Featured Books
શ્રેણી
શેયર કરો

ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 6

" અધિકને શું થયું હતું ? " બાંકડા પર બેસીને સુમિત્રાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતાં અભિમન્યુને સવાલ કર્યો. સુમિત્રાનો સવાલ અને એની આંખમાં રહેલી મમતાના પ્રવાહમાં તણાઈ રહ્યા હતાં. " અધિકનુ ખુન કરવામાં આવ્યું છે. " અભિમન્યુએ નીચું માથું કરીને સુમિત્રાની વાતનો જવાબ આપ્યો. " શું ખુન ? અધિકનુ ખુન કોઈ શું કામ કરે ? અધિક જેવો છોકરો આજકાલ બહું ઓછો જોવા મળે છે. જે પોતાનું વિચારતાં પહેલાં બીજાનો હરહંમેશ વિચાર કરે. મારી દિકરીની જિંદગીમાં ખુશી ભરનાર એનો હરહંમેશ સાથ આપનાર અને મને માથી વિશેષ દરજ્જો આપનાર છોકરો આજકાલ ક્યાં મળે છે. " સુમિત્રાએ અધિકને યાદ કરતાં એની સાથે સંકળાયેલી વાતો અભિમન્યુને જણાવી રહીં હતી.


" આન્ટી હું તમારી વાત સમજી શકું છું. તમારાથી પણ વધારે સમય મેં અધિક સાથે વિતાવેલો છે. આજે મારા જીવનનો એક અભિન્ન હિસ્સો જાણે મારાથી દુર થઇ ગયો એવું લાગી રહ્યું છે. મેં અંતિમસંસ્કાર વખતે અધિકને વચન આપ્યું કે, એનાં બલિદાનને વ્યર્થ નહીં જવા દઉં. હું અધિકને ન્યાય અપાવીને જ રહીશ.‌" આંખમાં રહેલાં આંસુને લૂછતાં અભિમન્યુએ સુમિત્રાને જવાબ આપ્યો.‌ " અધિક સાથે તમારો બધાનો શું સંબંધ હતો, એ મને ખાસ ખ્યાલ નથી પણ, અધિકનુ ખુન કરવામાં આવ્યું એનું શું કારણ હશે ? તમે પહેલાં એ શોધો અને એને ન્યાય અપાવો. અધિકને ક્દાચ ન્યાય પણ મળી રહેશે પણ મારી દિકરીની જીવનમાંથી ગયેલી ખુશીની કિંમત કોણ ભરપાઈ કરશે ? " આંશીને દાખલ કરવામાં આવેલાં રૂમ તરફ ઈશારો કરીને સુમિત્રાએ અભિમન્યુને સવાલ કર્યો. સુમિત્રાનો સવાલ સાંભળીને અભિમન્યુનુ માથું આપમેળે જુકી ગયું.

" જયકાર સરનો ફોન છે તારી સાથે વાત કરવા માંગે છે. "અભિમન્યુ પાસે આવીને રોમાએ ફોન આગળ કરીને કહ્યું. " હેલ્લો સર! હું હોસ્પિટલમાં છું. આંશીની સારવાર ચાલી રહીં છે. કોઈ જરૂરી કામ હતું ? " અભિમન્યુએ સુમિત્રાની આંખોમાં રહેલાં આંસુને પોતાનાં રૂમાલ વડે લૂછતાં ફોન પર જયકાર સાથે વાત કરતાં કહ્યું. " અધિકનુ ખુન કરવા માટે આવેલાં વ્યક્તિએ જે ગાડીનો ઉપયોગ કર્યો હતો એ, ગાડીની જાણકારી આપણાં સોર્સ દ્વારા મળી ગઈ છે. " જયકારે અભિમન્યુને ગાડીની જાણકારી આપતાં કહ્યું.

" એ ગાડી મળી ગઈ તો, હવે ગાડી ચલાવનાર પણ મળી રહેશે. કોઈપણ માહિતી મળે તો, મને જાણ કરશો હું અહિયાં હોસ્પિટલમાં છું. આંશીને જ્યાં સુધી સારૂં નહીં થાય ત્યાં સુધી હું એને કોઈ અન્ય વ્યક્તિના ભરોસે રાખી શકું તેમ નથી. અત્યારે કોઈપણ અજાણ્યા વ્યક્તિ પર ભરોસો રાખવો એ યોગ્ય નથી. મહેરબાની કરીને કોઈ લોકલ પોલિસને સુરક્ષા માટે ગોઠવણી કરતાં નહીં.‌ હું બધું મારી રિતે સંભાળી લઈશ. " અભિમન્યુએ જયકારને વિનંતી કરી ફોન કાપી નાખ્યો. " ઠીક છે, જેવી તારી ઈચ્છા. રોમા પણ ત્યાં રોકાશે કોઈ મહિલા રહેશે તો આંશીને પણ થોડી રાહત મળશે. આંશી સાથે જ્યારે પણ વાતચીત કરવામાં આવે ત્યારે તમે થોડું કોમપ્રોમાઈઝ કરજો એની માનસિક સ્થિતિ આવા કોઈ કિસ્સાને સ્વીકારવા માટે તૈયાર નથી. " જયકારે અભિમન્યુને સમજાવતાં કહ્યું. " ઠીક છે. " અભિમન્યુએ ફોન કાપી નાખ્યો.

થોડીવાર થતાં ડોક્ટર ફરીથી આંશીની તપાસ કરવા માટે આવ્યા. " આંશીને તમે મળી શકો છો. એને ખુશ રાખવાનો પ્રયત્ન કરતાં રહો. એની તબિયત થોડી નરમ છે, પણ એ જમવાનું નહીં જમે અને આમ સતત રડ્યા કરશે તો એની તબિયતમાં સુધારો નહીં થાય. " રૂમમાંથી બહાર નીકળીને ડોક્ટર સુચના આપીને ત્યાંથી ચાલ્યાં ગયાં.

આંશીની તબિયતમાં કોઈ ફર્ક જણાયો નહીં. જડ બનેલું એનું શરીર નિસ્તેજ બનીને પંગલ પર પડ્યું હતું. આંશીને પલંગ પર જડ બનીને સુતેલી જોઈ અભિમન્યુને ભીંતરથી બહું દુઃખ પહોંચી રહ્યું હતું. " આન્ટી તમે આંશી પાસે બેસો જ્યાં સુધી હું હોસ્પિટલમાં પરત ન ફરું ત્યાં સુધી તમે અહિયાંથી બહાર નીકળતાં નહીં . આંશીને ઠીક કરવાનો હવે એક જ ઉપાય રહેલો છે. " અભિમન્યુએ સુમિત્રાના હાથ પર પોતાનો હાથ રાખી અને એને સમજાવતાં કહ્યું. " ઠીક છે બેટા. એક દિકરાને ખોઈ બેઠી છું. હવે મારા જીવનનો એકમાત્ર આધાર એવી મારી દિકરીને હું ખોવા નથી માંગતી. બહાર જઈ રહ્યો છે,તો કાંઈક મેળવીને પરત ફરજે. " સુમિત્રાએ આંશીના ચહેરાં તરફ નજર કરી અને પોતાની વ્યથા અભિમન્યુને જણાવી.

સુમિત્રાની આંખોમાં રહેલી માની મમતા અને અધિકને ખોઈ બેસવાનું દુઃખ અભિમન્યુ જોઈ ન શક્યો અને ત્યાંથી ઝડપભેર બહાર નીકળી ગયો. " હવે બહાર જઈ રહ્યો છે, તો કાંઈક મેળવીને પરત ફરજે.‌" સુમિત્રાના આ શબ્દો પગથિયાં ઉતરતાં અભિમન્યુના કાને વારંવાર સંભળાય રહ્યા હતાં. " શું કરું ? શું કરું ? શું કરું ? " પગથિયાં ઉતરતાં અભિમન્યુ એકાએક આગળ શું કરવું એ વિચારી રહ્યો હતો. મનમાં એકતરફ અધિકના ખુનીને શોધી કાઢવાની તલબ અને બીજી તરફ આંશીને સાજી કરી સુમિત્રાને પરત સોંપવાની જવાબદારી માથે આવી પડી.

હોસ્પિટલની બહાર નીકળીને અભિમન્યુએ ઉંડો શ્વાસ ભર્યો. આંખ બંધ કરી અને પોતાનાં ભુતકાળની કાંઈક એવી સ્મૃતિઓને યાદ કરી રહ્યો હતો કે, જે એને વર્તમાનમાં ઉપયોગી બનાવી શકે. અભિમન્યુને એકાએક યાદ આવ્યું અને ગાડીમાં બેસીને નીકળી પડ્યો. પોતાની ગાડીમાં રહેલી એક ચાવીને આમતેમ શોધવા લાગ્યો. અંતે ગાડીમાં રહેલી ચાવી મળી ગઈ. અભિમન્યુએ ગાડી હાઈવે પરથી શહેર તરફ જતાં રસ્તે ચલાવી.‌ થોડી જુની થઈ ગયેલી " શિકારા " બિલ્ડિંગના પાર્કિંગમા ગાડી આવી પહોંચી. છઠ્ઠા માળે પહોંચીને અભિમન્યુએ હાથમાં રહેલી ચાવી વડે ઘરનું તાળું ખોલ્યું અને અંદર પ્રવેશ કર્યો. બે ઘડી પગ દરવાજા પર અટકી ગયાં.‌જાણે સોફા પર અધિક બેસીને અભિમન્યુની રાહ જોઈને બેઠો હતો. હરહંમેશ જયારે અભિમન્યુ અધિકના ઘરે આવતો ત્યારે અધિક સોફા પરથી ઉભો થઇ એને ગળે મળીને ભેટી રહેતો. આજે એ દરવાજા બહાર અભિમન્યુ ઉભો હતો પણ અધિક હરહંમેશ માટે બધાંથી દુર જતો રહ્યો હતો.


અભિમન્યુની આંખમાં પાણી આવી ગયાં. અધિક સાથે એક મિત્ર નહીં પણ સગા ભાઈ જેવો વ્યવહાર હતો. દરેક કામમાં બંને એકબીજાને સાથ આપતાં. ક્યારેક આંશીથી છુપાવીને પાર્ટી કરવા જવી અને ત્યાં બિયર પીવી. અડધી રાત્રે કોઈ ઇમરજન્સી કામ પર એકબીજાનો સાથ આપવો. દરેક નાની મોટી વાત એકબીજા સાથે શેર કરવી.‌ અભિમન્યુને ઘરની અંદર પ્રવેશ કરતાં એ ભુતકાળમાં ઘટેલી બધી ઘટનાઓ આંખો સામે આવીને ઉભી હતી.

અભિમન્યુએ અંદરના રૂમ તરફ આગળ વધવા લાગ્યો. જેવો રૂમની અંદર પ્રવેશ કર્યો કે, બેડ પર પડેલાં ઓસિકા પર એનો અને આંશીનો કપલ ફોટો દેખાય રહ્યો હતો. દિવાલ પર એક મોટી ફ્રેમમાં દરિયા કિનારે બેઠેલા અધિક અને આંશી, હોટલમાં કોફીનો કપ હાથમાં રાખીને ઉભેલાં બંને લવ કપલના કેટલાય ફોટો એકસાથે સજાવીને દિવાલ પર લગાડેલા હતાં. " આપણી નોકરીનું કોઈ ભરોસો નથી રહ્યો.‌ મારા જીવનમાં એક ફક્ત આંશી જ રહેલી છે. મમ્મી પપ્પા દુનિયા છોડીને ચાલ્યાં ગયાં એને વર્ષો વિતી ગયાં. હું મારા જીવનમાં હવે કોઈ વ્યક્તિને ખોવા નથી માંગતો. આ વખતે આંશીને લગ્ન માટે પ્રપોઝ કરૂં ત્યારે એની સાથે આપણાં કામ વિશે અવગત કરાવવા માગું છું. " અધિક ત્રણ દિવસ પહેલાં આ પલંગ પર બેસીને અભિમન્યુ સાથે વાતચીત કરી રહ્યો હતો.

" હા તારી વાત સાચી છે. આપણે પરિવારને આપણાં કામથી દુર રાખવું જોઈએ. હું પણ જાણું છું કે, આંશી તારી માટે બહું જરૂરી છે પણ, કાલ સવારે કાંઈ થશે તો લોકો પરિવારના સભ્યોને પણ નુકસાન પહોંચાડી શકે છે. " અભિમન્યુએ અધિકને સમજાવતાં કહ્યું.

અભિમન્યુના ભુતકાળમાં એવી કઈ ઘટનાઓ બની હશે ? આંશીને સાજી કરવા માટે અભિમન્યુ શું કરશે ? જોઈએ આગળનાં ભાગમાં.

એની અસ્થિના કળશને હાથમાં સમાવી,
એ નીકળી પડી દિલમાં નવી આગ જલાવી.


ક્રમશ....