Aage bhi jaane na tu - 10 books and stories free download online pdf in Gujarati

આગે ભી જાને ના તુ - 10

પ્રકરણ -૧૦/દસ

ગતાંકમાં વાંચ્યું......

સુજાતા અને રોશની બંને રાજીવ અને અનન્યાની સગાઈની તૈયારીમાં લાગી ગયા છે. રાજીવ રતન સાથે ખીમજી પટેલના ઘરે જાય છે જ્યાં ખીમજી પટેલ બંનેને એક તસ્વીર બતાવે છે અને આઝમગઢની કથા કહે છે.....

હવે આગળ......

"રાજીવ આપણે ઘરે જવું પડશે, બાપુનો ફોન હતો. આવતીકાલે પાછા આવશું અધૂરી કહાનીનો અંત સાંભળવા. ચાલ હવે જઈએ."

"ખીમજીબાપા, કાલે સવારે આવશું બાકીની વાત સાંભળવા."

રાજીવે નીચે મુકેલા કાગળનો પાછો રોલ કરી પોતાની સાથે લઈ લીધો. રાજીવ અને રતનને ક્યાં ખબર હતી કે જે અધૂરી કહાણીનો અંત સાંભળવા આવતીકાલે પાછા આવશે ત્યારે નવી કહાણીનો આરંભ થઈ ચૂક્યો હશે. રાજીવના બેસતાં જ રતને બુલેટને કિક મારી અને ઘર તરફ દોડાવી.

ઘરે પહોંચી, જમીને રાજીવ અને રતન જોરાવરસિંહ સાથે બહાર આંગણામાં લીમડાના ઝાડ નીચે ઢાળેલ ઢોલિયા પર બેઠા. ઠંડો પવન, શહેર કરતાં ગામમાં વર્તાતી નિરવ શાંતિ, આકાશે ચમકતા તારલા, રાજીવને આંતરિક શાંતિ થઈ રહી હતી. અંદરોઅંદર ઘૂંટાતો અને બેચેની અનુભવતો રાજીવ રાજપરા આવીને માનસિક રીતે પણ સ્વસ્થ બન્યો હતો. છેલ્લા કેટલાક સમયથી એના જીવનમાં જે અણધારી ઘટનાઓ બની હતી અને એક એવા વળાંકે આવી પહોંચ્યો હતો કે એનું આગળ મંઝિલ તરફ વધવું નિશ્ચિત હતું.

"રાજીવ, કેવું લાગ્યું અમારું રાજપરા. તમારા વડોદરા જેવા મોટા શહેર કરતા અહીં વ્યક્તિએ ઓછા ને વાહનોય ઓછા. શહેરના ધમાલિયા ને ધુમાડીયા વાતાવરણની અપેક્ષાએ ગામડાનું જીવન શાંત અને સ્વચ્છ. તમારી શહેરી ભાષામાં કહીએ તો એ......ય......ને મજ્જાની લાઈફ," જમ્યા પછી હુક્કાની આદત હોવાથી દામુને કહી હુક્કો તૈયાર કરાવી જોરાવરસિંહે ચર્ચાનો દોર ચાલુ રાખ્યો.

"સાચી વાત કરી તમે બાપુ, શહેરની ઝાકઝમાળ પાછળ આંધળી દોટ મૂકી અમે ગામડાના સાદગીપૂર્ણ સૌંદર્યથી વંચિત રહી ગયા છીએ. રૂપિયા પાછળ ઘેલા થઈ અમે શાનોશૌકત તો ખરીદી લીધા પણ માનસિક શાંતિ ખરીદવા અસમર્થ બની ગયા. નિરાંતની ઊંઘ જોઈએ તો એ પણ ગોળીઓ ગળીને મેળવીએ છીએ."રાજીવે જોરાવરસિંહની વાતને સમર્થન આપ્યું.

"રાજીવ, કોલેજ લાઈફ યાદ કરીએ, લે આ સિગરેટ. હોસ્ટેલમાં ક્યારેક ક્યારેક છુપાઈને આપણે બંને સિગરેટ પીતા હતા. યાદ છે એકવાર વોચમેને આપણને હોસ્ટેલના પરિસરમાં ઉગેલી ઝાડીમાં છુપાઈને સિગરેટ પીતા જોઈ લીધા હતા અને પકડાઈ જવાની બીકે આપણે સળગતી સિગરેટ ઝાડીની પાછળની તરફ ફેંકતા ત્યાંથી જઈ રહેલા એક લેડી પ્રોફેસરની સિલ્કની સાડીના પાલવ પર તણખો પડતા સાડીએ તરત જ આગ પકડી લીધી હતી અને પછી કેવી બુમરાણ મચી હતી. વોચમેને પ્રિન્સિપાલને કંપલેન્ટ કરી હતી પણ આપણે ઝડપથી દોડી આવી પ્રોફેસરની સાડીમાં લાગેલી આગ ઓલવતા એમણે કંપલેન્ટ પાછી ખેંચી હતી."

"હા....દોસ્ત, એવી તો કેટલીય મેમોરેબલ મોમેન્ટ્સ છે. એ દિવસોની પણ એક અલગ જ મજા હતી. સાથે હસતા રમતા, ધમાલ મસ્તીમાં ગ્રેજ્યુએશન ક્યારે પૂરું થઈ ગયું ખબર જ ન પડી." રતને લાઈટરથી પોતાની અને રાજીવની સિગરેટ સળગાવી. જોરાવરસિંહ બંનેની વાતોની મજા માણી રહ્યા હતા. વાતોનો દોર કોલેજ લાઈફ થી લઈ રાજકારણ, બિઝનેસ, સ્પોર્ટ્સ એમ વિવિધ વિષયોને સાંધતો પૂરો થયો.

"રાજીવ દીકરા, એક વાત કહેવી છે પણ જીવ નથી ચાલતો, હોઠ નથી ઉપડતા, કેમ કરી કહું?" જોરાવરસિંહના ચહેરા પર વાત કરવી કે નહીં એવા મનોમંથનના ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.

"અરે.....બાપુ કેવી વાત કરો છો. તમે તો મારા પપ્પા સમાન છો. પપ્પાની જેમ મિત્ર બની તમે તમારા મનની વાત કહી ભાર હળવો કરી શકો છો," રાજીવ જોરાવરસિંહની અડોઅડ બેસી ગયો. જોરાવરસિંહે ઢોલિયાના ઓશિકા નીચે મુકેલો કાગળ કાઢી રાજીવને આપ્યો. રાજીવે જેવો કાગળ ખોલ્યો એનું મોઢું આશ્ચર્યથી ખુલ્લું રહી ગયું, આંખો પહોળી થઇ ગઇ. એણે ઉભા થઈ એ કાગળ ઢોલિયા પર ખુલ્લો કરી પાથર્યો. ખીમજી પટેલ પાસેથી મળેલો એવો જ તરાનાની તસવીરવાળો કાગળ હતો. રાજીવે રતન સામે જોયું તો રતનના ચહેરા પર પણ આશ્ચર્યના હાવભાવ હતા.

"બાપુ..., આ.....આ.......કાગળ તમને પણ ક્યાંથી, કેવી રીતે મળ્યો?" રતન થુંક ગળે ઉતારતા બોલ્યો.

"તમને પણ.... એટલે..... ત...મા.... રી.. .. પાસે પણ આવો કોઈ કાગળ છે?" જોરાવરસિંહની આંખોમાં પ્રશ્ન ઉતરી આવ્યો એના પ્રત્યુત્તરમાં રાજીવે એમને "બે મિનીટમાં આવું છું" એમ કહી ઘરમાં જઈ ઉપર રૂમમાંથી લેપટોપ બેગમાં મુકેલો કાગળનો રોલ લઈ પાછો આવી ઢોલિયા પર પાથરેલા કાગળની બાજુમાં પોતાની પાસે રહેલો રોલ ખોલી કાગળ પાથર્યો. જોરાવરસિંહનો ચહેરો રૂ ની પૂણી જેવો સફેદ પડી ગયો હતો.

રતને ટૂંકમાં રાજીવનો રાજપરા આવવાનો હેતુ અને ખીમજી પટેલને મળવાની વાત જણાવી. રાજીવે પણ અનંતરાયને આવેલા અજાણ્યા પત્ર અને એમની લથડેલી તબિયત વિશે માહિતી આપી અને રોલ સાથે લાવેલો પત્ર પણ જોરાવરસિંહના હાથમાં મુક્યો. જોરાવરસિંહ પત્ર પર અનંતરાય પારેખ નામ વાંચી ચોંકી ઉઠ્યા.

"રાજીવ, તારા પપ્પાનું પૂરું નામ શું," જાણે ભૂતકાળની કોઈ ખોવાયેલી કડી મળી ગઈ હોય એમ જોરાવરસિંહના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું.

"અનંતરાય વલ્લભરાય પારેખ, શું થયું... આમ અચાનક?
રાજીવના મનમાં પ્રશ્ન ઉભો થયો.

"એમનો ફોટો છે અત્યારે તારી પાસે?"

"હા.... હા.... બતાવું," રાજીવે મોબાઈલ ઓન કરી ગેલેરીમાં સેવ કરેલા પોતાના પરિવારના અને અનંતરાયના ફોટા બતાવ્યા. ગેલેરીમાં અનંતરાયનો સુજાતા સાથે લગ્નસમયનો પણ એક ફોટો હતો જે જોતાં જ જોરાવરસિંહના ચહેરા પર આનંદની રેખાઓ ઉપસી આવી.

"રાજીવ, તું.....તું..... મારા બાળપણના ભેરુ અંતુ એટલે કે... અનંતરાયનો પુત્ર છે. ઈશ્વરનો ખેલ પણ નિરાળો છે વર્ષો પહેલાં અચાનક ગાયબ થઈ ગયેલા મિત્રની ભાળ આપે છે અને એ પણ કેવી રીતે એના પુત્રને મારા દીકરાનો મિત્ર બનાવીને.

"પ......ણ, બાપુ, વાત શું છે? કાંઈક સમજાય એવો ફોડ તો પાડો," રતને વીતેલી વાતનું અનુસંધાન મેળવવાની કોશિશ કરી. ત્રણે જણ એકમેકના ચહેરા જોઈ રહ્યા હતા. ઈશ્વરે ગોઠવેલા તખ્તા પર ક્યારે કયું પાત્ર ઉમેરાય અને કોનું પત્તુ કપાય એ તો એ જ જાણે. આપણે તો એની કઠપૂતળીઓ, એ જેમ નચાવે એમ આપણે નાચવાનું.

"રતન, વાત એ વીતેલા દિવસોની છે જ્યારે હું બાર-તેર વરસનો કિશોર હતો અને અરવલ્લીના પર્વતોની તળેટીમાં વસેલા વેજપર ગામમાં મારા મામા વિક્રમસિંહ જાડેજાના ઘરે રહી ભણતો હતો. આપણું રાજપરા તો ત્યારે સાવ નાનકડું ગામ અને શિક્ષણ સુવિધાનો અભાવ એટલે આગળ અભ્યાસ માટે મા-બાપુએ મને ત્યાં મોકલ્યો હતો. મામાના મકાનની બરાબર સામે જ અનંતરાયના પિતા વલ્લભરાયનું ઘર. એ સમયમાં પણ વલ્લભરાય પારેખ જર જવેરાતનો ધંધો કરતા હતા. પારેખની પેઢી એટલે ખમતીધર ખોરડું, ગામમાં મોટી શાખ. વિક્રમમામા અને વલ્લભકાકા બંને પાકા ભાઈબંધ. સાંજે જમ્યા પછી બંને જણ રોજ સાથે બેસે. અનંત મારા કરતાં બે વરસ નાનો પણ ત્યાં રહેતા મારી દોસ્તી પણ એની સાથે જામી ગઈ. સાથે નિશાળે જવું, ગામની નદીમાં ધુબાકા મારવા, કોઈના ખેતરમાં જઈ ઝાડ પરથી કેરીઓ તોડવી, જ્યાં જઈએ ત્યાં સાથે ને સાથે જ. આપણા રાજપરાથી વેજપર બહુ છેટું પણ નહીં એટલે મા-બાપુ પણ વખતોવખત આવીને મળી જતા. પહાડોની આ છેડે રાજપરા તો નદીના કિનારે કિનારે ચાલતા જઈએ તો પેલે છેડે વેજપર. વલ્લભકાકા એ વર્ષોમાં આજુબાજુના રજવાડા પરિવાર માટે ઘરેણાં બનાવતા. લોકો કહેતા કે વલ્લભકાકાના હાથોમાં જાદુ છે, એમના બનાવેલા ઘરેણાં જેવા ઘરેણાં બીજે ક્યાંય ના મળે. રજવાડાની સ્ત્રીઓ એમની પાસે જ ઘરેણાં બનાવવાનો આગ્રહ રાખતી. કોઈપણ જાતની ભેળસેળ કર્યા વગર વલ્લભકાકા શુદ્ધ સોના-ચાંદીના ઘરેણાં બનાવતા. ક્યારેક ક્યારેક હું ને અનંત પણ એમને નાની નાની મદદ કરી આપતા. એક દિવસ હું ને અનંત રમત રમતમાં દોડતા એમની સોનું ગાળવાની ભઠ્ઠી આગળ પહોંચી ગયા અને અજાણતા જ ભઠ્ઠીમાંથી ઉડેલો અંગારો અનંતના કપાળે ચોંટી ગયો અને ત્યાંની ચામડી દાઝી જતા અનંતના કપાળે નિશાન થઈ ગયું એ નિશાનના આધારે જ હું અનંતનો ફોટો જોઈ એને ઓળખી શક્યો. લગભગ ત્રણેક વરસ હું ત્યાં રહ્યો અને એટલા વખતમાં તો હું ને અનંત જીગરજાન મિત્રો બની ગયા. એક દિવસ અચાનક જ કોઈને પણ ખબર આપ્યા વગર જ વલ્લભકાકા પરિવાર સહિત ક્યાં જતા રહ્યા કોઈને ખબર ન પડી કે એવું તો શું બન્યું કે રાતોરાત એમણે ગામ છોડવું પડ્યું. એમની સાથે કંઈ કેટલાય વણઉકેલ્યા રહસ્યો પણ અધૂરી વાર્તાની જેમ કાળના કૂવામાં ધરબાઈ ગયા. મને તો પાછળથી ફક્ત એટલી જ જાણ થઈ કે આઝમગઢની પ્રખ્યાત નર્તકી તરાના માટે કમરપટ્ટો બનાવ્યા પછી એમને અકળ કારણસર વેજપર છોડી દેવું પડ્યું હતું અને એમના ગામ છોડીને જવા પાછળનું કારણ કદાચ ખીમજી પટેલને ખબર હતી કેમ કે ખીમજી પટેલ વલ્લભકાકાને ત્યાં નોકરીએ હતા પણ એ જમાનાના ખાધેલ અને ખંધા માણસ હતા અને અત્યારે પણ છે જ. આટલી ઉંમર થઈ એ માણસની, એક પગ કબરમાં છે તોય એ વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે બીજી વ્યક્તિનું અહિત કરતાં પણ અચકાય નહીં એની મને પુરી ખાતરી છે." જોરાવરસિંહે વાત પૂરી કર્યા પછી લાંબો શ્વાસ લીધો અને હુક્કો બે હોઠ વચ્ચે દબાવી વિચારોની ગર્તામાં ડૂબી ગયા. એમના ચહેરા પર ક્યારેક આછું સ્મિત તો ક્યારેક આંખોમાં ભયનો ઓથાર ઝળકતો દેખાયો.

"બહુ મોડું થઈ ગયું છે, છોકરાઓ જાઓ સુઈ જાઓ હવે," કહી અચાનક ઉભા થઈ જોરાવરસિંહ ઘરમાં જતા રહ્યા અને રતન અને રાજીવને વિચારોના કુંડાળામાં ધકેલતા ગયા. રતન અને રાજીવ પણ ઘરમાં જતા રહ્યા અને સવારે ખીમજી પટેલ પાસે જઈ રહસ્યનો તાગ કેવી રીતે મેળવવો એની વિચારણા કરી રહ્યા હતા. "ખીમજી પટેલ નહીં જાણતા હોય કે વલ્લભરાય પારેખનો પૌત્ર અને અનંતરાય પારેખનો પુત્ર કમરપટ્ટાના રહસ્યના મૂળ સુધી પહોંચીને જ જંપશે" રાજીવે રતનને કહ્યું અને બંને પોતપોતાની રીતે વિચાર કરતા સુવાની કોશિશ કરી રહ્યા હતા.

"ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે" સવારે ઉદય થનારો સૂર્ય રતન અને રાજીવ માટે આશાના કિરણોભરી સવાર લાવશે કે પછી નિરાશાના કાળા વાદળ એ તો સવારે જ ખબર પડવાની હતી....

વધુ આવતા અંકે.....

આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED