આંખોમાં અંધારા Payal Chavda Palodara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આંખોમાં અંધારા

આંખોમાં અંધારા  :

          નિર્મળાબેન તેમના આજુબાજુના પડોશી સાથે સામે રહેતી વહુનો અહેવાલ આપતાં હતા અને બધા તેમાં મરચું-મીઠું ભભરાવતાં હતા.

નિર્મળાબેન : આ પેલા રેવતીની વહુ નિયતિ છે ને એ તો ઘરનું કંઇ કામ જ કરતી નથી. એની સાસુ જ બધું કામ કરે છે.

મહિલા મંડળ : અરે શું વાત કરો છો? જુઓને કેવી કહેવાય આ વહુ કે સાસુ પાસેથી કામ કરાવે છે!!!!

બીજી મહિલા : (સાચા કારણ પર પ્રકાશ પાડતાં) પણ મેં તો એવું સાંભળ્યું છે કે વહુને સરકારી નોકરી છે ને તેને ૧૫૦ કિ.મી. દૂર બસમાં અપડાઉન કરવું પડે છે અને રોજ સવારે ચાર વાગ્યે બાપડી ઉઠે છે.

ત્રીજી મહિલા : હા તો શું થઇ ગયું!!!! સવારે તો બધા વહેલા ઉઠતા જ હોય છે. એમાં તે વળી શું નવાઇ કરે છે!!!! (મોં મચકોડતાં)

નિર્મળતાબેન : વહુ તો સવારથી નોકરી જતી રહી એટલે આખો દિવસ બાપડી સાસુએ જ કામ કરવાનું થાય.

બીજી મહિલા : (દબાણ સાથે) પણ એ નિયતિ તો સાંજે આઠ વાગ્યે ઘરે આવીને પછી ઘરનું બધું જ કામ કરે છે.

નિર્મળાબેન : અરે સાવ ખોટું છે. કંઇ જ કામ કરતી નથી. મહારાણી આરામ જ કરતી હોય છે. રોજ ૧૫૦ કિ.મી. નોકરીએ જતી હોય પછી કઇ રીતે ઘરના કામ કરે એ!!!!!! અને નોકરીનો રૂઆબ તો હોય જ ને.  જલસા છે જલસા એને તો.

          મહિલાઓની સભામાં આજે નિયતિ ચર્ચાનો વિષય હતી. સાચું ફકત ને ફકત નિયતિ જ જાણતી હતી. લગ્નના છ વર્ષમાં તેણે કેટલી તકલીફ વેઠી હતી અને હાલમાં પણ વેઠે છે. પિયરમાં એક ચમચી ન ઉપાડતી રાજકુમારી જેવી નિયતિ આજે સવારમાં ચાર વાગ્યે ઉઠીને ઘરના કામ કરતી થઇ ગઇ. તો પણ તેની કોઇ કદર જ નહિ. એવું પણ નહોતું કે રેવતી બેન વહુથી નાખુશ હતા. તેઓ વચ્ચે આ છ વર્ષમાં કોઇ ઝઘડો જ નહોતો થયો. બંને પોતાપોતાનું કામ સમજીને કરતા હતા.

          અચાનક એવું બન્યું કે, નિયતિ જોડે વાત પહોંચી ગઇ કે સામેવાળા નિર્મળાબેન તેની વાતો કરે છે. તેણે સૌથી પહેલા તેની સાસુ રેવતીબેનને આ વાત તેના સાસુ રેવતીબેનના ધ્યાને લાવી. તેના સાસુએ તેને કંઇ જ કહ્યું નહિ. પછી તો નિયતિ તેને ભૂલી જ ગઇ હતી. પણ ફરી પાછી એ જ વાત તેને સાંભળવા મળી. આથી તેણે આ વખતે તો નકકી જ કર્યુ કે, જો નિર્મળાબેન અહી ઘરે આવશે તો આ વિશે તે જરૂરથી વાત કરશે. થોડો સમય વ્યતીત થાય છે ને ત્યાં નિર્મળાબેન સામેથી તેમના ઘરે આવે છે અને આવીને તરત જ એમ પૂછે છે કે, કેવું ચાલે છે?

નિયતિ : બસ જેવું તમે આખા ગામમાં મારી ચર્ચા કરો છો એવું.

નિર્મળાબેન : અરે વહુ, હું કયાં તમારી વાતો કરું છું? 

નિયતિ : માસી, મને બધી જ ખબર છે કે તમે શું વાત કરો છો. તમે જયાં બેસીને વાત કરો છો એ બધા તમારા જ સગા છે એમ ના સમજશો. કોઇક તો મારું સારું વિચારતું જ હોય.

નિર્મળાબેન : ના ભાઇ ના. તુ સાબિત કર ને એ વ્યક્તિને મારી સામે લાવ. તને મારા વિશે કોણ આવું ખોટું કહે છે.???

(ત્યાં તો રેવતીબેન વચ્ચે બોલી ઉઠે છે.)

રેવતી બેન : હા નિયિત. તને જેણે કીધું હોય એને પકડી લાવ તું. એટલે સાચાનું સાચું અને ખોટાનું ખોટું થઇ જાય.

નિયતિ : (આશ્ચર્ય સાથે) મમ્મી, તમને તો મે પહેલા જ આ વાત કરેલી. તો પણ તમે આ રીતે વાત કરો છો? એમને ખબર જ છે કે એમણે મારી વાત કરી છે. ખોટી વાતો ફેલાવે જ શું કામ છે?

નિર્મળાબેન : તમારા સાસુ-સસરા મને વર્ષોથી ઓળખે છે અને તમે તો અહી છ વર્ષથી જ આવ્યા છો. મને એ લોકો બહુ સારી રીતે ઓળખે છે. હું કોઇની વાતો કરતી નથી.

(આખરે નિયતિ એ નિર્મળાબેનને બહુ જ કડક ભાષામાં સમજાવી દીધું અને નિર્મળાબેન તો પોતાની ચોરી પકડાઇ ગઇ હોવાથી ફટાફટ ઘરે ભાગી જાય છે. આ બાજુ નિયતિના ઘરમાં ચર્ચા ચાલુ થઇ જાય છે)

નિયતિ : જોયું, મમ્મી-પપ્પા.મારા વિશે આ માસી આ રીતની વાત કરે છે. હું આખો દિવસ નોકરી પર હોઉં છું. આજુબાજુમાં કોઇના ઘરે પણ હું આટલા છ વર્ષમાં જતી નથી. મને કોઇની વાતો અહીથીતહી કરવાનો શોખ નથી. તો પણ આ કેવા લોકો છે!!!!   

રેવતીબેન : એ તો તમને જે રીતે કામ કરતાં જોતાં હોય એ જ રીતે તેઓ વાત કરેને...... તમે તો આખો દિવસ નોકરી પર જતા રહો છો. કામ તો હું જ કરું છું ને.

(નિયતિને તો આઘાત લાગે છે કે, તેના સાસુ પણ જે છ વર્ષથી તેની જોડે લડ્યા નથી એ પણ તેના વિરોધમાં છે. તે આખી વાત સમજી જાય છે કે, તેના સાસુ તેની સામે સારા હોવાનો ઢોંગ કરે છે અને આજુબાજુમાં નિર્મળાબેનની સાથે જ તેઓ પણ તેની ખરાબ વાત કરે છે.)

નિયતિ : તમારો ખૂબ-ખૂબ આભાર, મમ્મી. આજે મારા આંખ પરનું જે અંધારું હતું તે હટી ગયું છે. હવે હું માણસોને ઓળખી ગઇ છું. વિચારો મારે બહારના માણસોના નહિ પણ ઘરના માણસોના જ બદલવાના છે.

 

- પાયલ ચાવડા પાલોદરા