Aage bhi jaane na tu - 9 books and stories free download online pdf in Gujarati

આગે ભી જાને ના તુ - 9

પ્રકરણ - ૯(નવ)


ગતાંકમાં વાંચ્યું.......


રોશની અને મનીષકુમાર વડોદરા આવે છે. રાજીવ ખીમજી પટેલને મળવા અને કમરપટ્ટાનું રહસ્ય જાણવા રાજપરા જઈ રતનના ઘરે રોકાય છે. રાજીવ અને રતન બંને ખીમજી પટેલને મળવા જાય છે.


હવે આગળ..........

નોકર પાસે પાણી મંગાવી એકીશ્વાસે પાણીનો ગ્લાસ ખાલી કર્યા પછી ખીમજી પટેલે થોડી રાહત અનુભવી પણ ચહેરા પર મૂંઝવણના ભાવ હજી અકબંધ હતા. વાતની શરૂઆત ક્યાંથી કરવી એની અવઢવ અને વાત પૂરી થયા પછી આવનારી પરિસ્થિતિથી અજાણ ત્રણે જણ એકબીજાના ચહેરા સામે જોઈ નિશબ્દ આંખો દ્વારા એકમેકને સધિયારો આપવાની કોશિશ કરી રહ્યા હતા. ખીમજી પટેલ ક્યારેક છત તો ક્યારેક બારી બહાર જોઈ ઊંડા વિચારમાં ગરકાવ થઈ જતા હતા. અચાનક કાંઈક યાદ આવતા ખીમજી પટેલ પલંગ પરથી ઉઠી બાજુમાં આવેલ પોતાના ઓરડામાં ગયા. રાજીવ અને રતન વિસ્મયથી જોઈ રહ્યા. અંદરથી
... કી.... ચૂ...... ડ...... કબાટ ખુલવાનો અવાજ આવ્યો. પાંચેક મિનિટ પછી ખીમજી પટેલ હાથમાં ભૂંગળુ વળેલ કાગળ લઈ બહાર આવી પાછા પલંગ પર બેસી રાજીવના હાથમાં કાગળનું ભૂંગળુ આપ્યુ, "હું વાતની શરૂઆત કરું એ પહેલાં તમે આ કાગળ ખોલી જોઈ લો," રાજીવે જિજ્ઞાસા અને સંભાળપૂર્વક કાગળ ખોલ્યો. કાગળ પર ક્યાંક ક્યાંક પીળા દાગ લાગેલા હતા, ખૂણાઓ થોડા ફાટી ગયેલા હતા. રાજીવે કાગળ જમીન પર પાથર્યો અને જેવી એની નજર કાગળ પર પડી એને એવું લાગ્યું કે એના શ્વાસ થંભી ગયા. રતનની પણ એવી જ હાલત હતી. બંને જણ એકબીજા સામે અચરજથી જોઈ રહ્યા.

"હાઉ ઇઝ ઇટ પોસિબલ?" આ... આ...... કેવી રીતે શક્ય છે," રાજીવના ગળામાંથી નીકળેલો સ્વર અધવચ્ચે જ રૂંધાઇ ગયો. વિસ્ફરિત આંખે રાજીવ કાગળ પર બનેલી તસ્વીર જોઈ રહ્યો અને દિશાવિહીન દશામાં મુકાઈ ગયો. એને ચારેતરફ અંધકાર છવાતો દેખાયો એ સાથે જ રાજીવે રતનનો હાથ કસીને પકડી લીધો.

"રાજીવ.....રાજીવ...., પાણી... લાવો... જલ્દી....," ખીમજી પટેલે નોકરને બૂમ પાડી ને પાણી લાવવા માટે કહ્યું. નોકર દોડતો આવીને પાણીનો ગ્લાસ રતનના હાથમાં થમાવી ગયો. રતને રાજીવને પોતાના ખભાના ટેકે બેસાડી પાણી પાયું. બે-ત્રણ ઘૂંટડા પાણી પી રાજીવ થોડો સ્વસ્થ બન્યો પણ મનમાં હજી વિચારોના વમળ ઘુમરાઈ રહ્યા હતા. રતનનો હાથ છોડાવી રાજીવે પેન્ટના ખિસ્સામાંથી પોતાનો મોબાઈલ કાઢ્યો અને કેમેરા ઓન કરી તસવીરના પાંચ-છ ફોટા ક્લિક કર્યા. પછી રાજીવે પોતાના મોબાઇલની ગેલેરીમાં સેવ કરેલા અનન્યાના કેટલાક ફોટા ખીમજી પટેલને બતાવ્યા જે જોઈને ખીમજી પટેલ પણ વિમાસણમાં પડી ગયા આ તસ્વીરવાળી સ્ત્રી એ અનન્યા છે કે અનન્યા એ તસ્વીરવાળી સ્ત્રી?....


*** *** ***


"મમ્મી, આ જો, આ લાઈટ પિંક અને ગ્રે કલરનો સિલ્વર સ્વરોસ્કી અને જરીભરતનો રાઉન્ડ નેકનો શરારા અનન્યાને વધુ શોભશે. હવે કોઈ ડાર્ક કલરના ડ્રેસ નથી પહેરતું. આજકાલ લાઈટ કલરના કપડાં અને લાઈટ વેઇટ જવેલરીનો ટ્રેન્ડ પણ છે અને ડિમાન્ડ પણ અને મારા માટે પેલો રોયલ બ્લુ કલરનો ઓફ શોલ્ડર નેકવાળો ગાઉન," રોશની અને સુજાતા શહેરના મોટા ગણાતા શોરૂમમાંથી એક એવા શોરૂમના સેલ્સમેનને કહી એક પછી એક ડિઝાઈનર વસ્ત્રોનો ઢગલો કરાવી દીધો હતો. રાજીવ અને અનન્યાની સગાઈની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી.

"મમ્મી, અનન્યા અહીં આવે એટલે સૌ પ્રથમ એના સગાઇના ડ્રેસનું ફિટિંગ કરાવી લઈશું, એક મિનિટ હું હમણાં જ એને ફોન લગાડું છું," રોશનીએ હેન્ડબેગમાંથી પોતાનો મોબાઈલ કાઢી અનન્યાનો નંબર લગાડ્યો.

"હેલો, કોણ બોલો છો તમે? કોનું કામ છે?" અનન્યાએ અજાણ્યો નંબર જોઈ રિસીવ કરું કે નહીં વિચાર કરતા ફોન ઉપાડ્યો.

"હું રાજીવની એક્સ ગર્લફ્રેન્ડ બોલું છું," રોશનીને ટીખળ સુઝી. સુજાતાને ચૂપ રહેવાનો ઈશારો કરી એણે વાત આગળ વધારી.
"એક્ચ્યુઅલી, આપણે એકબીજાને ઓળખતા તો નથી પણ રાજીવે મારી સાથે બ્રેકઅપ કરતા પહેલા તમારા વિશે જણાવ્યું હતું. હું ગરીબ ઘરની અને રાજીવ અમીર ખાનદાનનો નબીરો. એના પપ્પાને હું પસંદ નહોતી પણ મને ખબર છે કે રાજીવ હજી પણ મને જ ચાહે છે," સુજાતાને સમજાતું નહોતું કે એ રોશનીની મશ્કરી પર હસે કે ગુસ્સો કરે. એણે રોશનીના હાથમાંથી મોબાઈલ લઈ પોતે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ રોશનીએ એને ફાવવા ન દીધી. એણે વાત ચાલુ રાખી, "શું છે કે તમે પણ રાજીવથી ચેતતા રહેજો. મારી પહેલા પણ એની બે ગર્લફ્રેન્ડ હતી. મારું કામ હતું તમને સાવધ કરવાનું. એની વે, રાજીવ સાથે વાત થાય તો કહેજો કે રોશનીનો ફોન હતો," પેલી બાજુ અનન્યાની સ્થિતિ અત્યારે તો કાપો તોય લોહી ના નીકળે એવી હતી. એને પોતાના કાન પર પણ વિશ્વાસ ન બેઠો. રોશનીનું નામ સાંભળ્યા પછી પણ એને રોશની કોણ છે એનો ખયાલ જ ન આવ્યો.

"રોશની......, હવે તે હદ કરી. અરે..... પેલી છોકરી, અનન્યા ગભરાઈ ગઈ હશે,"સુજાતાએ રોશનીના હાથમાંથી મોબાઈલ આંચકી લીધો," અનન્યા, બેટા, હું બોલું છું, સુજાતા. દીકરી ગભરાતી નહીં આ તો રોશનીએ તારી સાથે સહેજ મસ્તી કરી. આ છોકરી છે જ આવી, ક્યારેય કોઈ વાત સિરિયસ લેતી જ નથી. બેટા.... સાંભળે છે ને...? અનન્યા, રાજીવથી નહીં પણ રોશનીથી સાવધ રહેવાનું છે તારે. તારી નણંદ તારી મશ્કરી પણ કરશે અને તારી સખી બની પ્રેમ પણ એટલો જ આપશે. સાંભળ બેટા, તું બધા કરતા બે-ચાર દિવસ પહેલા જ આવી જજે એટલે તને રોશની સાથે રહેવાનો મોકો પણ મળશે અને સગાઈની માટે તારી પસંદ-નાપસંદ પ્રમાણે તૈયારી કરવાનો સમય પણ મળશે. હવે હું ફોન મુકું છું નહીંતર આ રોશની વળી કોઈ નવું તૂત ઉભું કરશે."

"જી, મમ્મીજી, હું પહોચી આવીશ. એક પળ માટે તો હું ખરેખર ડરી જ ગઈ હતી પણ હવે લાગે છે કે રોશનીબેન સાથે રહેવાની મને પણ મજા પડશે. નણંદ-ભાભી બંને ખૂબ ધમાલ કરશું. પપ્પાજીને મારી યાદ આપજો અને એમનું ધ્યાન પણ રાખજો. બાય....ટેક કેર...."અનન્યા ફોન કટ કરી વિચાર કરતી ત્યાં બેડ પર જ બેસી રહી. "કેટલી ખુશનસીબ છું હું કે પારેખ પરિવારમાં મને સ્થાન મળી રહ્યું છે. પ્રેમાળ સાસુ-સસરા, બેન જેવી નણંદ અને રાજીવ જેવો ભાવિ ભરથાર. પણ રાજીવ સગાઈ સુધી પહોંચી આવશે ને?" શંકા-કુશંકાની વાદળી એના મન પર ઘેરાઈ ગઇ. રાજીવ ક્યાં હશે, કેમ હશે. આજે તો એનો કોલ પણ નથી આવ્યો. હું ટ્રાય કરું છું તો "આઉટ ઓફ કવરેજ એરિયા" ની ટેપ સતત સંભળાય છે. હે ઈશ્વર, રાજીવને હેમખેમ રાખજે અને એના કામમાં સફળતા અપાવજે. સગાઈ પહેલા રાજીવ પાછો ઘરે આવી જાય એ જ પ્રાર્થના કરું છું." મનોમન પ્રાર્થના કરી પોતાના આંસુ લૂછી મોઢું ધોઈ અનન્યા એની મમ્મીને મદદ કરવા રસોડામાં ગઈ.


*** *** ***


ખીમજી પટેલ વાતની શરૂઆત કરે એ માટે રાજીવ અને રતન આતુરતાથી બેઠા હતા. ખીમજી પટેલે ફરી એક બીડી સળગાવી, બે-ચાર કશ મારી સળગતી બીડી બારી બહાર ફેંકી જાણે દિલમા ધરબી મુકેલો ધગધગતો અંગારો વર્ષો પછી જ્વાળા બની બહાર નીકળવા મથી રહ્યો હતો. રાજીવ અને રતનની આતુરતાનો અંત આવ્યો હોય એમ ખીમજી પટેલે વાતની શરૂઆત કરી.

"આ વાત એ વર્ષોની છે જ્યારે હું ૨૨-૨૩ વર્ષનો તરવરિયો જુવાન હતો. રાજપરાની પડખે આવેલી પર્વતમાળાની પેલે પાર જે અફાટ રણ આવેલું છે ત્યાં આજથી લગભગ ૬૦ વર્ષ પહેલા એક નાનકડું રજવાડું વસેલું હતું આઝમગઢ જેના રાજા હતા ઉદયસિંહ શેખાવત અને રાણી ચિત્રાદેવી. પરાક્રમી અને પરોપકારી રાજા તરીકે આજુબાજુના પરગણામાં ઉદયસિંહ શેખાવતની આણ વર્તાતી હતી. રજવાડું ભલે નાનું હતું પણ રાજા-રાણીના દિલ વિશાળ હતા. એકંદરે રાજવાડામાં લોકો સુખેથી રહેતા હતા. પણ કહેવાય છે ને સુખ પણ ક્યારેક નજરાઈ જાય છે. ઉદયસિંહ અને ચિત્રાદેવી નિઃસંતાન દંપતી હતા પણ બંને એ દુઃખ વિસારી લોકકાર્યોમાં પોતાનો સમય વ્યતીત કરતા. રાજા ઉદયસિંહને ગીત-સંગીતનો જબરો શોખ હતો. એમના રાજવાડામાં અનેક નામી-અનામી લોકગાયકો, સંગીતકારો રહેતા હતા. ઉદયસિંહ પોતાનું દુઃખ સંગીતના સુરોમાં રેલાવી દેતા. આઝમગઢમાં બીજા કલાકારો સાથે એક નર્તકી હતી તરાના. સ્વર્ગની અપ્સરા પણ જેની આગળ પાણી ભરે એવું અલૌકિક રૂપ ધરાવતી નૃત્યાંગના અને જેનો સાથી કલાકાર હતો એનો પતિ આમિર અલી જે સંગીતકારની સાથે એક કરામતી ઈજનેર પણ હતો. જેણે ઉદયસિંહ માટે ઘણી એવી કરામતી કારીગરીવાળી વસ્તુઓ બનાવી હતી. આમિર અલીએ ઉદયસિંહના સિંહાસનમાં એવી કરામત કરી હતી કે જો રાજાને કોઈ વ્યક્તિ પર શંકા જાય કે કોઈ વ્યક્તિ એમની સાથે વિશ્વાસઘાત કરે તો સિંહાસનના હાથામાં નાનકડી એવી છુપી કળ હતી જે દબાવવાથી સિંહાસનના સામેના ભાગમાંથી નાનકડું ઝેરી તીર નીકળતું અને ગુનેગારના શરીરમાં ખુંપી જતું અને એને ત્યાંજ સજા મળી જતી. સિંહાસનમાં બીજી પણ એવીજ એક નાનકડી કળ હતી જે દબાવતાં રાજદરબારની છતમાંથી એક છુપી જાળ નીચે આવતી અને જે ગુનેગાર કે વ્યક્તિને બંદી બનાવવા માટે વપરાતી. આવી અનેક કરામતો આમિરે ઉદયસિંહના શયનખંડમાં પણ વાપરી હતી જેનાથી ઉદયસિંહ નિશ્ચિંત બની સુઈ શકતા હતા. ઉદયસિંહના ઘણા શત્રુઓએ આમિરને રૂપિયાની લાલચ આપી પોતાની તરફ કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ આમિરની વફાદારી આગળ બધા હારી ગયા હતા. ઉદયસિંહ આમિરની વફાદારી અને નિષ્ઠાથી ખુશ થઇ એને મોં માંગી રકમ આપતા અને એની સલામતીનો પૂરો ખયાલ રાખતા. આમિર અલી પણ ઉદયસિંહને એટલું જ માન આપતો અને એની આવી અવનવી કરામતોએ ઉદયસિંહને ઘણી મુસીબતો અને જીવલેણ પરિસ્થિતિમાંથી ઉગાર્યો હતો.
આમિર અલીની એક જ કમજોરી હતી, તરાના. અકબરના નવરત્નોની જેમ આમિર અલી અને તરાના એ બંને રાજા ઉદયસિંહના દરબારના અમૂલ્ય હીરા હતા. આમિરની તબલા પર પડતી થાપ અને તરાનાના થિરકતા ઘૂંઘરૂં બાંધેલા પગ ભલભલાને પોતાની તરફ આકર્ષિત કરતા. વીજળીની જેમ નૃત્ય કરતી તરાનાને જોવા રાજ મહેફિલમાં ભીડ જામતી."

*** *** ***

ખીમજી પટેલે નોકરને ચા-પાણીની વ્યવસ્થા કરવાનું કહી પોતે પાછી બીડી સળગાવી. રાજીવ અને રતન તો સમય વિસરી ખીમજી પટેલની વાતમાં તલ્લીન બની ગયા હતા. સૂરજ ઢળવા આવ્યો હતો. નોકરે લાવેલી ચા પીને ખીમજી પટેલ વાત આગળ વધારે ત્યાં રતનના મોબાઈલ પર જોરાવરસિંહનો કોલ આવ્યો.

"રતન, ક્યાં છો તમે બંને? રાજીવને આજે જ આખું ગામ દેખાડવાનો છે કે શું? થોડીવારમાં વાળુનો સમય થઇ જશે. રાજીવ રોકવાનો છે ને હજી તો તમે બંને હવે ઘરે આવો બાકીનું કામ કાલે કરજો. અમારે પણ રાજીવ સાથે ઘણી વાતો કરવી છે અને રાજીવે આરામ પણ કરવાનો છે. અમે રાહ જોઈએ છીએ. વહેલાસર આવી જજો," જોરાવરસિંહે રતનને આદેશના સ્વરમાં કહ્યું.

"ભલે બાપુ, અમે થોડીવારમાં આવી જઈશું," રતને ઉતાવળમાં કોલ કટ કર્યો.

"રાજીવ આપણે ઘરે જવું પડશે, બાપુનો ફોન હતો. આવતીકાલે પાછા આવશું અધૂરી કહાનીનો અંત સાંભળવા. ચાલ હવે જઈએ."

"ખીમજીબાપા, કાલે સવારે આવશું બાકીની વાત સાંભળવા."

રાજીવે નીચે મુકેલા કાગળને પાછો રોલ કરી પોતાની સાથે લઈ લીધો. રાજીવ અને રતનને ક્યાં ખબર હતી કે જે અધૂરી કહાણીનો અંત સાંભળવા આવતીકાલે પાછા આવશે ત્યારે નવી કહાણીનો આરંભ થઈ ચૂક્યો હશે. રાજીવના બેસતાં જ રતને બુલેટને કિક મારી અને ઘર તરફ દોડાવી...


વધુ આવતા અંકે.........

'આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED