Dabhodia Hanuman Dada Temple books and stories free download online pdf in Gujarati

ડભોડીયા હનુમાન દાદાનું મંદિર

ડભોડીયા હનુમાન દાદાનું મંદિર :

        ઘણા સમયથી હનુમાન દાદાના મંદિરે જવાની ઇચ્છા હતી. વરસાદની સીઝન હતી એટલે બાળકોને લઇને દૂર જવું શકય ન હતું. આથી જ અમે ડભોડા હનુમાન દાદાના મંદિરે જવાનું નકકી કર્યું. પરિવાર સાથે અમે સવારના ૧૦ વાગ્યે ડભોડા જવા માટે પ્રસ્થાન કર્યું. રસ્તામાં ગુજરાતી-પંજાબી-કાઠિયાવાડી ઢાબાઓ બહુ જ હતા અને ત્યાં ભીડ પણ બહુ જામી હતી. સાંભળ્યું છે કે, સ્પેશ્યલ ત્યાં એકાદ-બે કલાક ની રાહ જોઇને લોકો જમવા જતા હોય છે. જમવાનું બહુ જ સરસ મળતું હોય છે. અમે તો ઢાબાની મુલાકાત નથી લીધી પરંતુ જો ફરીવાર ડભોડા જવાનું નકકી થશે ત્યારે અચૂકથી જઇશું.

          ડભોડા મંદિરની વાત કરતાં પહેલા તેના ઇતિહાસને જોવું પડે.  

        ગાંધીનગર જીલ્લામાં ડભોડા ખાતે આવેલા લગભગ એક વર્ષ જૂનાં ડભોડીયા હનુમાન દાદાના મંદિરમાં હનુમાન દાદાની સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિવાળુ અતિપ્રાચીન મંદિર આવેલું છે. આ સ્થળનું પ્રવાસનધામમાં સમાવેશ થતાની સાથે જ છેલ્લા ત્રણ વર્ષથી આ મંદિરના થઇ રહેલા જીર્ણોધ્ધારમાં ડભોડીયા હનુમાન દાદાનું મંદિર ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે. મોગલ કાળના શાસન દરમિયાન પાટણ ઉપર અલ્લાઉદીન ખીલજીએ ચઢાઇ કરતાં પાટણના રાજા સધરાજી સોલંકીએ ડભોડાના ગાઢ જંગલમાં આશરો લીધો હતો. તે જે આજે દેવગઢ જંગલના નામે ઓળખાય છે. અહી ખારી નદી વહેતી હતી. રાજાની ગાયો અને પશુધન ચરાવવા માટે ભરવાડો દેવગઢના જંગલમાં આવતા હતા. તેમાંથી એક ટીલડી નામની ગાય હતી જેના શરીર ઉપર ટીળાપટપકા હતા તે ગાયોના ટોળામાંથી છૂટીને એક નિશ્વિત જગ્યાએ ઉભી રહી નમન કરતી અને દૂધ જરી જતી હતી અને સાંજ પડ્યે ગાયોના ટોળામાં પાછી આવી પણ જતી હતી. આથી તે ઘરે જઇને દૂધ આપી શકતી ન હતી. ગોવાળોએ આવું ઘણા દિવસથી જોયું. આ બાબતે ભરવાડોએ તપાસ કરી તો જોયું આ ટીલડી ગાય કોઇ એક જગ્યાએ જતી ને દૂધ જરતી હતી. આથી તેઓએ રાજાને આ સમગ્ર ઘટનાની જાણ કરી. તેઓ આ જગ્યાની તપાસ કરવા આવ્યા પણ અહી કયાંય મળ્યું નહિ. રાજાએ આ બાબતની જાતે જ તપાસ કરી અને અહી એ ટીલડી ગાને દૂધ જરતી જોઇ ત્યારે રાજાને આ ઘટનામાં કંઇ ચમત્કાર લાગ્યો. આથી તેઓએ રાજયના રાજપુરોહિતની સલાહ મુજબ, ત્યાં ખોદકામ કરાવ્યું અને ત્યાં હનુમાન દાદાની મુર્તિ સ્વયંભૂ પ્રગટ થઇ. હનુમાન દાદાની મૂર્તિ એટલી મનોરમ હતી કે તેને જોવા અને દર્શન કરવા લાખોની જનમેદની અહી તૂટી પડી. આવો સુંદર અને અદભૂત નજારો હજારો વર્ષોમાં કયારેક જ જોવા મળે છે. રાજા સધરાજી દ્વારા અહી એ વખતે એક મોટો યજ્ઞ રાખવામાં આવ્યો આ જગ્યાએ રંગેચંગે દાદાની પ્રણપ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો. તે પછી મુર્તિની સ્થાપના કરવામાં આવી. ત્યાં શ્રી ડભોડીયા હનુમાન મંદિર તરીકેની સ્થાપના થઇ અને સમય જતાં મંદિરની આજુબાજુ માનવ વસવાટ રહેતો થયો અને તે ગામ બન્યું જે આજે ડભોડા ગામ તરીકે ઓળખાય છે.

          સમય જતા મંદિરના જીર્ણોધ્ધારનું કામ શરૂ કરવામાં આવ્યું અને એમ કરતાં-કરતાં યાત્રાધામમાં સ્થાન મેળવી જીલ્લામાં મોખરાનું સ્થાન ધરાવે છે. મંદિરના મહંતશ્રી સ્વ.જુગલદાસજીએ ડભોડા ગામની સરહદી વિસ્તારમાં કયારે કાતરા કે તીડ નહીં આવે તેવા આર્શીવાદ આપ્યા હતા અને આજે પણ ડભોડા ગામની સરહદી વિસ્તારમાં કાતરા કે તીડ પડતા નથી. મહંતશ્રી સ્વ.જુગલદાસજીના માનમાં આજે પણ મહા વદ છઠ્ઠના દિવસે ગામજનો ધંધો રોજગાર બંધ રાખીને મહંતશ્રી સ્વ.જુગલદાસજીને શ્રધ્ધાંજલિ અર્પણ કરે છે અને આ બંધને આખું ગામ બાવાની છઠ્ઠ તરીકે ઓળખે છે. ડભોડીયા હનુમાન દાદાના મંદિરે દર કાળી ચૌદસે ભવ્ય મેળો યોજાય છે. ધનતેરસની મધરાતે મહાઆરતી સાથે આ મેળાની શરૂઆત થઇ કાળીચૌદશની રાત્રે બે વાગ્યા સુધી યોજાતા મેળામાં માનવમેદની ઉમટી પડે છે. ડભોડા ગામે મંદિરના એક કિલોમીટર પહેલા મેળો ભરાય છે. આ ઉપરાંત દર શનિવારે અને મંગળવારે પણ હજારોની સંખ્યામાં દર્શન કરવા આવતાં ભાવિકો દ્વારા કાળીચૌદશે ૩૫૦ કરતાં વધારે તેલ ડભોડીયા હનુમાન દાદાના મંદિરે ચઢાવવામાં આવતું હોય છે.

          હવે વાત કરીએ, હનુમાન દાદાના મંદિરે કઇ રીતે જવું ? હનુમાન દાદા પહોંચવા માટે સરળતાથી બસ વ્યવહાર અને પ્રાઇવેટ સાધનો ઉપલબ્ભ હોય છે. જો તમે ગાંધીનગરથી પોતાનો સાધન લઇને જતા હોવ તો અહીથી મંદિર ૧૭ કિ.મી. અને આશરે ૨૬ થી ૩૦ મિનિટ જેટલો સમય લાગે છે. ચ-૦ સર્કલ (રક્ષા શક્તિ સર્કલ) થી કુડાસણ બાજુ સીધા ન જતાં જમણી તરફ જતાં સીધે-સીધું ડભોડા ગામ આવી જાય છે. ડભોડા ગામમાં થોડા અંતરે જ હનુમાન દાદાનુ મંદિર આવેલું છે. હનુમાન દાદાના મંદિર જવાના રસ્તા પર પ્રવેશતાં જ એક જમણી બાજુ એક નાનો ગેટ આવેલો છે. ગેટમાં પ્રવેશતાં જ તમને વિશાળ પાર્કીંગની વ્યવસ્થા જોવા મળશે. એટલે તમને વાહન આસાનીથી પાર્ક કરી શકશો. વાહન પાર્ક કરવાનો કોઇ જ ચાર્જ નથી. એ પછી બીજું શેડવાળું પાર્કીંગ પણ પણ છે ત્યાં તેની જમણી બાજુ મંદિરમાં આવતાં યાત્રીઓ માટે રહેવા જમવાની સુવિધા કરવામાં આવેલી છે.

          મંદિરમાં દાદાના પૂજાપા દોરા, ધાગા, મૂર્તિઓ, સ્ટીકરો, અબીલ, કંકુ-ગુલાલ વગેરેજી પુષ્કળ પ્રમાણમાં દુકાનો આવેલી છે. ડભોડીયા દાદાને તેલ અને ધતૂરાના ફળલ ચડે છે. તેથી તેલના ડબ્બા અને નાળીયેરના ડબ્બા જોવા મળશે. મંદિરમાં પ્રવેશ કરતાં જ મંદિરનું વિશાળ અને સુંદર પરિસર આપને નજેર ચડે છે. અહી દાદાને સુખડીનો પ્રસાદ ચઢે છે. જેમાં રૂા.૨૦, રૂા.૫૦ અને રૂા.૧૦૦ ના સુખડીના થાળ મંદિરમાં જ બનાવવામાં આવે છે. સુખડીના પ્રસાદી માટે લાંબી લાઇનો લાગે છે. ભકતો પહેલા સુખડીના થાળ લઇને દાદાને ચઢાવે છે. તે સુખડી તમે ઘરે લઇ શકો છો.

          દર વર્ષે ડભોડીયા હનુમાન દાદાજીના ધામમાં ચૈત્રી પૂનમે હનુમાન જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં હનુમાન મારુતિ યજ્ઞ, ૧૧૧૧ તેલના ડબાનો અભિષેક, શોભાયાત્રા, ધજા ચઢાવવી, મહાઆરતી, પ્રસાદ, ભોજન વગેરેનું આયોજન કરવામાં આવે છે.        

          ડભોડા હનુમાન દાદાના મંદિરે ઘણા લોકો માનતા પૂરી થાય એટલે દર્શને આવતા હોય છે. તમે પણ કોઇ વાર આ દિવ્ય મંદિરની મુલાકાત લેશો એ જ આશાથી ‘‘જય હનુમાન દાદા’’.

-  પાયલ ચાવડા પાલોદરા

(Email : payal.chavda.palodara@gmail.com)       

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED