પ્રેમની મોસમ Sheetal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમની મોસમ

"નંદિનીના હાથોમાં તો જાણે જાદુ છે," વીકેન્ડ પાર્ટી માટે ઘરે આવનાર દરેકના મોઢે ફક્ત અને ફક્ત નંદિનીનું જ નામ હતું.

યોગેશ અને નંદિનીના લગ્ન પછી પહેલીવાર યોગેશના મિત્રો પત્નીઓ સાથે એના ઘરે આવ્યા હતા. નંદિનીનો શ્યામ વર્ણ અને ઓછાબોલા સ્વભાવને લીધે યોગેશ હમેશા લઘુતાગ્રંથિથી પીડાતો રહેતો. એ જ્યારે પણ ચિરાગની પત્ની રીનાને જોતો તો એના રૂપલાવણ્ય અને અદાઓથી અંજાઈ જતો તો વીરેનની પત્ની કોમલના હાથની રસોઈ ખાઈ એ આંગળા ચાટતો રહેતો અને દિનેશની પત્ની પ્રિયાની કિટીપાર્ટીઓની વાતો સાંભળી મનોમન એ નંદિનીની બધા સાથે સરખામણી કરતો અને હમેશા નંદિની બીજાઓની તુલનામાં એને ઘરકુકડી અને મૂંજી લાગતી એટલે એ કોઈને કોઈ બહાને પોતાના ઘરે બધાને બોલાવવાનું ટાળતો પણ એક વખત શનિ-રવિની બે સામટી રજાઓ આવતા બધાએ એના ઘરે ધામાં નાખવાનું નક્કી કર્યું અને એ ના ન પાડી શક્યો.

શનિવારે સાંજે જ ત્રણે કપલ યોગેશના ઘરે આવી પહોંચ્યા હતા. સ્વચ્છ, સુઘડ અને કલાત્મક રીતે વ્યવસ્થિત ગોઠવેલું ઘર જોઈ બધાએ આવતાંવેંત જ નંદિનીની યોગ્યતા પિછાણી લીધી.

"શીખો તમે લોકો નંદિની પાસેથી, કેટલા સ્વાદિષ્ટ નાસ્તા બનાવ્યા છે એણે અને આપણા ઘરે રોજ બ્રેડ અને મસ્કાખારી ખાઈ-ખાઈને જીભનો સ્વાદ પણ જતો રહ્યો છે. અઠવાડિયામાં ચાર વખત તો હોટલમાંથી ખાવાનું મગાવવું પડે છે કેમ કે મેડમને બનાવતા તો આવડતું નથી." વીરેને કોમલને કહ્યું.

ચિરાગે પણ રીનાનો વારો કાઢ્યો, "કેટલા સુંદર ભરતકામ કરેલા કવર અને પરદા શોભે છે... જ્યારે તું તો મેકઅપ પાછળ જ એટલો સમય બરબાદ કરે છે કે....."

દિનેશે પણ પોતાનો ઉભરો ઠાલવતા સુરમાં સુર પુરાવ્યો, "પ્રિયા તો કિટીપાર્ટીમાંથી ઊંચી આવે તો ઘર વ્યવસ્થિત ગોઠવે ને... મારે તો હાથરૂમાલ શોધવા ય આખું કબાટ ફેંદવું પડે..."

રીના, કોમલ અને પ્રિયા મોઢું વકાસીને બેસી ગઈ. વાતાવરણ થોડું ગરમ અને ગંભીર બની ગયું.

"ચાલો.... વાતાવરણને થોડું હળવું બનાવીએ, અંતાક્ષરી રમીએ," યોગેશે સૂચન કર્યું અને બધાએ એ વધાવી લીધું.

દરેકના વારા પછી જ્યારે નંદિનીનો ગાવાનો વારો આવ્યો ત્યારે એનો મધુર સ્વર અને લયબદ્ધ ગીત સાંભળી બધા ડોલવા લાગ્યા અને યોગેશનું હૃદય તો જાણે ઝણઝણી ઉઠ્યું. દરેકે નંદિની પાસે પોતપોતાની ફરમાઈશના ગીતો ગવડાવ્યા. યોગેશ પ્રથમવાર નંદિનીના નવા રૂપને નીરખી રહ્યો હતો. આછા ગુલાબી રંગની સાડી, ઢીલો ચોટલો અને કપાળે નાનકડી બિંદી એની સાદગીને શણગારી રહ્યું હતું....

"શીખો, તમેય કંઈક શીખો, હું તો કહું છું કે નંદિનીએ ક્લાસ ખોલવા જોઈએ, આટલી આવડત છે એનામાં તો એનો ફાયદો આપણી બીવીઓને પણ થવો જોઈએ." દિનેશના સૂચનમાં બધા મિત્રોએ સહમતીનો સુર પુરાવ્યો.

અઠવાડિયા પછી નંદિનીએ બપોરના ફાજલ સમયે શીખવવાનું નક્કી કર્યું અને શરૂ થઈ નંદિનીની પોતાના અસ્તિત્વને આગવી ઓળખ આપવાની અનોખી સફર. આજે યોગેશને સમજાયું કે નંદિની થકી જ એનું નાનકડું નિકેતન, નંદનવન બની મહેકી ઉઠ્યું છે .

જમીને મોડેથી જ્યારે બધા પોતપોતાના ઘરે ગયા અને નંદિની ઘરની સફાઈમાં લાગી ગઈ ત્યારે યોગેશે પણ એને મદદ કરી અને જ્યારે બધું કામ પરવારી નંદિની ફ્રેશ થઈ બેડરૂમમાં આવી ત્યારે આતુરતાથી એની રાહ જોતા યોગેશે એને પોતાના તરફ ખેંચી બાહુપાશમાં જકડી લીધી.

"આજે મને ખબર પડી કે તું તો મારા નંદનવનને નવપલ્લિત કરનારી નંદિની છો. અત્યાર સુધી હું તારાથી અતડો અતડો અને દૂર રહેતો પણ આજે સમજાયું બધાની સરખામણીમાં તારું પલડું ભારે છે." યોગેશે નંદિનીને પોતાની આગોશમાં લઈ લીધી ત્યારે નંદિનીને લાગ્યું એના જીવનમાં પ્રવેશેલી પાનખર પુરી થઈ અને પ્રેમની વસંતનું આગમન થયું અને હવે એના જીવનબાગમાં પ્રેમની મોસમ મહોરી ઉઠી.