્રીશ્વરને હું ખબર કરી આવું?’
‘શાની?’
‘આ ખેંગાર આવ્યો છે એની. મહારાજની તો આજ્ઞા છે મંત્રીશ્વરને – ખેંગાર આવે કે તરત નજર તળે રાખી લેવાની. એટલે એમને આ વાત તો કરી દેવી! મારે તો પાછું જાવું છે!’
‘હા... એ તમે ઠીક કહ્યું...’ કેશવ વિચાર કરતો બોલ્યો, ‘પણ પૃથ્વીભટ્ટ! ઊહાપોહ ન થાય ને કોઈને ખબર ન પડે તે માટે આંહીં કનસડાની ગઢીમાં તો સૈનિકો તૈયાર જ બેઠા છે. પણ પહેલાં હું જરાક રાજમહાલયના માર્ગે ખબર કાઢી લઉં... તમે આંહીં બે ઘડી થોભજો! હમણાં હું આવ્યો! હમણાં કોઈ સૈનિકને વાત ન કરતાં. હું બે ક્ષણમાં આવું છું...’ અને તેણે ધીમેથી ઉમેર્યું: ‘પૃથ્વીભટ્ટ! વખતે મહારાજ પોતે આંહીં આવી ચડશે – એટલે એકે ક્ષણ પણ ક્યાંય આઘાપાછા થતા નહિ! જરાક સનસા મળી જાશે, તો પછી એ તો ખેંગાર છે – ઊપડી જાશે! હું જઈ આવું.’
કેશવને પૃથ્વીભટ્ટના સમાચારે ધ્રાસકો પાડ્યો હતો. જે વસ્તુનો એ ભય રાખતો હતો તે વસ્તુ સામે જ આવી રહી હતી. એણે કોટ બહારનો રાજમહાલય તરફનો માર્ગ નિહાળી લેવાની – અને કાંઈક યુક્તિથી દેવડી સાથે ખેંગાર હોય તો તેને ચેતવી દેવાની જરૂરિયાત જોઈ લીધી. એના મનમાં મોટો શબ્દ થયો: ભયંકર અને એણે ધ્રુજાવી દે તેવો: ‘રાજદ્રોહી!’
પણ એ જ વખતે એટલા જ સામર્થ્યથી બીજો અવાજ પણ આવ્યો: ‘રાજભક્ત!’
એ પગપાળો એકલો બહાર આગળ વધ્યો. પાંચ-પચીસ ડગલાં માંડ ગયો હશે, એટલામાં ઝાંઝણ ત્યાં આવી ચડ્યો. પૃથ્વીભટ્ટને આંહીં જોઈ ઝાંઝણને નવાઈ લાગી.
‘કેમ, ભટ્ટ! તમે નથી ગયા? આંહીં તો આજે સેનાનાયક પોતે જ ઊભા રહેવાના હતા! ક્યાં ગયા છે એ?’
‘હું તો જઈને આવ્યો!’
‘જઈને આવ્યા?’
પૃથ્વીભટ્ટ તેની પાસે સર્યો: ‘જુઓ તો ખરા... કાં તો ખેંગારજીને હાથ કરીને હમણાં સેનાનાયક પોતે જ આંહીં આવશે!’
ઝાંઝણને સમજાયું નહિ. પૃથ્વીભટ્ટે ધીમેથી વાત કરી: ‘હમણાં શાંત રહેજો હો! કોઈને કહેતા નહિ!’
‘ત્યારે કેશવ નાયક ખેંગારને નજર તળે મૂકવા ગયા છે, એમ?’
‘નાયક એ બાજુ ગયા છે. ખેંગાર પણ એ બાજુ જ વળ્યો છે. ઘડીમાં જ આંહીં આવ્યા બતાવું!’
ઝાંઝણને આ સમાચાર મુંજાલને આપવા જેવા લાગ્યા, તે થોડી વાર પછી ત્યાંથી સરી ગયો. પૃથ્વીભટ્ટ કેશવની રાહ જોતો બેઠો. બીજા સૈનિકો તો આઘે બેઠાં ગપ્પાં હાંકતા હતા.
આ બાજુ કેશવ એકલો અંધારામાં આગળ વધી રહ્યો હતો. એ પોતે શું કરશે કે પોતાને શું કરવું છે, એની મનમાં સમજણ હજી મેળવી શક્યો ન હતો. એના મનમાં ઘડભાંજ ચાલતી હતી. પાટણના પ્રતિષ્ઠા, ગૌરવ, પોતાની કીર્તિ, પોતાનો વૈભવ – આ બધાં એણે સિદ્ધરાજની ભક્તિ કરતાં નાનાં લાગતાં હતાં.
એટલે બીજી તમામ વાતને ગૌણ કરી નાખી એણે જે પગલું ભરવાનું હતું તે તાત્કાલિક ભરવાનું હતું. ઘડી પછી તો કોઈ પગલું કામ આવે તેમ ન હતું. પૃથ્વીભટ્ટને કનસડે મૂકી એ આ બાજુ આવ્યો હતો જ એટલા માટે. પણ ખેંગાર કઈ તરફ જશે, એનો શો હેતુ હશે એ કળવું મુશ્કેલ હતું. દેવડી હજી વાડામાં જ હોય તો ખેંગાર એ તરફ પણ નીકળે. ખેંગારના પગલા પ્રમાણે પોતાના કાર્યક્રમને ઘડવાનું મનમાં ગોઠવી કેશવ એકલો અંધારામાં આગળ વધ્યો.
તે થોડાંક પગલાં એ ચાલ્યો હશે, ત્યાં અંધારામાં કોઈનો અવાજ સાંભળ્યો. તે પોતાને રસ્તેથી સહેજ ફંટાયો. તેની આગળ થોડે દૂર, કોઈ બે જણાં અંધારામાં જઈ રહ્યાં હતાં. તેમની વચ્ચે થતી વાતચીત પકડવા કેશવે ધીમેથી ગતિ વધારી દીધી.
‘ઠારણ!’ કેશવ નામ સાંભળીને ચમકી ઊઠ્યો – આ તો દેવડાવાળો! બોલનારનો અવાજ સાંભળીને તે વધુ ચમક્યો. ‘ઠારણ! તને આજ્ઞા થઇ તે મેં સાંભળી છે.’ કેશવ આશ્ચર્યમુગ્ધ થઇ ગયો. અંધારામાં પણ તેણે અવાજ ઓળખી કાઢ્યો: ‘અરે, આ તો દેવડી પોતે છે! દેવડી આંહીં ક્યાંથી? અને આ ઠારણ આમ ક્યાં જતો હશે? દેવડી ક્યાં જતી હશે?’
તેને બહુ શંકામાં રહેવું પડ્યું નહિ. ‘ઠારણ!’ દેવડી બોલી રહી હતી, ‘તારે જવું હોય તો તું હવે જા. મહારાજ પાસે કોટિધ્વજ લઇ જવાનો છે. ક્યાં કનસડે મહારાજની રાહ જોવાની છે?’
‘મહારાજની આજ્ઞા એ પ્રમાણે છે. એ આજ્ઞાના આધારે તો આપણે આહીંથી પ્રશ્નોત્તરી વિના પહોંચી ગયાં. પણ હવે તમે આગળ શી રીતે જશો? આગળ તો ડગલે ને પગલે તમને પહેરેગીરો મળશે!’
‘તું તારે જા... ઠારણ! ખેંગારજીનો સંકેત છે. ઈ આવ્યા હશે કે આવતા હશે! એ આવ્યા વિના ન જ રહે!’
‘મેં તો કોટિધ્વજને ત્યાં સૈનિકો પાસે રાખેલ છે, એટલે મારે તો ગયા વિના છૂટકો જ નથી! કનકચૂડને મદદ કરવાનું મહારાજને સૂઝ્યું, તો કામ સહેલું થઇ ગયું! હું તો કનસડે ઊભો રહીશ!’
‘તું તારે જા, ઠારણ! મને કોઈ શું કરવા રોકે?’ કેશવને વાતનો સાર મળ્યો ને એમાં એણે દૈવી સંકેત જણાયો: ‘દેવડી રા’ને મળવા જતી હતી અને રા’ આંહીં જ આવી રહ્યો હતો.’
ઠારણને કેશવે પાછો વળતો જોયો. તે પોતે દેવડીની પાછળ પાછળ ઉતાવળે આગળ વધ્યો. ઘનઘોર વાદળઘેર્યા ગગનમાં જેમ વીજળી સરે તેમ અંધારઘેરી રાત્રીમાં દેવડી ઝડપથી જતી હતી. એની ગતિ ત્વરિત હતી, પણ એમાં ક્યાંય મનનો ગભરાટ ન હતો.
થોડી વારમાં કેશવ એને પહોંચી ગયો. અવાજ સાંભળીને દેવડી ઊભી રહી ગઈ. એણે થડક્યા વિના જ પ્રશ્ન કર્યો: ‘કોણ છે એ? કોણ આવી રહ્યું છે?’
‘કોણ છે અત્યારે?’ કેશવે સામો પ્રશ્ન કર્યો, ‘કોણ અત્યારે આ રસ્તે એકલું નીકળ્યું છે? ખબર નથી આ રસ્તો રાજમહાલય તરફ જાય છે?’
‘કોણ, સેનાપતિજી કેશવ નાયક તો નહિ?’ સ્પષ્ટ રીતે અવાજ દેવડીનો જ હતો. કેશવે એ સાંભળ્યો. એમાં રહેલી સ્વસ્થતાથી તે આશ્ચર્ય પામ્યો. દેવડી અત્યારે આંહીં અંધારામાં હતી, એકલી હતી, છાની રીતે જઈ રહી હતી. ચારે તરફના અંધકારમાં ગમે ત્યે, ગમે તે માણસ ઊભા રહેવાનો ભય હતો. નગરી દુશ્મનની હતી, છતાં એ આટલી બધી સ્વસ્થ હતી – એ શું? કેશવને તાત્કાલિક તો શું કહેવું તે સુઝ્યું નહિ. કેવી રીતે બોલવું ને કેવા અવાજમાં બોલવું તે પણ તરત એની સમજણમાં આવ્યું નહિ. થોડી વારે એ બોલ્યો: ‘હા હું કેશવ નાયક છું. તમે કોણ છો? અને આમ ક્યાં જાઓ છો?’
‘મને ન ઓળખી, નાયકજી? હું તો દેવડી!’
દેવડીના અવાજમાં લેશ પણ ગભરાટ કે થરથરાટ ન હતો. પણ અસ્પર્શ્ય જ હોઈ શકે એવી અચલ આત્મશ્રદ્ધાનો રણકો એમાંથી આવી રહ્યો હતો. કેશવને એ અવાજ અસર કરી ગયો: ‘હું તો દેવડી!’ જાણે કે એટલી ઓળખ દરેકને માટે બસ હોય!
‘અત્યારે આમ ક્યાં જાઓ છો?’ સેનાનાયકની ઢબે કેશવે પ્રશ્ન કર્યો.
સાધારણ – સહજ વાત કરતી હોય તેમ દેવડી બોલી: આમ હું તો જાઉં છું ખેંગારજીને મળવા. તમે?’
કેશવ સડક થઇ ગયો. ત્યારે પૃથ્વીભટ્ટ લાવ્યો હતો તે સમાચાર સાચા હતા. ખેંગાર આ તરફ જ આવી રહ્યો હતો. કનસડે દેખાવાને બદલે એ રાજમહાલય તરફના કોટના દરવાજા ભણી વળી ગયો હતો. પણ એ સમાચારે કેશવની તો એકદમ આકરી કસોટી શરુ થઇ ગઈ. ત્વરિત નિર્ણય માગનારા – ને એક નિશ્ચય ઉપર આખા રાજના ભાવિનું ને પોતાના ભાવિનું પણ અવલંબન રાખનાર – અનેક પ્રશ્નો હતા, તે કોઈની પાસે ન હતા – મુંજાલની પાસે ન હતા, દંડનાયક સામે ન હતા. મહારાજની પોતાની સામે ન હતા. અત્યારે – આ ક્ષણે, એ ઊભો હતો એ જ સ્થળે – એણે તાત્કાલિક નિર્ણય કરવાનો હતો. તે દેવડીને રોકી દે – ખેંગારને માટે નિર્ણય કરે – એને મહારાજની આજ્ઞા પ્રમાણે નજર તળે રાખે, તો શું થાય? એમ ન કરે તો શું થાય? એના કાનમાં લચ્છીના શબ્દોના ભણકારા વાગી રહ્યા. રુદ્રશર્માની નિશ્ચયાત્મક વાણી એને સંભળાણી. એ વાણી ન હોય તોપણ પાટણમાં દેવડીએ જ મહાન ઘર્ષણ સર્જાવ્યું ન હતું? એને રોકવી એનો અર્થ સ્પષ્ટ જ હતો – ઘર્ષણમા પાટણને આગળ ઘસડવું. ત્યારે એને ન રોકવી? તો એનું સેનાપતિપદ લાજે? એનું શું? એની પોતાની કીર્તિનું શું? પાટણની પ્રતિષ્ઠાનું શું? મહારાજની આજ્ઞાનું શું?... પણ... પણ એ બધું ઠીક, મહારાજ, જે એના મિત્ર હતા તેમનું શું? દેવડીને એ એમ તો ન જ રોકે – કેવળ ખેંગાર ઘા મારી ન જાય માટે રોકે – પણ પછી – પછી શું? એના મિત્રનું શું? તેણે પોતાનો સંકલ્પ એણે આધારે દ્રઢ કર્યો.
‘ખેંગારજી તો ત્યાં ગયા છે – મહીડાને મળવા. અત્યારે આંહીં કેવા?’
‘મહીડાને મળવા નહિ, મહીડાને મારવા! રા’ની તો એ પ્રતિજ્ઞા હતી. પૂરી કરીને પોતે આંહીં આવવાના છે. કાં તો હમણાં આવ્યા દેખાડું!’
‘કેમ, મહીડો મારગમાં બેઠો છે?’
‘જોજનવા આઘે મળવાના હતા – સંકેત એ પ્રમાણે પોતે કર્યો હતો, એટલે મારગમાં જ નાં? ને જોજન મારગ સોનરેખને શા હિસાબમાં? કેમ કોઈ સૈનિક તમારી સાથે નથી? આમ રોકવા જતા હશો રા’ને?
દેવડીના અવાજમાં રહેલી ખડકની અડગતાએ કેશવને ઘડીભર તો મુગ્ધ કરી દીધો. પણ એને તરત સાંભર્યું કે આ નારીમાં રહેલી આ ગજબનાક અડગતા જ સર્વનાશ નોતરવા સમર્થ છે! જીવન-મૃત્યુના આ સમયે પણ જાણે કાંઈ જ ન હોય તેમ એ વાત કરી રહી હતી! અશ્રદ્ધા ને આશંકાથી પર એના અદ્ભુત વ્યક્તિત્વે કેશવને એક ઘડીભર તો આંજી દીધો.
‘ખેંગારજી ત્યાં આવ્યા હશે તો નજર તળે રહેશે. આ રાજમહાલયના માર્ગે અત્યારે કોઇથી જવાતું નથી. તમે બે પગલાં આગળ ભરશો એટલે પહેરેગીરો તમને અટકાવશે. આંહીંથી જ તમે પાછાં ફરો!’
‘કોને – મને પહેરેગીરો અટકાવશે? કેશવ નાયક! તમને હજી અનુભવ નથી. રા’ની સોનરેખ આવી રહી છે – અને હું મળવા જાઉં છું રા’ને! મને કોઈ ન રોકી શકે. ને શું કરવા રોકે? તમને ખબર છે કે રા’ કેમ આવ્યા છે?’
‘ના, કેમ?’
‘ત્યારે હું અત્યારે રા’ સાથે જૂનોગઢ જાઉં છું! રા’ એટલા માટે આવ્યા છે!’ દેવડીએ અત્યંત દ્રઢતાથી અને શ્રદ્ધાપૂર્વક ઉમેર્યું, ‘પાછા ફરવાનું તો તમારે હોય. તમારે મુંજાલ મહેતાને ને મહારાજને આ ખબર આપવા જોઇશે! તમારે કોટિધ્વજનો ઉપયોગ કરવો પડશે, નાયકજી! હજી વખત છે, એટલે પાછા તો તમે ફરો!’
હવે? દેવડીની વાત એટલી સહજ રીતે થતી હતી કે કેશવ એના એક પણ શબ્દને જાણે સમજી જ શક્યો નહિ, કારણ કે દેવડી પોતે ઊઠીને આવી વાત કરે – એ એણે એટલી તો અસંભવિત લાગી કે, ઘડીભર તો એણે આ કોઈ ભૂત એ રૂપે આવ્યું હોય એઈ શંકા થઇ ગઈ!
‘જુઓ, આ અવાજ, કેશવ નાયક!’ દેવડીએ અંધારામાં ધ્યાન ખેંચ્યું: ‘સંભળાય છે? શબ્દ કાને આવ્યો તમને? સંભળાય છે?’
કેશવ નાયકે કાન દીધા, અંધારા ઉપર ચડીને ચાલ્યો આવતો સોનેરી ઘૂઘરીઓનો મંદ અવાજ એણે કાને પડ્યો.
‘રા’ સોરઠના ચોરની પેઠે ન આવે, કેશવ નાયક! સોનરેખનાં સુવર્ણઝાંઝરનો ધીમો ઝંકાર પણ જુઓ, આ આવે! સાંઢણીને ગળે ઘૂઘરીઓ ઘમકતી હશે. આખે રસ્તે અંધારું જગાડતી સાંઢણી ચાલી જતી હશે. પાછળ વા’ર ચડી હશે. તીરની તો રમઝટ બોલતી હશે, નાયકજી! રજપૂતીનો એ રંગ તમારી કલ્પનામાં ન આવે! તમે કેશવ નાયક! હવે પાછા ફરો. આહીંથી જ પાછા ફરો. મારો રસ્તો તો આંહીં જ અટકે છે. રા’ની સાંઢણીનો અવાજ તો આ પાસે ને પાસે આવ્યો. તને સોનરેખની ઝડપની ખબર નથી લગતી!’
કેશવને શું બોલવું તે સુઝ્યું જ નહિ. હરપળે એની પોતાની સ્થિતિ મુશ્કેલ બનતી હતી. ને દેવડી માટે તો ભયંકર પરિસ્થિતિ ઊભી થતી હતી. એને સમયનો ખ્યાલ આવી ગયો. એક પળ પણ હવે ગુમાવવી એ આખી સંકલનાને છિન્નભિન્ન કરી સર્વનાશના બીજ વાવવા જેવું હતું. એણે દેવડીની રજપૂતી રંગની વાત ગમી ગઈ. પોતે એ રીતે વાત ઉપાડી શકશે.
એટલામાં તો એક બાજુથી આવતી સાંઢણી જરાક ઠમકીને ત્યાં જ ઊભી રહી. ઝડપથી રાણંગે એને ઝોકારી. કૂદકો મારીને રા’ નીચે આવ્યો: ‘દેવડી! તમે આંહીં ઊભાં છો? હાલો ત્યારે હવે ઉતાવળ કરો, સોનરેખ તો આવી ગઈ! એક પણ પળ હવે ખોવાની નથી – પડ આખું જાગતું લાગે છે! સારું થયું તમારો અવાજ મેં આંહીં જ પકડી લીધો!’
‘મહીડાનું શું થયું, રા’?’ દેવડીના દ્રઢ અવાજે કેશવના તંતુએ તંતુને ઝણઝણાવી દીધો. આ તો જુદ્ધની જ દેવી છે કે શું? અત્યારે મહીડાની વાત? ખેંગાર પણ એ પ્રશ્ન સાંભળતાં જ કાંઈક ભૂલ થઇ હોય તેમ થંભી ગયો. એણે ઊતાવળે જવાબ વાળ્યો: ‘હા, જુઓ ને, તમને કહેવાનું જ રહી જાતું’તું! મહીડો તો તળ રહી ગયો!’
‘મહીડો તો એકલો હશે નાં? આંહીંથી કોણ – રાયઘણજી તમારી સાથે આવ્યા’તા?’
‘રાયઘણજી મારી સાથે? રા’ને દેવડી, જીવનો એવો મોહ પડ્યો નથી. રાયઘણજી તો આંહીં હતા. પણ આ કોણ દેખાય છે. તમારી પડખે – આઘેરું! કોણ ઊભું છે?’
‘એ તો કેશવ નાયક છે!’ દેવડીએ શાંતિથી પ્રત્યુત્તર વાળ્યો.
‘કેશવ નાયક? કોણ – પાટણના સેનાપતિ છે તે? ત્યારે તો તમને એણે નજર તળે આંહીં આણ્યાં હશે! એમ છે?’ રા’નો અવાજ ધ્રૂજી ગયો. ‘પોતે આંહીં ખબર કાઢવા આવ્યા હશે મારી – એમ? બીજું કોણ છે? રાણંગ! સાંઢણી જરાક આઘેરી લે, ભા! થોડુંક પડ તો ખેલવા જોશે નાં!’
‘આ તો સેનાપતિ કેશવ નાયક છે, રા’! એની રજપૂતીનો રંગ એ જાણે છે. એ તો મહારાજને ખબર દેવા જવાના છે. એમની સાથે અત્યારે જુદ્ધ ન હોય. આંહીં એમની નજર તળે કોણ છે? તમને ભ્રમણા થઇ લાગે છે!’
‘ખેંગારજી! પડ આ જાવા દ્યો અત્યારે. પડ તો હજી લાબું છે. બે પળ પછી વાત આકરી લાગશે. મારું માનો તો અચાનક ઊપડી જાઓ!’
કેશવ અચાનક બોલ્યો. એનાથી એ પ્રમાણે અચાનક જ બોલાઈ ગયું. બોલાયા પછી તો એનો શબ્દેશબ્દ એને પાછો ખેંચવાનું મન થઇ આવ્યું, તેમ બીજી જ ક્ષણે એ પ્રમાણે બોલી ગયું તે જ સારું થયું એમ પણ એને લાગ્યું, કારણકે પળેપળ કીમતી હતી. કઈ ક્ષણે કોણ આવીને આંહીં ઊભું રહે, શી ખબર?’
‘ખેંગારજી! કેશવે વધારે સ્પષ્ટતાથી કહ્યું, ‘પાટણમાં હજી બધાએ ચૂડલા નથી પહેર્યા હોં! એક મહીડાને માર્યો એમાં તો એવું મોટું શું પરાક્રમ થઇ ગયું? પણ રાત હવે ગળતી આવે છે, તમારે જાવાનું આઘેરું છે. ભાગવું હોય તો ભાગો, હજી વખત છે. પછી ભાગતાં ભોં ભારે પડશે. આહીંથી આવવાવાળા આવશે – તમતમારે ઊપડો! આંહીં ક્યાં નામી ઘોડાં નથી? કોટિધ્વજ છે, પરમારનો કંઠીરવ છે – પછી તો જુદ્ધ ક્યાંક આંઈ જ થાશે!;
‘તો, ભા! ખાભિયું તો તમેય ખોડશો નાં? ભલેને માથાવઢ દુશ્મનાવટ રહી, પણ કાંઈ રજપૂતી વાંઝણી થઇ ગઈ છે? તમે ઢળશો તો રાજિયા તમારા અમે લેવરાવશું; અમરલોકમાંથી જોઇને તમે છક થઇ જાશો. ને અમે ઢળીએ તો, ભા, ખાંભિયું તમે ખોડાવજો! એમાં શું? ઈ તો રજપૂતીનો કોઈ કાલે ન ભૂંસાય એવો રંગ છે! બીજી ભાંગતા શી ભોં ભારે પડવાની હતી? હજી સમો છે – તમતમારે સૌને સાદ દેવો હોય તો દઈ દ્યો, ભા! કો’ તો રણશિંગું અમે ફૂંકાવીએ?’ ખેંગારને કેશવના શબ્દોનો બીજો કાંઈ મર્મ સમજાયો ન હતો. એણે તો એમાં રજપૂતીનો શુદ્ધ અનોખો રંગ જ દીઠો હતો.
પણ કેશવે તો હરપળે પોતાની સ્થિતિ વિષમ થતી જોઈ. રા’ આ જૂનોગઢનો ગાંડો હતો. તેણે ધીમેથી કહ્યું: ‘રા’! હવે જાવ, ભા! જાવ! હું ઠીક કહું છું. અવવાવાળા તમારી વાંસોવાંસ પગલું દબાવતા આવે છે! સોનરેખનો ગરવ પણ ગલી જાશે, ભા! ઊપડો હવે!’
‘કેશવ નાયકજી! રા’ને સોનરેખની આબરૂ ઉપરનો ઘા ભારે પડી ગયો. સોનરેખ ઉપર તો જૂનોગઢનું સિંહાસન મંડાણું છે, ભા!’
‘તે હશે. પણ હું ઠીક કહું છું, ખેંગારજી! તમારી રજપૂતીને હું માની રહ્યો છું. તમે સ્પષ્ટ કહી દીધું. મારી ફરજ મેં બજાવી. હવે જે સમય જાય છે – એ તો પછી, ખેંગારજી! હાથે કરીને તમે ઊલમાંથી ચૂલમાં પડો છો. તમને મારો જેવો કોઈ નહિ મળે!’
‘તો સોનરેખ આ ઊપડી, આવો, દેવડી! મા જુગદંબાએ મેર કરી છે.’
‘પણ રા’ મારા! હજી એક વાત તો રહી ગઈ, તેનું શું? જુદ્ધ તો રજપૂતો લેતા આવ્યા છે ને દેતા આવ્યા છે. પણ તમારી જશગાથા તો ચારણો ત્યારે ગાશે, જ્યારે આ એકલો, અરધી રાતે અંધારે, તમને વેણ માટે મળવા આવનારો મહીડો હંસરાજ તમારે હાથે ખાંભી પામશે! એ તમે તેમ પણ સામી છાતીએ વીરની પેઠે મર્યો. એના મરણને તો જીવતો નર નમે – રજપૂતી તો એમાં રહી છે. એ ખાંભી તો – હજી બાકી રહી, રા’! એનું શું? તે પે’લાં આંહીંથી જાશું તો કાળી ટીલી ચડશે!’
‘ખાંભી મહીડાની કરાવવી... કરાવવી... સાચું... તમે તો, દેવડી! ભલી યાદ દેવરાવી... આ સોનરેખ...’
રા’ને દેવડી – બંનેનાં મૃત્યુગીત કેશવને સંભળાયાં. તેણે ઉતાવળે કહ્યું: ‘રા’ ખેંગારજી! અમે પણ આંહીં શોણિતભીના વીરજુદ્ધનો મહિમા સમજીએ છીએ હોં! મહીડાની ખાંભી તો ખોડાશે – ને એવી ખોડાશે કે ત્યાંથી નીકળનારો બે ઘડી જોઈ રે’! એના ઉપર એક પથરો મૂકવાનો ન હોય. બર્બરક એણે કંડારશે. અને આ કેશવ પોતે મૂકી આવશે! સોમનાથ ભગવાનને નામે એ થાશે. પણ એને સમો લાગે! ઉતાવળે આંબા ન પાકે! બાકી મહીડાજીનું નામ પણ વણલખ્યું નહિ રહે!’ આ ગાંડું! જુદ્ધઘેલું, રસિક જુગલ હવે તો આંહીંથી ઝટ ભાગે તો સારું એવી ધારણાથી કેશવે કહ્યું.
દેવડી ધીમું મીઠું વહાલભર્યું હસી: ‘નાયકજી! તમે તો દિયરજી જેવા જ વીરત્વના પૂજારી લાગો છો! દિયરજી પણ એવા જ છે, કેમ, રા’? આમ કરતાંકરતાં ક્યાંક જૂનોગઢના થઇ જાવ નહિ!’
‘હા, ભા! આવો ને જૂનોગઢ... ગિરનારની છાયા જેણે જોઈ છે, એને તો પછી અમરલોક એની એઠ લાગે છે, ભા! દેવડી! કેશવ નાયકજીએ તો એવી રજપૂતી બતાવી છે કે એની અવગણના હવે નો’ય! હવે સમો જાય છે. સોનરેખ પણ ઉતાવળી થઇ છે. એણે એની આબરૂની પડી છે. હા, બાપ! હા, આ આવ્યાં!... લે!’
‘કેશવ નાયક!’ દેવડી બે પગલાં આગળ વધતાં જ પ્રેમથી બોલી, ‘જૂનોગઢ આવો તો મળ્યા વિના જતા નહિ હો!’ એણે કેશવની રજપૂતીનો રંગ કાંઈક ઔર જ લાગ્યો. તે પોતાનો પાલવ સંકોરતી, વીજળીના જેવી ત્વરાથી સોનરેખ પાસે આવીને ઊભી રહી. ખેંગાર કૂદી પડ્યો. તેણે હાથ લાંબો કરીને દેવડીને સાંઢણી ઉપર લઇ લીધી. સાંઢણી ઉપર એ ચડી-ન-ચડી ને ખેંગારે પાછળ બેસીને દોરી લીધી-ન-લીધી કે સોનરેખ, પોતાની હંમેશની ઢબે ઝડપ કરતીક ને ઊભી થઇ ગઈ.
‘રા!’ દેવડીએ પાછું વળીને રા’ની સામે જરાક મોં મલકાવ્યું. ‘તમે ભૂલકણા લાગો છો. દોરી લાવો મારી પાસે ને તમે તમારું કામઠું સંભાળો. તીર તો ભાથામાં ભર્યા છે કે, રાણંગ? પાટણવાળા પહોંચશે – કોક તો પહોંચશે નાં? – તો આખે રસ્તે રમઝટ બોલતી આવશે!’
‘જાદવકુળ તો પહેલેથી જ, દેવડી! એમ રમઝટ તીરના વરસાદમા પડતા પ્રેમરંગે રંગાતું આવ્યું છે! જૂનોગઢને ક્યાં આની નવાઈ છે? ડાઘ તો નામને બેસશે, જો કોઈ પાછળ ફરકશે નહિ તો! આવશે તો આબરૂ વધશે! ઉપાડી મૂકો ત્યારે સોનરેખને! બાપ! બાપ! સોનરેખ! જૂનોગઢની રાણી!’
દેવડીએ સાંઢણી હંકારતાં જ હાથ લાંબો કરીને ઉમળકાથી કહ્યું: ‘કેશવ નાયકજી! જૂનોગઢ આવજો, આવજો – ને ચોક્કસ મળજો. એમને એમ ભાગી જાતા નહિ!’
કેશવે બોલ્યા વિના માત્ર બે હાથ જોડીને માથું નમાવ્યું.
‘જે મા જુગદંબે! જે મા ભવાની!’ સોનરેખને જેવી દેવડીએ ઉપાડી કે રા’એ તરત દશે દિશા ગજવતું રણશિંગું ફૂંક્યું.
‘ઓય ગાંડો!’ કેશવ મોટેથી બોલ્યો, ‘પોતાનો નાશ પોતે લઇ જાય છે ને પાછું રણશીગું ફૂંકતો જાય છે!’
પણ કેશવના અવાજનો પડઘો શમે તે પહેલાં જ પાસે સળવળાટ થયો. કેશવ ભડક્યો. એ જ વખતે કાન ઉપર અવાજ આવ્યો.
‘અલ્યા, કોણ એ રણશિંગું ફૂંકતો ગયો? કોણ છે એ?’ મુંજાલનો મોટો કડક દ્રઢ અવાજ અંધારામાં ગાજી ઊઠ્યો. કેશવ મુંજાલને જોઇને સ્તબ્ધ જ થઇ ગયો.
‘એ તો હું છું, મહેતા! હું રા’! જય સોમનાથ! કે’જો તમારા જેસંઘ મહારાજને કે જૂનોગઢના માર્ગે સોનરેખ માથે દેવડી ગઈ છે! જે મા અંબા ભવાની!’
અંધારામાં રા’નો અવાજ સંભળાયો-ન-સંભળાયો ને કસોટીના કાળા પથ્થર ઉપર જેમ સોનાની રેખા થઇ જાય તેમ સોનરેખના બે-ચાર અંધારપ્રકાશી મહામોલાં નંગ ઝબૂકી ઊઠ્યાં... ને બીજી ક્ષણે તો એ અદ્રશ્ય થઇ ગઈ.