Featured Books
શ્રેણી
શેયર કરો

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 37

૩૭

સોરઠી જુદ્ધ આવે છે!

હવેલી અને ઘોડારની આગ શમવા આવી. ઘોડાં ઘણાંખરાં કબજે આવી ગયાં ને સૌ પોતપોતાના સ્થાને જવા નીકળ્યા. મુંજાલે એક ચકોર દ્રષ્ટિ ચારે તરફ ફેરવી. એણે મહારાજને એક બાજુ ઉપર શાંત ઊભેલા દીઠા. તે સમજી ગયો. જાણે કાંઈ ન હોય તેમ મહારાજ આ ઘા સહન કરવા મથી રહ્યા હતા. પણ એમના અંતરમાં એક મહાનલ પ્રકટ્યો હતો. તેણે સોરઠનું ભયંકર શોણિતભીનું જુદ્ધ આવતું દીઠું. લાટમાં ગાંડો દંડનાયક છે એટલે ત્યાં પણ જુદ્ધ થતું એણે જોયું. માલવામાં નરવર્મદેવના સમાચાર તો આજે જ ઝાંઝણે એણે કહ્યા હતા અને એ ધ્રૂજી ઊઠ્યો હતો. નરવર્મદેવ પાસે માલવામાં જેટલા હાથી હતા, એટલી તો પાટણમાં ભેંશો પણ ન હતી! ત્રણત્રણ જુદ્ધનો ભાર પાટણ ઉપર આવતો એણે જોયો.

‘ઝાંઝણ!’ એણે ઝાંઝણને બોલાવ્યો, ‘તને કેશવ નાયક પ્રત્યે ભક્તિ હતી. તું ગમે તેમ પણ એને આધારે મોટો થયેલો હતો. કેશવ નાયક કાલે માલવા જાય છે. તારે જવું હોય તો તું તૈયાર રહેજે, ને આંહીં રહેવું હોય... તો ઝાંઝણ! મેં તને નાણી જોયો છે. આંહીં તારે માટે એક અનોખું સ્થાન ખાલી છે. વિચાર કરી જો!’

ઝાંઝણને પોતાનું માપ વધતું લાગ્યું તેણે કેશવ નાયક કરતાં મુંજાલની મહત્તા વધી ગયેલી જોઈ હતી. મુંજાલ એને જમણા હાથ જેવો ગણતો હતો. એણે આંહીં પોતાનો અભ્યુદય દીઠો.

‘આ સોરઠી જુદ્ધ આવે છે’ મુંજાલ બોલ્યો, ‘અને તારે સોરઠ જવું પડશે. તને જંગલનો અનુભવ છે. આ જુદ્ધ મહારાજ પોતે જ દોરવાના છે. તું વિચાર કરી જો!’

‘પ્રભુ! મેં તો ક્યારનો નિશ્ચય કરી લીધો છે. હું હવે આ નગર તજી શકું તેમ નથી!’  

‘મેં પણ એમ જ ધાર્યું હતું.’ મુંજાલ બોલ્યો, ‘ત્યાં મહારાજ ઊભા છે... એ તેં જોયું?’

મુંજાલે બતાવ્યું ત્યાં ઝાંઝણે દ્રષ્ટિ કરી. મુંજાલ આગળ બોલ્યો: ‘તું આહીંથી એ બાજુ જા. તેઓ ત્યાં અમસ્તા ઊભા નથી. આજની વાતનો તાગ મેળવવા તેઓ મથી રહ્યા છે. નાગરિકોની ઝીણામાં ઝીણી વાત તેઓ સાંભળે છે. ઘણા તો એમને ઓળખે તેમ પણ નથી. જો, કોઈ મદ્ય વેચનારો એમની સાથે ભટકાણો! તું આહીંથી એ બાજુ જા મહારાજ પાસેથી નીકળજે... ને ઉતાવળે જાણે બોલવા માગતો હો છતાં બોલાઈ ગયાં હોય તેમ બે-ચાર વાક્યો બોલી નાખજે. તારો કોઈ દોસ્ત ગોતી લેજે. મહારાજ તને પડકારે તો જાણે ભય પામ્યો હોય તેમ મૂંગો રહેજે. આગ્રહ કરે તો વાત કરજે: ‘સોરઠી સેન જો કેશવના હાથમાં મુકાશે – ને કેશવ નાયક મહારાજનો મિત્ર છે માટે એને જ સોંપશે – તો રા’નો વિજય છે. સોરઠી સેન જાશે. સોરઠ જાશે ને આબરૂ પણ જાશે. એક વખત ત્યાં આબરૂ ગઈ – પછી માળવા ઘા કર્યા વિના રહેશે?’ આટલી વાત દોસ્ત સાથે કરતા જવી. મહારાજ આગ્રહ કરે, તો ખેંગારને જે રીતે કેશવે જવા દીધો તે વાત, જાણે તું કહેવા ઈચ્છતો ન હોય તેમ, પરાણે-પરાણે તૂટક-તૂટક કરજે. પાટણે પરાજય સહેવો ન હોય તો આ રસ્તો છે. મહારાજે કેશવને માળવા મોકલવાનું કહ્યું છે ખરું, પણ હજી નિશ્ચય ફેરવે તે પહેલાં મહારાજ આ જાણતા હોય તો સારું. બસ, આટલું જ.’ સોરઠી જુદ્ધ આવ્યું છે એમ ધરીને જ મુંજાલે વાત શરુ કરી.

‘અને બીજી એક વાત તું જાણે છે?’

‘શી?’ ઝાંઝણે પૂછ્યું.

‘બર્બરક... એક હંસ તૈયાર કરે છે. પારદની વરાળથી કે એવી કોઈ રચનાથી એ એણે ઉડાડે છે. એવી જુક્તિ એની પાસે છે. એ સાચું?’

‘હોય પણ ખરી, પ્રભુ! બર્બરકની પાસે વિદ્યા તો અદ્ભુત છે!’

‘તો તું મહારાજને એ વાત કરજે. સોરઠી જુદ્ધમા બર્બરક સાથે રહેવાનો છે. જે ઉપાસના માટે મહારાજ તૈયારી બતાવે છે એ કરતાં આ યંત્ર જ વધારે મહાન છે.  યંત્રના બદલામાં બર્બરકનો ભાર ઉપાડવો પડે, તો-તો વળી કાંઈક ઠીક!’

‘પ્રભુ! હું બર્બરકને મળું?’

‘શા માટે?’

‘મહારાજને આ યંત્ર બતાવે!’

મુંજાલને વિચાર ગમી ગયો. એ વાત સિદ્ધ થાય તો પોતાનું મહત્ત્વ વધે. ઝાંઝણની વાત કદાચ એ માને પણ ખરો. જંગલી જંગલીની ભાઈબંધી વખતે કામ લગે. તેણે હા પાડી: ‘ભલે... મળજે ને પછી મને ખબર કરી જજે. પણ સવારે મહારાજ કેશવને બોલાવે તે પહેલાં મેં કહી તે વાત એમના જાણવામાં આવી હોય, તો સારું!’ થોડી વાર પછી ઝાંઝણ એના કામ ઉપર ગયો. મુંજાલ ત્યાં ઊભો જ રહ્યો.

પણ એને આશ્ચર્ય થયું. મહારાજે પોતે જ ઝાંઝણ સાથે ક્યાંક પ્રયાણ કર્યું. ક્યાં તે એ કળી શક્યો નહી.

મહારાજ અને ઝાંઝણ – બંનેને જતા જોઇને એ ધીમાં પગલે ત્યાંથી ચાલ્યો ગયો.

ઝાંઝણની યંત્રની વાત મહારાજને એકદમ ગમી ગઈ હતી. બર્બરક પાસે એવી વસ્તુ છે એ જાણીને તો એ છક થઇ ગયા. એમણે અત્યારે જ ત્યાં જવાનો નિશ્ચય કર્યો. ઝાંઝણને એમણે આગળ મોકલ્યો. પોતે પાછળ ચાલ્યા. 

રાજમહાલયના કોટના દરવાજા પાસે તે પહોંચ્યો. મહારાજે દરવાજા તરફ દ્રષ્ટિ કરી. હજી ત્યાં થોડી અશાંતિ હતી. ખેંગારે દરવાજામાં મારેલો ભાલો કાઢવા સૈનિકો મથી રહ્યા હતા. કોઈ પોતાને ન દેખે તેમ મહારાજ એને લેશ પણ મહત્વ આપ્યા વિના આગળ વધી ગયા.

બર્બરક અને પથરાઓની વચ્ચે મોટા ખડક જેવો બેઠો હતો. એણે મહારાજને જોયા, અને બે હાથ જોડીને નમન કર્યું એની આંખમાં એક પ્રકારનો એકાકી પરિશ્રમી જીવનનો થાકભરેલો વિષાદ આવી ગયો. તે કાંઈ બોલ્યો નહિ. તેણે મહારાજ સામે એક દિલગીરીભરી દ્રષ્ટિ કરી. પછી કાંઈ ન હોય તેમ એ પોતાને કામે લાગી ગયો. પિંગલિકા ત્યાં બેસીને એણે કામ કરતો જોઈ રહી હતી.

ઝાંઝણ પણ એની આગળ બેસીને એણે કામ કરતો જોઈ જ રહ્યો હતો. આવો ભૂત જેવો જંગલી અમરલોકના દેવો પણ જોવા માટે ઊભા રહે એવી શિલ્પસૃષ્ટિ ખડી કરી શકતો હતો એ દ્રશ્ય ઓછું સુંદર ન હતું. મહારાજ ત્યાં શાંતિથી થોડી વાર બેઠા રહ્યા. બર્બરક કામ કરતો જ રહ્યો.

‘કોઈ ન લઇ શકે, પિંગલિકા! કોઈ જ ન લઇ શકે. તું મફતની ઘેલી બની ગઈ’તી! એ પળ ચાલી ગઈ. તે જોઈ નાં? મહારાજ તો આપણું કામ જોવા આવ્યા છે!’ બર્બરક પોતાના મન સાથે બોલતો હોય તેમ પોતાના કામને લેશ પણ મંદ કર્યા વિના ધીમે અવાજે બોલ્યો.

મહારાજે એ સાંભળ્યું. એમનું માથું શરમમાં નીચું ઢળી ગયું. બર્બરકનો ભાર ઉપાડવાની અશક્તિના ખ્યાલે એમને ખેદ થયો. બનાવો એટલી બધી ત્વરાથી ઉપરાઉપરી બની ગયા હતા કે અત્યારે બર્બરકે આ વાત કહી ત્યારે તો મહારાજને ખ્યાલ આવ્યો કે પોતે આંહીં જે કામ માટે આવવા માટે નીકળ્યા હતા, એ કામની પળ તો ચાલી ગઈ હતી! અને હજી બનેલા બનાવોની સાંકળ તો સમજવાની બાકી રહી હતી!

દરેક વસ્તુ એવી છે... મેળવવી સહેલી, જાળવવી અઘરી. બર્બરકના જીવનમાં સ્પષ્ટ રીતે બે પ્રવાહ દેખાતા હા. એક તો એનો ભૂતિયો – જંગલી, બહારનો જીવનપ્રવાહ. બીજો ન દેખાય તેવો અપ્રગટ પ્રવાહ. આ પ્રવાહ પ્રગટતો ત્યારે ઘડીભર વિસંવાદ ઊઠતો. ખડબચડા પથરામાંથી અચાનક મધુર સ્વર આવે એવું જણાતું. જંગલી દેખાવનો, ભૂતિયો, ડરામણો આવું બોલે – એ વસ્તુ પણ ડરાવે તેવી હતી!

બર્બરકના હાથમાંથી એક પછી એક ચીજ નીકળતી હતી. અત્યારે એ મંદિરના કંદોરામા શોભે એવી હાથીઓની હારમાળા પ્રગટાવી રહ્યો હતો!

‘હું એક પૂછવા આવ્યો’તો ભાઈ...?’

‘હા... શું...બોલો ને?!’

‘હું એક રીતે તારો જાતભાઈ.’ ઝાંઝણ બોલ્યો, ‘તું જંગલનો, હું પણ જંગલનો.’ બર્બરક હસી પડ્યો. તેનું હાસ્ય ભયંકર હતું. વાણી સ્વચ્છ હતી: ‘અરે! ભૈ! જાતભાઈ જ જાતભાઈને હણે. એટલા માટે તો હું માનવ આળસી ગયો!’

ઝાંઝણ શાંત થઇ ગયો. એણે જ બર્બરકનું સ્થાન પ્રગટ કર્યું હતું. બર્બરકને એવાતની ખબર લાગી.

‘પણ શું કહેવું’તું તમારે, બોલો ને!’

‘એવું કોઈ યંત્ર હોય... હંસ જેવું કે ઊડણખાટલી જેવું – વીર વિક્રમની વાતમાં આવે છે ઊડવાનું – એવું?’

ટાંકણાથી કામ ચાલતું જ રહ્યું. બર્બરક ઝાંઝણ સામે જોઈ રહ્યો:

‘તમને કોણે કહ્યું?’

‘તારી પાસે છે એમ સાંભળ્યું હતું!’ ઝાંઝણ બોલ્યો.

‘બર્બરક! આપણે સોરઠના જુદ્ધમા જવું છે. તારે સાથે આવવાનું છે. પહેલો કિલ્લો વર્ધમાનપુરનો રચવો છે.’ મહારાજે કહ્યું.

બર્બરકે જવાબ આપ્યા વિના ડોકું ધુણાવ્યું. એમાં બંનેનો જવાબ હતો.

અત્યારે એવું કોઈ યંત્ર છે, કાં? તું જાણે છે?’

‘મહારાજ! દુનિયા નાની છે ને મોટી પણ છે. જે જેટલું જાણે તેટલી એની દુનિયા.’

ઝાંઝણે હિંમત કરી: ‘તો એવા  યંત્રનો ભેદ તું મહારાજને ન બતાવે? મહારાજ એટલા માટે આવ્યા છે!’

એક ઘડીભર બર્બરક  બોલ્યો નહિ. એ કામ કરતો જ રહ્યો. પછી ધીમેથી બોલ્યો – આ વખતે એનો બહારનો દેખાવ પણ બદલાઈ ગયો હતો: ‘મહારાજ! હું બર્બરક છું. જંગલી છું, પણ હું નરાધમ નથી. હું રાક્ષસ નથી. જે શસ્ત્ર વડે માણસનો માણસજાતમાંથી વિશ્વાસ ઊઠી જાય તેવી કોઈ કરામત હું બનાવું નહિ, બનાવું તો ચાલુ કરું નહિ, ચાલુ કરું તો એની પરંપરા સ્થાપું નહિ. ઊડણ યંત્ર હોઈ શકે અને છે એ હું જાણું: પણ હું એ કોઈને ન આપું! એ સોરઠી જુદ્ધ માટે મહારાજ માગતા હો તો એમાંથી ન ભૂંસાય એવી કાળી ટીલી મળશે! એમાં રજપૂતી ક્યાં રહી?’

‘સોરઠી જુદ્ધ એવી કોઈ જબરી વસ્તુ નથી કે મહારાજ એ માટે આ માગે! પણ તારે ભાર ઓછો નથી કરવો, બાબરા? તારો ભાર? મહારાજ વિના એ કોણ ઉપાડશે? આજની પળે નહિ, તો હવે બીજી પળે – બીજો સમય પણ પાછો આવતો હશે નાં? વરસે, બે વરસે – તે વખતે –’ ઝાંઝણે કહ્યું.

બર્બરકે ડોકું ધુણાવ્યું.

‘વિક્રમ જેવા સત્વશાળી વિના બીજો એનો શો ઉપયોગ કરે તેની શી ખાતરી? એ તો પરદુઃખભંજની શસ્ત્ર છે, મહારાજ! વિક્રમી માણસ વિના બીજો કોઈ એનો અધિકારી નથી. એ  નહિ બને, મહારાજ! મારો ભાર કોઈ ઉપાડે કે ન ઉપાડે.’ બર્બરકનો અવાજ ને દેખાવ બંને ફરી ગયા: ‘પરિશ્રમનું દુઃખ મારું છે એથી હજારગણું વધારે ભલે આવે, ભલે મારો ભાર મારા ઉપર જ રહે – અનંતકાળ સુધી ભલે રહે – હું અનધિકારીને કરામત દેખાડું, એના કરતાં તો જીવતો ખાડામાં દટાઈ મરું! એ ન બને, મહારાજ! એનો કોઈ અધિકારી નહિ હોય, તો એ મારી સાથે મરશે. હું રાક્ષસ નથી કે વિદ્યાનો દુરુપયોગ કરું. હું તો જંગલી છું!’

બર્બરકને બોલતાં એટલો થાક ચડ્યો હતો કે તે એક ક્ષણ શાંત રહ્યો પણ એણે તરત પાછું ટાંકણું હાથમાં લીધું ને ગજની આકૃતિ સરજવા મંડ્યો.