એ રાત નહીં ભૂલાય.. SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એ રાત નહીં ભૂલાય..

વાત 30 જૂન, 2023 ની છે જયારે અમદાવાદના અમુક વિસ્તારોમાં જાણે આભ ફાટ્યું હતું. બે કલાકમાં પાંચ ઇંચ જેવો વરસાદ પડેલો.
એ રાત્રિનો એક ખૂબ ભયાનક ડ્રાઈવિંગ અનુભવ અત્રે વર્ણવું છું.
----------
ઈશ્વર સત્ય છે. રક્ષા કરી.
આજે મારો મોટો પુત્ર ગુડગાંવ જવા રાજધાનીમાં નાનાં બાળકો સાથે ગયો. આમ તો હું મૂકવા જવાનો હતો. નીકળવા ના સમયે જ સાડા ચારે જોરદાર વરસાદ તુટી પડયો. માત્ર બે દિવસ કોઈ કામસર આવેલ નાનો પુત્ર, પુત્રવધૂ કહે તમને વરસાદમાં તકલીફ પડશે, અમે મૂકી આવીએ.
તેઓ રાજપથ રોડ થોડાં પાણીમાં હતો તેમાંથી નીકળી સ્ટેશન પહોંચાડ્યા. ત્યાંથી 6.30 ના નીકળ્યા અને વરસાદ ની સ્પીડ જે વધી!
ઇન્કમટેકસ પાસે એક વાર ફસાયા, એકસેલરેટર જોરથી આપી ફર્સ્ટ માં કાઢી ત્યાં થલતેજ ગુરૂદ્વારાની બાજુનો રસ્તો બંધ . વાઇપર ફૂલ ચાલુ કર્યાં છતાં સામે કાઈં દેખાય નહીં.
જોતજોતામાં કારના પૈડાં અને પછી બોનેટ સુધી પાણી આવી ગયું.
સિંધુ ભવન રોડ પકડતાં કાર ની નીચેથી ધન.. ધન.. અવાજ આવવા લાગ્યો. પાણીના હિલોળા તળિયે અથડાતા હતા. થોડી વારમાં બેય બાજુ બારણાં પર માર વાગવા લાગ્યો. બે ત્રણ વાર કારના છાપરાં પર થઈ છાલકો ગઈ. નીચે અને ઉપર, બેય બાજુથી પાણીનો માર વાગે અને ધમ.. ધમ.. અવાજ આવે એક વાર તો કાર રીતસર ફંગોળાઈ.
જેમતેમ રાજપથ રોડ પકડ્યો. સદભાગ્યે ત્યાં સિંધુ ભવન ની જેમ દરિયા જેવા હિલોળા નહીં પણ બોનેટ ને અડવા આવે એટલું પાણી.
ખૂબ રેસ કરી ઢાળ ચડાવી બોપલ રોડ પર લીધી તો વકીલ સાહેબ બ્રિજ થી સર્વિસ લેનમાં ગોઠણ સમાણા પાણી. સ્વામિનારાયણ મંદિર થી નવો રોડ પકડ્યો ત્યાં ક્યાંક પાણી અડતાં લાઈટ અને હોર્ન બંધ, રસ્તાની લાઈટો બંધ.
જેમ તેમ મારા બીરવા બંગલો ના ગેટ પાસે આવ્યાં તો ચોકીદાર કહે સોસાયટી નો રસ્તો ગોઠણ જેટલા પાણીમાં છે. કાર બહાર રોડ પર સેફ રહેશે.
પુત્રએ ગુરૂદ્વારા પાસેથી આખો 6 થી 7 કિમી રસ્તો ફર્સ્ટ ગિયર માં રેસ કરતાં પસાર કર્યો. એ પણ કાર ની બેય બાજુ અને તળીયે વાગતી થપાટો વચ્ચે. અહીં પણ બે ત્રણ વાર પાણી બની સાથે ટકરાઈ પ્રમાણ માં ઊંચી ડીઝાયર કારના છાપરાં પર થી ઉડ્યું. આગળ ને પાછળ કે સાઈડમાં કાઈં દેખાય નહીં એમ. નદીમાં તણાતા હોય એમ કાર કાઢી.
a really horrible experience.
એ સાથે મારા પુત્રએ કહેલી બીજી કેટલીક આ ભયાનક વરસાદ વખતની વાતો.
ટ્રાફિક બધે જ જામ હતો. સિંધુભવન રોડ અગાઉ આટલો પાણીમાં નહોતો રહેતો. એને રીનોવેટ કરવામાં યોગ્ય જગ્યાએ ગટરો ન મૂકી હોય એમ લાગ્યું. રસ્તા વચ્ચે ગટરો હતી પણ એકાએક ચારે બાજુથી પાણી આવતાં એનાં ઢાંકણાં ખોલવાનો કોઈને સમય નહીં રહ્યો હોય.
ચારે બાજુથી આવું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી પાણીનો પ્રવાહ ધસમસતો આવી પહોંચવાનું એક કારણ એના મતે એ કે આજુબાજુના મોટા બંગલાઓ અને પોશ ઓફિસ, શોપિંગ બિલ્ડિંગોએ પોતાની સલામતી માટે રોડ થી થોડું ઊંચું બાંધકામ કર્યું, ઉપરથી ફૂટપાથ તરફથી રસ્તે જતા ઢાળ બનાવ્યા. પાણી એકદમ વહીને જાય ક્યાં?
એ વખતે આપણું આગવું અમદાવાદી કલ્ચર કામ આવ્યું. આવાં હિલોળા મારતાં પાણીમાં યુવકો ટ્રાફિક ગાઈડ કરતા ઉભેલા. કાર ને જગ્યા મળે ત્યાંથી આગળ જવા દેતા હતા. ઘણાં એક્ટિવા બંધ પડી ગયેલાં એને ઊંચકીને સાઈડમાં કરવામાં કે થોડે સુધી દોરી જવામાં લોકો આપોઆપ મદદ કરતા હતા.
કોઈએ તો કહ્યું કે લોકો કાર વગેરેમાં ફસાઈ ગયેલાં લોકોને નજીકમાં આવેલાં પોતાના ઘેર આવવા પણ આગ્રહ કરતા હતા.
ઓટો લોક વાળી કારો તો સેન્સર ને પાણી અડતાં બંધ જ પડી ગયેલી. એવું ગુરૂદ્વારા થી સિંધુભવન રોડ સુધી ખૂબ હતું.
જે પણ આગળ ખાંચામાં થઈને નીકળે તેને આ રસ્તે જવાશે કે નહીં તેની માહિતી પણ લોકો આપતા હતા. પુત્રએ જ આવી સ્થિતિમાં કોઈને થોડું અંતર લિફ્ટ આપી, તેણે પોતાનો ખાંચો આવતાં ઉતરી જઈ સામા રસ્તે કદાચ પાણી ઓછું હશે કહી આગળ મોકલેલા.
સફાઈ કામગીરી અને પાણી ઉલેચવાનું કામ ઝડપભેર થયું હશે કેમ કે બીજે દિવસે સવારે દસ સાડા દસે ઓફિસ જતા લોકોને ખ્યાલ પણ ન આવે કે અહીં ગઈ રાત્રે પુર ઘૂઘવતાં હતાં એવો રસ્તો ક્લિયર થઈ ગયેલો. પુત્ર નું નિરીક્ષણ હતું કે બેંગલોર માં આવું પાણી ભરાય તો ત્રણેક દિવસે માંડ ક્લીયર થાય.
બે કલાકમાં એક સાથે પાંચેક ઇંચ વરસાદ ખાબક્યો અને ચારે બાજુથી ઢાળ એમાં આવો ભયાનક અનુભવ થયો.
'જિંદગીભર નહીં ભૂલેગે વો બરસાત કી રાત..'
પુત્રને તો બે દિવસ આંખો બંધ કરે ને કાર ના છાપરાં પરથી જોરદાર અથડાઈને જતી છાલકો દેખાતી. જાણે કોઈ વહાણ દરિયાઈ તોફાનમાં ફસાયું હોય .
એ ભયાનક વરસાદી રાત પુત્રને કાયમ યાદ રહેશે.