Featured Books
શ્રેણી
શેયર કરો

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 5

પાટણના મહારથીઓ

દરેક નગરીને પોતાનું વ્યક્તિત્વ હોય છે; પણ જ્યાં ઈતિહાસ ઘડાય છે ત્યાં એ વ્યક્તિત્વ અદભુત અને તેજસ્વી બની રહે છે. વ્યક્તિત્વ વિનાની કોઈ નગરી કલ્પી જ શકાતી નથી. વનરાજદેવે વસાવેલી પાટણનગરીનું પણ એવું જ હતું. પોતે રાજા હતો. નગરી પોતે જ વસાવી હતી, યુદ્ધ પણ વર્ષો સુધી કરીને પોતે જ દેશને જન્મ આપ્યો હતો, છતાં જ્યારે નગરીનો નામકરણસમય આવ્યો, ત્યારે મહારાજ વનરાજદેવે પોતાના સાથી ભલા, ભોળા જૂના વિશ્વાસુ મિત્રનું નામ આગળ ધર્યું. વનરાજ નહિ, અણહિલપુર પાટણ વસાવ્યું. ત્યારથી એ નગરીનો ઈતિહાસ ઘડાવા માંડ્યો. પછી તો પાટણની એક અભંગ પ્રણાલિકા જ બની ગઈ કે એ નગરીમાં સિંહાસન મહાન, એના ઉપર બેસનારો મહાન, પણ ન્યાય એ સૌથી વધુ મહાન. વાચિનીદેવીએ ચામુંડને રાજત્યાગ કરાવીને પણ એ પ્રણાલિકા જાળવી રાખી. આજ એનો પુત્ર એ જાળવે, તો પટ્ટણીઓ એક ઘડીભર પણ એને જંપીને બેસવા દે ખરા કે? એટલે મહારાણીએ દીર્ઘદ્રષ્ટિ વાપરીને રાજસભા બોલાવી હતી. એમાં ખરી રીતે તો રાજનીતિ હતી. પણ મીનલદેવીના પોતાના વ્યક્તિત્વને લીધે ન્યાયની ભવ્યતા એમાંથી પ્રગટ થતી હતી. પટ્ટણીઓ પાસે આ વાત મૂકી જ ન હોત તો પ્રજાનાં હક્કનો ભંગ થયો છે એમ ગણીને એ સૌ અત્યારે ન્યાય માગવા માટે દોડત! ને ન્યાય લીધા પછી જ જંપત, પણ એ વાત મૂકી એટલે હવે રાજપદનું ગૌરવ જાળવવા સૌ દોડ્યા! મહાઅમાત્ય રાજસભામાં એવી વસ્તુની ચર્ચા અત્યારે આવે એ માટે તૈયાર ન હતો. મદનપાલને હણ્યો – હણ્યો હવે એમાં શું? એટલેથી જ વાત પતતી હોય તો રા’ માટે ભેદ પડવાનો પ્રસંગ જ ઊભો થતો ન હતો. પણ જ્યારે જયસિંહદેવે પોતે જ કહેવરાવ્યું, ત્યારે તો એ પ્રશ્ન જ ઊડી ગયો. રાજસંચાલનનો દોર તરુણ રાજા ઉપાડી લેતો જાય છે એ વસ્તુ એને ખટકતી હતી. તરુણ રાજાનો આપદોર રણકો એને વધુ ને વધુ સંભળાવા લાગ્યો. મુંજાલ પણ પોતાની રીતે એમાંથી હવે શો રસ્તો કાઢવો એ વિચાર કરી રહ્યો.

બંને જણા પોતપોતાની રીતે તરુણ રાજાને દોરવાની તૈયારીમાં પડ્યા. કાલની રાજસભા પૂરી થયે કોઈક પણ નવા ઘર્ષણનો ભય બંને જણા આકાશમાં જોઈ રહ્યા.

બીજે દિવસે રાજસભા માટે લોકો તો વહેલા પ્રભાતથી જ રાજમહાલયના ચોગાનનો કબજો લઈને બેસી ગયા હતાં. રાજસભાનો સમય થતાંથતાંમાં તો એક કણ પણ મુકાય એટલી જગ્યા ખાલી રહી નહિ. મહારાજ કર્ણદેવના મૃત્યુ પછી આવી રાજસભા આજે પહેલી જ મળતી હતી. અને મંડલેશ્વરો, દંડનાયકો વગેરે સૌ પણ બીજા રાજકાજ અંગે આજે આવી પહોંચવાની વકી હતી, એટલે એ પણ એક આકર્ષણ હતું. જયસિંહદેવ મહારાજ પોતાના વ્યક્તિત્વે હમણાંહમણાંમાં એક પ્રકારની એવી હવા ફેલાવી હતી, કે એને લીધે પણ લોકોનો ધસારો થયો હતો. તરુણ રાજાની સ્વતંત્ર મનોવૃત્તિ માટે પણ બે મત દેખાતા હતા. આજનો તો પ્રશ્ન જ મુખ્ય એ હતો. ભીડમાં જેને જ્યાં ફાવ્યું ત્યાં એણે સ્થાન મેળવી લીધું. રાજમહાલયના મેદાનમાંથી રાજદરબારના પ્રવેશદ્વારના પહેલા પગથિયા સુધી લોકઠઠ જામી ગઈ. તેમાં થઇને રસ્તો કાઢવો એ પણ મુશ્કેલ બની ગયું.

થોડી વાર થઇ ને એક કાળો ઊંચો ઘોડો આવતો દેખાયો. તરત ‘સેનાનાયક કેશવ નાગર આવે છે!’ એવી વાત એક છેડેથી બીજા છેડા સુધી પહોંચી ગઈ. અને રાજમહાલયના ચોગાનમાંથી છેક રાજદરબારનાં પગથિયાં સુધી એક રાજમાર્ગ પડી ગયો. કેશવે એક વેધક દ્રષ્ટિ ચારે તરફ ફેરવી લીધી. સૈનિકો આમતેમ ફરવા માંડી ગયા. રાજદરબારમાં હજી કોઈ આવ્યું ન હતું. નારી-સૈનિકો આવીને રાજદરબારમાં ગોઠવાઈ જવા માંડી હતી. આગળ ન વધતાં રાજમહાલયના ચોગાનના પ્રવેશદ્વાર પાસે જ કેશવ સ્થિર થઇ ગયો.

પળ-બે-પળ વીતી, ભગવાન શંકરના કોઈ ગણે જગવ્યો હોય એવો શંખનાદ થયો. બીજી જ ક્ષણે જાણે નર્મદાનું કોઈ જબ્બર કાળું ઊંચું આરસી ખડક આવતું હોય એવો ગજરાજ નજરે ચડ્યો. બંને બાજુએ લહેરથી સૂંઢ ફેરવતો આવી રહ્યો હતો. લોકનજરે એ હાથી પડ્યો ને જાણે એ ચિતપરિચિત હોય તેમ ઉત્સાહનું એક મોજું ઊઠ્યું. હજારો કંઠમાંથી સહજ પ્રેરિત મહાનાદ જાગ્યો: ‘દંડનાયક ત્રિભુવનપાલદેવની જય! લાટવિજેતાનો જય!’

પોતાના લાડીલા દંડનાયકને નિહાળવા લોકોનો ધસારો થયો. ક્ષેમરાજની પેઢી પ્રત્યે લોકમાનસમાં જે અજબ આકર્ષણ હતું તે પ્રકટી નીકળ્યું. દંડનાયકનો   ગજરાજ એટલામાં ચોગનના પ્રવેશદ્વારે આવીને થોભ્યો. એક ડગલું આગળ ભરે ત્યાં કેશવનો ભાલો આડે આવ્યો: ‘પ્રભુ!’

દંડનાયકનો અવાજ આવ્યો: ‘કેમ, અલ્યા, થોભ્યો? ભિલ્લુ! આગળ લે ને!’

કેશવ એમની પડખે આવ્યો: ‘મહારાજની આજ્ઞા નથી, પ્રભુ! ને ચોગાનમાં એક કણ સમાય એટલી જગ્યા નથી!’

ત્રિભુવને જરાક વિચાર કર્યો, પછી મીઠું સ્મિત કર્યું: ‘આ તેં કર્યું લાગે છે?’

‘કોઈ કાંઈ કરી શકે એ જમાનો હવે ગયો!’

‘એમ?’ તે નીચે ઉતરવા તૈયાર થયો, ‘તો-તો તારા મોંમાં સાકર! પણ આ જુગજૂના જોગી છે હો, કેશવ!’ તે નીચે ઊતર્યો. એના આકર્ષક તેજસ્વી યોદ્ધાના દેહ તરફ લોકો મીટ માંડીને જોઈ રહ્યાં. એના દેહના અણુએ અણુમાંથી રણયોદ્ધાનો ટંકારવ ઊઠતો હતો. તે આજન્મ  યોદ્ધો હતો. એના બાપની પેઠે જ પાટણના સિંહાસન માટે મરી ફીટવામાં ગૌરવ લેનારો હતો. એની અણિશુદ્ધ નાસિકા, લાલ આંખ, મજબૂત બાહુ, પ્રચંડ કસાયેલું શરીર – સઘળાં જાણે સત્તાનાં અને યુદ્ધનાં પ્રતિક જેવાં હતાં. છતાં એ ભલો, ભોળો, વિશ્વાસુ અને મૈત્રી માટે માથું ઉતારી આપે એવો હતો. એનો રાજમંત્રીઓ સાથે તો ક્યારેય મેળ ખાતો ન હતો. બીજા કોઈએ એને આમ રોક્યો હોત તો એનું માથું ધડ ઉપર ન હોત. પણ એને પોતાનાથી વયમાં નાના કાકા જયદેવ પ્રત્યે પ્રીતિ હતી. રાજસત્તા પોતે ચલાવે અને એ પોતે જ પોતાનું વ્યક્તિત્વ પ્રગટાવે એ જોવાનો એને અભિલાષ હતો. એટલે કેશવે જ્યારે કહ્યું કે ‘મહારાજની પોતાની જ આ આજ્ઞા છે’ ત્યારે એને હ્રદયમાં તો આનંદ થઇ ગયો હતો.

‘ઠીક, ભાઈ! મહારાજની આજ્ઞા હોય તેમ... ભિલ્લુ! તું ત્યાં થોભજે – પેલા મહુડાના ઝાડ પાસે...’ અને ‘કેશવ!’ તે થોડી વાર સુધી કેશવના કાનમાં કાંઇક કહી રહ્યો.

‘મહારાજે મને પણ કહ્યું જ છે કે જગદેવ આવે કે તરત રાજગઢમાં લાવવો.’

‘ત્યારે તો મહારાજ જાણે છે?’

‘જાણે પણ છે... ને સાથેસાથે એમને તો એ વસ્તુ જ ભયંકર લાગી છે. શું પાટણમાં કોઈ વીર નથી કે બર્બરકને વશ કરવા આપણે બહારથી જગદેવ જેવાને લાવવા પડે?’

‘અરે! પણ ગાંડા ભાઈ, આ વીરતાની વાત જ ક્યાં રહી છે? આ તો મેલી વિદ્યાની વાત થઇ!’

‘તો મહારાજ કહે છે. હું મેલી વિદ્યા પણ સાધીશ...’ 

‘ઓત્તારીની.. અલ્યા! તમારું જુવાનડું ટોળું – ક્યાંક ગાડાને નેળમાં નાખો નહિ!’

‘ક્યાં ગયો?’ તેની આંગળીએ વળગીને અત્યાર સુધી ઊભો રહેલો એક ત્રણ-ચાર વર્ષનો છોકરો, દંડનાયક વાતમાં પડ્યો છે એ જોતાં જ તેની પાસેથી સરકી ગયો હતો.

‘ક્યાં ગયો, અલ્યા? લુચ્ચા! તને પણ એના વિના હાલતું જ નથી!’

‘અને ગજરાજને પણ, પ્રભુ, એમના વિના હાલતું નથી. કુમારપાલજી! આંહીં આવો, દંડનાયકજી બોલાવે!’ કેશવે કહ્યું. નાયક રાજમહાલય તરફ ચાલ્યો. લોકોમાં એને ફરી નિહાળી લેવા હિલચાલ શરુ થઇ. એટલામાં મહાઅમાત્ય સાંતૂનો ગજરાજ આવતો નજરે ચડ્યો. મુંજાલ મહેતો પણ એની સાથે હતો. બંને જુગજુગના મિત્રો હોય તેમ વાતો કરતા આગળ વધ્યા.

બે પળ વીતી ગઈ ને એક કોઈ નવો જ માણસ આવતો જણાયો. એની રાંગમાં ઊંચા પ્રકારની કચ્છી ઘોડી હતી. લોકને તેની બહુ પિછાન લાગી નહિ. તેણે બે હાથ જોડીને કેશવને નમસ્કાર કર્યા.

‘આ કોણ?’ લોકમાં એક સામાન્ય પૃચ્છા થઇ રહી.

‘કેમ, મહાદેવ! દાદાકબાપુ ન આવ્યા?’ કેશવે એને જોતાં જ પૂછ્યું.

‘ના, મને મોકલ્યો છે ને!’

‘ઠીક, આ તો કચ્છના દંડનાયક દાદાક મહેતાનો મહાદેવ... રણયોદ્ધો છે. મહારાજને એના પર પ્રીતિ છે.’ લોકમાં ઊઠેલી સામાન્ય પૃચ્છા અંદર-અંદર સંતોષાઈ. અત્યાર સુધી આવનારા કાં રણયોદ્ધા હતા, કાં મુત્સદ્દી હતા. મહાદેવનો ચહેરો કાંઇક જુદી જ વાત કહેતો હતો.

તે રણયોદ્ધો હતો અને મુત્સદ્દી પણ હતો; પણ એથી વધુ એની ઊંડી ઘેરી વિશાળ આંખમાં સ્વપ્નદ્રષ્ટાની મોહક રમણીયના હતી. નાનો વિજય એને સંતોષે તેમ ન હતો. નજરને પકડી રાખે એનો દેખાવ હતો.

‘આ મહાદેવ ને પેલો કેશવ – મહારાજના બંને જમણા-ડાબા હાથ જેવા થઇ ગયા છે, પાછા બંને નાગર છે!’

પોતાના વિષે થતી વાત સાંભળતો ન હોય તેમ મહાદેવ આગળ આવ્યો. એટલામાં રાજમહાલયમાં મોટો કોલાહલ થયો. શંખનાદ થવા લાગ્યા. સૈનિકોના મસ્તક ભાલા ઉપર નમી ગયા. રાજદરબારમાં ઊભેલ નારીદળની સ્ત્રીઓ તલવારને મસ્તકે લગાવી શાંત સ્થિર નયન કરતી ઊભી રહી ગઈ. મંગળ વાજિંત્રો એકીસાથે વાગી રહ્યાં. ચારે તરફથી નાનકડા મહારાજને નીરખી લેવા લોકોનો ધસારો થયો. વ્યવસ્થા રાખવા માટે સૈનિકો દોડાદોડ કરી રહ્યા. જેનામાં મૂલરાજનું સાહસ હતું, ભીમદેવનું પરાક્રમ હતું, કર્ણદેવનું રૂપ હતું અને કોઈ સોલંકીને નહિ મળેલું એવું રાજા વિક્રમનું જીવનસ્વપ્ન જેને વર્યું હતું એવો પાટણનો તરુણ નરપતિ જયસિંહદેવ ત્યાં દેખાયો. એના આકર્ષક રમણીય પ્રતાપે લોકનજરને જાણે વશ કરી લીધી હોય. તેમ સેંકડો નજરો એની તરફ આકર્ષાઈ. હજારો આંખ એના ઉપર થંભી ગઈ. ભાવિ પાટણની આશાનો એ મહાન સ્તંભ હોય તેમ એ નજરે ચડ્યો-ન-ચડ્યો અને હજારોના કંઠમાંથી એકીસાથે હર્ષઘેલો ગગનભેદી મહાનાદ ઊઠ્યો: ‘મહારાજ જયસિંહદેવ સોલંકીનો જય!’