Vetha for Stomach - Law of Nature books and stories free download online pdf in Gujarati

પેટ માટે વેઠ : કુદરતનો નિયમ

પેટ માટે વેઠ : કુદરતનો નિયમ

            મીહીકા એક મલ્ટી નેશનલ કંપનીમાં સારા એવા હોદ્દા સાથે કામ કરતી હતી. તેને સારો પગાર કંપની તરફથી ચૂકવવામાં આવતો હતો. મીહીકા કાયમથી અપડાઉન કરતી એટલે સાથે ટીફીન લઇને જ આવતી અને પોતાના ટેબલ પર બેસીને જ તે જમી લેતી. પણ એ દિવસે તેના મમ્મીએ તેને ઘરે જમવા આવવાનું જણાવ્યું. મીહીકાએ પણ કામ પતાવીને ઘરે જમવા જવાનું નકકી કર્યું. આમ તો મીહીકા તેના પપ્પાના અવસાન બાદ ઘરે જમવા નહોતી જતી. કેમ કે, તેને તેના પપ્પા જમવાના ટાઇમે લેવા આવતા અને ઓફિસે મૂકી પણ જતા. પિતાના ગયા પછી તેણે વિચાર્યુ કે, ભાઇને કયાં તકલીફ આપીએ !!! એટલે તે ઘરે જમવા નહોતી જતી. પણ મમ્મીના આગ્રહને લીધે તેણે જમવા માટે ઘરે જવાનું નકકી કર્યું. કેમ કે, તેના ઘરે જવાથી તેના મમ્મીને થોડી હુંફ મળતી હતી.

            એ દિવસે ઓફિસમાં ઘરે જવાના નિર્ણય સાથે તે બેગ લઇને ઘરે જવા માટે રવાના જ થતી હતી ત્યાં તેની બાજુના ટેબલ પર બેસતા ભાઇએ તેને એક ઓફિસ કામ આપ્યું. મીહીકા તે કામ કરતી જ હતી. એ જ અરસામાં તેના અધિકારી સ્ટાફ રૂમમાં જ બેઠા હતા. તેમણે તરત જ ઉભા થઇને મીહીકાને કહ્યું કે, પેલું કામ પતાવી દેજો. એટલે મીહીકાને એમ લાગ્યું કે, હાલમાં જે કામ કરી રહી છે તેની વાત થઇ રહી છે. એટલે તેણે ફટાફટ તે કામ પતાવીને ઘરે જવા રવાના થઇ. મીહીકાના ગયા પછી આ બાજુ તેના અધિકારી આવ્યા અને મીહીકાને ના જોઇ એટલે તુરંત જ તેને ફોન લગાવ્યો અને કહ્યું કે, મે તમને જે કામ આપ્યું હતું તે તમે કરી દીધું ને ? ‘‘જી સર, હું કામ પતાવીને જ જમવા આવી છું’’ એમ મીહીકાએ જવાબ આપ્યો.

અધિકારી : તમે કયાં કશું કરીને ગયા છો ? મારા ટેબલ પર જ કાગળ પડયો છે.  

મીહીકા : સર, મે કામ પતાવી દીધું છે. તમે કયા બીના કાગળની વાત કરો છો?  

અધિકારી : મે તમને જે આપ્યું હતું તે કામ તમે કર્યું નથી. તરત જ ઓફિસ આવીને તે કામ કરી જાઓ. (તેમ કહીને ફોન કટ કરી દે છે.) 

મીહીકા : (ઘરના પગથીયા ચઢતી હતી) મમ્મી, મારે ઓફિસ જવું પડશે. મારા અધિકારી મારા પર ગુસ્સે થયા છે. ખબર નઇ કયું કામ મારાથી બાકી રહ્યું છે.

મીહીકાના મમ્મી : (ઉદાસ થઇને) સારું બેટા, તું ઓફિસ જા. પછી શાંતિથી ફોન કરજે મને. ભાઇ તને જમવા માટે લેવા આવી જશે.

મીહીકા : ઓ.કે. (તે પણ ઉદાસ થઇ જાય છે કે પહેલી વાર પિતાના ગયા પછી તેણે મમ્મી સાથે જમવાનું નકકી કર્યું ત્યાં આવી ઓફિસમાં મગજમારી થઇ ગઇ.)

            મીહીકાને તરત જ તેનો ભાઇ ઓફિસ મૂકી જાય છે. ઓફિસમાં પહોંચતા જ મીહીકા ઇન્કવાયરી કરીને જોઇ લે છે કે તેનાથી કયું કામ બાકી રહી ગયું છે. ત્યાં તેને ધ્યાનમાં આવે છે કે તેના અધિકારી જે કામ કહેતા હતા તે તેઓએ તેને રૂબરૂમાં આપ્યું જ નહી. તે પત્ર તો સરના ટેબલે જ હતો. તેને હાથમાં આપ્યો હતો તો કદાચ તે પત્ર થઇ જાત. આથી મીહીકાએ પછી તરત જ પત્ર પર કામ ચાલુ કરી દીધું અને ત્યાં જ તેના અધિકારી આવ્યા.

અધિકારી : કોને પુછીને ઘરે જાવો છો ? કામ કેમ પતાવીને નથી જતા ?

મીહીકા : સોરી, સર. તમે મને જે પત્ર આપવાના હતા તે તો તમારા જ ટેબલ પર હતો. મને તમે આપ્યો જ નહીં. આથી હું કેવી  રીતે તેના પર કામ કરતી!!!! અને હા પેલા ભાઇ પાસે જે પત્ર હતો તેના પર હું કામ કરતી હતી એ અરસામાં જ તમે બોલ્યા કે પત્રનું કામ પતાવી દેજો. આથી મને જે પત્ર પર હું કામ કરી રહી હતી એ જ પત્ર લાગ્યો. તો પણ સર સોરી, મારાથી ભૂલ થઇ ગઇ. મે પત્ર પર કામ ચાલુ કરી દીધું છે. હાલ જ તમને કામ પતાવી આપું.  

અધિકારી : (ગુસ્સે થઇને) તમને લોકોને કામ પર ધ્યાન જ નથી. બસ બે વાગ્યે એટલે ટીફીન ખોલીને જમવા બેસી જવાનું. કોઇ જવાબદારી જ નઇ. બસ ઓફિસ આવવાનું અને ઘરે જતું રહેવાનું. રાતે દસ-અગિયાર વાગ્યા સુધી રોકી રાખ્યા હોય તો ખબર પડે. (બધા સ્ટાફની સામે) ભૂખમરામાંથી આવ્યા છો તેમ બસ જમવાની જ વાત. બીજી કોઇ વાત જ નહી.

            (મીહીકા આ બધું સાંભળતી હોય છે. તેને બહુ જ ખરાબ લાગે છે. પણ લાચાર હતી કે અધિકારી સામે ના બોલાય. આથી તે ચૂપચાપ તેનું કામ કરતી હતી. તે પત્ર પર કામ પતાવી તેણે અધિકારીને આપી દીધો. એ પછી તે અધિકારી તરત જ તેના ઉપર અધિકારીને ફોન કરીને પત્ર વિશે માહિતી આપે છે ત્યાં જ તેમના ઉપર અધિકારીએ તેમને જમ્યા પછી સાંજે પાંચ વાગ્યે મીટીંગમાં વાત કરશે તેમ જણાવી ફોન મૂકી દીધો.

            આ બધી વાત અધિકારીએ સ્ટાફમાં કહી અને જણાવ્યું કે, ‘‘કોઇને કદર જ નથી કામની. આ ભાઇ પણ જમવા જતા રહ્યા અને હવે પત્ર માટે પાંચ વાગ્યે તેમને મળવાનું.’’

            આ બધી જ વાત સાંભળી સ્ટાફમાંથી એક ઉંમરલાયક ભાઇએ તે અધિકારીને જણાવ્યું કે, ‘‘સોરી સર, માફ કરજો. નાના મોઢેથી વાત કરું છું. પણ જો મોટા અધિકારીઓ તેમનું કામ જમવાનું પતાવીને કરતા હોય છે. તો પછી આપણે આપણાથી નીચેના સ્ટાફને પણ જમવાની છૂટ આપીએને. આ મીહીકાબેન ઘરે જમવાનું છોડીને તમારું કામ કરવા ઘરેથી પાછા આવી ગયા એ પણ તમારા ગુસ્સાને લીધે અને જેને લીધે તમે આ બેનના રીમાન્ડ લીધા એ અધિકારી તો જમવા જતા રહ્યા. સર, નાનો માણસ છું. પણ મારે એક વાત કહેવી છે કે, દુનિયાનો દરેક વ્યક્તિ પોતાનું પેટ ભરવા જ કામ કરે છે. પેટ જ ના હોય તો માણસ વેઠ જ શું કામ કરે ? આથી સર, તમે પણ જમી લો અને આ મીહીકા બેનને પણ શાંતિથી ઘરે જમવા જવા દો.’’

            અધિકારીને તેની ભૂલ સમજાય છે અને મીહીકાને ઘરે જમવા માટે મોકલી દે છે.     

 

-  પાયલ ચાવડા પાલોદરા

    (email id : payal.chavda.palodara)   

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED