Featured Books
શ્રેણી
શેયર કરો

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 1

ધૂમકેતુ

પ્રવેશ

મહારાજ કર્ણદેવ સોલંકીએ પોતાની જીવનલીલા સંકેલી લીધી એને કેટલોક વખત વહી ગયો હતો. નવસારિકા, ગોધ્રકમંડલ, કચ્છ, લાટ અને સોરઠ જૂનોગઢ સુધી ફેલાયેલું ગુજરાતનું વિસ્તીર્ણ મહારાજ્ય એમણે પોતાની પાછળ મૂક્યું હતું. પણ કુમાર જયસિંહદેવ હજી કિશોર અવસ્થામાંથી બહાર આવી રહ્યો હતો. એના ઉપર ગુજરાત-આખાની નજર હતી. પરિસ્થિતિ વિકટ હતી અને વધુ વિકટ થતી જતી હતી. ગુજરાતની આસપાસના તમામ પડોશી રાજ્યો ઉપર અકસ્માત તે સમયના બળવાનમાં બળવાન ગણી શકાય એવા રણરંગી પુરુષો સત્તાસ્થાને હતાં. નાનકડા મહારાજ જયસિંહદેવને એમાં સ્થાન મેળવવાનું હતું અને ટકાવવાનું હતું. કર્ણાટક દૂર હતું, છતાં એણે લાટ ઉપર પોતાની નજર હંમેશને માટે રાખી જતી. કર્ણાટકમાં વિક્રમાંકદેવ (છઠ્ઠો) હતો. અંદરઅંદરના ભાઈભાઈના ઝઘડામાંથી હવે એ નિવૃત્ત થયો હતો. એનો નાનો ભાઈ જયસિંહ, જે લડાઈમાં ખરેખર સિંહ સમાન ગણાતો, તે એનાંથી હારીને ભાગી આવ્યો હતો. અને નવસારિકા પાસેના જંગલમાં રહ્યોરહ્યો, પોતાનું નાનકડું રાજ્ય સ્થાપવા મથી રહ્યો હતો. વિક્રમાંકે પોતાના દરબારના ખાસ ‘લાટ-કર્ણાટક સંધિવિગ્રહિક’ને એ દિશા તરફ નજર રાખવાનું કહ્યું હતું. વિક્રમાંક, જયસિંહ અને લાટ – એ ત્રણે આમ પાટણ માટે પ્રશ્નરૂપ બન્યાં હતાં. ગમે તે ક્ષણે, જરાક જેટલી ભૂલ જો લાટનો દંડનાયક કરી બેસે, તો કર્ણાટકના સામંતો તૈયાર જ હતાં. આ પાટણનો પહેલો મહાબળવાન અરિ. દૂરનો એટલે તાત્કાલિક ધ્યાન ન ખેંચે, પણ જો લાટનો દંડનાયક જરા જેટલું ગોથું ખાઈ જાય, તો એને સપડાવે. એમાં થોડું આશ્વાસન હતું. લાટનો દંડનાયક મહાઅનુભવી ત્રિભુવનપાલ હતો. અને કર્ણાટકના વિક્રમને બે દુશ્મનો એવા મળ્યા હતા- ચોલપ્રદેશનો કુલોત્તુંગ ચોલ અને દ્વારસમુદ્રનો વિષ્ણુવર્ધન – કે એને આ તરફ નજર નાખવાનો સમય જ રહેતો ન હતો, છતાં એ લાટ તરફનો જીવતો-જાગતો હંમેશનો બળવાન અરિ તો ખરો જ. કુમાર જયસિંહદેવનો સગો માસો, પણ રાજલોભની એની મહત્ત્વાકાંક્ષા તો એવાં હજાર સગપણ ઘોળીને પી જાય. 

બીજો દુશ્મન હતો અવંતીનાથ. પાટણ અને માલવા તો હંમેશનાં પ્રતિસ્પર્ધી રહ્યાં. કર્ણદેવ બાખડ્યા એને ઠીક વખત પણ થઇ ગયો હતો. અને પાંચ, દસ, પંદર, વીસ વર્ષે એ પણ ફરીફરીને જાગ્રત રહેતું. હમણાં ત્યાં ઉદયાદિત્યનો પુત્ર લક્ષ્મદેવ હતો. એણે બંગદેશના ગજરાજો પોતાને ત્યાં આણ્યા હતાં – દ્રમ્મ ખરચીને નહિ, રણભૂમિ જગાવીને. એણે કલિંગને હંફાવ્યું હતું; કલચુરીને છિન્નભિન્ન કર્યું હતું: વિક્રમાંકદેવ જેવાને પણ એની મૈત્રીની જરૂર જણાતી હતી. એને ગર્જનકોને આગળ વધતા અટકાવ્યા હતાં. ભારતભરમાં એની ખ્યાતિ હતી – એ જમાનાના વીરમાં વીર અજિત રણયોદ્ધા તરીકેની, અંગ, બંગ, કલિંગ, દ્વારસમુદ્ર, તામ્રલિપ્તિ અને છેક સિંહલદ્વીપ સુધી એની નામના હતી – રાજા કરતાં પણ વધારે તો મહાન રણયોદ્ધા તરીકેની. એ લડવા ઊતરતો ત્યારે લાગતું કે એક લાખ યોદ્ધા લડવા ઊતર્યા છે. એનો જીવન આનંદ જ યુદ્ધમાં, રણમાં, રણકીર્તિમાં રહ્યો હતો. રજપૂત યોદ્ધો લક્ષ્મદેવ મૃત્યુ પામે, પછી માલવાનો પરમાર રાજા લક્ષ્મદેવ તો એનો નિર્જીવ પડછાયો-માત્ર જ જોઈ શકે, એવી ઊંચી ખમીરવંતની રણભાવનાથી એણે પોતાનું નામ ભારતવિખ્યાત બનાવ્યું હતું. પાટણ ઉપર આવવું એ એને માટે માત્ર સમયનો પ્રશ્ન હતો, સાધનનો કે સામર્થ્યનો નહિ. વિક્રમાંકદેવના મિત્ર તરીકે એ કાંચીના ચોલ અને દ્વારસમુદ્રના હોયશલ સામે યુદ્ધમાં સંડોવાયો ન હોત, તો તક મળતાં જ, એના બળવાન ગજસૈન્યે ક્યારની પાટણની દિશા પકડી હોત, પણ એ દક્ષિણમાં સંડોવાયો, દ્વારસમુદ્રની પાસે અતિ ભયંકર યુદ્ધ થયું, ત્યાર પછી એનું શું થયું એ અંધારામાં હતું. રણમાં પડ્યો એમ કહેવાતું. અત્યારે એનો નાનો ભાઈ નરવર્મદેવ તંત્ર ચલાવી રહ્યો હતો.

નરવર્મ પાટણ ઉપર આવવા માટે ક્યારનો તલપાપડ થઇ રહ્યો હતો. મહાન ભોજરાજના પરાભવનું કલંક ભૂંસી નાખવાનો એનો નિર્ધાર હતો. એટલે પાટણને એ દિશાનો રાતદિવસનો ભય હતો.

એક ત્રીજો દુશ્મન પણ હતો – માલવા જેવો મહાન નહિ, પણ માલવા કરતાં વધારે ભયંકર – જૂનોગઢનો રા’. રાજવિસ્તારમાં કે સૈન્યસંખ્યામાં એ માલવાનું નાનું બચ્ચું પણ નહિ, પરંતુ જૂનાગઢના રા’ માત્ર ગિરનારના ભૈરવી ખડક જેવા અણનમ, અડક અટંકી – પાંચ વરસના બાળકથી માંડીને પંચાણું વરસના ડોસા સુધી! જૂનાગઢના રા’ની પ્રણાલિકા જ એવી કે રાંગમાં ઘોડું હોય અને હાથમાં ખડ્ગ હોય એટલે પછી થઇ રહ્યું, ભગવાન સોમનાથનું એમને શરણું. પછી કોઈ એ માથું ન નમે તે ન જ નમે. અત્યારે તો વળી ત્યાં વૃદ્ધ રા’નવઘણ હતો. એ ડોસો અણનમ યોદ્ધો તો હતો જ, પણ ઝેરી નાગણના ડંખનેય ભુલાવી દે એવો વેરપ્રણાલિકાનો રાખણહાર પણ હતો, એ તો કહેતો કે જે વેર ભૂલે એ કોઈ માણસ નહિ, મડદાં. એની પડખે એનો જુવાન પુત્ર હતો – ખેંગાર. એ વળી એના કરતાં ચાર ચંદરવા ચડે એવો હતો. ડોસાની વેરપ્રણાલિકાને એ એવી તો વીરછટાથી કાવ્યમય બનાવી દેતો કે દેશભરમાંથી એના નામનો ગુંજારવ ભભૂકી ઊઠતો. હજી તો એ ઊગતો જુવાન હતો, પણ જુવાનીમાં જ એણે એટલી બધી ઐતિહાસિક નામના મેળવી લીધી હતી કે સોરઠી જુવાનમાત્રનું એક જીવનસ્વપ્ન થઇ પડ્યું કે લડવું તો ખેંગારની પડખે ને મરવું પણ એની જ પડખે. સ્વર્ગની અપ્સરાઓના વૃંદ જાણે એની આસપાસ ફરતાં રહેતાં. એને પણ પાટણમાં કાંઇક કરી દેખાડી દેવાનો અભિલાષ હતો: કાંઇક નામના કરવી હતી.

આ પિતાપુત્રની જોડી વધારે ભયરૂપ હતી. એનું એક બીજું કારણ પણ હતું. માલવા દૂર રહ્યું – બહારથી આવે ત્યારે, પણ આ તો રહ્યા પાટણના સગાં: અંદરનાં અને બહારના પણ. રાણી ઉદયમતી અત્યારે અતિવૃદ્ધાવસ્થાથી અંતિમ પળો ગણી રહી હતી, ત્યારે એનો ભાઈ મદનપાલ, કર્ણદેવના મૃત્યુ પછી તો ખાસ, પાટણમાં જ એક કોયડા જેવો બની ગયો હતો. જૂનાગઢ માટે તો એ છાનીછપની રીતે જે કરવું હોય તે ભલે કરે, એની સંભાળ પણ લેવાય, પરંતુ આ તો ખુદ પાટણનગરીમાં – રાજધાનીમાં જ – એની રંજાડ થાય, એ વસ્તુ અસહ્ય હતી. એને ઉખેડવા જતાં અત્યારે અસમયે કદાચ આંતરકલહ ફૂટી નીકળે. જૂનાગઢનો રા’ વેર બાંધી બેસે. વખતે સૌ પાડોશીઓને ઊઠવા માટે એ સંકેત થઇ જાય. એને શી રીતે દૂર કરવો એ એક પ્રશ્ન થઇ પડ્યો. વધુ તો એટલા માટે કે રાજમાતા મીનલદેવી પણ મહારાણી ઉદયમટીની ભૂતકાલીન ગૌરવભરી ઉપકારકથા સંભારીને, અત્યારે એમની મૃત્યુશય્યાને જરા જેટલો પણ આઘાત આપવા તૈયાર ન હતાં. એટલે મદનપાલ પાટણનો એક કોયડો બની ગયો. એનો ઉકેલ કેમ કરવો એ મહાઅમાત્ય માટે પ્રશ્ન થઇ પડ્યો.

આટલી વિકટ પરિસ્થિતિ ઓછી હોય તેમ એક નવો, વિચિત્ર, ગૂઢ ભય હમણાંહમણાં સામે આવીને ઊભો રહ્યો હતો.

સિદ્ધપુરનાં અને પાટણના સરસ્વતીજલમાંથી વારંવાર દશે દિશા વીંધી નાખતા ભયંકર રાક્ષસી અવાજો આવવા લાગ્યા હતા.

આ અવાજ કોણ કરે છે એની કોઈને સમજણ ન પડી. ગુપ્તચરો પણ નિરાશ થયા. પાટણનગરી આખી શાંત નિંદ્રાને ખોળે પડી હોય, જળ પણ જંપી ગયાં હોય અને અચાનક એવો ઘર્ઘર, કર્કશ, ભીષણ, તીક્ષ્ણ અવાજ – જાણે જળમાંથી ઊઠતો હોય  એવો – ઊઠે કે નદી ઉપરનાં પશુ, પંખી અને ઝાડ પણ ભયથી થરથર ધ્રૂજી ઊઠે. સિદ્ધપુરના રુદ્રમહાલયી મંદિરોમાં બ્રાહ્મણો ને વિદ્વાનો શાસ્ત્રચર્ચા કરતા હોય, શ્રેષ્ઠીઓની નૌકાઓ ચાંદનીવિહારમાં નીકળી હોય અને અચાનક ભૂગર્ભમાંથી આવતો હોય એવો ભયંકર રાક્ષસી અવાજ ઊઠે – તીણો, અમાનુષી લાંબી લંબાતી ચીસ જેવો – કે એક ઘડીભર તો સૌના ગાત્રમાત્ર થથરાવી દે. 

કોઈ ભયાનક જંગલી ટોળીનો સરદાર સારસ્વમંડલમાં આવી ચડ્યો હોય ને ઠેરઠેર જાણીજોઈને ભય ફેલાવવા પ્રયત્ન કરતો હોય એમ લાગવા માંડ્યું.

થોડા દિવસમાં તો આ ત્રાસજનક ગૂઢ વસ્તુએ લોકમાનસનો પણ કબજો લઇ લીધો. હરપાળ મકવાણાએ એક વખત વશ કરેલો મહાભયાનક બર્બરક પોતાનું જૂનું વેર લેવા બહાર આવ્યો છે, એને આંતરદેશના રાજાનો ભાઈ નરવર્મદેવ મદદ કરે છે, એની પાસે ભયંકર રાક્ષસી સિદ્ધિ છે, એણે મા કાલિકાના ખપ્પરમાં સ્વહસ્તે નરશોણિત રેડ્યું છે અને માએ પોતાના હાથે, એને અજિતાસિદ્ધિનું કંકણ પહેરાવ્યું છે – આવીઆવી અનેક વાતો હવામાં ઊડવા માંડી અને ભયને સહસ્ત્રગણો વધારવા માંડી.

સિદ્ધપુરમાંથી સમાચાર આવ્યા કે બર્બરકે હવે માઝા મૂકી છે. ક્યાંય નામનિશાન ન હોય ને અચાનક લોકો ભયથી ધ્રુજીને નાસભાગ કરી મૂકે. બર્બરક જાણે જળમાંથી બહાર આવતો દેખાય અને પળ-બે પળમાં તો એ પાછો અદ્રશ્ય પણ થઇ જાય. સિદ્ધપુર-આખું તળેઉપર થઇ રહ્યું. ક્ષોત્રિય બ્રાહ્મણો અને વિદ્વાનો ભયગ્રસ્ત થઇ ગયા. સત્તાધિકારીઓએ આ કોયડાનો ઉકેલ હાથ કરવા આકાશપાતાળ એક કરવા માંડ્યા. બર્બરકને સામે મોંએ યુદ્ધમાં આવવાનું મન થાય એવી કાંઈ ને કાંઈ યુક્તિ વિચારી રહ્યા, પણ સઘળું વ્યર્થ.

જયસિંહદેવને આ ખબર પડી ને એનો દિવસનો આનંદ ઊડી ગયો અને રાતની નિંદ્રા ઊડી ગઈ. કુમાર રાજાને ચિંતા થઇ પડી કે બર્બરક માનવ હોય કે અતિમાનવ, પણ જો એની સામે એ પોતાની પ્રજાને રક્ષી ન શકે તો પછી એ રાજા શાનો? કોઈ સોલંકીની થઇ ન હતી એવી આકરી કસોટી એની થઇ રહી હતી. એમાંથી એને પાર પડવું હતું. બર્બરકનો પ્રશ્ન વધુ ને વધુ ગૂંચવણભર્યો થતો ગયો.

જુવાન રાજાની સમક્ષ વીર વિક્રમનું અને એનાં અમાનવીય પરાક્રમોનું કાવ્ય ખડું થઇ ગયું. આ બર્બરક અમાનવ હોય તો અમાનવ, અતિમાનવ હોય તો અતિમાનવ ને માનવ હોય તો માનવ, પણ એણે પોતે જ એને વશ કરવો રહ્યો. કોઈ ન જાણે તેમ ઘણી વખત અંધારઘેરી રાતે એ એકલો સરસ્વતીના કિનારા ઉપર ફરવા નીકળી પડતો – એટલા માટે કે બર્બરકને હાથોહાથ યુદ્ધ આપવાના એને કોડ જાગ્યા હતાં. ભયાનક દ્રશ્યોથી એ પોતાના અશ્વ કોટિધ્વજને પરિચિત કરવા માંડ્યો. વજ્જરના ઘા ઝીલી શકે ને વાળી શકે એમ પોતાના શરીરને આકરામાં આકરી કસોટીમાં એ મૂકવા મંડ્યો.

સરસ્વતીનાં જળ થંભી જાય, માણસ, પશુ, પંખી, ઝાડપાન જંપી જાય, સરસ્વતીની રેતી પણ સૂઈ જાય ત્યારે અંધારામાંથી નીકળતો હોય એવો અનેક અંધારપડછાયો નદીના કિનારા ઉપર ફરતો દેખાતો. એ જ બર્બરક છે એ ભયગ્રસ્ત લોકોએ માન્યું. એ જ જયસિંહદેવ પોતે છે એમ જાણકારોએ માન્યું. નગરમાં કર્ણોપકર્ણ વાત ચાલી. મહાઅમાત્ય સાંતૂએ જાણ્યું. એને આનંદ, આશ્ચર્ય ને ચિંતા થયાં. રાજમાતાએ જાણ્યું, એનો એકનો એક દીકરો, છાતીનો વધુ આગળપડતો, એટલે એમનો જોવમાં જીવ બેસી ગયો. એમણે તો ગામેગામ, દેશપરદેશ, નગરેનગર – છેક સેઉણદેશ ને કર્ણાટક-કોંકણ સુધી સંદેશવાહકોને ગુપ્તચરો મોકલી આપ્યા. શક્તિમાતાનો કોઈ ઉપાસક મળી જાય તો એને પાટણમાં લઇ આવવાની આજ્ઞા થઇ. એ મહારાજનો રણપ્રતિહારી જમણો હાથ થઇ રહે. એને ગામગરાસ અને વર્ષાસન મળે.

અનેક સાહસિક વીરોને, ઠગોને, રણયોદ્ધાઓને અને શેઠોને પાટણે આકર્ષ્યા.

દિવસ ઊગ્યે સેંકડો નવા માણસો પાટણમાં આવવા માંડ્યા.

હજી સુધી તો એનામાંથી કોઈનામાં રામ જણાયા ન હતા.

સોરઠના રા’નો એક કુમાર હતો. ચંદ્રચૂડ એનું નામ. એ માતાનો પરમ ભક્ત કહેવાતો. સોરઠના રા’ને બોલાવવા માટે પણ એક પવનવેગી દૂત ગયો હતો.

એટલામાં એક તદ્દન નવી જ ઘટના બની.

પાટણના પ્રખ્યાત લીલા વૈદને મદનપાલે માર્યો ને દ્રમ્મ કઢાવ્યા એ વાત ચર્ચાવા માંડી. ભિષગ્વરે સ્વમાનની ખાતર કોઈને વાત તો ન કરી, પણ પોતાની ખડકી જ બંધ કરી દીધી. અરધે વેણે જિંદગીભર રોગીને ત્યાં દોડી જનારો વિખ્યાત વૈદ, કોઈ આવે તો આગળિયો ઉઘાડે, ડોકું  બહાર કાઢે, પછી ધીમેથી પ્રત્યુત્તર વાળે: ‘લીલો હવે મરી ગયો છે, ભાઈ! જાઓ, બીજે જાઓ.’

અને મદનપાલે દ્રમ્મ કઢાવ્યા પછી તેરમે દિવસે લીલો વૈદ ખરેખર મરી ગયો.

જયસિંહદેવને કાને આ વાત આવી. મદનપાલ કોઈ મહાન દુશ્ચક્રનો પાટણ ખાતેનો આછો પડછાયો માત્ર હોય ને પડછાયાને હલાવતાં દુશ્ચક્ર આખું પાટણ ઉપર તૂટી પડે એવો ભય હોય તોપણ જયસિંહદેવે એ ભયને નોતરવાનો નિર્ણય કરી લીધો.

રા’ આવે પછી પગલું ભરતાં વાર લાગે, એટલે એણે તાત્કાલિક નિર્ણય કરી લીધો.

એણે કેશવને બોલાવ્યો.

એ પાટણનો સ્થાનિક સેનાનાયક હતો, જુવાન હતો, જયસિંહનો વિશ્વાસુ હતો. બર્બરક સામે એક સહસ્ત્રની નવીન જ પ્રકારની સેના તૈયાર કરવાની એની યોજના હતી.

‘કેશવ! રા’ આવે તો ભલે આવે,’ જયસિંહદેવે કહ્યું, ‘પણ એ એકલો જ આવે એ જોવાનું છે. સૈન્ય એનું આવે નહિ!’

‘એનું સૈન્ય નહિ આવે, મહારાજ! રા’ એકલો જ આવે છે. સમાચાર આવી ગયા છે. સૈન્ય એનું હજી ભાલમાં પડ્યું છે.’

‘ને કોઈ એક જગદેવ આવે છે...?

‘સાંભળ્યું છે, પ્રભુ! જગદેવ પરમાર એનું નામ. ખરેખર વિખ્યાત છે. ભૃગુકચ્છથી આ બાજુ આવી રહ્યો છે. પણ હજી સુધી આવ્યો નથી.’

‘એ આવે તો... એને રાજગઢમાં લાવવો... ને કાલે સવારે તું મદનપાલની હવેલી પાસે જ ફરતો રહેજે...’

કેશવ નમન કરીને ગયો.

પણ મહારાજ જયસિંહદેવને એ રાતે નિંદ્રા આવી નહિ.

તે રાતે પાટણમાં આવનારા આ નવા આગંતુકોના પ્રવેશથી આ નવલકથા આગળ વધે છે. 

************


મને હવે ભૂલી જાઓ, પંડિત!

સરસ્વતીનદીનાં જળ થંભી ગયાં હતાં. મધરાતનો સમય હતો. કાજળઘેરો રાત્રિનો અધિકાર જામ્યો હતો. ખેતર-કોતરમાં શિયાળિયાં રોતાં હતાં. ઝાડના ઠૂંઠાં ઉપર ઘૂ ઘૂ ઘૂ કરીને ઘુવડ એવું બોલતાં હતાં કે એ સાંભળતાં જ આદમીની છાતી બેસી જાય. આમલીની ઘાટી ઝાડીમાંથી ચીબરીની ભયંકર ઉતાવળી ચીસો આવતી હતી. નદીના તીરપ્રદેશનો વિસ્તીર્ણ રેતીપટ એકલો અંધારામાં, જાણે કોઈ ભૂતાવળ સૂતી હોય એવો, ચારે તરફ એકદમ નિ:સ્તબ્ધ પથરાયેલો પડ્યો હતો. નદીમાં ક્યાંય નૌકા ન હતી, દીપ કે તાપણું ન હતું. કોઈ પદ્મિનીના પાલવને ધોવા આવનારો મધરાતી ધોબી પણ ન હતો. સર્વત્ર અંધકાર, અંધકાર ને કાળો અંધકાર જામી પડ્યો હતો. અને એ અંધકાર પણ જાણે નિંદ્રામાંથી હીબકેહીબકાં ભરતા ભયગ્રસ્ત બાળકની માફક હીબકાં ભરી રહ્યો હતો. વજ્જરની છાતી હોય તોપણ ધડકી ઊઠે એવી ભયાનક નીરવતા ચારે તરફથી બોલી રહી હતી. એટલું જ નહિ, ગાત્ર-માત્ર થંભાવી દે એવી રીતે એ નીરવતા બોલી રહી હતી.

એવે સમયે પાટણનગરીની બહાર, સરસ્વતીનદીને સામે કાંઠે, નિર્જન એવા પ્રદેશમાં એક અવાવરુ જૂના શિવાલય પાસે બે ઘોડેસવાર આવી પહોંચ્યા. એક કંઇક પ્રૌઢ ગણાય એવો જુવાન હતો, બીજો વૃદ્ધાવસ્થામાં પ્રવેશતો હતો. બંનેની પાસે જાતવંત ઘોડા હતાં. દેખીતી રીતે જ અત્યારે નગરમાં જવાય એવું નથી એમ જાણીને એમણે આ નિર્જન પ્રદેશને રાતવાસા માટે પસંદ કરી લીધો હતો.

‘આપણે મોડા પડ્યા, લોલાર્ક! બાકી કંઠીરવે ખેંચવામાં તો મણા નથી રાખી, પવનની પેઠે આવ્યો છે.’

બેમાંથી જુવાન જેવો હતો તે ઘોડા ઉપરથી નીચે ઊતરતાં બોલ્યો. નીચે ઊતરીને એણે ઘોડાની પીઠ થાબડી. એની કેશવાળીને પ્રેમથી થોડી વાર પંપાળતો રહ્યો: ‘બેટા! કંઠીરવ!’ 

જાતવંત ઘોડો સવારની વાત સમજી ગયો હોય તેમ જરાક ગૌરવભર્યો હણહણાટ કરીને પાછો શાંત ઊભો રહ્યો, એટલી વારમાં લોલાર્ક ઘોડેથી નીચે ઊતર્યો હતો. તે નગર તરફ જોઈ રહ્યો હતો. થોડી વાર પછી તે બોલી ઊઠ્યો: ‘પ્રભુ! આ નીચે તો જુઓ! આવડી મોટી નદી છે પણ જાણે ભેંકાર ભરખી ગયો હોય એમ એમાં નથી ક્યાંય તાપણું, નથી ક્યાંય ઉજાસ, નથી કોઈ અવાજ! આ તે શું? સામે નગરી પણ અંધકાર જેવી સૂમસામ પડી છે. કાંઈ થયું લાગે છે! આપણે ભૃગુકચ્છમાં સાંભળ્યું હતું તે સાચું જણાય છે!’ લોલાર્કે બતાવ્યું હતું તે તરફ જુવાને જોયું. એને પણ આશ્ચર્ય લાગ્યું. પછી એ ચારે તરફ શિવમંદિરમાં આંટો મારી આવ્યો: ‘અપૂજ રહેતું લાગે છે, લોલાર્ક! આપણે અહીં ઓટલા ઉપર જ ક્યાંક ધામા નાખીએ. તે પહેલાં અંદર જરાક નજર કરી લ્યો, કોઈ બેઠું તો નથી ને? રાત જેવું ધાબું છે.’

લોલાર્ક અંદર આંટો મારવા ગયો. એક-બે ચામાચિડીયાં ઊડી ગયાં.

‘કોઈ લાગતું નથી મહારાજ!’

‘થયું ત્યારે, જોયું સારું. ક્યારેક ભીંતને પણ કાન ઊગી નીકળે છે. આપણે બે દી ગાળવા હોય એટલામાં મફતની ઉપાધી વહોરવા જેવું થાય. પણ આપણે આપણી વાત નક્કી કરી લઈએ. આપણે જાણે વહેલી સવારમાં જ પાટણમાં પેસી જવું છે... પણ ચાલો પહેલાં પથારી તો પાથરો, પછી પડ્યાપડ્યા વાત કરીએ.’

લોલાર્કે ઘોડા ઉપરથી ગાદીઓ ઉઠાવી, તંગ ઢીલો કર્યો, પછી ફરીને શિવાલયમાં આસપાસ આંટો માર્યો. પાછળ આમલીના ઝાડ નીચે એણે થોડું વેરણછેરણ ઘાસ પથરાયેલું જોયું. તે ફરીને પાછો આવ્યો.

‘પાછળ ઘાસ પડ્યું છે ને ઘોડા બંધાય એવું છે, નિર્જન દેખાય છે તોપણ કોઈને કોઈ આવી રાતવાસો કરતા લાગે છે. એ બાજુ ઓટલા પણ વધારે ચોખ્ખા છે.

લોલાર્કે પથારી ઉપાડી. બંને જણા પાછળના ભાગમાં ચાલ્યા. થોડી વાર કોઈ બોલ્યું નહિ. પાછલે ઓટલે તેઓ પહોંચી ગયા.

‘ભૃગુકચ્છમાં આપણે સાંભળ્યું હતું તે સાચું જણાય છે, લોલાર્ક! નગરી આખી જાણે શેહમાં પડી ગઈ છે. મને હવે અત્યારે એક વિચાર આવ્યો છે. હજી સુધી તો આપણને કોઈએ ઓળખ્યા નથી ને હવે તો કોઈ ઓળખે એવો સંભવ પણ નથી. રખડપટ્ટીથી – લાંબા સમયની રખડપટ્ટીથી – ગમે તેવો માણસ પણ બદલાઈ જાય છે. પેલા ચોલપ્રદેશના લાંબા જંગલનિવાસે પણ ઘણો ઉપકાર કર્યો ઘઉંવર્ણ ચાલ્યો ગયો અને મને માતા કાલીના ઉપાસકને જે રંગ શોભે એ જ રંગ મળી ગયો છે. છતાં આ તો પાટણનગરી છે. આંહીંના ગુપ્તચરો બહુ ચતુર ગણાય છે. ને કે’ છે જયદેવ પણ ગમે ત્યાં ફૂટી નીકળે એવો છે. એટલે ચેતતા નર સદા સુખી. આપણે જેટલા દિવસ આંહીં રહેવું, એટલા દિવસ બહુ જ સાવધ રેવું. આપણે બે જ જણા જોઈએ એવી પાકી ખાતરી હોય ત્યારે પણ, “લોલાર્ક” ને “મહારાજ!” એવા સંબોધનમાં વાત જ નહિ. એ વખતે પણ તમે પંડિત રુદ્રદેવ અને હું પરમાર જગદેવ... અને હવે તો વખત પણ થઇ ગયો છે,’ તેણે કાંઇક ધીમેથી ઉમેર્યું, ‘કે જ્યારે પંડિત! રાજા લક્ષ્મદેવના મૃત્યુસમાચારે ચોક્કસ રૂપ પકડવું જોઈએ. નરવર્મદેવ તો જ પોતાની રાજનીતિ ઘડી શકે, નિશ્ચયાત્મક પગલાં પણ ભરી શકે, લક્ષ્મદેવ હવે મરણ પામ્યા છે. હું તો જગદેવ પરમાર. મને હવે એ જ છાજે. કેમ બોલ્યા નહિ, પંડિત?’

‘પ્રભુ!’ લોલાર્ક બોલ્યો, પણ એના અવાજમાંથી ઘેરો વિષાદ ઊઠતો લક્ષ્મદેવે અનુભવ્યો. ‘પ્રભુ! આપણે તો હવે આંહીં રોકાવું જ નથી. કાલે વહેલા પ્રભાતે માલવાનો પંથ પકડવો છે!’ મુંજ મહારાજને તો દક્ષિણે ભરખી લીધા હતાં, પણ મહારાજ! મને અભાગીને આટલું ભાગ્ય તો પ્રાપ્ત થવા દો કે હું અવંતીને મહારાજનાં ફરીને દર્શન કરાવી શકું! અવંતી-આખી તળે ઉપર થઇ રહી છે, પ્રભુ! તમને નિહાળવા...’ તેણે અત્યંત ધીમેથી કહ્યું.

‘તમે એક વાર ફરીને જોઈ તો લ્યો, લોલાર્ક... કોઈ ક્યાંય પડ્યું તો નથી નાં?’

લોલાર્ક વળી એક આંટો મારી આવ્યો: ‘કોઈ નથી, પ્રભુ!’ આવીને એણે ગાદી પાથરી, બધું ઠીકઠાક કર્યું, પછી ઘોડા બાંધ્યા. ઘાસ પણ નીર્યું. પાછો આવીને ગુપચુપ લક્ષ્મદેવની સામે બેસી ગયો. થોડી વાર સુધી બેમાંથી કોઈ કાંઈ બોલ્યું નહિ. મંત્રીના હ્રદયમાં શલ્ય જેવો ભાર હતો. લક્ષ્મદેવના હ્રદયમાં મર્મચ્છેદી વિષાદ હતો. અંતે લક્ષ્મદેવ બોલ્યો: એના અવાજમાં રહેલી કરુણતાનો ઘેરો નાદ લોલાર્કે ઓળખ્યો ને તે માથું ઢાળીને સાંભળી રહ્યો.

‘લોલાર્ક! હું સમજી શકું છું તમને શું થાય છે તે... તમે મને નાનેથી મોટો કર્યો. તમે જ મને દોર્યો. તમને જે થાય તે કોઈને ન થાય. પણ પંડિતજી! કેટલીક વખત યોદ્ધાઓ અનંત અંધકારમાં જઈને જે જીવન જીવે છે, એ એમનું જીવન એમની સઘળી યશગાથાઓ કરતાં પણ વધુ તેજસ્વી, વધુ સુંદર અને વધુ ગૌરવશીલ બને છે. માલવાનો રાજા લક્ષ્મદેવ અજિત હતો તે અજિત જ રહ્યો એમ વાત ફેલાણી છે. અને એક કોઈ જગદેવ પરમારની હવા ચાલી છે. હવે તે ચાલવા દ્યો, ફેલાવા દ્યો. તમે પાછા અવંતી જાઓ. હું તો આંહીંથી સોમનાથ જઈશ! હવે તમે મારી સાથે હેરાનગતિ ભોગવવી રહેવા દ્યો. તમારી ઉંમર પણ થઇ છે. તમે મને ઘણો સાથ દીધો. હવે તમે અવંતી જાઓ.’ 

‘જો એમ જ કરવું હોય પ્રભુ!’ લોલાર્ક બોલ્યો, એના અવાજમાં આંસુ હતાં, ‘તો-તો જ્યાં તમે ત્યાં હું. લોલાર્ક પણ મૃત્યુ પામ્યો છે! હું પણ તમારી ભેગો સોમનાથ આવું!’

‘ના-ના, એવું ન થાય. તમારે છોકરાં છે, છોકરાંનાં છોકરાં છે. સૌ હંમેશાં તમારી રાહ જોતાં હશે. એમને તમારા પાછા આવવાની હજી આશા હશે. એના ઉપર મારે ઠંડું પાણી રેડવું નથી. તમારે તો જવું જ રહ્યું... અને મારે? મારે  શું છે? ત્યાં કોણ છે? માલવ્યદેવી હતી એને તો બંગમાં મોકલી દીધી. હવે કોણ છે? મને અજિત રાખવો તમારા હાથમાં છે. તમે અંધકારમાં મારી સાથે આવો એવું હવે હું ઈચ્છતો નથી. તમે ઘણું કર્યું, હજી ઘણું કરશો. હવે તો નરવર્મને દોરો. તમે છો, હરદેવ છે... મને હવે ભૂલી જાઓ, પંડિત!’ લક્ષ્મદેવનો અવાજ જરાક ધ્રૂજ્યો. પ્રસંગ ગંભીર હતો અને રાત્રિના આવા નિર્જન એકાંતમાં એ વધારે ગંભીર લાગતો હતો. જ્યાં સુધી તેઓ માલવાથી દૂર હતા ત્યાં સુધી તો ઠીક, પણ આજે એમનાં અંતરમાં ભૂમિનો પ્રેમ જાગ્યો હતો.

માલવરાજ લક્ષ્મદેવ જ્યારે  યુદ્ધ માટે દક્ષિણમાં ગયા ત્યારે અંગ, બંગ, કલિંગના વિજેતા તરીકેની એમના નામ પાછળ ભારે યશસ્વી જીવનકથા વણાયેલી હતી. એ પોતાના જીવનમાં જ અરધોપરધો કોઈ અદભુત દંતકથાના અજિત યોદ્ધા સમો બની ગયો હતો. એ અજેયતા એના જીવનમાં એવી તો વણાઈ ગઈ હતી કે જ્યારે એ દ્વારસમુદ્રના યાદવ રાજકુમારો વિષ્ણુવર્ધન, વીરબલ્લાલ અને ઉદયાદિત્ય સામે હાર્યો – ભલે કલ્યાણના ચૌલુક્ય વિક્રમાદિત્યના સાથી તરીકે હાર્યો – ત્યારે એ પરાજય એને પોતાને માટે તો મૃત્યુના ઘા જેવા થઇ પડ્યો. રણક્ષેત્રમાં અડગ રાજકુમાર વીરબલ્લાલનો અશ્વ એના ગજરાજ સામે ઊડ્યો હતો. એ દ્રશ્યના હજારો સૈનિકો સાક્ષી હતા. ત્યાર પછી લક્ષ્મદેવ હણાયાની બૂમ ઊઠી. રણક્ષેત્રમાં અંધાધૂંધી થઇ ગઈ; કોઈ ક્યાંય ને કોઈ ક્યાંય જઈ પડ્યા; લક્ષ્મદેવનો મૌક્તિકહાર વીરબલ્લાલના હાથમાં આવી ચડ્યો અને લક્ષ્મદેવ રણમાં રગદોળાઈ ગયાની વાત સાચી થઇ ચૂકી. માલવી સેન પાછું ફર્યું.

પણ લક્ષ્મદેવના હાથીએ એને અરિદળથી ક્યાંય દૂરના દૂર જંગલમાં મૂકી દીધો હતો. મંત્રી લોલાર્ક એની સાથે હતો. પણ જંગલમાં તેઓ રહ્યાં, એટલી વારમાં લક્ષ્મદેવની અદભુત વીરતા એની સાથે એની મૃત્યુકથા વણાઈ ચૂકી હતી.

લક્ષ્મદેવે એ કુદરતી હોય તેમ સ્વીકારી લીધી. ફરતાફરતા ઘણે સમયે બંને આજે આંહીં ગુજરાત તરફ આવી ચડ્યા... લોલાર્ક હવે એને પાછા અવંતી ફરવાનો વારંવાર આગ્રહ કરી રહ્યો હતો. બંનેનાં અંતરમાં ભૂમિનો પ્રેમ જાગ્યો હતો. પણ આ રખડપટ્ટીના સમયમાં લક્ષ્મદેવનું એક અદભુત ક્ષત્રિય વીર ‘જગદેવ પરમાર’ તરીકે નામ જામ્યું હતું. એની શક્તિની ઉપાસના અદ્વિતીય ગણાતી હતી ગઈ હતી. એને હાથે ગમે તેવા વિષધર પણ ઊતરી જતાં. એની આંખમાંથી જગતની નારીમાત્ર પ્રત્યે જે માતૃભાવ પ્રગટતો એ જોઇને તો મોટામોટા નરપુંગવોનાં પણ માન છૂટી જતાં. સેઉણદેશમાં એણે કૈંક લૂંટારાઓને રમતરમતમાં પકડી આપ્યા એમ કહેવાતું. કોંકણના વિષધરોને એણે હાથમાં રમાડ્યા હતાં. સ્તંભતીર્થમાં વળી દરિયાની પૂજા કરીને દરિયાને શાંત કરી બતાવ્યો હતો. એણે દ્રમ્મના તો જ્યાં જાય ત્યાં ઢગલા જ વાપર્યા હતાં. એને સુવર્ણસિદ્ધિ વરી હતી. ગુજરાતમાં આવ્યા પહેલાં જ એની નામના ગુજરાતમાં પહોંચી ગઈ હતી. એને પોતાની પણ હવે અંધારામાં જ રહેવાની ઈચ્છા જન્મી હતી. ફરી લક્ષ્મદેવ તરીકે પ્રગટવાની હવે એને લેશ પણ આકાંક્ષા ન હતી.

‘પ્રભુ!’ લોલાર્ક બોલ્યો, પણ એના અવાજમાંથી આંસુ ટપકી રહ્યાં હતાં: ‘પ્રભુ! પણ આમ શું કરવા? આટલે પહોંચ્યા... અને હવે શું છે?’

‘હવે શું છે? હવે જ બધું છે, પંડિતરાજ! માલવરાજ મુંજ દક્ષિણમાં હણાયા, તો આજ દિવસ સુધી એ અપકીર્તિએ માલવજનોને નીચી મૂંડીએ રાખ્યા. આજ હવે જ્યારે માલવાનું સૈન્ય અજિત ગણાયું છે, એના ગજસૈન્યે નર્મદા, ગોદાવરી ને તામ્રલિપ્તીમાં સ્નાન કર્યા છે, ત્યારે હું આ નવું કલંક વહોરું? દુનિયા વાત કરે કે માલવાનો રાજા ખરી રીતે તો હાર્યો હતો, નાઠો હતો ને પાછો માલવા-ભેગો પણ થઇ ગયો – એક વખત મુંજ મહારાજના સમયમાં, બીજી વખત લક્ષ્મદેવના વખતમાં એ બન્યું – હવે એવું કલંક અવંતીને હું આપું? અને તે પણ જ્યારે માલવીઓ બલ્લાલ સાથેનાં યુદ્ધની વીરકથા સાંભળીને ગજગજ છાતી ફુલાવતા આટલું ગૌરવ લે છે ત્યારે? પંડિત! એ ગૌરવકથા હવે હણવી એ મારું માત્ર મૃત્યુ નથી, મૃત્યુ કરતાં પણ વધુ ભયંકર એવું કાંઇક છે. હું હવે થોડા દીના વૈભવ માટે એવું નહિ કરું. હું હવે ફરી નહિ જીવું... એને જીવવામાં શું છે? ગૌરવભરેલું મૃત્યુ એ શું જીવન નથી કે હું ફરી જીવવા માટે જીવું? હવે હીણો બનીને પાછો પ્રગટ થઉં, એનાં કરતાં તો હું અંધકારમાં લુપ્ત થઇ જઉં એમાં માલવાની, મારી, સૈન્યની ને તમારી સૌની શોભા છે. ભૂલ તો આ થઇ ગઈ – પણ એ તો થઇ ગઈ – વિક્રમાંકદેવને પડખે ચડવાની. એ ક્યાં રણયોદ્ધો હતો? એ તો રાજનીતિકુશળ લડવૈયો હતો. અને દ્વારસમુદ્રના ત્રણેય રાજકુમારો – વિષ્ણુવર્ધન, વીરબલ્લાલ અને ઉદયાદિત્ય અને એનો દંડનાયક ભયંકર ગંગરાજ – એ તો મહાભારતના જમાનાના જોદ્ધા. આપણને તો એવા લડવૈયા ભારતમાં ક્યાંય મળ્યાં નથી. વીરબલ્લાલ જેવા સામે લડવું ને એ લડાઈમાં ખપી જવું એ કાંઈ જેવો તેવો જશ છે કે હવે થોડા માટે પરાજિત લક્ષ્મદેવ માલવા પાછો ફરે? અને હવે છે શું? હવે ત્યાં નરવર્મ છે. એ બધું સંભાળી લેશે. હરદેવ છે, તમે છો. હવે કાંઈ અડ્યું રહે તેમ નથી. મને હવે સૌ ભૂલી જાઓ...’

‘પણ એ લડાઈ ક્યાં આપણી મુખ્ય લડાઈ હતી? અને એ દ્વારસમુદ્રની લડાઈ થઇ ન હોત તો?’

‘તો સવાલ જુદો હતો, પંડિતજી! પણ આજે તો ભારતમાં માલવાનો લક્ષ્મદેવ અજિત હણાયો છે. મને એ નામના સાથે જ લુપ્ત થઇ જવા દો. હું પરાજિત પાછો ફરું એમાં નથી મારી કીર્તિ કે નથી મળવાની ખ્યાતિ. અને મારે પોતાને માટે તો વીરબલ્લાલનું વીરદર્શન બસ થયું છે. અત્યાર સુધી, લોલાર્ક! આપણે યુદ્ધ જોતા હતા ને યોદ્ધાને મળતા હતા. દ્વારસમુદ્રમાં વીરપુરુષને મળ્યા. એમને મન યુદ્ધ એ તો જીવનની એક મહાન કલ્પના. એને તેઓ કાવ્યમય કરી મૂકે. એમની પાસે રણની કેવી છટા છે! મને તો એ બે વીરજીવનનું રાત ને દિવસ સ્વપ્નું આવે છે. ઘણાં યુદ્ધ કર્યા, કેટલાય વિજય મેળવ્યા, દુશ્મનોને હંફાવ્યા, પણ વીરત્વ – વીરત્વ એ જુદી જ ચીજ છે. દ્વારસમુદ્રના અજિત કોટ પાસે કલ્યાણના ચૌલુક્યો હાર્યા, આપણે હાર્યા, પણ વીરબલ્લાલે તો જાણે એક નવો જ યુગ માંડ્યો છે. હવે મને કોઈ યુદ્ધમાં યુદ્ધ તરીકે રસ પણ રહ્યો નથી. યુદ્ધ એ બહુ બહુ તો શારીરિક પરાક્રમ છે. વિક્રમાંક ક્યાં યુદ્ધ જીતતો નથી? પણ એનામાં બલ્લાલના વીરત્વનો એક છાંટો પણ છે? રુદ્રદેવ! હું લક્ષ્મદેવ હવે અંધારામાં વિલીન થઇ ગયો છું. એને તમે કોઈ પણ દિવસ હવે ફરીથી જગવતા નહિ. તમે મારા વિશ્વાસુ મંત્રી છો, મિત્ર પણ છો. અહીંથી હવે તમે અવંતી જાઓ, ત્યાં સૌને કહેજો કે લક્ષ્મદેવ રણમાં રોળાયો એ ચોક્કસ છે. સૈન્યને દોરીને તો કવિ અશ્વત્થામા ક્યારનો પહોંચી ગયો છે. તમે જશો એટલે વાત પણ પૂરી...’

‘પણ મહારાજ!... મારો.’

‘લોલાર્ક! ઘણી વખત યોદ્ધાઓ જવું જોઈએ ત્યારે પણ અંધકારમાં જઈ શકતા નથી. મારે અંધકારમાં જવું છે. મને મારા પંથે જવા દ્યો... મારે હવે... જીવનમાં વીરત્વની ખરેખરી ઝાંખી કરવી છે. એ વસ્તુને મારે પ્રત્યક્ષ નિહાળવી છે. મને મારા પંથે પળવા દ્યો! મારો પંથ વે જુદો જ છે! એમાં વીરત્વ સિવાય બીજી કોઈ વસ્તુને સ્થાન નથી – અવંતીને, સૈન્યને, યુદ્ધને, સગાંને, સ્નેહને, કોઈને.’

લોલાર્ક એક ઘડી સુધી કાંઈ જ બોલી શક્યો નહિ.

રાજા લક્ષ્મદેવ હવે માને એમ એને લાગ્યું નહિ. તે ખિન્ન થઇ ગયો. લક્ષ્મદેવને એ લાગી આવ્યું. લોલાર્ક એનો જૂનો સાથી હતો. તેણે શાંતિથી કહ્યું, ‘પંડિત! રુદ્રદેવ! તમે તો બુદ્ધિમાન છો, શાસ્ત્રજ્ઞ છો, રાજનીતિકુશળ છો. તમને બહુ લાગી આવે છે, પણ લક્ષ્મદેવ મૃત્યુ પામે છે ને જગદેવ જન્મ લડે છે એમાં પણ તમને કાંઈ ઈશ્વરી સંકેત નથી જણાતો? મારું સ્વપ્ન ભલે મારી પાસે રહ્યું, પણ પંડિત! લક્ષ્મદેવ મરીને માલવાની વધારે સેવા કરી શકશે એમ શું તમે માનતા નથી? એના મૃત્યુ સાથે પાટણ-માલવાનો અવિશ્વાસ થોડો વખત દૂર થશે. બંનેની વચ્ચે શાંતિનો કાળ પણ લંબાશે, નરવર્મને તૈયારીનો વખત મળશે અને મારી પણ બાર જ્યોતિર્લીંગની જાત્રા પૂરી થશે. બીજાં બધાંની જાત્રા તો મેં કરી છે, સોમનાથની ને કેદારેશ્વર... ને પછી હિમાળો. હિમાચળમાં મૃત્યુ. એના કરતાં જીવનની કઈ વસ્તુ મારે માટે વધારે આકર્ષક રહી છે, રુદ્રદેવ! કે હવે હું પાછો જે સ્વાંગ છોડી દીધો છે તે ફરી વાર ધારું? હવે આ જન્મે એ પાનું પૂરું થયું. તમે તો વિદ્વાન છો. બીજી ખેપ ક્યાં નથી? બીજી ખેપ વખતે વળી આ વાત અધૂરી હશે, તો પૂરી થઇ જશે. હવે આ વસ્તુને આપણે દાટી જ દઈએ છીએ. હવે એને ફરી નહિ ઉખેળીએ. કાલે સવારે આપણે વહેલા જ પાટણમાં પ્રવેશ કરી લઈએ. આપણે આવી રહ્યા છીએ એ ખબર તો અહીં પહોંચી ગયા હશે. જોઈએ, અહીં વળી શું છે? ચાલો ત્યારે, આપણે આડે પડખે પડો. મધરાત તો વીતી ગઈ લાગે છે.’

થોડી વારમાં ત્યાં શાંતિ થઇ ગઈ. લક્ષ્મદેવને નિંદ્રાએ ઘેર્યો, પણ લોલાર્કના ખિન્ન ચિત્તમાં હજી તરંગો ઊઠી રહ્યા હતા. લક્ષ્મદેવને માલવા લઇ જવાની આશા એનાથી છોડી છૂટતી ન હતી. મોડી રાતે એની આંખ બે ઘડી મળી ગઈ.