ગાડીની સર્વિસ બુક :
પિતાના ગયા પછી શ્રેયા કાયમથી તેના પિયર આવવાની જાણ તેના પપ્પાના ફોનમાં તેની મમ્મીને કરતી. પણ પપ્પા હતા ત્યારે તે ફકત પપ્પાને જ ફોન કરીને જાણ કરી દેતી. હવે સમય બદલાઇ ગયો હતો. શ્રેયાને સવારે ઓફિસ જવાનું હતું એટલે તે તેના પતિનું ટીફીન અને ઘરનું કામ પતાવીને તેના ત્રણ વર્ષના બાળકને જમાડીને તૈયાર કરી ઓફિસ જવા માટે તૈયાર થાય છે. કેમ કે, તેને ઓફિસમાં બે દિવસની રજા હોય છે એટલે પિયરમાં રોકાવા જાય છે. ત્યાં તેના પતિ સોહમ તેને અટકાવે છે.
સોહમ : શ્રેયા, કામમાં ઉતાવળ ના કર. મારે ગાડીની સર્વિસ કરાવાની છે. ગાડીની એક મહિનો થઇ ગયો છે. એટલે કેતનને ફોન કરું છું.
(કેતન એટલે શ્રેયાનો નાનો ભાઇ)
શ્રેયા : હા પણ કેતનને કેમ ફોન કરો છો??? કાલે મારે રજા છે તો તમે કહેતા હોવ તો હું કાલે ઘરે જઉં?
સોહમ : ના એવું નથી. પણ કેતન ફ્રી પડીને અહી આવે તો ગાડી પણ લઇ જાય, ભયલુંને ત્યાં ઘરે પણ લઇ જાય અને તને ડાયરેકટ ઓફિસે પણ મૂકી જાય. પછી તને હું રવિવારે આવીશ લેવા.
શ્રેયા : હા વાત તો બરાબર છે. પણ તમે કેતનને પૂછી જોવો.
સોહમ : હા હું એને વાત કરી લઉં છું.
(સોહમ તેના સાળા કેતનને ફોન લગાવે છે.)
કેતન : હા જીજાજી...બોલો.
સોહમ : કેતન, ગાડીની સર્વીસ કરાવાની છે અને તારી બેન ને ભયલું ત્યાં આવે છે તો તું એકટીવા લઇને અહી આવ ને પછી એકટીવા અહી મૂકી દેજે અને ગાડી લઇને તારી બેન અને ભયલુંને લઇ જા.
કેતન : હા જીજાજી. વાંધો નહિ. હું ૮.૩૦ વાગ્યા પછી આવું છું. એકટીવા તમે અહી ઘરે બેનને લેવા આવવાના હોવ ત્યારે લઇ આવજો.
સોહમ : ઓ.કે. એ તો હું રવિવાર આવું જ છું.
(સોહમ અને કેતનની વાત પૂરી થાય છે. સોહમ શ્રેયાને તૈયાર રહેવાનું કહે છે અને પોતે ઓફિસ જવા માટે રવાના થાય છે.)
બરાબર સાડા નવ વાગ્યાની આસપાસ કેતન એકટીવા લઇને આવે છે અને ગાડીને સેલ મારીને આગળ લાવી દે છે.
કેતન : શ્રેયા, તારો સામાન લાય હું ગાડીમાં મૂકી દઉં. ભયલુંને ઘરે લઇ જઇશ અને તને ડાયરેકટ ઓફિસ મૂકી જઇશ.
શ્રેયા : હા સારું. (બધો સમાન ગાડીમાં મૂકાઇ જાય છે. શ્રેયા, કેતન અને ભયલું પણ ગાડીમાં ગોઠવાઇ જાય છે. અચાનક રસ્તામાં કેતનને ગાડીની સર્વીસ બુક યાદ આવે છે. )
કેતન : શ્રેયા, ગાડીની સર્વીસ બુક તો લઇ લીધી ને?
શ્રેયા : હા સર્વીસ બુક તો ગાડીમાં પાછળની ડેકીમાં જ છે.
કેતન : ના હવે. મે ગાડીમાં પાછળની ડેકીમાં ગાડીનું કવર મૂક્યું ત્યારે તો બુક હતી જ નહિ. સીટની પાછળ કવરમાં જોઇ લે ત્યાં હશે.
(શ્રેયા સીટના કવરમાં જુએ છે પણ કયાંય સર્વીસ બુક મળતી નથી. આખરે પછી સોહમને ફોન લગાવે છે.)
સોહમ : હા બોલ, શ્રેયા.
શ્રેયા : ગાડીની સર્વી બુક કયાં છે?
સોહમ : ગાડીમાં જ હશે ને.
શ્રેયા : ગાડીમાં નથી.
સોહમ : ગાડીના કાગળ પણ તે જ સાચવીને મૂકયા છે. જો કયાંક પડી હશે.
શ્રેયા : (ગુસ્સામાં) તમે ગાડી આપો છો તો સાથે કાગળ ને એ બધું જોઇ લેવું જોઇએને.
સોહમ : અરે મને ખબર જ નથી. સારું ચલ જવાબ દે. સર્વીસ કરાવી દે. એ તો હું ઝેરોક્ષ મોકલી દઇશ.
શ્રેયા : સારું.
(એમ કહીને તે ફોન મૂકી દે છે. પાંચ મિનિટ તો બડબડ જ કરે છે. પછી તેનો ભાઇ કહે છે કે, જવા દે હવે. ઘરે મમ્મીને ફોન કરીને પૂછી જો. કદાચ આપણા ઘરે જ ના પડી હોય!!!!)
શ્રેયા તરત જ પિયરમાં મમ્મીને ફોન લગાવે છે.
મમ્મી : હા, બોલ બેટા.
શ્રેયા : મમ્મી, જરા કબાટમાં જોજે ને. એક વાદળી કલરનું કવર છે ને તેમાં મોટી બુક પડી છે.
મમ્મી : હા બેટા. જોઉં છું. (થોડી વાર પછી) હા બેટા, અહી વાદળી કલરનું કવર છે અને તેમાં બુક પણ છે.
શ્રેયા : સારું મમ્મી, એ તું બહાર કાઢીને મૂકજે.
મમ્મી : સારું.
(ગાડીની સર્વીસ બુક ઘરે પિયરમાં જ મળી હોવાના સમાચાર સાંભળીને શ્રેયા અને કેતન એકબીજાની સામે જુએ છે.)
શ્રેયા : કેતન, ગાડીની સર્વીસ બુક તો ઘરે જ છે. ખોટા તારા બનેવીના રીમાન્ડ લઇ લીધા. (એમ કહીને શ્રેયા ખડખડાટ હસે છે.)
કેતન : સારું હવે. જીજાજીને ઘરેથી બુક મળી એમ ના કહેતી. ગાડીમાં જ હતી એમ જ કહેજે. નહિતર આપણા બંનેના રીમાન્ડ લઇ લેવાશે.
(એમ કહેતા ગાડીમાં હાસ્ય ફેલાઇ જાય છે. તે પછી શ્રેયા મસ્ત મજાનું ગીત વગાડે છે અને ગીત સાંભળતાં-સાંભળતાં ભયલું પણ ગાડીમાં સૂઇ જાય છે.)
- પાયલ ચાવડા પાલોદરા