સપ્તેશ્વર મહાદેવ મંદિરની મુલાકાતે Payal Chavda Palodara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપ્તેશ્વર મહાદેવ મંદિરની મુલાકાતે

સપ્તેશ્વર મહાદેવ મંદિરની મુલાકાતે

તા.૧૨/૦૩/૨૦૨૩ :

          ઘણા સમયથી કોઇ ધાર્મિક સ્થળે જવાની ઇચ્છા હતી. અચાનક જ સપ્તેશ્વર મહાદેવ મંદિર જવાનું નકકી થઇ ગયું. આમ પણ હવે થોડી-થોડી ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે એટલે ત્યાં નદીમાં નહાવા જવાની પણ અલગ એક મજા છે. આથી જ ઘરના બધા સભ્યોએ સાથે મળીને સપ્તેશ્વર મહાદેવ મંદિર જવાનું પ્લાન કર્યુ.

          સપ્તેશ્વર મહાદેવ મંદિર વિશે વાત કરીએ તો, સપ્તેશ્વર મહાદેવ મંદિર સાબરકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૩ (તેર) તાલુકાઓ પૈકીના એક એવા ઇડર તાલુકાનાં અરસોડીયા ગામની નજીક એકાદ બે કિ.મી. જેટલા અંતરે આવેલું છે. ઇડરથી ૩૩ કી.મી. અને હિંમતનગરથી ૩૦ કી.મી અંતરે આવેલું છે.  ઇડરથી દાવડ થઇને આરસોડીયા અને ત્યાંથી ૨ કી.મી. અંતરે આવેલુ છે. આ મંદિર મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફુદેડા ગામથી ર કિ.મી. અંતરે આવેલું છે.  ડેભોલ નદી અને સાબરમતી નદીના સંગમ સ્થાને આ મંદિર આવેલું છે. ઇતિહાસ મુજબ, આ સ્થળે સાત ઋષિઓએ તપસ્યા કરી હતી તેથી આ સ્થળને સપ્તેશ્વર તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો આપણે સપ્તેશ્વર મહાદેવની મુલાકાત લઇએ.

          અમારો પરિવાર મોટો હોવાથી અમે સપ્તેશ્વર જવા માટે એક લકઝરી બસની વ્યવસ્થા કરી. ગાંધીનગર થી સપ્તેશ્વર આશરે બે કલાક જેટલો સમય લાગે છે. આથી અમે વહેલી સવારે આઠ વાગ્યાની આસપાસ સપ્તેશ્વર મહાદેવ મંદિર જવા રવાના થયા. મંદિર પહોંચતાં ત્યાં વાહન પાર્કીંગ માટે બહુ મોટી વ્યવસ્થા કરેલી છે. આથી વાહન કયાં પાર્ક કરવું તેનો પ્રશ્ન નહિ રહે. મંદિર પહોંચવાનો રસ્તો જયાં પૂરો થાય છે ત્યાં જ આ મંદિર સ્થિત છે. આ મંદિર નદીમાં ચારે બાજુએથી થાંભલા પર ઉભું રાખવામાં આવેલ છે. જો નદીમાં વધારે પાણી આવે તો થાંભલા પાણીમાં ડૂબી જ જતા હોય છે. આ મંદિર નીચે એક ભોયરું આવેલ છે. જેમાં એક પ્રાચીન શીવલીંગ આવેલું છે. જેમાં બે-ત્રણ જગ્યાએથી ગૌમુખમાંથી પાણીની ધાર વહે છે અને બીજું કે એક સીધી ધાર સતત શિવલીંગ પર પડે છે. આ પાણી કઇ રીતે અને કયાંથી આવે છે તે પણ એક રહસ્ય છે. ભોંયરામાં જવા માટે આપણે સીડી ઉતરીને જઇએ ત્યારે ઢીંચણ સુધી પાણી રહેતું હોય છે. આપણે જયારે ભોયરામાં જઇએ છીએ ત્યારે કોઇ ગુફામાં ના આવી ગયો હોય તેમ લાગે. પણ તેનું આબેહૂબ વર્ણન કરવું પણ શકય નથી. તેની તો તમારે જાતે જ મુલાકાત લેવી પડે. એ પછી સીડીઓ પર ઉતરતા પાણીમાંથી પસાર થઇને આપણે શિવલીંગના દર્શન કરવા પડે છે. ગુફામાં જ સાત શિવલીંગ એ રીતે ઉભા કર્યા છે જાણે કે આકાશમાં સપ્તર્ષિ તારાઓ સ્થિત હોય. ભોયરાની સામે એક કુંડ આવેલું છે. જેનું પાણી ભોંયરામાંથી કુંડના ગૌમુખમાંથી બહાર આવે છે. આ કુંડમાં લોકો નાહીને ધન્ય અને પવિત્ર થાય છે. અહીયા ખાસ કરીને શ્રાવણ મહિનામાં ભકતો વધારે આવે છે છતાં પણ બારેમાસ અહી ભકતોની ભીડ જામેલી હોય છે. દૂર-દૂર થી અહી બધા વન ડે પીકનીક કરવા આવતા હોય છે. અહીં દૂર-દૂરથી લોકો પોતાના પિતૃઓનું શ્રાધ્ધ કરવા માટે અને પિતૃઓના અંતિમ સંસ્કારની વિધિ કરવા માટે પણ આવે છે. નદીથી થોડે દૂર અહી નાનકડો ડેમ આવેલો છે. જેથી અહી લોકો નાહવાની મજા પણ માણતા હોય છે.

          અમે પણ તે ડેમમાં નાહવાની મજા માણી. અહી જમવાની વ્યવસ્થા પણ બહુ સારી છે. અહી તમને ૮૦ થી ૧૦૦ રૂપિયામાં પૂરી, બે શાક, દાળ-ભાત, ભજીયા, પાપડ અને લાડવા પીરસવામાં આવતા હોય છે. એ પછી આજુબાજુમાં અલગ-અલગ દુકાનો આવેલી હોય છે. અમે ગયા ત્યારે ત્યાં જામફળ અને કેરીની મજા માણી હતી. તે પછી અમે ઘરે જવા રવાના થયા. થાક્યા તો અમે એટલા હતા કે લકઝરીમાં જ અમે સૂઇ ગયા. પણ સપ્તેશ્વર મહાદેવ મંદિરની મુલાકાતથી અમે ધન્ય તો જ થઇ ગયા. આપ પણ જરૂરથી સપ્તેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લેશો.  

 

-  પાયલ ચાવડા પાલોદરા