Regret from the heart books and stories free download online pdf in Gujarati

મનથી અફસોસ

મનથી અફસોસ

            મંજુલાબેન અને ગીરીશભાઇ લગ્નગ્રંથિમાં બંધાયા ત્યારે તેઓ ઘણા સમૃધ્ધ હતા. ધીમે-ધીમે સમયનું ચક્ર ફરવા લાગ્યું. તેમના જીવનમાં બે દીકરીઓ અને એક પુત્રનું સુખ આવ્યું. બધું જ બરાબર ચાલી રહ્યું હતું. બાળકો મોટા થઇ ગયા હતા. તેમનો અભ્યાસ પણ પૂરો થઇ ગયો હતો. તેમના સુખી પરિવારમાં બસ શાંતિ જ શાંતિ હતી. ત્યાં અચાનક તેમના જીવનમાં ભૂકંપ આવ્યો. ગીરીશભાઇને કયાંકથી દારૂ પીવાની લત લાગી ગઇ અને તે પણ એવી લાગી કે તે હવે ચોવીસ કલાક દારૂ પીવા લાગ્યા. ઘરમાં હવે અશાંતિ ફેલાઇ ચૂકી હતી. રોજ ઘરમાં કંકાસ થવા લાગ્યો હતો. હવે તો મંજુલાબેન અને ગીરીશભાઇ જે પહેલા એકબીજા સાથે સારી રીતે વાતચીત કરતા હતા તે પણ હવે બંધ થઇ ચૂકી હતી. બોલવાના પણ સંબંધો રહ્યા ન હતા. ઘણા સમજાવ્યા પણ ગીરીશભાઇને પણ તેઓ તેમના પરિવારની વાત સમજતા જ ન હતા. બાળકો પણ રોજ આ બધું જોતા હતા અને ધીમે-ધીમે તેઓના મનમાં પણ પોતાના પિતા માટે માન ઓછું થવા લાગ્યું. આ વાતથી ગીરીશભાઇ પણ અજાણ ન હતા, પરંતુ તેમની દારૂની લત તેમનાથી છુટતી ન હતી.

            એકવાર હદ તો ત્યારે થઇ જયારે સંતાનમાં મોટા દીકરાએ તેના પિતાને કટુ વચન સંભળાવ્યા એ પણ પોતાની માતાની સામે. મંજુલાબેને એક શબ્દ પણ પોતાના પુત્રને કહ્યા નહિ. તેમના પણ પોતાનો પુત્ર સાચો જ લાગતો હતો અને ગીરીશભાઇ પોતાની જવાબદારીથી દૂર ભાગે છે એમ તેમને પણ લાગતું હતું. થોડા સમયમાં તો મંજુલાબેનની સાથે-સાથે તેમના સંતાનો પણ ગીરીશભાઇને કટુ વચન કહેવા લાગ્યા. ગીરીશભાઇથી આ સહન ના થયું. તેઓ ઘર છોડીને જતા રહ્યા. તેમના ઘર છોડીને જતા રહેવાથી તેમના પરિવારને થોડો આઘાત તો લાગ્યો પણ પછી તેઓ પોતાની જીંદગીમાં વ્યસ્ત થઇ ગયા. આજ અરસામાં ગીરીશભાઇ દુખને કારણે પોતાની તબિયત પ્રત્યે બેધ્યાન રહેવા લાગ્યા. એકલું જીવન, બાળકો સાથે નહિ, પરિવાર નહિ તેઓ એકલા જ જીવન વ્યતીત કરવા લાગ્યા.

            એ જ વખતમાં મંજુલાબેનના ઘરમાં સારો અવસર આવ્યો. તેમની મોટી દીકરીનું લગ્ન નકકી થયું. તેમને ગીરીશભાઇ યાદ આવ્યા અને તેઓ તેમને સમજાવી ફોસલાવીને ઘરે લઇ આવ્યા. એ જ ઇરાદાથી દીકરીના લગ્ન છે તો કોઇ એમ ના કહે કે તેના પિતા હયાત હોવા છતાં પણ હાજર નહોતા રહ્યા. ગીરીશભાઇ પણ બધું વ્યસન ભૂલીને દીકરીના લગ્નના કામ માટે જોડાઇ ગયા.    

            દીકરીના લગ્ન માટેની તૈયારીઓ ચાલુ થઇ. અચાનક જ લગ્નની તૈયારની કામકાજમાં ગીરીશભાઇને પેટમાં દુખાવો ચાલુ થઇ ગયો. દુખાવો એટલો બધો તીવ્ર હતો કે તેમને તાત્કાલિક દવાખાને લઇ જવા પડયા. દવાખાને લઇ ગયા પછી ડોકટરના હાવ-ભાવ થોડા ગંભીર પ્રકારના હતા. તેઓએ અમુક રીપોર્ટ લઇ આવવા જણાવ્યું. મંજુલાબેન અને તેમનો દીકરો બધા રીપોર્ટ કઢાવી લાવ્યા અને ગીરીશભાઇને દવાખાને લઇને ગયા. ત્યાં ડોકટરે ગીરીશભાઇને છેલ્લા સ્ટેજનું કેન્સર છે તેમ જણાવ્યું. મંજુલાબેન અને તેમના પુત્રના પગ નીચેથી તો જમીન જ ખસી ગઇ. ડોકટરના કહેવા પ્રમાણે તે માંડ બે-ત્રણ મહીના જીવશે.

            ઘરે આવ્યા પછી મંજુલાબેન એમ વિચારવા લાગ્યા કે, દીકરીના લગ્ન બે મહિનામાં જ છે. ત્યાં સુધી તે હયાત રહે તો સારું નહિતર સમાજના મને બહુ જ મેણાં-ટોણાં મારશે. આથી તેઓ રાત-દિવસ ગીરીશભાઇની સેવામાં લાગી ગયા. એકબાજુ દીકરીના લગ્ન અને બીજી બાજુ ગીરીશભાઇની દેખભાળ. પણ કુદરતને તો કંઇક અલગ જ મંજુર હતું. લગ્નના દસ દિવસ પહેલા જ ગીરીશાભાઇની અચાનક તબીયત વધારે બગડી અને તેઓ મૃત્યુને શરણે થઇ ગયા !!!!!! ઘરમાં માતમ છવાઇ ગયો.

            મંજુલાબેનથી તો આ દુખ સહન જ ના થયું. ગીરીશભાઇ તેમની દીકરીના લગ્નમાં હાજર જ ના રહી શક્યા. મંજુલાબેને તેમની દીકરીનું લગ્નનું મૂર્હત તો કઢાવી રાખ્યું હતું એટલે તેમણે તે દિવસે જ લગ્ન રાખ્યા.

            મંજુલાબેનને લગ્નના દિવસે અફસોસ રહી ગયો કે, તેમના પતિ તેમની સાથે ના રહી શક્યા. અફસોસ રહી ગયો કે, કાશ દીકરીના લગ્ન પહેલા તેમને ઘરે મનાવીને લઇને આવી હોત તો આજે તે જીવિત હોત !!!!!!

 

-  પાયલ ચાવડા પાલોદરા    

              

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED