Udta Parinda - 15 books and stories free download online pdf in Gujarati

ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 15












અભિમન્યુ જેવો જમીલ ભાઈ તરફ આગળ વધ્યો ત્યાં, એકાએક જમીલ ભાઈ લોહીલુહાણ હાલતમાં જમીન પર પડ્યાં હતાં. અભિમન્યુએ પોતાની કમરે રાખેલી ગન લોડ કરી અને આસપાસ નજર કરી. જમીલ ભાઈ છેલ્લો શ્વાસ લઈ રહ્યાં હતાં. દિવાલના સહારે એ પીઠ ટેકાવીને પડ્યાં હતાં. ઝડપભેર દોડીને એમની પાસે ગયો. આસપાસ નજર કરી પણ કોઈ વ્યક્તિ દેખાયું નહીં. અભિમન્યુને પાસે આવતા જોઈ જમીલ ભાઈએ એને ત્યાંથી ચાલ્યાં જવાનો ઈશારો કર્યો.

" કોણે કર્યું આ બધું ? જમીલ ભાઈ બોલો જલ્દી! કોણે કર્યું ? " અભિમન્યુએ જમીલ ભાઈનાં પેટ પર લાગેલાં ચાકુ પર પોતાનો રૂમમાં રાખીને વહેતાં લોહીને રોકવાનો પ્રયત્ન કરતાં સવાલ કર્યો. " તું ચાલ્યો જા, એ તને નહીં છોડે. " જમીલ ભાઈએ પોતાના રૂધાયેલા અવાજે આટલું માંડ બોલી શક્યાં. " જમીલ ભાઈ કોણે કર્યું છે ? કાંઈક તો બોલો. " અભિમન્યુએ એમની બંધ થવા આવેલી આંખોને ચહેરાં પર હાથ થપથપાવીને ખુલ્લી રાખવાનો પ્રયાસ કરતાં કહ્યું. " ઉડતાં પરિંદા " અંતે જમીલ ભાઈએ પોતાની અડધી ખુલ્લી આંખે અભિમન્યુને આટલું કહ્યું અને પોતાનો છેલ્લો શ્વાસ ભર્યો. " ઉઠો જમીલ ભાઈ...ઉઠો..." અભિમન્યુએ એને હચમચાવીને કહ્યું પણ જમીલ ભાઈએ ત્યાં જ પોતાનાં પ્રાણ ત્યાગી દીધા.

અભિમન્યુએ પાછળ ફરીને આમતેમ નજર કરી તો, મસ્જિદની પાછળનાં વિભાગમાં લોકોની હરહંમેશ માટે ભીડ રહેતી એ આજે એકાએક બંધ હતી.‌ બાળકો, મહિલાઓ વૃદ્ધ કોઈ વ્યક્તિ અભિમન્યુને આખા વિસ્તારમાં દેખાયું નહીં.‌ નાની એવી સાંકડી ગલીમાં અભિમન્યુએ દુકાનનાં બીજાં માળે ઉપર નજર કરી ત્યાં પંદર સોળ વર્ષનાં યુવકો હાથમાં ચપ્પુ અને ખંજર લઈને અભિમન્યુ સામે ગુસ્સેથી મારી નાંખવાના ઇરાદે એની તરફ જોઈ રહ્યાં હતાં. અભિમન્યુએ ચોતરફ નજર કરી ત્યાં બધાં યુવકો હાથમાં કોઈને કોઈ ઓજાર લઈને ઉભાં હતાં. મસ્જિદમાં જેવી બાંગ પોકારી અને નમાઝ અદા કરવાનો સમય નજીક આવી પહોંચ્યો.‌ અભિમન્યુએ ત્યાં ઉભાં રહીને જીવ જોખમમાં ન મુકતાં ઝડપભેર નીકળવાનો પ્રયત્ન કર્યો.

અભિમન્યુએ જેવો ગલી માંથી બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો ત્યાં બે યુવકોએ એનાં પર હુમલો કર્યો અને અભિમન્યુના ખંભા પર એનાં હાથમાં રહેલો લોખંડનો પાઈપ જોરથી લાગ્યો. એકલો અભિમન્યુ અને સામે આખી ગેંગ ઉભી હતી. એણે પાછળ દોડીને બીજી ગલીમાંથી પસાર થવાનું નક્કી કર્યું અને માંડ પોતાની પાર્ક કરેલી ગાડી સુધી પહોંચી શક્યો. ઝડપભેર ગાડી ચાલું કરીને સીધો રોડ પર નીકળી પડ્યો. ગાડી ચલાવતાં બહાર કાચમાંથી બહાર નજર કરી ત્યાં આઠ દસ મુસ્લિમ યુવાનો એની ગાડી પાછળ દોડી રહ્યાં હતાં. ખંભા પર લાગેલાં ઘાને કારણે ગાડી ચલાવવામાં અભિમન્યુને બહું તકલીફ પડી રહીં હતી. આખરે એણે હિમ્મત હારી નહીં અને એક નાનકડા હોસ્પિટલની બહાર ગાડી ઉભી રાખી અને અંદર ગયો. અભિમન્યુના ખંભા પરથી લોહી વહેતું હતું. ડોક્ટર સાહેબે તરત એનો પહેરેલો શર્ટ કાતર વડે કાપીને વહેતા લોહીને રોકવાનો પ્રયાસ કર્યો. ઘાવ પર મલમ લગાડ્યો અને પાટો વાળી આપ્યો.

" સાહેબ આ વખતે ઘા બહું ઉંડો છે, હું તો એક સામાન્ય ડોક્ટર છું, તમે કોઈ ઓર્થોપેડીક ડોક્ટરને બતાવી લેજો.‌હાલ પુરતું લોહી બંધ થઈ ગયું છે. " ડોક્ટરે પાટો બાંધીને અભિમન્યુને સુચના આપતાં કહ્યું. ડોક્ટરની વાત પર વધારે ચર્ચા ન કરતા અભિમન્યુએ ખિસ્સામાંથી પૈસા બહાર કાઢીને ટેબલ પર રાખ્યાં. " નહીં સાહેબ આ પૈસા હું નહીં લઈ શકું. તમારા કેટલા ઉપકાર મારી ઉપર છે. " ડોક્ટર સાહેબે અભિમન્યુ તરફ હાથ જોડીને કહ્યું. " હું તો બસ એક મુસાફર છું, આજે છું કાલે નહીં. આ તમારા હક્કના પૈસા છે. " અભિમન્યુએ પોતાનાં શર્ટને સરખો કરી ટેબલ પર પૈસા રાખીને ત્યાંથી બહાર નીકળી ગયો. હિમ્મત કરીને ગાડી ચાલું કરી અને હાઈવે તરફ નીકળી પડ્યો. હાઈવે પરથી સેફ હાઉસ પહોંચ્યા ત્યાં ગાડી એકાએક બહાર રહેલાં ઝાડ સાથે અથડાઈ અને જોરથી અવાજ આવ્યો. એ અવાજ સાંભળતાં જયકાર અને રોમા બહાર આવી પહોંચ્યા. અભિમન્યુને એણે ગાડીમાંથી બહાર ઉતાર્યો અને અંદર લઇ ગયાં. થાકના કારણે અભિમન્યુ બેભાન બની ગયો.

સવારનાં ઉગતાં કિરણોનો પ્રકાશ આંશીના જીવનમાં એ અંધકારને દુર કરવા માટે તૈયાર છે. ડુબતા સુરજના કિરણો સાથે જીવનમાં આવેલી એ ઉર્જા પણ ધીમે-ધીમે અલોપ થવા લાગી. દરવાજો કોઈએ ખખડાવ્યો અને આંશી દરવાજો ખોલવા માટે આગળ વધી.‌ જેવો દરવાજો ખોલ્યો કે, બહાર કોઈ વ્યક્તિ દેખાયું નહીં. દરવાજો બંધ કરતાં આંશીની નજર જમીન પર પડેલાં એક પાર્સલ તરફ પડી. આંશીએ નીચે વળીને એને હાથમાં ઉઠાવ્યો. આમતેમ નજર પણ આસપાસ કોઈ વ્યક્તિ દેખાયું નહીં. એ પાર્સલ પર આંશીનુ નામ લાલ રંગના મોટા અક્ષરથી લખેલું હતું. હાથમાં પહેરેલી ડાયમંડ રિંગ તરફ નજર કરી અને સવાર સવારમાં કોઈ વસ્તુ તરફ એણે ધ્યાન કેન્દ્રિત કર્યું નહીં અને પલંગ પર લંબાવ્યું.


આંશીનો ફોન એકાએક રણક્યો. ફોન ઉઠાવવા એનો આગળ વધેલો હાથ ધ્રુજી રહ્યો હતો. મનમાં જાતજાતના વિચારો આવતાં હતાં, આખરે એણે હિમ્મત કરી અને ફોન ઉઠાવ્યો. " હેલ્લો! મિસ આંશી મહેતા. આશા રાખીએ છીએ કે, તમે સ્વસ્થ હશો. તનથી અને મનથી પણ. " આંશીએ જેવો ફોન ઉઠાવ્યો ત્યાં સામેથી કોઈએ થોડાં ઉંચા અવાજે આંશીની તબિયત વિશે સવાલ કર્યો. એ વ્યક્તિનાં અવાજમાં કાંઈક અલગ અંદાજ હતો. એનો ઘેરો અવાજ આવનાર સમયમાં કોઈ તુફાન લઈને આવવાનાં સંકેત આપી રહ્યો હતો. " તમે કોણ બોલો છો ? " એ વ્યક્તિનાં અવાજમાં રહેલાં અંદાજને સાંભળીને આંશીના મનમાં થોડો ડર લાગ્યો અને એકાએક સવાલ કર્યો.‌ " ટેબલ પર પડેલાં પાર્સલને નહીં ખોલો ? " સામેથી એ વ્યક્તિએ આંશીને પાર્સલ ખોલવા તરફ ધ્યાન દોર્યું.

એ વ્યક્તિનો અવાજ સાંભળતાં આંશીના પગ નીચેથી જમીન સરકી ગઈ. " તમે કોણ છો ? મારા ઘરે પાર્સલ આવ્યું એ, વાતની તમને કોણે જાણ કરી ? એ તમે મોકલ્યું છે ? " આંશીએ પલંગ પરથી બેઠાં થતાં આશ્ચર્ય સાથે સવાલ પુછ્યો. " આજે આ બધાં લોકો તમને અધિકના અધુરા રહી ગયેલા કામને જુઠાણાંમા ફેરવવા માંગે છે. તમે પણ એની વાતમાં હા પાડીને હાછ પર હાથ ધરીને બેસી રહ્યાં છો. એ અધિક જેમની સાથે તમારે આંખી જિંદગી પસાર કરવાની હતી. તમારા સપનાં સજાવવાના હતાં, એ નાનકડા ઘરમાં તમારી ગૃહસ્થી જીવવાની હતી. એ અધિકના મૃત્યુ પાછળ તમે રડ્યા કરશો ? એને ફક્ત યાદોમાં યાદ કરીને આખી જિંદગી પસાર કરશો ? થોડાં સમય પછી ક્યાંય બીજે સેટ થઈ જશો ? શું કરશો આગળ ? તમારૂં ભવિષ્ય શું હશે‌? " સામે ફોન પર વાત કરી રહેલાં વ્યક્તિએ એકાએક કેટલાંય મુદા આંશીની સામે રજું કર્યા અને એને વારંવાર સવાલ પુછી રહ્યો હતો.

" તમે કોમ છો ? " એ વ્યક્તિનાં સવાલમાં રહેલી આંશીની લાગણી અને દુઃખ બન્ને આંસુ વડે બહાર આવી રહ્યા હતાં. " એ પાર્સલ ખોલો તમને બધી જાણ થઈ જશે. જો તમે ખરેખર અધિકના ખુનીને શોધવા માંગતા હોય તો આજે સાંજે બરાબર છ વાગ્યે, મનોહર પાર્ક પર પહોંચી જજો. " સામે વાત કરી રહેલાં વ્યક્તિએ આંશીને સુચના આપી અને ફોન કાપી નાખ્યો.

જમીલ ભાઈને મારનાર વ્યક્તિ કોણ હશે ? જમીલ ભાઈના કહેવા છેલ્લા શબ્દો ઉડતાં પરિંદાનો શું અર્થ હશે ? આંશીને ફોન કરનાર વ્યક્તિ કોણ હશે ? જોઈએ આગળનાં ભાગમાં.

તેનાં મૃત્યુ બાદ સદા માટે અમર બની ગયો,
આંશીના દિલમાં થોડો વધું વિસ્તારી ગયો.


ક્રમશ....


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED