Udta Parinda - 10 books and stories free download online pdf in Gujarati

ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 10

આંશીનો ફોન વારંવાર રણકી રહ્યો હતો. " બેટા ફોન પર કોઈ જરૂરી કામ હશે. તું એક વખત વાત તો કરી લે. " સુમિત્રાએ વારંવાર રણકી રહેલાં ફોનના અવાજને સાંભળીને આંશીના રૂમમાં પ્રવેશ કરતાં કહ્યું. આંશીએ જાણે સુમિત્રાની વાત ન સાંભળી હોય એવું વર્તન કર્યું. એકીટસે દિવાલ પર રહેલાં અધિક સાથે પોતાનાં ફોટા તરફ નજર કરીને સુન્ન બેઠી હતી. " મારી હસતી રમતી ફુલ જેવી દિકરીની બે દિવસમાં કેવી હાલત થઈ ગઈ છે. " સુમિત્રાએ આંશીના માથા પર હાથ ફેરવતાં કહ્યું.

સુમિત્રાના ખોળામાં માથું રાખીને આંશી પોતાની લાગણીને આંસુ સ્વરૂપે વ્યક્ત કરવા લાગી. " અધિકના પ્રેમને તું આમ આંસુ વડે વેડફીને એને વધુ દુઃખ પહોંચાડે છે. હોસ્પિટલમાં પેલો અભિમન્યુ કાંઈક અધુરું કામ પુરું કરવાનું છે,એવી વાતો વારંવાર કરી રહ્યો હતો. એ અધુરૂં કામ શું છે ? " આંશીના માથા પર હાથ ફેરવતાં સુમિત્રા એને જણાવી રહીં હતી. સુમિત્રાના શબ્દો જેવાં આંશીના કાને પડ્યા કે, એ તરત એનાં ખોળામાંથી બેઠી થઈ ગઈ. " મમ્મીને એ દરેક વાત યાદ છે, ફક્ત તને જ મારી વાતો યાદ નથી રહેતી. આમ દિવસ રાત ફોટા તરફ નજર કરીને રડ્યા કરવાનું છે ? " દિવાલ પર રહેલાં ફોટા તરફ નજર કરી ત્યાં અધિક જાણે આવીને ઉભો હતો.

એકાએક દરવાજે આવીને કોઈએ ઘંટડી વગાડી અને સુમિત્રા દરવાજા તરફ આગળ વધી . આંશી પલંગ પરથી બેઠાં થતાં ધીમે-ધીમે આગળ વધવા લાગી. " હું એકલી પડી ગઈ છું. આ હજારો, લાખોની ભીડમાં મારૂં કોઈ નથી. તું શું કામ મને છોડીને જતો રહ્યો ? તને ખબર છે કે, હું ઝઘડો કરી શકું, જીદ કરી શકું પણ તારા વિના જીંદગી પસાર ન કરી શકું. જિંદગી તો દુરની વાત એક એક મિનિટ પણ તારા વિના રહેવું બહું મુશ્કેલ બની જાય છે. મારે કોઈ વસ્તુ નથી જોતી, બર્થ-ડે પર કોઈ પાર્ટી કે ગીફ્ટ નથી જોઈતું મને બસ તું જોઈએ છે. તું મારી જિંદગીમાં પરત આવી જા. બીજું કાંઈ નથી જોતું. " આંશીએ રડતાં રડતાં અધિક તરફ આગળ વધતાં કહ્યું.

" મારી વાત ધ્યાનથી સાંભળ. તું અને હું નહીં આપણે બંન્ને એક છીએં.‌શરીરથી હું સાથે નથી પણ, આત્મા અને હૃદયથી તારી સાથે એક એક પળ છું. જે થવાનું હતું એ થઈને રહ્યું. તું મને ખુશ રાખવા માંગે છે ? " અધિકે આંશીના રડતાં ચહેરાં તરફ નજર કરતાં સવાલ કર્યો. અધિકને સામે જોવાની ખુશી અને દુઃખ જાણનાર ફક્ત આંશી પોતે જ હતી. " તને ખુશ રાખવા માટે હું બધું કરવા તૈયાર છે. એવું શું કરૂં કે, તું મને પાછો મળી રહે ? મેં ક્યારેય કોઈ વ્યક્તિને દુઃખી નથી કર્યા. ક્યારેય કોઈ વ્યક્તિ વિશે ખરાબ નથી વિચાર્યું. છતાં પણ આજે મારી સાથે આવું શું કામ કર્યું ભગવાનને ? " આંશીએ રડતાં રડતાં અધિકના સવાલ નો જવાબ આપતાં ભગવાનને સવાલ કર્યો.

" કોઈ વ્યક્તિ એક કામ માત્રને માધ્યમ બનેલું હોય છે. હું કદાચ એ કામનું માધ્યમ ન્હોતો. આપણો સાથ જ્યાં સુધી હતો કે, સાથ હવે વધુ ગાઢ બની ગયો છે. પહેલાં ફક્ત શરીર સાથે આપણે બન્ને જોડાયેલાં હતાં, પરંતુ હવે આપણે આત્મા સાથે જોડાયેલાં છે. આપણો પ્રેમ થોડો વધુ વિસ્તરી ગયો. હું જે કામ કરી ન શક્યો એ કામ તારે પુરું કરવાનું છે. કાલે મારો જન્મદિવસ છે, તને યાદ છે ને શું કરવાનું છે ? " અધિકે આંશીને ભુતકાળની વાતનું સ્મરણ કરાવતાં કહ્યું. " હું તારા જેટલી મજબૂત મનની નથી. હું એટલી પણ કઠોર નથી કે, હસતાં મોઢે પરિસ્થિતિનો સ્વીકાર કરી શકું. તું આમ વધારે મારી પરિક્ષા નહીં લેતો. " રડતાં રડતાં આંશી જમીન પર બેસી ગઈ.

" તારે મજબૂત બનવું પડશે. તારે મારી ખાતર તારા મનને એકાગ્ર બનાવનું પડશે. તું મારી સિંહણ છો. ચાલ જલ્દી ઉભી થઈ જા અને અધુરા રહેલાં કામ કરવામા મંડી વળો. " આંશીને હિમ્મત આપીને અધિક સુચનાઓ આપી રહ્યો હતો. આંશી જેવી ઉભી થઈ અને પાછળ ફરી ત્યાં જ અધિક દેખાયો નહીં. મનોમન એ વધુને વધુ દુઃખ અનુભવી રહી હતી. " આંશી બેટા તારો ફોન વાગી રહ્યો છે. " સુમિત્રાએ બહારથી બુમ પાડીને કહ્યું. સુમિત્રાનો અવાજ સાંભળતાં આંશીએ પરાણે પોતાનાં ફોનને હાથમાં લીધો. ફોન જેવો ચાલું કર્યો કે, એની સ્ક્રીન પર તેનો અને અધિકનો ફોટો દેખાયો. એ સુંદર સમયને આંશી વારંવાર યાદ કર્યા કરતી.‌

લગભગ આઠથી દસ જેટલાં ફોન અને મેસેજ " અનમોલ રત્ન " અનાથ આશ્રમનાં સંચાલકના આવી ગયાં હતાં. આવતીકાલે અધિકના જન્મદિવસની ઉજવણી કરવા માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આંશીએ એકાએક સંચાલકને ફોન કર્યો. " હેલ્લો! મેડમ કાલે અધિક સરના જન્મદિવસની બધી તૈયારીઓ કરવામાં આવી રહીં છે. મેં એમને બે દિવસ પહેલાં પણ ફોન કર્યો હતો, સરનો ફોન બંધ આવે છે. એમના કહ્યા મુજબ તૈયાર કરવામાં આવી રહીં છે. બધાં બાળકો બહું જ ખુશ છે, તમને દરરોજ યાદ કરે છે. તમારી સાથે ખુબ વાતો કરવા માંગે છે. બધા બાળકો બે દિવસથી અધિક સર માટે બર્થ-ડે કાર્ડ બનાવી રહ્યા છે,તો કેટલાક બાળકોએ એમની માટે શાયરી અને કવિતાઓ પણ લખી છે. ખરેખર મેડમ હું એટલા વર્ષોથી આ સંસ્થા સાથે જોડાયેલો છે. ઘણાં લોકો બાળકોને મળવા આવે છે, એમની સાથે ઉજવણી કરવા માટે આવે છે. આપની સાથે બાળકો જેટલા ખુશ હોય છે, એટલાં અન્ય કોઈ વ્યક્તિ સાથે ખુશ નથી જોયાં. " અનમોલ રત્ન અનાથ આશ્રમનાં સંચાલક ધિરજ મહેતાએ ફોન પર આંશીને અનાથ આશ્રમનું ખુશખુશાલ વાતાવરણ વિશે માહિતી આપતાં જણાવ્યું.

આંશીના માનસપટ પર અનેક સારી સ્મૃતિઓ એકાએક દેખાય રહીં હતી અને અંતે એમ્બ્યુલન્સ માંથી અધિકના મૃતદેહને નીચે ઉતારવામાં આવી રહ્યો હતો. આંશીના કાને રહેલો ફોન એકાએક જમીન પર પડી ગયો. રૂમમાંથી અવાજ સાંભળતાં સુમિત્રા એકાએક આંશી પાસે આવી પહોંચી. " શું થયું બેટા ? ફોન પર કોણ હતું ? " સુમિત્રાએ આંશીના માથા પર હાથ ફેરવતાં કહ્યું.‌ " કાલે અધિકનો જન્મદિવસ છે, અમે બંન્નેએ થોડા દિવસ પહેલા નક્કી કર્યું હતું કે, આ વખતે અધિકનો જન્મદિવસ અનાથ આશ્રમમાં બાળકો સાથે ઉજવણી કરવામાં આવે. અનાથ આશ્રમમાં બાળકો અધિક માટે કાર્ડ બનાવી રહ્યાં છે, ત્યાંના સંચાલકો તૈયારીઓ કરી રહ્યા છે. અમે કાલે અનાથ આશ્રમ આવવાના છે, એ આશયથી તેઓ તૈયારીમાં લાગ્યાં છે. એ બાળકોનાં કાર્ડ વાંચનાર હવે કોઈ રહ્યું નથી. બાળકોને કોણ સમજાવશે ? " આંશીએ રડતાં રડતાં સુમિત્રાને જવાબ આપ્યો.

" બેટા બધું થઈ જશે. અનાથ આશ્રમમાં બાળકો સાથે અધિકની અનહદ પ્રેમની લાગણીઓ જોડાયેલી છે. તું કાલે નહીં જઈશ તો બાળકો કેટલા દુઃખી થશે ? જો બાળક દુઃખી થશે તો અધિકને ખુશી મળશે ? અધિકની ખુશીમાં જ આપણી ખુશી સમાયેલી છે. ભગવાન તને હિમ્મત આપે એવી પ્રાર્થના. " સુમિત્રાએ આંશીને સમજાવતાં કહ્યું.

" મમ્મી મારામાં એટલી હિમ્મત નથી. " આંશીએ ફરીથી રડતાં રડતાં કહ્યું. બધું ઠીક થઈ જશે બેટા. તારે હિમ્મત કરવી પડશે. તારા ડરને દૂર કરીને આગળ વધવું પડશે. અધિકને પ્રેમ કરનારી આંશી આટલી નબળી નથી કે, હાથ પર હાથ ધરીને બેસી રહે. " સુમિત્રાએ થોડાં ઉંચા અવાજે આંશીને હિમ્મત આપતાં કહ્યું.

અધિકના મૃત્યુના દુઃખમાંથી બહાર આવીને આંશી અનાથ આશ્રમમાં જશે ? અનાથ આશ્રમ સાથે અધિકની કઈ ઘટનાઓ સંકળાયેલી હશે ? જોઈએ આગળનાં ભાગમાં.

બાળકોનાં ચહેરાં પર હરહંમેશ ખુશી લાવનાર,
એકાએક બની ગયો આભમાં તારો ચમકનાર.


ક્રમશ....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED