ઘરડી માતાની આશા Kaushik Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઘરડી માતાની આશા

ઘરડી માતાની આશા

માતા એ માતા છે.
પછી એ ગરીબની હોય કે અમીરની.
માતા માટે સંતાન સર્વસ્વ હોય છે.
સંતાનોના સુખ ખાતર પોતે દુઃખો સહન કરીને સંતાનોનો ઉછેર કરે છે.
આવી જ એક માતા ઉંમરના એક પડાવે આવે છે.
દીકરાની આશા રાખે છે કે એ એને કોઈક દિવસ મળવા તો આવશે.

ઘરડી માતાની આશા પૂરી થશે?

વાંચો ટુંકી વાર્તા 'ઘરડી માતાની આશા '

ના...ના..એ જરૂર આવશે.એક મહિના પહેલા એનો કાગળ આવ્યો હતો.એ મને મળવા આવશે.ચોક્કસ આવશે.આ વખતે વાયદો નહીં કરે.દસ વર્ષ થયા એને ગયે.છેલ્લે દસ વર્ષ પહેલા આવ્યો હતો અને કહ્યું હતું કે બા તને એક દિવસ શહેરમાં લઈ જવાનો છું. પણ મને ખબર હતી કે મને શહેરમાં ના ફાવે. અહીં એકલા રહેવાની ટેવ પડી ગઈ છે.લાલાને કહી દીધું કે મારે શહેરમાં આવવું નથી.બસ વર્ષે એકાદ વખત તારી ઘરડી માતાને મળવા આવજે. અને લાલો હસીને બોલ્યો..બા તમને રોજ યાદ કરું છું.મને તારા વગર ગમતું નથી પણ મારી મજબૂરી સમજ.

લાલાને કહ્યું કે હા..મને ખબર છે તારી મજબૂરી એટલે આવવા માંગતી નથી.સાથે સાથે હું ભલી અને મારો લાલજી મહારાજ ભલો. મને દરરોજ લાલજીના દર્શન કરવા જોઈએ.તારા શહેરમાં મને દર્શન કરાવવા કોણ‌ લઈ જાય? તેં કહ્યું પણ ખરું કે દર રવિવારે દર્શન કરાવીશ.પણ મારે તો લાલજીનું હસતું મુખડું દરરોજ જોવા જોઈએ. એવું કહી દીધું.

આજે એ વાતને દસ વર્ષ થયા.કોઈ સમાચાર નહોતા અને એક દિવસ કાગળ આવ્યો કે લાલો મળવા આવી રહ્યો છે. પડોશીએ વાંચી સંભળાવ્યો.ખુશી થવા માટેનું કારણ મળ્યું.

વહેલી સવાર પણ નહોતી થઈ ને સ્વપ્નમાં લાલજી દેખાયા.એ હસતું મુખડું મલકાતું.મને કહે લેવા આવું છું.
ને પછી સંતાઈ ગયા. સ્વપ્નમાં શોધતા સ્વપ્ન તૂટી ગયું.
એટલામાં પક્ષીનો કલરવ સંભળાયો.
પછી ઉંઘ આવી નહીં..
ચોક્કસ આજે મારો લાલો મળવા આવશે. રાજીની રેડ થઈ ગઈ.
આજે તો લાલજીને ભોગ માટે સુખડી બનાવું.
બસ પછી સુખડી બનાવીને લાલજીને ભોગ ધરાવ્યો.
થોડો ખાધો બાકીનો મારા લાલા માટે રાખ્યો.લાલાને પ્રિય સુખડી.

બધું કામકાજ ધીરે ધીરે પતાવીને લાલાની રાહ જોવા બેઠી.
પણ બપોરે બાર વાગ્યા પણ મારો લાલો દેખાયો નહીં.
આખરે લાલજીને સુખડી અને જળ ધરાવીને પોઢાડી દીધા.

થોડું જમી પણ જમવાની ઈચ્છા નહોતી.
બે વાગ્યા પણ મારો લાલો દેખાયો નહીં.
નિરાશ થઈ.. હશે ગાડી વહેલી મોડી થઈ હશે. સાંજે આવશે.
રાહ જોતા જોતા ક્યારે નિંદર આવી ગઈ એ ખબર પડી નહીં.

-----------
સાંજ પડી ઘરડી માતાનો લાલો ઘરે આવ્યો.
ઘરના દરવાજાને સ્હેજ ધક્કો મારતા ખુલી ગયો.
માતા કોઈ કામમાં હશે..

ઘરમાં આવીને જોયું તો માતા ખાટલામાં સૂતેલી હતી.
લાલાએ બૂમ પાડી.
માડી હું આવી ગયો છું.
પણ માડી સૂતેલી હતી.
લાલાએ માતાને સ્હેજ સ્પર્શ કરીને જગાડવા પ્રયત્ન કર્યો.
માતાની આંખ અડધી ખુલી..
ધીરેથી બબડી..
મારો લાલજી મને લેવા માટે આવી ગયો છે. હું આવું છું મારા વ્હાલા લાલજી..
આટલું બોલતા માતાના પ્રાણપંખેરું ઉડી ગયું.
લાલજી મહારાજ ઘરડી માતાને પોતાની સાથે અક્ષર ધામ લઈ ગયા.

લાલાની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી.
લાલો ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો..
માતા મને માફ કરજો...
પડોશી ભાઈ શાંત રાખવા લાગ્યા.
પડોશી બોલ્યા... માજી તમારી રાહ જોતા હતા.એમણે તમારી પ્રિય સુખડી બનાવી રાખી હતી. પ્રસાદમાં પણ સુખડી છે.
છેલ્લે કહેતા હતા કે જો મને નિંદર આવે તો મને જગાડતા નહીં.મારો લાલો આવશે જ. લાલો આવે તો એના માટે સુખડી બનાવી છે.એ સુખડી ખાશે તો મને પરમ સુખ મળશે...
લાલાની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી.

માતાને મારા માટે આટલી બધી લાગણીઓ હતી અને હું મૂરખ કંઈ સમજી શક્યો નહીં.
વૈભવની દોડમાં માતાને ભૂલી ગયો હતો.
યાદ આવતા મળવા આવ્યો પણ માતા સાથે વાતચીત કરી શક્યો નહીં.મને એકલો મૂકીને અક્ષર ધામ જતા રહ્યા.
હે ઈશ્વર,મારી માતાની આત્માને શાંતિ આપજો.
જનનીની જોડ સખી નહિ જડે રે લોલ..
લાલાએ માતાએ બનાવેલી અને લાલજીને ધરાવેલી સુખડીનો પ્રસાદ ખાધો.
- કૌશિક દવે