Obedient books and stories free download online pdf in Gujarati

આજ્ઞાકારી

આજ્ઞાકારી

        નેહા અને હિતેષ બંને સ્કૂલ વખતથી એકબીજાના પરિચયમાં હતા. બંને પહેલા એકબીજાના સારા મિત્રો હતા. સમય જતાં તેઓ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. પણ પ્રેમનો એકરાર તેઓ કરી શકયા ન હતા. એ જ વખતમાં તેમની બોર્ડની પરીક્ષા આવી. બંનેએ પરીક્ષાની તનતોડ તૈયારીઓ ચાલુ કરી દીધી હતી. બંને ભણવામાં પણ સારા એવા હોશિયાર હતા.

        બોર્ડની પરીક્ષા નજીક હતી. નેહા વિચારવા લાગી કે, મારો ને હિતેષનો નંબર એક જ સ્કૂલમાં આવે તો તે જરૂર થી પ્રેમનો એકરાર કરી લઇશ. પણ શરૂઆત હિતેષ કરે તો બહુ સારુ. બનવાજોગ નેહા અને હિતેષનો નંબર એક જ સ્કૂલમાં આવ્યો. પરીક્ષા નજીક આવી ગઇ હતી. બંનેએ એવું નકકી કર્યુ હતું કે પરીક્ષાના છેલ્લા પેપર વખતે જ તેઓ એકબીજાને મળશે. ત્યાં સુધી બંને એકબીજા સાથે વાત નહિ કરે. કારણ ફકત બોર્ડની પરીક્ષા જ હતી. આ બાજુ નેહા અને હિતેષ બેચેન હતા કે પરીક્ષા કયારે પૂરી થાય ને તેઓ એકબીજાને મળે ને પ્રેમનો એકરાર કરે.

        છેલ્લા પેપરનો દિવસ આવી ગયો. પેપર પત્યા બાદ તેઓ નકકી કરેલ જગ્યાએ પહોંચ્યા ને એકબીજાની રાહ જોવા લાગ્યા. ત્યાં જ નેહાની ની નજર હિતેષ પર પડી. તે દોડીને એની પાસે ગઇ. ને તેને ભેટવા જ જતી હતી. ત્યાં જ એ થોડી સ્વસ્થ થઇ ગઇ ને તેની ભાવનાઓ પર તેણે કાબૂ લાવી દીધો ને નજર ઝૂકાવીને તે મરક-મરક શરમાઇ ગઇ. બંને આટલા નજીકના મિત્રો હોવા છતાં પણ આજે એકબીજાથી નજર પણ મીલાવી શકતા ન હતા. થોડી વારના મૌન પછી તેઓએ વાત કરવાની શરૂઆત કરી.

હિતેષ : મારે તને કંઇક કહેવું છે?

નેહા : મારે પણ તને કંઇક કહેવું છે. પણ ચલ તું કહે પહેલા.  

હિતેષ : જો સીધી જ વાત કરીશ. મારાથી હવે વધારે વખત આ વાત મનમાં નહી રાખી શકાય. આટલા વખતની મિત્રતા પછી મને એમ લાગે છે કે હું તને પસંદ કરવા લાગ્યો છું. માટે જ હું તારી સાથે લગ્ન કરવા માંગું છું.  

        નેહા હસી પડી અને કહેવા લાગી કે, મને તો એમ કે તું મને ખાલી પ્રપોઝ કરીશ પણ તું તો  એટલો ગંભીર છે આપણા સંબંધને લઇને કે મને લગ્નનો પ્રસ્તાવ જ આપી દીધો.

હિતેષ : હા યાર, પણ મને એ પણ ખબર છે કે તું પણ મને પસંદ કરે છે. તારો ચેહરો મને જણાઇ દે છે કે તું પણ મને બહુ જ પસંદ કરે છે.  

નેહા : પસંદ તો કરું જ છું અને તારી આંખો મને જણાવી દે છે કે તું પણ મને બહુ પ્રેમ કરે છે. સમજયો. પણ તને એમ નથી લાગતું કે લગ્ન માટે આપણે નાના છીએ. મારી તો પરિવારની સહમતીથી જ લગ્ન કરવાની ઇચ્છા છે.

હિતેષ : નાના તો છીએ જ ને. તો આજે જ હું મારા ઘરે આપણા સંબંધ વિશે વાત કરીશ. ને જો હા આવશે તો આપણે પહેલા આપણો અભ્યાસ પૂરો કરીને નોકરી મેળવીશું તે પછી જ લગ્ન કરીશું.

નેહા : ઓ.કે. સારું. તો પછી ચલ હવે ઘરે જઇએ. મારે મોડું થશે.

હિતેષ : ઓ.કે. બાય......અરે સાંભળ, તું કાઇ ભૂલી જાય છે.

નેહા : ના.. હું કાંઇ ભૂલતી નથી. તમે જ કાંઇ ભૂલી ગયા છો.

હિતેષ : (તેની આંખો મા એકધારું જોઇને) I Love You.

નેહા : I love you, too.

        નેહા અને હિતેષ બહુ જ ખુશ હતા. તેમને આશા ન હતી કે તેઓ આટલી આસાનીથી પ્રેમનો એકરાર કરશે. ને હવે પરિવારની મંજૂરીની વાત હતી. હિતેષે ઘરે જઇને તેના મમ્મીને વાત કરી ને તેની મમ્મીએ તેના પપ્પાને વાત કરી. હિતેષનું ઘર રૂઢીચુસ્ત હતું. તેમણે પહેલા હિતેષની વાત સાંભળી. પછી તરત જ તેના પપ્પાએ તેને એક લાફો લગાવી દીધો. હિતેષ તો ડઘાઇ જ ગયો. તેના પપ્પાને અલગ સમાજની છોકરી ઘરમાં આવે તે મંજૂર ન હતું. તેમણે નેહા અને હિતેષના પ્રેમને અસ્વીકાર કરી દીધો. હિતેષ તેના પરિવાર વિરુધ્ધ જઇ શકે તેમ ન હતો. તેણે બીજે જ દિવસે નેહાને ફોન પર વાત કરી. વાત કરતાં-કરતાં બંને બહુ જ રડ્યા. બંનેમાં એટલી હિંમત ન હતી કે તેઓ પરિવારની મરજી વિરુધ્ધ જાય. તેમણે ઇશ્વરની મરજી સમજીને એકબીજાને ભૂલી જવાનું નકકી કર્યુ.

        વર્ષો પછી બંનેએ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો ને સારી એવી નોકરી પણ મેળવી લીધી. પણ દિલમાં એક વાતનું દુખ રહ્યું કે, તેઓ પરિવારના દિલ તો જીતી ગયા હતા પણ તેઓનું દિલ ગુમાવી ચૂકયા હતા. તે પછી બંનેએ પરિવારની મરજીથી લગ્ન કરી દીધા. આજે તેમનો પરિવાર ઘણો ખુશ છે કે, તેમના બાળકો કેટલા આજ્ઞાકારી છે. .................................

 

-     પાયલ ચાવડા પાલોદરા     

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED