Featured Books
શ્રેણી
શેયર કરો

ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 8

ઉંડો શ્વાસ ભર્યો અને હિમ્મત એકઠી કરીને એણે ડાયરી શોધી. એ ઘરમાં રહેલી યાદોં સાથે વધારે સમય એકલા પસાર ન કરતાં એ ઝડપભેર બહાર નીકળી ગયો. હાથમાં રહેલી ડાયરી સાથે અભિમન્યુ પોતાની ગાડીને પાર્કિંગમા રાખી હોસ્પિટલમાં પ્રવેશ કર્યો. આંશીના રૂમમાં પ્રવેશ કરતાં એનાં પગ બે ઘડી ત્યાં જ અટકી ગયાં. હાથમાં રહેલી ડાયરી અને પલંગ પર નિસ્તેજ હાલમાં મૌન બનીને સુતેલી આંશી વચ્ચે દસ પગલાંની દુરી હતી. એ દુરી અભિમન્યુને પોતાનાં ભુતકાળમાં વધુને વધુ ગરકાવ બનાવી રહીં હતી. " આંશી સવાલ કરશે પણ એનો જવાબ હું શું આપીશ ? હું મારા કામમાં નિષ્ફળ ગયો ! મેં અધિકનુ ધ્યાન ન રાખ્યું." અભિમન્યુ દરવાજે ઉભીને આ સવાલોનો મનોમન સામનો કરી રહ્યો હતો.

" બેટા તું આવી ગયો ? " અભિમન્યને દરવાજે ઉભેલો જોઈ આંશીની મમ્મી સુમિત્રાએ એકાએક સવાલ કર્યો. સુમિત્રાનો અવાજ સાંભળતાં અભિમન્યુ એકાએક વર્તમાનમાં આવી ગયો. એણે ફક્ત માથું ધુણાવીને હા પાડી. ધીમાં પગલે એ આંશી તરફ આગળ વધી રહ્યો હતો. અભિમન્યુ આંશીના પલંગ પાસે આવીને ત્યાં પડેલી ખુરશી પર બેઠો. આંશીની અડધી ખુલ્લી આંખોમાંથી આંસુની ધારા વહેતી હતી. એ દ્રશ્ય જોતાં સુમિત્રાનુ કોમળ હૈયું દિકરીનાં દુઃખની વેદનામાં પોતાને દોષિત માની રહી હતી. " આન્ટી તમે બહાર નિરાંતે બેસો હવે હું આવી ગયો છું. " થાકેલી હાલતમાં દેખાય રહેલી સુમિત્રાને અભિમન્યુએ બહાર બેસવાનું કહ્યું. અભિમન્યુ તરફ જેવી આંશીની નજર પડી એણે તરત પોતાની આંખ બંધ કરી લીધી.

" મારી વ્હાલી આંશી, તું અને હું નહીં પણ આપણે બંન્ને એક છીંએ. તો પછી મને કોઈ બેસવાનો આટલો બધો ડર શું કામ ? તારી આંખો બંધ કરીને બસ મને યાદ કરજે હું તારા એ હદયના ભીતરમાં સમાયેલો છું. આ શરીર માત્ર તો નશ્વર છે, અમુક સમય પછી સાથ છોડી આપશે. આપણી આત્મા અમર છે, એ હરહંમેશ સાથે રહે છે. હું તારા શરીરથી નહીં મનથી અને આત્માથી જોડાયેલો છું. ચાલ હવે ફાટફાટ રડવાનું બંધ કર. મારા કેટલાક અધુરાં રહેલાં કામો તારે પુરા કરવાનાં છે. મારી ઈચ્છા પુરી કરીશ ને આંશી ? " અભિમન્યુ ડાયરીમાં લખેલાં અધિકના શબ્દો વાંચતા વાંચતા અટકી ગયો અને રડી પડ્યો. એ શબ્દો જાણે અધિકે પોતાનાં દેહાંત બાદ જે થવાનું હતું, એને અનુસરીને લખ્યાં હોય એવું લાગી રહ્યું હતું.

રડી રહેલી આંશીની બંધ આંખોમાં જાણે રૂમનાં દરવાજે અધિક આવીને ઉભો હતો. "બસ મારી સિંહણ એક આધાતના કારણે પલંગ પર બિમાર અવસ્થામાં આવી ગઈ. આ તો ફક્ત હજી પહેલું કદમ છે. તારે છેક, મંઝિલ સુધી પહોંચવાનું છે. રસ્તામાં કેટલાક નવાં વળાંક પણ આવશે આમ હિમ્મત હારીને મારૂં કામ અધુરું કામ છોડી દઈશ? " અધિક ધીમે-ધીમે આંશી તરફ આગળ વધી રહ્યો હતો. આંશી ફક્ત ના પાડીને માથું ધુણાવી રહીં હતી. " હું હંમેશા તારી આસપાસ છું, તારી ભીતરમાં ફક્ત એને શોધવાની જરૂર છે. તું રડીશ તો મારી આ આત્મા વારંવાર દુઃખી થયા કરશે. તારી સિવાય આ દુનિયામાં મારૂં કોણ છે ? તારી સિવાય કોઈ છે ? તું એકમાત્ર જ મારો અંશ છે, મારી આત્મા છે. તું મારી સિંહણ છે, તારે ઉભાં થઇ અને લડવું પડશે. તારી ભીતરમાં ભભૂકી રહેલી આગને શાંત કરવી પડશે. તારે એ બધાને શોધવાનાં છે, જેણે આપણને અલગ કર્યા હતા. તું એને છોડી દઈશ ? આમ હાર માનીને આંખી જિંદગી પસાર કરીશ. " અધિક આંશીની બાજુમાં આવીને બેઠો. આંશી ફક્ત એનાં જવાબમાં ના પાડી રહીં હતી. " હું તારી સાથે છું, તું અહિયાંથી બહાર નીકળીને મારું અધુરૂં રહીં ગયેલું કામ પુરૂ કરજે. કરીશ ને ? તો ચાલ ફટાફટ બેઠી થઈ જા. " અધિક જાણે આંશીને બેઠી કરી રહ્યો હતો.

" અધિક..." આંશીએ એકાએક અધિકનુ નામ લીધું અને તરત બેઠી થઈ ગઈ. એ બસ આખા રૂમમાં આમતેમ નજર કરીને અધિકને શોધી રહીં હતી. અંતે એના મનમાં જાગૃત થયેલી આશા પર નિરાશાનું મોજું ફરી વળતાં સમય ન લાગ્યો.

અભિમન્યુએ ડાયરી વાંચતા આંશીની અડધી ખુલ્લી આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી.‌ " તમે અધિકને દુઃખી કરવા માંગો છો ? " અભિમન્યુએ આંશીના આંખમાં રહેલાં આંસુ તરફ નજર કરીને સવાલ કર્યો. આંશી પણ એનો જવાબ સારી રીતે જાણતી હતી. આંશીએ માથું ધુણાવીને ના પાડી. " તો તમે રડવાનું પહેલાં બંધ કરો. અધિકે તમને વિડિયો મેસેજ દ્વારા પણ કહ્યું હતું કે, તમે દુઃખી થશો તો એની આત્મા દુઃખી થશે.‌અધિકને ખોવાનુ દુઃખ તમારા જેટલું જ અમને પણ છે. અમારી આખી ટીમના લોકો રોષે ભરાયેલા છે. આખી રાત જાગીને જયકાર સરે અધિકની ખુન કરવા માટે આવેલાં લોકોની ગાડીની તપાસ કરી છે. આપણે જલ્દીથી એ ખુન કરનાર વ્યક્તિ સુધી પહોંચી જઈશુ. આ સમય હાથ પર હાથ રાખીને બેસી રહેવાનો નથી, અધિકના બલિદાનને ન્યાય આપવાનો છે.‌ " અભિમન્યુએ એકાએક જુસ્સેથી આંશીને હકીકત જણાવતાં કહ્યું.

અભિમન્યુની વાત સાંભળીને આંશીએ પોતાની આંખમાં રહેલાં આંસુને લૂછતાં બેઠી થઈ. ત્યાં ડોક્ટર ફરીથી એની તપાસ માટે આવી પહોંચ્યા. " એકાએક સાહેબ શું ચમત્કાર કર્યો કે, આમની તબિયતમાં એકાએક સુધારો થવા આવ્યો. " આંશીને પીઠના બળે બેસતાં જોઈ ડોક્ટરે અભિમન્યુને સવાલ કર્યો. " અમુક અધુરાં રહીં ગયેલાં કામને પુરા કરવા માટે એમનું ઠીક થવું અત્યંત જરૂરી છે. " અભિમન્યુએ ડોક્ટરની વાત સાંભળીને આંશી તરફ નજર કરીને જવાબ આપ્યો.

ડોક્ટર આંશીને આરામ કરવાની સુચના આપી અને દવા લખી અને અભિમન્યુને દવા લેવા માટે કહ્યું. અભિમન્યુ આંશીને સમજાવી દવા લેવા માટે બહાર મેડીકલ સ્ટોર પર ગયો.‌ " હેલ્લો! સર તમે જે વ્યક્તિ સાથે આવ્યા હતા, એમના દસ્તાવેજનાં કામકાજ માટે, એની ફાઈલ તૈયાર થઈ ગઈ છે. આપે જે પ્રમાણે કહ્યું હતું એ મુજબ આંશી મહેતાના નામે મકાન ફેરબદલી કરવામાં આવ્યું છે. અધિક સાહેબનાં ફોન પર બે દિવસથી ફોન કરૂં છું પણ, ફોન બંધ આવી રહ્યો હતો, તમે એમને જાણ કરી આપજો. " દસ્તાવેજ બનાવનાર મનોજનો ફોન અભિમન્યુના ફોન પર આવ્યો હતો. " ઠીક છે. " અભિમન્યુએ આગળ વાત ન વધારતાં ફોન કાપી નાખ્યો.

મનોમન એ વિચાર કરવા લાગ્યો, આખરે એણે છેલ્લે પોતાનું ઘર આંશીના નામે ફેરબદલી કરી નાખ્યું. " સાહેબ આ રહીં તમારી દવા. " અભિમન્યુ મેડિકલ સ્ટોર્સની બહાર વિચારમાં ખોવાયેલો હતો ત્યાં, દુકાનદારે દવા અને એનું બિલ અભિમન્યુને આપતાં કહ્યું. અભિમન્યુ દવા લઈ અને સીડીનાં પગથિયાં ચઢવા લાગ્યો. કદાચ હું આંશીને સમજાવી શકું પણ મને કોણ સમજાવશે ? એક વખત તો તારા મનમાં રહેલી શંકાને મારી સાથે વહેંચવાની જરૂર હતી. હું પણ કેવો મિત્ર છું, તને એક વખત પણ પુછ્યું નહીં કે, કોઈ તકલીફ છે ? " સીડીનાં પગથિયાં ચઢતાં અભિમન્યુની આંખોમાં ઝળઝળીયાં આવી ગયાં. એ મનોમન પોતાની જાતને દોષિ ઠરાવવા લાગ્યો.

આંશીને દાખલ કરવામાં આવેલાં રૂમમાં અભિમન્યુએ જેવો પગ મુક્યો કે, આશ્ચર્યનો પાર ન રહ્યો. આંશી બેડ પરથી ઉભી થઈ અને ઘરે આવવાની તૈયારી કરવામાં લાગી હતી. " આંશી તું ઠીક તો છે ? તારી તબિયત હજુ પણ થોડી કમજોરી દેખાય રહીં છે. " આંશીને એકાએક પોતાનો સામાન એકઠો કરીને ઘરે જવાની તૈયારી કરતાં જોઈ અભિમન્યુને સવાલ કર્યો. " હું એકદમ સ્વસ્થ છું. શરીરથી અને મનથી પણ. " અભિમન્યુ તરફ નજર કરતાં આંશીએ એનાં સવાલનો જવાબ આપ્યો.


અધિકનુ અધુરૂં રહેલું કામ શું હશે ? અધિકને મારનાર વ્યક્તિ કોણ હશે ? અભિમન્યુ અધિકના મૃત્યુનો જવાબદાર હશે ? જોઈએ આગળનાં ભાગમાં.


આંખમાં રહેલાં આંસુ સુકાઈ ગયાં,
એનાં સપનાં પળમા હણાઈ ગયાં.


ક્રમશ....