Featured Books
શ્રેણી
શેયર કરો

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 10

૧૦

જગદેવ જયદેવને મળે છે

થોડી વાર પછી આગળ કેશવ ને પાછળ જગદેવ એમ રાજમહાલયના અંદરના ભાગમાં આવતા બંને દેખાયા. જ્યાં તેઓ જઈ રહ્યા હતા એ એ જ મંત્રણાખંડ હતો, જ્યાં મૂલરાજ સોલંકીના સમયથી અનેક વખત અનેક યુદ્ધો અને સંધિઓની મંત્રણા થઇ હતી. વિશાળ રાજમહાલયના અંગેઅંગને પોતાનું વાતાવરણ હતું. જગદેવ ચારે તરફ નજર ફેરવી રહ્યો. આગળ ચાલીને કેશવ માહિતી આપતો બોલી રહ્યો હતો:

‘પેલો ખંડ છે નાં, સામે દેખાય –’ કેશવે હાથથી બતાવ્યું, ત્યાં જગદેવે જોયું.

‘ત્યાં એક વખત વાચિનીદેવી રહેતાં હતાં.’

‘જેણે ચામુંડારાજને ગાદી ઉપરથી ઊઠાડી મૂક્યા હતા તે?’ જગદેવને આ ઈતિહાસ જાણીતો લાગ્યો.

‘હા, એ. અમારું પટ્ટણીઓનું એ બાબતમાં ભલું પૂછવું! જરાક ન્યાયમાં વાંકું પડે તો ઘડીના છટ્ઠાભાગમાં ગમે તેવાને ધૂળમાં રગદોળી મૂકે! પટ્ટણીઓ પાટણને પૃથ્વીનું કેન્દ્ર ગણે ને અસલ ન્યાયને પાટણનું નાક માને!

‘પણ મહારાજ જયદેવ – એ એમ માને છે કે?’

‘નહિ ત્યારે? હજી તો વાતને ક્યાં પૂરા બે દી થયા છે? તમે સાંભળ્યું નહિ હોય? રા’ને ન્યાય આપવા ખુદ મહારાણીબાને પોતાને રાજસિંહાસને આવીને બેસવું પડ્યું હતું!’

‘મહારાજ ભીમદેવના પુત્રે રાજસંન્યસ્ત લીધું...’

‘આ સામે દેખાય – પેલી સ્તંભાવલિ – એ ખંડમાં, કહે છે કે એ વખતે પટ્ટણીઓ ત્યાં ઘેરઘેરથી આવેલા. મહારાજ ક્ષેમરાજદેવે પોતે જ વાત પ્રગટ કરી – અને ત્યાર પછી જ – કર્ણદેવ ગાદી ઉપર આવ્યા! નહિતર આજે ત્રિભુવનપાલજી રાજગાદી ઉપર હોય!’ 

‘મહારાજ અને ત્રિભુવનપાલજીને...’

‘પ્રાણન્યોછાવરીનો સંબંધ! મહારાજ ભત્રીજાને પૂછીને પાણી પીએ. ભત્રીજાને કાકામાં દેવનાં દર્શન થાય. દંડનાયકજી છે તો લાટ હલી શકતું નથી. એમના જેવો વીરપુરુષ અત્યારે બીજો કોઈ ન મળે!’

‘ચૌલાદેવી ક્યાં રહેતાં?’ જગદેવે અચાનક પૂછ્યું.

‘આની પાછળ, આપણે જે રસ્તેથી આવ્યા નાં ત્યાં, એક વિશાળ રાજમહાલય છે.’

‘એમની કોઈ પ્રતિમા છે?’

‘હા, છે ને! મહારાણીબા મીનલદેવી હજી દર પૂનમે ત્યાં જાય છે.’

એટલામાં આગળ જતાં ગવાક્ષમાંથી બહાર નજર ગઈ. કેશવે જગદેવને એક સુંદર વિશાળ મહાલયનો ઝરુખો બતાવ્યો.

‘પેલો દેખાય એ ઝરૂખો જોયો? મહારાણી ચૌલાદેવી ત્યાં બેસતાં.’

જગદેવ ઝરૂખા તરફ જોઈ રહ્યો. જાણે ચૌલાદેવીનું સૌન્દર્ય પોતે જોયું છે એની સ્મૃતિમાં હોય તેમ ઝરુખો એક મનોહારી ધ્યાનસ્થ સૌન્દર્ય જેવો શોભી રહ્યો હતો. ઝરુખાને પોતાનું વ્યક્તિત્વ હતું. જગદેવે બે હાથ જોડીને એ દિશા તરફ અભિવાદન કર્યું, પછી તે આગળ વધ્યો. કેશવ એના આભિજાત્યની સંજ્ઞાથી મુગ્ધ થઇ ગયો. એણે જગદેવને જોયો ત્યારથી જ એની વીરશ્રીમાં રહેલું અમુક પ્રકારનું વાતાવરણ તો એને સ્પર્શી જ ગયું હતું. પણ અત્યારે એ વાતાવરણનો ભેદ એને મળ્યો. હરેક પ્રકારની મહત્તામાં એ દૈવી અંશ હોય તેમ લાગ્યું. જડ પૃથ્વીમાં આટલું બધું ચૈતન્ય જોવાની કલા – એણે સાંભળ્યું હતું કે વીર વિક્રમને એ સાધ્ય હતી; ને કોઈને ન સંભળાય એવું પૃથ્વીનું રુદન એને સંભળાતું. આ જગદેવ પણ એવી વીર પ્રણાલિકાનો ઉપાસક એને જણાયો. અત્યાર સુધીમાં એણે પાટણની આ કે તેવી નાની વાતમાં લેશ પણ રસ બતાવ્યો ન હતો. કેશવને એના પ્રત્યે માન હતું તે વધ્યું.

‘જગદેવજી!’ કેશવ આગળ ચાલી રહ્યો હતો તે અચાનક બોલ્યો, ‘કહો ન કહો, પણ તમે આંહીં વખાના માર્યા આવ્યા છો!’

‘વખાનો માર્યો? હું? હું તો વખાને શોધું છું; આપણે આવી પહોંચ્યા કે શું?’

‘હા, આ સામે દેખાય એ ખંડમાં જ મહારાજ બેઠા છે. તમે એક ક્ષણ થોભો, હું આવ્યો!’

કેશવ ત્વરાથી અંદર ગયો. થોડીવાર પછી કેશવ પાછો આવ્યો. એણે જગદેવને ઈશારત કરી. જગદેવ એની પાછળ પાછળ રાજભવનના મુખ્ય ખંડમાં પેઠો.  

આખો ખંડ સોનેરી-રૂપેરી દીપીકાઓના પ્રકાશમાં નાહી રહો હતો. ચારે તરફની ભીંતે અનેક પ્રકારનાં જૂનાં-નવાં શસ્ત્રો લટકતાં હતાં અને સોલંકીઓની રણગાથા કહેતાં હતાં. મહારાજ મૂલરાજદેવના ધનુષથી માંડીને ભીમદેવ મહારાજના કૃપાણ સુધીનાં સઘળાં પ્રખ્યાત અસ્ત્ર-શસ્ત્ર ત્યાં હતાં. ખંડમાં વચ્ચે એક સોનેરી-રૂપેરી હીંચકો હતો. અત્યારે એ ખાલી હતો. પણ હીંચકા પાસે – નીચે સ્ફટિક જેવી ભોં ઉપર – જરજરિયાનવાળી ગાદી તકિયાની જરા ઊંચી બેઠક હતી. એની પશ્ચાદભૂમિમાં મણિમૌક્તિક-ખચિત પટ્ટવસ્ત્ર શોભી રહ્યું હતું. ત્યાં ગાદીતકિયાની ઉપર, બરાબર વચ્ચોવચ બેઠેલો એક રૂપાળો, તેજસ્વી, આકર્ષક, કાંતિમાન જુવાન જગદેવની નજરે ચડ્યો. તે જાણી ગયો કે એ જુવાન જયદેવ હતો. વયના પ્રમાણમાં એ કાંઇક મોટો દેખાતો હતો. એણે પોતાના બંને હાથ પાછળ તકિયાને અઢેલીને લંબાવ્યા હતા. ગાદી ઉપર લંબાવેલા એના એક પગમાં સોનેરી તોડો શોભી રહ્યો હતો. એની જમણી બાજુ, એની પડખે તલવાર પડી હતી. ડાબી તરફ શુભ્ર શંખ હતો. જગદેવ કેશવની પાછળપાછળ આગળ વધ્યો. જગદેવને જે જુવાન છેટેથી આકર્ષક લાગ્યો હતો, તે પાસે આવતાં વધુ આકર્ષક જણાયો. એનો ચહેરો રૂપાળો હતો. પણ એમાં એની અણિશુદ્ધ ગૌરવભરેલી, નિષ્કલંકી સીધી નાકદાંડી અને કાળી, વિશાળ, સુંદર આંખ આખા ચહેરાને એક અનોખી સુંદરતાથી છાઈ દેતી હતી. ચહેરામાં વસી રહેલી અદભુત સપ્રમાણતા સામાના મનમાં એકદમ વસી જાય તેવી હતી. એને લીધે એ રૂપ જેમ વધારે જોવાતું, તેમ વધારે રૂપાળું લાગતું. પણ આ રૂપના પ્રમાણ કરતાં એ ચહેરાનું ખરું આકર્ષણ તદ્દન જુદું જ હતું. એક પ્રકારનો દુર્ઘર્ષ પ્રતાપ એ ચહેરામાંથી જાણે હરક્ષણે પ્રકટ થતો હતો. બહાર આવવા માટે લખલખી રહેલું તેજ એમાં ભંડારી રાખ્યું હોય એટલો બધો તેજસ્વી એ ચહેરો હતો. એના આકર્ષણનું ખરું કારણ આ હતું. લાખો ચહેરામાંથી એ એકદમ જુદો પડી આવે. છેટેથી ગૌર જણાતો એનો રંગ પાસે આવતાં જગદેવને સહેજ શ્યામ લાગ્યો – ઘઉંવર્ણા કરતાં એકબે અંશ વધારે. પણ એ રંગને લીધે તો એની મુખમુદ્રામાં એક પ્રકારની મોહકતા છવાઈ ગઈ હતી. મોહકતા અને પ્રતાપ, એકીસાથે એટલાં નિકટવર્તી થઈને ત્યાં વસ્યાં હતાં કે એ પૂરું જોવાય-ન-જોવાય ત્યાં બીજું ડોકિયું કરતું દેખાય! એટલે એ ચહેરો અનંત રૂપની પરંપરા દર્શાવે. હરેક પળે નવીન હોય, હરેક ક્ષણે વધુ અર્થવાહી હોય.

જગદેવ થોડી ક્ષણ તેના તરફ જોઈ રહ્યો. દરેક ક્ષણ જેમજેમ જતી ગઈ તેમતેમ એનો દુર્ઘર્ષ પ્રતાપ વધુ ને વધુ સ્પષ્ટ થતો ગયો.

પણ એનાં અંતરમાં એક છાની શોકરેખા ઊગી નીકળી. મિત્ર તરીકે તો ઠીક, દુશ્મન તરીકે એ માણસ અજોડ હતો. જીવનમાં યુદ્ધનો એની સાથે એક લહાવો માણવા જેવો હતો. પણ હવે તો એ સમય ગયો. હવે એ વાત પણ ગઈ.

કાંઇક કરી નાખવામાં અધીરાઈ હોય એમ એ જરાક અસ્થિર બેઠો હતો. એની આંખમાંથી પ્રગટતી વીજળી સચોટ અને વેધક હતી. પોતાની આસપાસનાં વાતાવરણમાં પણ એ વેગને આકર્ષણ જમાવવાની એનામાં શક્તિ દેખાઈ. જગદેવ એની પ્રતિભા પામી ગયો. એને જરાક વધારે ધ્યાનથી નિહાળતાં એનું અંતર ફુલ્લ-પ્રફુલ્લ બનીને ડોલી ઊઠ્યું. અત્યાર સુધી એ માત્ર પ્રતાપી જુવાન જોદ્ધારૂપે જણાતો હતો, પણ એનું આ એક બીજું રૂપ પણ હતું. અને એના એ સ્વરૂપનું ભાન થતાં જગદેવ ઊઠ્યો.

એ માત્ર પ્રતાપી યોદ્ધો ન હતો, સ્વર્ગગંગાના કમલોની પદ્મવાટિકા સરજનારા ઘેલા કવિઓની ગાંડી કલ્પનાનો પણ એ વારસદાર હતો. એની આંખમાં એ જ દ્રાક્ષાસવ હતો, એજ સૌંદર્યપિપાસા હતી. પાટણના કોટકાંગરાની પેલી મેર – ધારા અને અવંતીથી પણ દૂર – આખા ભારતવર્ષને એકચક્રે છાઈ દેવાની ઘેલી મહત્વાકાંક્ષા એને પણ એક વખત ક્યાં સેવી ન હતી કે એવી જ મહત્તાપંથના સમાનધર્મી ઉપાસકને એ તરત ઓળખી ન શકે? એને આનંદ થઇ ગયો. આંહીં પણ સ્વપ્ન હતું, મહત્વાકાંક્ષા હતી, સૌંદર્યપિપાસા હતી. કાંઇક ઉદીયમાન તેજસ્વી ભવ્ય દ્રશ્ય જોયું હોય ને જે આનંદ થાય, એવા આનંદથી એ ડોલી ઊઠ્યો.

એણે એને ધાર્યો હતો એના કરતાં વધારે પ્રતાપી અને તેજસ્વી નીકળ્યો.

તેની પાસે, પણ થોડે દૂર, એક સુંદર સાંગામાચી ઉપર પ્રૌઢ વયની એક સાદી બાઈ બેઠી હતી. જયદેવને લાગ્યું કે એ જ મહારાણી મીનલદેવી હોવાં જોઈએ. પોતાની સાદાઈને લીધે એ વધારે પ્રતાપી જણાતી હતી. દીકરાને જાણે પોતે માત્ર દોરવણી જ આપવાની, ને પોતાના સ્થાનને વધુ ને વધુ ગૌણ કરી નાખવા માગતી હોય તેમ એ કાંઇક સંકોચાઈને જરાક પડછાયામાં ને પાછળ બેઠી હતી. પણ કાર્યમાં સીધો ભાગ લેતી ન હોય છતાં હરેક કાર્યનું જાણે એ કેન્દ્ર હોય એમ જણાઈ આવતું હતું. કેટલાંક આજ્ઞા આપ્યા વિના આજ્ઞા કરી શકે છે, એવું કાંઇક મીનલદેવીમાં હતું, પણ એની એકદમ દેખાઈ આવે એવી સાદાઈથી એ અપ્રકટ જ રહેતું. જાણનારા જાણતા કે મહારાણીબા આજ્ઞા આપતાં નથી, અનિવાર્ય હોય ત્યારે જ મા બોલે છે અને એમનો બોલ આજ્ઞા થઇ રહે છે.

મહારાણીબાની જમણી બાજુ, તરુણ રાજાની નજીક દંડનાયક ત્રિભુવનપાલ બેઠો હતો. જગદેવ એને તો મળ્યો હતો. એની સામેની બાજુ મહાઅમાત્ય સાંતૂ મહેતા બેઠા હતા. એમનાં ચહેરા ઉપર થાકના સ્પષ્ટ ચિહ્ન દેખાતાં હતાં. જુવાનોની કલ્પના સાથે ઊડતાં એમની પાંખ જરાક ઝોકો લેતી હતી. પાસે જ બેઠેલો મુંજાલ એ કલ્પનામાં રસ લેતો હતો, પણ એથી વધુ રસ એ કલ્પનાને પોતાના માર્ગમાં વાળી લેવામાં લેતો. અત્યારે એ શાંત ચિત્તે બેઠો હતો. જગદેવને એ સમર્થ લાગ્યો. તક માટે રાહ જોવાની એનામાં અદભુત શક્તિ જણાઈ. 

એટલામાં રાજાની બરાબર સામે બેઠેલા એ આકર્ષક ગૌર રૂપાળા જુવાને એનું ધ્યાન ખેંચ્યું. કોઈ ક્ષુલ્લક વસ્તુ જાણે પોતાને સ્પર્શે નહિ, એવી એની અનોખી ઢબ એણે જોઈ. જગદેવને એમાં સૌના કરતાં જુદી જ શક્તિ લાગી. તેણે કેશવને ધીમેથી પૂછ્યું: ‘પેલું કોણ? મહારાજ સામે બેઠેલ છે તે...?’

‘એ મહાદેવ છે.’ કેશવે ધીમેથી કહ્યું. ‘કચ્છના દંડનાયક નાગર દાદાકનો પુત્ર. મહારાજ પાસે એનું માન છે.’ એટલામાં ત્રિભુવનપાલનો સત્કાર કરતો અવાજ એને કાને આવ્યો ને એ સચેત થયો:

‘આવો! પરમાર જગદેવજી! આમ આવો.. આંહીં...’

જગદેવે તરત બે હાથ જોડીને મહારાજ જયદેવને અભિવાદન કર્યું અને તે ત્રિભુવનપાલની બાજુ જવા માટે તરત આગળ વધ્યો.