lakshy-vedh books and stories free download online pdf in Gujarati

લક્ષ્ય-વેધ

"આ તું શું કહી રહી છે શર્વરી, તું હોશમાં તો છે ને?"દેવાંગ શર્વરી ને હલબલાવતા બોલ્યો."આ રીતે તું કોઈ ની ફીલિંગ સાથે ના રમી શકે".

" હા દેવાંગ, હું પુરા હોશ માં જ છું, આટલા વખત માં મેં તારી પાસે કાંઈ પણ નથી માગ્યું અને આજે મારો બર્થ ડે છે એની ગિફ્ટ માંગી રહી છું તો પણ તું ના પાડે છે? તે મારી માટે જીવ આપવાનું વચન આપ્યું હતું તો હવે શું થયું?" શર્વરી રડતી આંખે બોલતી રહી. "દેવાંગ હું તારી પાસે હાથ જોડું છું. મારા મયંક ને બચાવી લે, તારી એક કિડની આપી ને મયંક નો જીવ બચાવ, હું જીવનભર તારી ઋણી રહીશ."

દેવાંગ અવાચક નજરે શર્વરી ને જોઈ રહ્યો.

" દેવાંગ મને માફ કરી દે, મેં તારી સાથે પ્રેમ નું નાટક કર્યું. હું તને નહીં મયંક ને ચાહું છું. પ્લીઝ મારી ખાતર તું આટલું પણ નહીં કરે? મયંક ની એક કિડની ખરાબ છે અને બીજી કિડની ને પણ એની અસર થઈ છે. ડોક્ટર કહે છે કે કિડની ટ્રાન્સપ્લાન્ટ સિવાય કોઈ ઓપ્શન નથી. અમે ઘણી જગ્યાએ ટ્રાઈ કરી પણ ક્યાંય મેળ ના પડ્યો. પછી મને એક જ રસ્તો સુજ્યો તારી સાથે પ્રેમ નું નાટક કરી તને મારા પ્રેમજાળમાં ફસાવી તારી એક કિડની મયંક ને આપી એનો જીવ બચાવવાનો. જો તું મને ખરેખર ચાહતો હોય તો તારી એક કિડની આપી મારા મયંક ને બચાવી લે"

દેવાંગ પુતળું બની નિરુત્તર ઉભો હતો. અચાનક એણે શર્વરી ને કહ્યું," હું તને ચાહું છું અને તારી માટે મારો જીવ પણ આપી શકું છું તો શું તું મયંક માટે તારી પોતાની કિડની નથી આપી શકતી? મારી ફીલિંગ સાથે રમતા તને કોઈ અફસોસ ના થયો? કોઈ દુઃખ ના થયું?"

શર્વરી સ્તબ્ધ બની દેવાંગ ને જોતી રહી પણ દેવાંગ ત્યાં સુધી પાર્ક માંથી નીકળી ગયો હતો. એ વિચાર માં પડી ગઈ ઘડિયાળ માં જોયું તો ઘણો સમય થઈ ગયો હતો એ રીક્ષા પકડી ઘરે ગઈ. ફ્રેશ થઈ કપડાં બદલી "બહુ ભૂખ નથી" એમ કહી થોડું ખાઈ ને બેડરૂમમાં જતી રહી. થોડીવાર વિચાર કરી ને મયંક ને ફોન લગાડ્યો. "હેલ્લો, મયંક, આવતીકાલે ર્ડા. દેસાઈ ની એપોઇન્ટમેન્ટ લઈ લે. હું મારી કિડની આપી તારો જીવ બચાવીશ."

મયંકે ઘણી આનાકાની કરી પણ શર્વરી એક ની બે ના થઇ એટલે મયંક બોલ્યો,"ઓકે, હું કાલની એપોઇન્ટમેન્ટ લઈ લઉં છું, આપણે કાલે મળીયે." કહી ફોન મુક્યો. આ તરફ દેવાંગ પણ પડખાં ફેરવતો રાત પસાર કરી રહ્યો હતો તો શર્વરી પણ વિચારો ના વમળ માં ફરતાં ફરતાં સુવા ની નિષ્ફળ કોશિશ કરી રહી હતી.

સવારે શર્વરી ને ઉઠવામાં મોડું થઈ ગયું હતું એ ઝડપથી તૈયાર થઈ નાસ્તો કરી એની મમ્મીને "આવતાં મોડું થશે, મયંક સાથે બહાર જાઉં છું" એમ કહી ઘરેથી નીકળી રોડ પરથી રિક્ષા પકડી ડૉ. દેસાઈ ની હોસ્પિટલ પહોંચી. મયંક એની રાહ જોઈ ઉભો હતો. બંને અંદર ગયા અને નિયત સમયે પોતાનો વારો આવતાં ડૉ. દેસાઈ ની કન્સલ્ટિંગ રૂમ માં ગયા. ડૉ. દેસાઈ ને બધી વાત જણાવી. ડો. દેસાઈ એ બંને ના પ્રેમ ને ઉદાહરણ રુપ ગણાવી બંને ને શુભેચ્છા આપી. પછી નર્સ ને બોલાવી શર્વરી ને કહ્યું "બેટા શર્વરી, હમણાં તું સિસ્ટર સાથે જા, આપણે કેટલાક રુટીન ચેક અપ કરવાના છે એ કરી લઈએ પછી આગળ ની પ્રોસેસ કરશું. ત્યાં સુધી હું મયંક નું પણ ચેકઅપ કરી લઉં. થોડીવાર લાગશે પણ ગભરાતી નહીં આપણે બધું વ્યવસ્થિત રીતે પાર પાડશું."

શર્વરી ડૉ. દેસાઈ નો આભાર માની નર્સ સાથે ચેકઅપ માટે ગઈ. એના જતાં જ ડૉ. દેસાઈ એ રૂમ લોક કર્યો અને મયંકને એક બેગ આપી. મયંક ઝડપથી ત્યાંથી નીકળી ગયો. બહાર આવી રોડ ક્રોસ કરી સામે આવેલી હોટેલમાં ગયો. ત્યાં પહોંચી એક ટેબલ પાસે આવી ઉભો રહ્યો, ત્યાં પહેલેથી જ કોઈ બેઠું હતું. મયંકે બેગ નીચે મૂકી એ વ્યક્તિ ની સામે ગોઠવાયો. પછી બોલ્યો," દેવાંગ, અર્જુને કરેલા એ પંખી ના લક્ષ્યવેધની જેમ આપણે પણ શર્વરી નામનાં પંખી નો લક્ષ્યવેધ કર્યો છે" કહી બંને એકબીજાને તાળી આપી હસવા લાગ્યા. મયંકે ડૉ. દેસાઈ ને ફોન લગાડ્યો," ડોક્ટર, પંખી પિંજરે પુરાઇ ગયું છે, એની એક નહીં બંને કિડની કાઢી લેવાની છે. આપે આપેલ ઇનામ બદ્દલ આપનો ખુબ આભાર" કહી હસીને ફોન મુક્યો અને દેવાંગને કહ્યું," ચાલ દોસ્ત, ફરી અજમાવીએ નવો દાવ, નવું પંખી, નવો શિકાર અને નવો લક્ષ્યવેધ." કહી બંને એકસાથે ત્યાંથી નીકળી ગયા.

- શીતલ મારૂ (વિરાર).

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED