Barbrakjishnu - Jaisingh Siddhraj - 3 books and stories free download online pdf in Gujarati

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 3

જગદેવને પાટણમાં રસ પડે છે

રા’ મદનપાલની હવેલી પાસે પહોંચ્યો, તો ત્યાં માણસો માતા ન હતાં. સેંકડો માણસો મદનપાલના મૃત્યુસમાચાર સાંભળીને ત્યાં ભેગા થઇ ગયા હતા. કોઈ કાંઈ બોલતું ન હતું. પાટણમાંથી એક સાડસતી ગયાનો સૌના મનમાં ઊંડો સંતોષ હતો. મહારાજ કર્ણદેવના સમયનો અધમૂર્ખ મદનપાલ ધીમીધીમે એવો શઠ ને ઠગ બન્યો હતો કે પાટણને એ ક્યારે દગો દેશે એ કહેવાય તેમ ન હતું. રા’ સાથે, લાટ સાથે, કદાચ બર્બરક સાથે એની છાનીછપની ગોષ્ઠિ ચાલી રહેલી હોય તો ના નહિ, એમ બધાને શંકા હતી જ. સૌ એને પાટણમાંથી કાઢવા આતુર હતા. એ જાય એમ મહાઅમાત્ય પણ ઈચ્છતા હતાં. પણ એ નિર્લજ્જ બન્યો હતો. કાઢ્યા વિનાએ જાય તેમ ન હતો. એને કાઢવાની કોઈની હિંમત ચાલતી નહોતી. એ જોઇને પછી તો શઠ અને ઠગની સાથે એ જાલિમ પણ બની ગયો. લીલા વૈદનો પ્રસંગ એમાં ટોચ હતો.

મહારાજ જયસિંહદેવે પોતે આવીને એને હણી નાખ્યો એ વાતે લોકોએ આનંદ અનુભવ્યો. પણ મહાઅમાત્ય ત્યાં આવ્યા ત્યારે સૌને ચિંતા પણ પેઠી કે ક્યાંક વખતે વાતમાંથી વતેસર થઇ જાય તો ના નહિ. મીનલદેવીના ન્યાય પરત્વેના અત્યંત શુદ્ધ વલણની સીને જાણ હતી.

થોડી વારમાં તો લોકોએ એક સાંઢણીને ઝડપભેર ત્યાં ઝોકરાતી જોઈ. કોણ આવ્યું છે એ જોવા માણસોનો ધસારો થયો. સાંઢની ઉપરથી ઊતરીને તલવારનો ટેકો લઇને આગળ વધતો વૃદ્ધ રા’ લોકોની નજરે ચડ્યો ને એક પ્રકારની સનસનાટી ફેલાઈ ગઈ. કોઈકને ટીખળ કરવાનું મન પણ થઇ આવ્યું. એક જણાએ એક કાંકરી ફેંકી... રા’ની તલવારમાં એ અફળાણી ને નીચે પડી ગઈ. રા’ ઊભો રહી ગયો: ‘મારો બાપ! મારી લ્યો, આજ તમારો સમો છે! પછી અમારો સમો આવશે –’ તેણે કરડાકીથી કહ્યું. લોકો શાંત થઇ ગયા.

તે જરાક આગળ વધ્યો ને લોકોમાં હિલચાલ શરુ થઇ ગઈ. સૌ આમતેમ ખસવા માંડ્યા. એટલામાં સામેથી થોડાક ઘોડેસવાર આવતા નજરે ચડ્યા. એમની મોખરે એક ઉત્તુંગ શ્યામ ઘોડા ઊપર એક તેજસ્વી યુવાન આવી રહ્યો હતો. ‘અલ્યા, તું તો ભાગી જા... નહિતર જીવતો નહિ જા હો... આ તારો દાદો આવતો લાગે છે!’ જેણે કાંકરી ફેંકી હતી એને લોકોએ પાછળ ધકેલ્યો. એ ધક્કામુક્કીમાં જગદેવ આગળ નીકળી આવ્યો. રા’ ઊપડ્યો કે એ તરત એની પાછળ નીકળ્યો હતો, પણ કોઈ જનારાની સાથે ટૂંકે માર્ગે પહેલો આવી ગયો હતો. ‘આ તારો દાદો આવ્યો... લે, આ બાજુ જ આવતો લાગે છે!’

‘કોણ છે એ?’ જગદેવે પોતાની પાસે ઊભેલ એક જણાને પૂછ્યું.

‘નથી ઓળખતા? આ હમણાં જ મહારાજે જેને અધિકાર સોંપ્યો છે એ કેશવ મહેતો! સ્થાનિક સેનાનાયક છે!’

પાસે ઊભેલાએ એને સુધાર્યો: ‘સેનાનાયક ખરો, પણ કેશવ મહેતો નહિ – કેશવ નાગર! એ તો નાગર છે. એ ક્યાં જૈન છે? આંહીંનો સ્થાનિક સેનાનાયક છે. એના જેવો આદમી અત્યારે પાટણમાં મળવો મુશ્કેલ છે. એની આંખ જુઓ ને!’ પાછલાં વાક્યો એણે જગદેવને સંબોધીને કહ્યાં હતાં.

એટલામાં તો કેશવનો ઘોડો ત્યાંથી પસાર થયો. જગદેવે એના તરફ જોયું. એની આંખમાં વીજળી જેવી ચમક હતી. વેધક તીક્ષ્ણને શેહ પમાડે એવી એની દ્રષ્ટિ હતી. એ જુવાન હતો. છટા એનામાં અદભુત ગૌરવ હતું. પાટણના સ્થાનિક સેનાનાયકમાં કોઈ આશા રાખે એવો પ્રભાવ એનામાં હતો. એની અડગ, દ્રઢ અને મનોહારી ઘોડેસવારીએ જ કૈકની નજરને આકર્ષી રાખી હતી. જગદેવને એની શક્તિ માટે અને એને પસંદ કરનાર જયસિંહ છે એ સાંભળીને જયસિંહ માટે મનમાં ઊંચો મત બંધાયો. લોલાર્ક પાસે હોત તો એના કાનમાં એ કહી દેત કે નરવર્મને કહેજે, હમણાં પાટણ ઉપર નજર ન કરે. પણ લોલાર્ક તો નગરના એક મંદિરમાં ઘોડા સાચવતો બેઠો હતો.

‘મહારાજનો જમણો હાથ છે!’ બોલનારને કેશવ તરફ સંપૂર્ણ માન હોય એમ એણે જગદેવને વધુ માહિતી આપવા માંડી, ‘જંગલ, જંગલની લડાઈ, જંગલી લોકો ને જંગલી ભાષા એના બાપની. એના જેવો જાણકાર બીજો કોઈ ન મળે. હજી તો એની ઉંમર પણ શી છે?’

પાછળથી લોકોના ધક્કા આવતાં બોલનાર ને જગદેવ ને સૌ જુદાજુદા પડી ગયા. એટલામાં રા’ને જોઇને કેશવ ઘોડા ઊપરથી નીચે ઊતરી પડ્યો હતો. એની તરફ એ ગયો. જઈને શાંતિથી ઊભો રહ્યો. એણે બે હાથ જોડ્યા. રા’એ એક ભેદી દ્રષ્ટિથી એને માપી લીધો. એ એની હાજરીનો અર્થ સમજી ગયો. એનો પ્રથમ આવેશ  નરમ પડતાં આ કાર્યમાંથી રાજરમત કરવાની શક્યતા તરફ એ  ઢળી ગયો હતો. તેણે કેશવને જોયો એટલે કહ્યું: ‘આ હવે તમારે આશરે છીએ... બે-ચાર દી...’ રા’એ કટાક્ષ કર્યો. ‘તમે મારો, ઉગારો... ક્યાં છે રાજમાતા?

‘મહાઅમાત્ય ને સૌ તો સ્મશાન ઉપર ગયા છે, પ્રભુ! ત્યાં મુંજાલ મહેતા છે, મહાઅમાત્યજી છે, ખેંગારજી છે, કુમારશર્મા છે. સૌ ગયા છે. હજારો નાગરિકો સાથે છે.’

‘એ તો હવે, ભા! સૌને સારું તો લગાડશો નાં?’ રા’એ કહ્યું.

‘પણ રાજમાતા પોતે ક્યાં છે? એ ક્યાં છે? મારે તો એમને મળી લેવું હતું. મડદું કરી નાખ્યો એટલે હવે સૌ ભેગા થઈને રાખ તો કરી નાખશે નાં? ત્યાં હવે જઈને હું શું કરું મારે તો રાજમાતાને મળવું છે. મારે જાણવું છે-’

‘રાજમાતા તો હમણાં ક્યાં કોઈને મળે છે? અગત્યનું કામ હોય તો સંદેશો હું લઇ જાઉં.’ કેશવ બોલ્યો.

રા’ ટટ્ટાર ઊભો રહી ગયો. એના શરીરનાં તમામ રૂંવાડાં ખડાં થઇ ગયાં. ‘છોકરા’ એનો અવાજ તીણો – કર્કશ બની ગયો. ‘તું તો હમણાં રાજદરબારમાં રહ્યો હોઈશ, મેં તો કૈક જમાના જોઈ નાખ્યા છે. રાજમાતા પણ જો કોઈને મળતાં જ ન હોય, તો-તો થઇ રહ્યું. કાંઈ નહિ, તો-તો મારે બીજા કોઈને મળવું પણ નથી.’ તે જરાક પાછળ ફર્યો. પણ કેશવ કંઈ જવાબ વાળે તે પહેલાં એક પાલખી આ તરફ આવતી તેણે જોઈ. લોકો એકદમ સ્થિર બની ગયા હતા. રાજમાતા પોતે આંહીં આવી રહ્યાં હતાં. એ શાંત ઊભો રહી ગયો.

પાલખી રા’ પાસે જ આવીને થોભી. એક પડદો જરા ઊંચો થયો. અંદરથી મોહક, મીઠો, ગંભીર જનનીભાવથી ભરેલો કાંઇક ખિન્ન અવાજ સાંભળીને રા’ જરાક શાંત થઇ ગયો: ‘રા’ મેં સાંભળ્યું ને તમે આવ્યા છો એ પણ સાંભળ્યું હું તમને જ મળવા આવતી’તી. આ તો ભારે થઇ છે.’

‘હોય બાપા!’ રા’એ નિર્વેદભર્યો પણ ઉપાલંભથી ભરપૂર જવાબ વાળ્યો, ‘હોય, આજ પાટણના દી છે. ચડતી-પડતી છે. ગિરનારીનાથ જે દી દેખાડે એ ગલઢે ગઢપણ દેખવા, બીજું શું? આ તો તમને ઓળખીએ, એટલે માંયલું માને નહિ. અંદરથી અવાજ આવે કે ફટ રે ભૂંડા! કાંઈ મા મીનલ અન્યા સે’શે? દુનિયા આખી સે’શે, પણ કાંઈ એ સે’શે? બીજા તો ઠીક હવે, આ તમારા વાણિયા, નાગરા ને આ છોકરડો – મહારાજે હમણાં રાખ્યો છે ને, એ તો ઠીક હવે. એને બચારાને શી ગતાગમ પડે? એટલે કીધું તમને મળ્યાં વિના તો નો જાવું. જીવ મૂંઝાતો’તો. આ તમે આવ્યાં, બે વેણ કહ્યા તો જરાક જીવને ધરપત થઇ... બાકી ગયો એ તો ગયો. જેવા કરમના લેખ, બીજું શું?’

રા’ મીનલદેવીની પાલખી પાછળપાછળ હવેલીમાં અદ્રશ્ય થયો. એટલે લોકો ધીરેધીરે વીખરાવા માંડ્યા. જગદેવ પોતાના ઘોડાની ખબર કાઢવા મંદિર તરફ ચાલ્યો, પણ લોકોની વાતમાંથી એ કળી ગયો કે આવા ન્યાયના પ્રશ્ન ઉપર રાજમાતા રાજ-આખું ન્યોછાવર કરી નાંખે એવાં છે એ લોકકથા સાંભળતો એમની વચ્ચે જ ચાલી રહ્યો હતો. એનો રસ જાગ્રત થયો હતો. લોક એકબીજા વાતોએ ચઢ્યા હતા: ‘આ રા’ જમાનાના ખાધેલ છે. એ અત્યારે શીળો થઇ જાશે અને આમાંથી જે ભેદ જન્મશે એનો લાભ ઉઠાવશે. પણ સાંતૂ મહેતા છે એટલે વાંધો નહિ. તોયે કોને ખબર છે. આમાંથી વાત વળે ચઢી જાય તો ના નહિ.’

 ‘પણ મહારાજ નમતું આપે તેમ નથી. એની માતૃભક્તિ અપાર છે. પણ હવે એણે રાજકાજ ઉપાડ્યું છે. એમાં એ કોઈને નમતું નહિ જોખે... એનું ધાર્યું જ થાશે. એ તો ગયા કર્ણદેવ મહારાજ, સૌ મંત્રીઓની સલાહ પ્રમાણે કરે... આ તો અત્યંત દ્રઢાગ્રહી... કહે છે, બર્બરકની પત્ની પિંગલિકાએ મદનપાલને સાધ્યાની હકીકત બહાર આવી હતી...અને...’ કોઈક પરદેશી જેવો વાત સાંભળી રહ્યો છે એ જોતાં જ બોલનાર મૂંગો થઇ ગયો.

જગદેવ રૂદ્રદેવને મળવા ચાલ્યો. એટલામાં એણે રસ્તામાં ખર્પરકને જતો જોય. રા’ને પ્રભાતે મળવા આવ્યો હતો એટલે એણે એને તરત ઓળખી કાઢ્યો: ‘એ ભાઈ! ખર્પરક કે શું નામ?’

પોતાને કોણ સાદ કરે છે એ જોવા ખર્પરક ઊભો રહી ગયો. ત્યાં જગદેવે પાછળથી એના ખભા ઉપર હાથ મૂક્યો: ‘એ તો હું તમને બોલાવતો હતો આમ ક્યાં જઈ આવ્યા? રા’ની સાથે તમે ન હતા?’

‘કોણ, હું? ના-ના હું તો આંહીંનો છું.’

‘એમ? આંહીં શું કરો છો?’

‘આ તમારા જેવા કોઈ આવે ને કામ બતાવે તો દોડીને કરીએ. બે દ્રમ્મ મળે તો ચણા ફાકવા થાય! જોયું નહિ, સવારે મેં ખબર આપ્યા તો રા’ને ખબર પડ્યા, નહિતર તો બિચારા આવીને મદનપાલની હવેલીએ ઊભા રહેત ને ત્યાં તો દેકારો બોલતો હોય!’

‘પણ તમે તો કહ્યું, તમને ખેંગારજીએ મોકલ્યા હતા!’

‘હા, રા’નો સૌથી નાનો કુમાર. એના જેવો વિપત્તિ ઉપર મુક્ત હાસ્ય કરનારો મેં હજી સુધી તો બીજો કોઈ જોયો નથી. મદનપાલના મૃત્યુના સમાચાર સૌથી પહેલાં આખા નગરમાં મેં જાણ્યા. દોડીને એને આપ્યા... તો એ ખડખડાટ હસી પડ્યો!’

‘હે? અરર! માણસનું મૃત્યુ કોઈને હસાવે? તો-તો કઠણ પથ્થરનું હ્રદય હોય!’

‘ના-ના. એમ નથી. તમે સમજ્યા નહિ. આ ખેંગારની રીત જ એવી છે. કોઈ વિપત્તિ ગમે તેટલી મહાન કાં ન હોય, એના ઉપર જાણે ઘા કર્યા વિના જ ચાલી જાય. આ વાત સમજવા જેવી છે. તમે પરદેશી છો, તમે માળવાના છો એ મને ખબર છે. સવારે મને ખબર પડી, પણ તમને કહેવામાં વાંધો નથી...’ તેણે સાવચેતીથી પાછળ જોયું: ‘રા’એ એના ઉપર મદાર બાંધ્યો હતો – મદનપાલ... ને બર્બરક ને એવી એની સાંકળ ઉપર. ત્યાં જયસિંહદેવ મહારાજે અચાનક ઘા કર્યો. સાંકળ જ તૂટી ગઈ, એટલે ખેંગાર હસી પડ્યો! એની રીત અનોખી છે. એ સઘળું ધોળે દીએ – દેખતી આંખે કરવામાં માને છે – પછી વેર હોય, મૈત્રી હોય કે જુદ્ધ હોય.’

‘એમ? ત્યારે તો જાણવા જેવો... ક્યાં રહે છે?’

‘એ હું તમને બતાવીશ. હમણાં તો રોકાવું છે નાં?’

‘હા.’

‘ત્યારે એક બીજી વાત છે. ત્રિલોકમાં ન હોય એવી એક નારી છે. રૂપરૂપનો સાગર. સોનલદે એનું નામ.’ પણ જગદેવ તો એ શબ્દો સાંભળતાં જ ખર્પરકની પાસેથી બે ડગલાં પાછો હઠી ગયો. જાણે એ શબ્દો બોલનારનો પડછાયો પણ એને સ્પર્શે નહિ એવી સાવચેતી રાખવા માગતો હોય તેમ એ સાંભળી રહ્યો. બે હાથ જોડી એણે જરાક માથું નમાવ્યું: ‘મારી મા જગજ્જનનીના જેવું રૂપ હશે!’ તે બોલ્યો. ખર્પરક આ સાંભળીને આશ્ચર્યમાં સ્થિર જ થઇ ગયો.

‘તમને વાત ન ગમી?’

‘માની વાત મને ન ગમે? એ શું બોલ્યા? હું તો એ સાંભળીને જ એ રૂપ પામી ગયો!’

એટલામાં કેશવ ઉતાવળે ઘોડે આવતો લાગ્યો: ‘રા’એ સળગાવ્યું લાગે છે.’ ખર્પરકે વાત બદલી.

‘કેમ ખબર પડી?’

‘આ ગયો કેશવ – મહાઅમાત્યને બોલાવવા જતો લાગે છે. ઠીક ત્યારે, આપણે પાછા ક્યારેક મળીશું!’

જગદેવ એને જતો જોઈ રહ્યો. એને પાટણના જીવનમાં કંઇક નવાજૂની થવાના ભણકારા સંભળાયા. લોલાર્ક પાટણ છોડીને જાય તો પોતે પાંચ-પંદર દી આંહીં રહી તાલ જોઈ પછી સોમનાથ જાય. રાજમાતાની અત્યંત કડક ન્યાયવૃત્તિ વિષે એણે સાંભળ્યું હતું. મહારાજે પોતે જ મદનપાલને હણ્યો હતો, એટલે એમાંથી એનો ચતુર મહાઅમાત્ય કેવો રસ્તો કાઢશે એ જાણવાની એને ઉત્સુકતા થઇ આવી. બર્બરકની વાત તો હવામાં હતી જ. અને એ વાત તો એની ઉપાસનાના વિષયમાં પણ હતી. પોતે માતાનો ઉપાસક ને જાણ્યા પછી એમ ને એમ જાય તો એમાં એનું ભૂષણ નહિ; એટલે આંહીં થોડા દી થોભી જવાનું નક્કી કરીને એ પોતાના ઉતારા તરફ વળ્યો.   

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED