પાણી Sangita Soni ’Anamika’ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાણી




મમ્મીએ આજે એલાન કરી દીધું. કોઈ બહુ પાણી ઢોળશો નહીં, પાણી ખલાસ થવા આવ્યું છે ,લાઈટો પણ નથી એટલે આજે આપણો વારો હોવા છતાં પાણી આવશે કે નહીં એ ખબર નથી.
આ અમારા ગામની દરેક ઘરની વ્યથા છે. અમારું ગામ ટેકરા ઉપર આવેલું છે. પાછળ ઢાળ ઉતરીને નદી પણ છે. પરંતુ નદી આખા વર્ષ દરમિયાન સૂકી ભઠ્ઠ જ જોવા મળે, અને ઢાળ હોવાથી ચોમાસા પછી પાણી હોય ત્યારે પણ પાણી ભરીને લાવવાનું ખૂબ અઘરું લાગતું હતું. એટલે જ્યારે જ્યારે નદીમાં પાણી હોય ત્યારે કપડાં ધોવા અને વાસણ ઘસવા ગામના લોકો જતા હતા.
ગામના દરેક ફળિયામાં ત્રણ ચાર દિવસે એક વાર પાણી આવે સમય કંઈ નક્કી નહીં. લાઈટો હોય તે મુજબ ગ્રામ પંચાયતમાંથી પાણી છોડે ,એટલે લગભગ ચાર-પાંચ દિવસ ચાલે એટલું પાણી ભરી રાખવાની તૈયારી રાખવી પડે , જો કોઈ મહેમાન પરોણા આવે તો તકલીફ ના પડે.
આજે અમારા ફળિયામાં પાણી આવવાનો વારો છે. પણ પાવર સ્ટેશનમાં કોઈ મુશ્કેલી ઊભી થઈ છે, તેથી અમારા ફળિયામાં જ્યાં સુધી તે પ્રોબ્લેમ સોલ્વ ના થાય ત્યાં સુધી પાણી આવવાની કોઈ શક્યતા નથી. ઉનાળાના વેકેશન નો સમય છે, કાકા ફોઈના બાળકો આવેલા છે, મમ્મીએ સંડાસ(Toilet )ને તાળું મારી દીધું અને કહી દીધું કે આજે બધાએ વગડે જવાનું......
મમ્મીએ પપ્પાને કહ્યું કે સરપંચને કોને ફળિયા માટે ટેન્કર મંગાવી આપે? પપ્પાએ ડોકું હલાવી હા પાડતા કહ્યું હું વાત કરી જોઉં છું ફળિયામાંથી બે ત્રણ પુરુષો ભેગા થયા અને સરપંચને મળવા ગયા સરપંચે ટેન્કર મંગાવવાની હા પાડી.
ગામ આખામાં સમાચાર પહોંચી ગયા કે આજે રામજી મંદિર વાળા ફળિયામાં પાણીનું ટેન્કર આવવાનું છે. થોડી જ વારમાં ગામના લોકો ડોલ, તગારા ,બેડા ,ડબ્બા લઈને પહોંચી ગયા અને પોતાના વાસણ લાઈનમાં મૂકી દીધા એ....ય..ને લાંબી મોટી લાઈન થઈ ગઈ.
લગભગ બે કલાક પછી પાણીનું ટેન્કર આવ્યું .સરપંચ ત્યાં હાજર હતા તેમણે પહેલા અમારા ફળિયા વાળાને લાઈન બનાવવાનું કહ્યું અને તેમનું પાણી ભરાઈ જાય પછી જ ગામના બીજા લોકો પાણી ભરી શકશે તેવો હુકમ કર્યો. પણ આ તો ગામના લોકો! સાંભળે કોઈ ! એ દિવસે અમારા ફળિયામાં ટેન્કર આવ્યું તેનો નજારો કંઈક આવો હતો ... જેવું ટેન્કર ની મોટી પાઇપ માંથી પાણી નીકળવાનું શરૂ થયું ત્રણ ચાર જણ એકી સાથે પોતાના વાસણમાં પાણી ભરવા લાગ્યા ,પાછળથી બીજા લોકો પોતાના વાસણ અંદર ઘુસાડવા લાગ્યા, એકબીજાને ધક્કા મારી પોતાના વાસણમાં પાણી ભરતા જાય, અને ભરાઈ જાય એટલે ઘરમાં દોડતા દોડતા ઠાલવી આવે આમ જેમ તેમ પલળતા પલળતા ,પાણી ઢોળતા ઢોળતા,દોડતા દોડતા અમારા ઘરમાં બધું પાણી ભરાઈ ગયું. જે લોકોને મોડી ખબર પડી હતી તે લોકો એ દોડતા દોડતા આવીને પાણી ભરવા માટે મારામારી અને બૂમાબૂમ શરૂ કરી. ટેન્કર ખાલી થઈ જતા ટેન્કર તો જતું રહ્યું પણ એ પછી થોડા ટાઈમ સુધી આજ બધી ચર્ચાઓ ચાલતી રહી.આજે આ બધું યાદ આવે છે ત્યારે બહુ હસવું પણ આવી જાય છે.કેવા હતા એ દિવસો ? અરે હા... હું કહેવાનું તો ભૂલી ગઈ? અમારા વારા પ્રમાણે જ્યારે પાણી આવે.… તે ક્યારેક રાત્રે પણ આવે... તો નળ ખુલ્લો હોય તો પહેલા તો સીસોટી જેવો અવાજ આવે .... મમ્મી તો જાગી જાય પછી‌ અમને ઉઠાડી ડોલ પકડાવી દે, નળ પાસેથી ઘરમાં જ્યાં જ્યાં પાણી ભરવાનું હોય ત્યાં લાઇન લાગે ... એક એક વાસણ ભરાય અને પાસ થતું થતું એ ટાંકીમાં ,માટલામાં, પવાલી માં પાણી ભરાય. અડધી રાતે ઊઠીને આ રીતે પાણી ભરવાની પણ એક મજા હતી .જો કે એ વખતે એ નહોતું ગમતું ,પણ અત્યારે તે સંસ્મરણો યાદ કરીને આનંદ આવે છે.