Featured Books
શ્રેણી
શેયર કરો

ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 11








આજની સવારમાં થોડી અલગ રોશની હતી. આંખ સામે જાણે બારી પાસે અધિક આવીને ઉભો હતો. " મને બર્થ-ડે વિશ નહીં કરે ? આ વખતે હું પણ એક ગિફ્ટ માંગીશ. તારે મને એ ગીફ્ટ ફરજિયાત પણે આપવું પડશે. " અધિકે પોતાનાં સફેદ શર્ટનો કોલર સરખો કરતાં આંશીને કહ્યું. " મેં રાત્રે બાર વાગ્યે તને હેપ્પી બર્થડે કહ્યું હતું. આ વખતે થોડી અલગ પ્રકારથી જન્મદિવસની ઉજવણી કરીએ. આ વખતે તું મને એક ગીફ્ટ આપજે, મારા જન્મદિવસ પર હું તને એક ભેંટ આપીશ. " આંશીએ થોડાં ઉદાસ અવાજે પોતાનો હાથ આગળ કરીને અધિક પાસે માંગણી કરતાં કહ્યું. " બહુ ચાલાક છોકરી છે, અભિમન્યુની વાત સાચી નીકળી, આંશી બહું જીદી અને ચાલાક છે. " ચહેરા પર એક નાનકડું સ્મિત ફરકાવીને અધિકે આંશીને કહ્યું.

" હા હું જીદી છું, પણ વ્યક્તિ ફક્ત જીદ એની પાસે કરે જેને એ હદથી વધારે પ્રેમ કરે. જેની સાથે એ આંખી જિંદગી પસાર કરવાનાં સપનાં જુએ. " અધિકના સવાલનો જવાબ આપતાં આંશીની આંખમાં પાણી આવી ગયું. " ચાલ પહેલાં હું માંગુ એ ગીફ્ટ આપીશ ? પછી હું વિચાર કરીને કહીશ. તને મારે ગીફ્ટ આપવું કે નહીં." અધિકે થોડાં અલગ અંદાજે આંશીને સવાલ કર્યો. " હા હું તને જોઈતું ગીફ્ટ આપવા માટે તૈયાર છું. " આંશીએ આંખમાં આવેલાં આંસુને રોકીને અધિકને ગીફ્ટ આપવાની હા પાડી. " મારી સિંહણ આજે એક જ વખતમાં મારી વાત માની ગઈ. આ વાતથી મોટું ગિફ્ટ મારી માટે શું હોય શકે ? મારા જન્મદિવસની ઉજવણી તું ધુમધામથી અનમોલ રત્ન અનાથ આશ્રમનાં બાળકો સાથે કરીશ. એ પણ હસતાં મોઢે તારી આંખમાં જરા પણ આંસુ ન આવવું જોઈએ. " અધિકે આંશી માટે પોતાનાં જન્મદિવસની ઉજવણી કરવાની ભેંટની માંગણી કરી.

" તને ખબર છે કે, હું તારી વિના હસતાં મોઢે જન્મદિવસની ઉજવણી નહીં કરી શકું, છતાં પણ તે એવી ગીફ્ટની માંગણી કરી. શું કામ ? " આંશીએ થોડાં ગંભીર આવજે અધિકને સવાલ કર્યો. " આંશી તને ખબર છે, જ્યારે હું બહું નાનો હતો, લગભગ ત્રણ વર્ષની મારી ઉંમર હશે. મારા પિતાજી ત્યારે આ દુનિયા છોડીને જતાં રહ્યાં. મને બહું જ દુઃખ થતું મારા મમ્મી ઘર ઘરનું કામ કરવા માટે જતાં, લોકો એકલી સ્ત્રીને સમજીને એને બહું હેરાન પણ કરતાં. છતાં મારી મમ્મીએ કદી પણ હિમ્મત હારી નહીં. જ્યારે હું શાળાએ ભણવા માટે જતો ત્યારે મારા મિત્રોને શાળાએથી લેવાં અને મુકવા માટે એનાં પપ્પા આવતાં મને બહું દુઃખ થતું કે, મારા પપ્પા તો દુનિયામાં નથી અને મમ્મી કામ કરવા માટે જતાં એટલે એ પણ નીકળી ન શકે. જ્યારે માતા-પિતા સાથે ન હોય ત્યારે કેવી અનુભુતિ થાય એ, દરેક અનુભવ માંથી હું પસાર થઈ ગયો છે. મારી માટે કોઈ નીચે જમીન પર બેસીને ધોડો બનીને પીઠ પર સવારી આપનાર કોઈ નહોતું. મંદિરમાં દર્શન કરવા માટે જતાં ત્યારે મારો હાથ છત પર રહેલાં ઘંટ સુધી પહોંચતો નહીં, ત્યાર ઘંટ સુધી પહોંચવા માટે મને ઉંચકનાર કોઈ નહોતું. ખંભે બેસાડીને મેળો બતાવનાર કોઈ નહોતું. મારા જન્મદિવસની ઉજવણી કરનારૂં કોઈ નહોતું. આજે મારી બંધ આંખે પણ મને મારૂં બાળપણ દેખાય છે. મને તો એ ખુશી ક્યારેય નથી મળી, પણ હું એ ખુશી એક ક્ષણ માટે કે એક કલાક માટે એ બાળકોનાં ચહેરાં પર જોવા માગું છું.
મને મારા જન્મદિવસની આવી યાદગાર ભેંટ આપીશ ને ? " અધિકે પોતાનાં બાળપણની યાદોને તાજી કરતાં આંશીને સવાલ કર્યો.

" હું તારી આ ઈચ્છા જરૂરથી પુરી કરીશ. એ દરેક બાળકના મનમાં રહેલાં સપનાં અને આશાઓને હું જરૂરથી પુરા કરીશ. હું તને જોઈતી ગીફ્ટ આપવા માટે તૈયાર છું, હું જે માગું એ તું મને આપવા માટે તૈયાર છે ? " આંશીએ આંખમાં રહેલાં આંસુને લૂછતાં અધિકના જન્મદિવસની ઉજવણી ધુમધામથી અનાથ આશ્રમના બાળકો સાથે કરવાની ઈચ્છા પુરી કરવાનો વાયદો આપતાં કહ્યું. " તું જે માંગવા જઈ રહી છો એ, આપવું કદાચ મારી માટે શક્ય નથી. " અધિકે આંશીના કોમળ ચહેરા તરફ એકીટશે નજર કરીને કહ્યું. " તું એક વખત મારા જીવનમાં પરત આવી જા. મારે બીજું કાંઈ નથી જોઈતું. તે પહેલાં પણ મને વચન આપ્યું હતું કે, તું મને છોડીને ક્યાંય નહીં જાય. આંખી જિંદગી મારી સાથે પસાર કરીશ. " આંશીએ પોતાનો હાથ આગળ કરતાં અધિકને કહ્યું. " મેં મારૂં આપેલું વચન પુરું કર્યું. મેં છેલ્લા શ્ર્વાસ સુધી તારો સાથ આપ્યો. મારી જિંદગી ક્દાચ એટલી જ હતી, મેં તને છેલ્લા શ્ર્વાસ સુધી પ્રેમ કર્યો છે. રહીં વાત તને છોડીને જવાની તો હું તને છોડીને ગયો જ નથી, તું બસ તારી આંખ બંધ કર અને ઉંડો શ્વાસ ભરીને મને યાદ કર. " અધિકે પોતાનાં આપેલાં વચનને યાદ અપાવતાં આંશીને કહ્યું.

" ના જરા પણ નહીં, હું મારી આંખ બંધ નહીં કરૂં. તારો આ આભાસ અને તારો પ્રેમ મારી આંખ બંધ કરતાં તું મારી આંખો સામેથી દુર જતો રહીશ. આ બે ક્ષણના આભાસ કે વહેમમાં મને થોડી ખુશી મળે છે, એ હું ખોવા નથી માંગતી. હું આંખ બંધ નહીં કરૂં, ક્યારેય આંખ બંધ નહીં કરૂં. હું મને છોડીને જતો રહીશ મને ખબર છે. તારો આ પડછાયો પણ મારાથી દુર જતો રહેશે. " એકાએક રડતાં રડતાં આંશીએ જમીન પર બેસીને અધિકને આંખ બંધ કરવા માટે નાં પાડતા કહ્યું. " તારાથી વધારે દુઃખ મને થઈ રહ્યું છે. તું રડીને તારૂં દુઃખ વ્યક્ત કરી શકે છે, હું તો રડી પણ નથી શકતો. શું કરૂં ? " આંશીને જમીન પર બેસીને રડતાં જોઈ અધિકે એને સવાલ કર્યો. " મને પણ તારી સાથે લઈ જા. નહીંતર હું આ સંસારમાં એકલી પાગલ બની જઈશ. હું તારી વિના ખુશ નહીં રહી શકું. " આંશીએ રડતાં રડતાં અધિકને ખોઈ બેસવાનો ડર વ્યક્ત કરતાં કહ્યું.

" તું પણ મારી સાથે આવીશ તો, અનાથ આશ્રમ સજાવીને બેઠેલાં બાળકોનાં ચહેરાં પર ફરીથી દુઃખનું મોજું ફરી વળતાં સમય નહીં લાગે. મને તારાથી દુર કરનાર વ્યક્તિને તે માફ કરી દીધો ? તારાથી તારા અધિકને દુર કરનાર વ્યક્તિને તું માફ કરી શકે ? કોલેજની કોઈ છોકરી મારી સાથે વાત કરતી ત્યારે તું આખી કોલેજ માથે ઉઠાવી લેતી અને આજે આમ હાર માનીને જમીન પર બેઠી છો. " અધિકે પોતાનો ભુતકાળ આંશીને યાદ અપાવતાં કહ્યું. " એ સમયની વાત તદ્દન ભિન્ન હતી. તું હરપળ મારી સાથે રહેતો, મને અઢળક પ્રેમ કરતો મારૂં ધ્યાન રાખતો.‌ મારા જીવનમાં તે દુનિયાની દરેક ખુશી આપી છે.‌એ બધી ખુશી મારા જીવનમાં ભરી અને મારા જીવન સમાન, મારી જિંદગી જ જાણે મારાથી દુર થઇ ગઈ હોય એવું લાગી રહ્યું છે. આ બધી ખુશી પણ શું કામનું જેમાં તું ન હોય. " આંશીએ રડતાં રડતાં પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું.

" તું તારા દિલમાં હરહંમેશ છું. તારે મારા કેટલા અધુરાં રહેલાં કામને જલ્દીથી પુરા કરવાનાં છે. " અધિકે આંશીને સમજાવતાં કહ્યું. " એ કામ વિશે મને કોઈ ખ્યાલ નથી. હું તને ખુશ રાખવા માટે બધું કરવા માટે તૈયાર છું. " આંશીએ આંખમાં રહેલાં આંસુને લૂછતાં કહ્યું. " ચાલો તૈયારી કરો મારા જન્મદિવસની. તને મેં જે સલવાર સુટ આપ્યું હતું એ, પહેરીને તું અનાથ આશ્રમ જજે. " અધિકે આંશીને તૈયાર થવાની સુચના આપતાં કહ્યું.

અનાથ આશ્રમમાં બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કેવી રીતે કરવામાં આવશે ? અધિકનુ અધુરૂં રહી ગયેલું કામ શું હશે ? જોઈએ આગળનાં ભાગમાં.

બાળકોનાં ચહેરાં પર ખુશી લાવનાર,
આજે એ લોકોની સ્મૃતિમાં વસનાર.


ક્રમશ....