A silver ring books and stories free download online pdf in Gujarati

ચાંદીની વીંટી

ચાંદીની વીંટી :  

          સેજલ મલ્ટીનેશનલ કંપનીમાં સારી એવી પોસ્ટથી નોકરી કરતી હતી. નોકરી આવ્યા પહેલા સેજલની દરેક જરૂરીયાત તેના પપ્પા જ પૂરા કરતા. નોકરી લાગ્યા બાદ પણ સેજલ તેના પપ્પા પાસેથી જ તેની જોઇતી વસ્તુઓ લેવડાવતી. સેજલને કાયમથી સોના-ચાંદીના દાગીનાનો બહુ જ ગાંડો શોખ હતો. દર ધનતેરસે તેના પપ્પા તેને સોનાનો એક દાગીનો લઇ આપતા અને દિવાળીના તે તહેવારોમાં સેજલ તે બધા દાગીના પહેરતી. એ વખતમાં તો તે સોનાની દુકાન જ લાગતી. સમય વીતતો ગયો પણ તેનો સોના-ચાંદીના ઘરેણાનો શોખ ઓછો ન થયો. હા તેને હાથમાં વીંટી તો સોનાની જ ગમતી, ચાંદીની નહિ. આથી તેણે કોઇ દિવસ ચાંદીની વીંટી જ નહોતી ખરીદી. આ બધા સોના-ચાંદીના ઘરેણા તે તહેવારોમાં જ પહેરતી, ઓફિસ સમયમાં નહિ.

          જયારથી તેણે નોકરી શરૂ કરી ત્યારથી તેના મિત્ર વર્તુળમાં બે-ત્રણ મહિલાને તેણે સરસ મજાની ચાંદીની વીંટી પહેરતા જોયા. તે મહિલાઓનું ચાંદીની વીંટીનું કલેકશન તેને બહુ ગમ્યું. આથી તેને પણ મનમાં ચાંદીની વીંટી પહેરવાની ઇચ્છા થઇ. તેણે તેના પપ્પાને આ વાત કરી અને તેના પપ્પા તેને તે જ દિવસે સોનીને ત્યાં લઇ ગયા. સોનીએ સેજલને ચાંદીની વીંટીની અવનવી ડિઝાઇન બતાવવા માંડી. તેમાંથી એક વીંટી સેજલને ગમી અને તે જ વીંટી તેના પપ્પાને પણ ગમી. સેજલે વીંટીનું બિલ બનતાં તરત જ હાથમાં પહેરી લીધી. સમય વીતતો ગયો. સેજલના લગ્ન લેવાયા. સેજલ તેના જીવનમાં વ્યસ્ત થઇ ગઇ. એ પછી તે એક બાળકની મા બની. પછી તો બાળક અને ઓફિસની જવાબદારીમાં જ તે ખોવાયેલી રહેતી.

          એક દિવસ સેજલ ઘરના કામકાજમાં વ્યસ્ત હતી અને તેનું દોઢ વર્ષનું બાળક તેના કપડાં ખેંચતું હતું કે જાણે કે તેને પાસે બોલાવતું હોય. સેજલે તેને તેડી લીધો અને રમાડવા લાગી. પછી અચાનક તેનું બાળક તેની વીંટી વારેઘડીએ મોંઢામાં નાખતો હતો. આ જોઇ સેજલને એમ કે વીંટી કાઢીને બાજુમાં મૂકી દઉં. આથી તેનું ધ્યાન બીજે જતું રહેશે. આથી તેણે તરત જ જયાં તે બેઠી હતી તેની બાજુમાં તેના બાળકની નજર ન પડે તેમ વીંટી ઉતારીને મૂકી દીધી. એ પછી તે બાળક સાથે રમવામાં મશગૂલ થઇ ગઇ. સેજલનું ધ્યાન હવે બાજુમાં રહેલ વીંટીમાં નહોતું. તે બસ તેના બાળક પર જ ધ્યાન આપી રહી હતી. એ પછી તો ઘણો સમય જતો રહ્યો. સાંજ પડવા આવીને સેજલ તેના બીજા કામમાં લાગી ગઇ. ત્યાં સુધી તેને યાદ જ નહિ કે તેણે તેની વીંટી કાઢીને મૂકી છે. એ પછી છેક સાંજે જયારે તેની નજર તેના હાથ પર પડી ત્યારે તેને યાદ આવ્યું કે, તેણે વીંટી કાઢીને બાજુમાં મૂકી દીધી હતી. તેણે રૂમમાં આવીને તપાસ કરી પણ વીંટી કયાંય ના મળી. તેને બીજી ચિંતા સતાવવા લાગી કે, કયાંક તેના બાળકના નજરમાં વીંટી આવી ગઇ હશે ને તેણે મોઢામાં તો નઇ નાખી હશે!!! આ બધા વિચારો વચ્ચે તે તેના બાળકને તપાસે છે પણ કંઇક અજુગતું લાગતું નથી. પછી તે તેના પતિને આ વાત જણાવે છે. તેના પતિ તેને નાહક ચિંતા ન કરવાનું કહે છે અને જણાવે છે કે, ઘરમાં જ વીંટી હશે. આથી પછી સેજલ આખું ઘર તપાસ કરી લે છે પણ કયાંય વીંટી મળતી નથી. તે વિચારે છે કે, વીંટી તો ઘરમાં જ મૂકી હતી તો પછી કેમ મળતી નથી ? તે ઉદાસ થઇ જાય છે કેમ કે જીંદગીમાં પહેલી વાર ચાંદીની વીંટી લીધી હતી ને તે ખોવાઇ ગઇ. એ પછી તે શોધવાનું જ બંધ કરી દે છે. પછી તે તેના પપ્પાને ફોન કરીને ચાંદીની વીંટીનો બનાવ વિસ્તારપૂર્વક જણાવે છે. તેના પપ્પા કહે છે કે, ‘‘વાંધો નહિ બેટા, હું તને બીજી વીંટી લઇ આપીશ.’’ ‘‘હા પપ્પા, તમે તો બીજી વીંટી લઇ જ આપશો પણ મને એ વીંટી બહુ જ ગમતી હતી. કેમ કે તે તમે મને પહેલી વાર લઇ આપી હતી.’’ એમ સેજલ જણાવે છે. તેના પપ્પા તેને કહે છે કે, ‘‘ચિંતા ના કર.... વીંટી ઘરમાં જ હશે તને મળી જશે.’’’  

          સાત-આઠ મહિના બાદ ચૈત્ર મહિનો બેસતો હોવાથી ઘરની સાફ-સફાઇ કરવાની હોય છે. સેજલ ઘરના બધા જ રૂમની સાફ-સફાઇ કરી દે છે. તે પછી જયારે તે પોતાના રૂમમાં બેઠી હોય છે ત્યારે તેને ધ્યાનમાં આવે છે કે, એક બેગની થેલી સાફ કરવાની રહી ગઇ છે. એ થેલીમાં સામાન ભરવા માટેની થેલીઓનો જથ્થો હોય છે. સેજલ વારાફરતી થેલીઓ કાઢતી અને તેમાંથી જે સારી હોય તે રાખતી બાકીની કચરામાં નાખી દેતી. એમ કરતાં થેલી પૂરી થવા આવે છે એટલે સેજલ થેલી ઉંધી કરી દે છે અને તેમાંથી થેલીની સાથે એક વીંટી પણ બહાર આવે છે. સેજલ એકદમ સતર્ક થઇ જાય છે અને ધ્યાનથી જુએ છે કે, જે ચાંદીની વીંટી ખોવાઇ ગઇ હતી તે આ જ છે. સેજલ બહુ જ ખુશ થઇ જાય છે. એ પછી તરત જ ઘરના બધાને જણાવે છે કે, તેની વીંટી મળી ગઇ છે. સેજલ તો એટલી ખુશ થઇ જાય છે કે, વીંટી મળ્યાની ખુશીમાં તે ઘરમાં આઇસક્રીમ પાર્ટી કરાવે છે. સેજલ બસ ખુશ થતી તે ચાંદીની વીંટીને જોઇ રહી. કેમ કે, તે વીંટી તેના પપ્પાએ લઇ આપી હોય છે.

 

-   પાયલ ચાવડા પાલોદરા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED