Aage bhi jaane na tu - 4 books and stories free download online pdf in Gujarati

આગે ભી જાને ના તુ - 4

પ્રકરણ -૪/ચાર

ગતાંકમાં વાંચ્યું

રાજીવ અને અનન્યાની સગાઈ થવા જઈ રહી છે. રાજપરામાં જોરાવરસિંહ ખીમજી પટેલ પાસે એક જૂનું પેઇન્ટિંગ જુએ છે અને અકથ્ય અવિરત આશ્વર્યના વમળમાં ફસાઈ જાય છે. કોની છે એ તસવીર.......

હવે આગળ.....

"માડી, બાપુ આમ અડધે ભાણે ઉઠી ક્યાં જતા રહ્યા?" રતને હાથ લૂછી મુખવાસની ડબ્બી ખોલતાં પૂછ્યું.

"શી ખબર, આવું તો અગાઉ ક્યારેય નથી બન્યું. મનેય નવાઈ લાગે છે. આવશે ત્યારે તું જ તારા બાપુને પૂછી લેજે," કહી કનકબાએ સોપારી નો ટુકડો મોઢામાં નાખ્યો,"માયા, કાલે થોડી ખરીદી કરવા જવાનું છે તારા માટે ને રતન માટે. તમારે આવતા મહિને રાજીવની સગાઈમાં જવાનું છે ને. અત્યારે કાપડ લઈ દરજીને આપશું ત્યારે માંડ પંદર દિવસે તારા ચણિયા-ચોળી તૈયાર કરી આપશે."

"ભલે માડી," માયાએ વાસણ મોરીમાં મુકતા કહ્યું,"માડી એક સાડી તમારા માટે પણ લઈ લેજો, કેટલાય સમયથી તમે પણ કોઈ નવી સાડી નથી લીધી."

"હા દીકરા, તું મારું કેટલું ધ્યાન રાખે છે, ઈશ્વરે તને અમારી દીકરી બનાવી મોકલી છે. તું આવી છે ત્યારથી મને દીકરીની ઓછપ નથી આવવા દીધી."કહી કનકબા આરામ કરવા પોતાના ઓરડામાં જતા રહ્યા.

"દેવીમાસી, ખાવાનું કાઢી રાખ્યું છે, જમીને વાસણ ઘસી તમે પણ ઘરે જતાં રહેજો," માયા એમની નોકરાણી દેવીને કહેતાં પોતાના ઓરડામાં ગઈ અને ટીવી ચાલુ કરી સિરિયલ જોતી આડી પડી.

***. ***. ***

જોરાવરસિંહ જ્યારે ખીમજી પટેલની ડેલીએથી પાછા ફર્યા ત્યારે તેમની સાઈઠ વર્ષની સ્ફુર્તિલી કાયા એંસી વર્ષના કમજોર વૃદ્ધ જેવી થઈ ગઈ હતી. ધીમા પગલે પાછા આવી જોરાવરસિંહ એમની મેડીના આંગણામાં ઢળેલ ઢોલિયામાં બેઠા. માથેથી પાઘડી ઉતારી બાજુએ મૂકી એમના અંગત નોકર દામજીને હાક મારી,"દામુ.... ક્યાં મરી ગયો છે?"

દામુ હાથમાં હુક્કો લઈ દોડતો દોડતો આવી પહોંચ્યો,"જી બાપુ, લ્યો તમારો હુક્કો તૈયાર છે," દામુને ખબર હતી કે જોરાવરસિંહને ક્યારે શું જોઈશે. હુક્કો સળગાવી દામુ જમીન પર બેસી જોરાવરસિંહના પગ દબાવવા લાગ્યો. જોરાવરસિંહ હુક્કાનો કસ લેતાં ઊંડા વિચારોમાં ખોવાઈ ગયા. વિચારોને લીધે કે શ્રમ કે દામુના પગ દબાવવાથી જોરાવરસિંહની આંખ ઘેરાતી હતી. હુક્કો દામુને સોંપી જોરાવરસિંહ ત્યાં ઢોલિયા પર જ આડે પડખે સુઈ ગયા. દામુ હુક્કો લઇ અંદર જતો રહ્યો. લીમડાની શીતળ છાયામાં જોરાવરસિંહ કલાકેક સુધી સુઈ રહ્યા.

"બાપુ, માથે તડકો આવે છે, ઉઠો, ચા લાવ્યો છું." રતને જોરાવરસિંહને ઉઠાડતાં કહ્યું, "બપોરે ખેતરે જવા નીકળતો હતો તો જોયું કે તમે આવીને અહીં સુઈ ગયા હતા. તમે ક્યાં ગયા હતા એ જાણવાની અધીરાઈથી હું રોકાઈ ગયો. આમ જમતાં જમતાં અચાનક જ તમે ક્યાં ગાયબ થઈ ગયા હતા? મનમાં એક આશંકિત અજંપો ઘુમરાઈ રહ્યો હતો. વિચારોથી ઘેરાઈને મનોમંથન કરતા વિચાર્યું કે તમને જ પૂછી લઉં" કહી રતન જોરાવરસિંહની બાજુમાં બેસી ગયો.

જોરાવરસિંહ આળસ મરડતાં ઉઠીને ઢોલિયે બેઠા."કાંઈ નહીં. એક જરૂરી કામ અચાનક યાદ આવ્યું એટલે ગયો હતો," કહી દામુ પાસે પાણીનો લોટો મગાવી લીમડાના ઝાડ નીચે જ મોઢું ધોયું.

"બાપુ, તમારો જ દીકરો છું, એટલું તો કહી જ શકું છું કે તમે કાંઈક છુપાવી રહ્યા છો. તમારા હોઠ કાંઈક કહે છે અને આંખો કાંઈક બીજું જ. આપણે બાપ-દીકરા કરતાં મિત્ર વધુ છીએ અને તમે મારી સામે તો તમારી વ્યથા કહીને હૈયું હળવું કરી શકો એટલા મજબૂત ખભા તો છે મારા." રતને જોરાવરસિંહના હાથમાં ચા નો કપ આપતાં કહ્યું.

"હમમમમમ......., બહુ મોટો થઈ ગયો છે કાં, વખત આવ્યે બધું જણાવીશ પણ... હમણાં આ બાબત અહીં જ ભૂલી જા," કહી જોરાવરસિંહે ચાનો ઘૂંટડો ભર્યો.

"ભલે બાપુ, જેવી આપની ઈચ્છા," કહી રતને ઘોડી રાણીને ચણા ખવડાવ્યા, પ્રેમથી એના માથે હાથ ફેરવ્યો. રાણી પણ જાણે રતનની લાગણી સમજી ગઈ એ પણ રતનનો હાથ ચાટી પોતાની લાગણી વ્યક્ત કરવા લાગી. રતન રાણી પર સવાર થઈ લગામ ખેંચી ખેતર ભણી રવાના થઈ ગયો. જોરાવરસિંહ પણ પોતાના ઓરડામાં જઈ તૈયાર થઈ, પાઘડી પહેરી ગામ ભણી નીકળી ગયા.

*** *** ***

પારેખવિલામાં રાજીવની સગાઈની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. મહેમાનોને આમંત્રણ અપાઈ ગયાં હતાં. કેટરિંગવાળાને ઓર્ડર અપાઈ ચુક્યો હતો. રોશની અને મનીષ પૂનાથી વડોદરા આવવા નીકળી ગયાં હતાં. પહેલાં એ બંને મુંબઇમાં બિઝનેસ ના કામે પાંચ-છ દિવસ રોકવાના હતાં પછી ત્યાંથી વડોદરા આવવાના હતાં. સુજાતાએ તો મેંદી માટે બ્યુટીપાર્લરવાળી પણ એપોઇન્ટ કરી લીધી હતી.

" આવતા અઠવાડિયે રોશની અને મનીષકુમાર આવી જાય એટલે એક દિવસ અનન્યાને બોલાવીએ એટલે એ કપડાં અને દાગીના પસંદ કરી લે અને રોશનીને પણ મળી લે. રોશનીને પણ ખબર પડે કે એની થનાર ભાભી કેવી છે," રાત્રે જમીને અનંતરાય, સુજાતા અને રાજીવ હોલમાં બેસીને વાત કરી રહ્યા હતા. "રાજીવ નવા ટ્રેન્ડ પ્રમાણે તું ને અનન્યા ડ્રેસ ટ્વીનિંગ કરી સેમ કલર ના ડ્રેસ સિવડાવવાના છો કે પછી પોતપોતાની પસંદ મુજબ?"

"મમ્મી, કાલે અનન્યા આવે પછી ફાઇનલ કરશું," રાજીવ મોબાઈલમાં અનન્યાનો મેસેજ વાંચી રહ્યો હતો.

"હજી તો અનન્યા પરણીને આ ઘરમાં આવી નથી, અત્યારથી જ ભાઈસાબ એના ગુલામ બની ગયા, જોરુ કા ગુલામ તો સાંભળ્યું હતું પણ મંગેતર કા ગુલામ એ વળી નવું છે નહીં અનંત," સુજાતાએ અનંતરાય સામે આંખ મિચકારી.

"હા ભઈ, જમાનો ભલે બદલાય પણ છેવટે પુરુષે પત્ની હોય કે ભાવિ પત્ની, ગુલામી તો સ્વીકારવી જ પડે છે. આટલાં વર્ષોથી હું તારો ગુલામ છું હવે રાજીવનો વારો," અનંતરાયે સુજાતાને તાળી આપતાં કહ્યું. ત્રણે જણ હસવા લાગ્યા.

"ચાલો, ગુડ નાઈટ, કાલે મોર્નિંગમાં જલ્દી ઉઠવાનું છે, કાલે શાહ બ્રધર્સ સાથે મિટિંગ નક્કી થયેલ છે. જેનીને મેઈલ કરવાનો છે અને કાલ માટે થોડી પ્રિપેરેશન પણ કરવાની છે," કહી રાજીવ ઉભો થયો.

"અચ્છા.... કઈ પ્રિપેરેશન, ઓફિસની કે અનન્યા સાથે સગાઇના અને મેરેજ વચ્ચેના ગોલ્ડન પિરિયડનું પ્લાનિંગ" અનંતરાયે મોકો જોઈ તીર છોડ્યું,"અમે પણ એ ગોલ્ડન પિરિયડ બહુજ માણ્યો હતો, કેમ સુજાતા, યાદ છે ને તને?"

"શું તમે પણ. આ ઉંમરે, આવડો મોટો દીકરો સામે ઉભો છે, તોય..." સુજાતાના ચહેરા પર પંચાવન વર્ષે પણ વીસ વર્ષની યુવતીની લજ્જાની લાલાશ પ્રસરી ગઈ.

"અરે.... ઉમર થઈ તો શું થયું, દિલ તો અભી જવાન હૈ,"અનંતરાય ઉભા થઈ સુજાતાનો હાથ પકડી ગીત ગાવા લાગ્યા,"ઓ મેરી ઝોહરા ઝબી... તું અભી તક હૈ હસીં ઔર મૈં જવાન......."

" મમ્મી, પપ્પા આજે રોમાન્સના મૂડમાં છે. સગાઈ મારી છે ને લાડુ પપ્પાના મનમાં ફૂટી નીકળ્યા છે. એન્જોય યોર ટાઈમ... બાય," કહી રાજીવ ઉપર પોતાના બેડરૂમમાં જતો રહ્યો. સુજાતા અને અનંતરાય પણ પોતાના રૂમમાં ચાલ્યા ગયા.

રાજીવે રૂમમાં જઈ, ફ્રેશ થઈ નાઈટ સુટ પહેરી લેપટોપ કાઢી રીસેપ્શનિસ્ટ મિસ જેનીને આવતીકાલની મિટિંગ માટેનો રિમાઇન્ડર મેઈલ કર્યો પછી અનન્યા ને ફોન લગાડી એની સાથે થોડીવાર વાતો કરીને અનન્યા સાથે શોપિંગ અને લંચ દરમ્યાન વિતાવેલી મીઠી યાદોને વાગોળતો સુઈ ગયો ત્યારે ઘડિયાળ રાતના પોણાબાર નો સમય બતાડી રહી હતી.

અનંતરાય અને સુજાતા પણ પોતાના બેડરૂમમાં જઇ ફ્રેશ થઈ કપડાં બદલી બાલ્કનીમાં બેસી વાતોએ વળગ્યાં.

"અનંત, કેટલા સમય બાદ આપણા આંગણે શુભ પ્રસંગ આવ્યો છે. રોશની અને અનન્યા માટે સગાઈમાં પહેરવા આપણી પાસે જે પરંપરાગત ઘરેણાં છે એમાંથી જ કાઢી આપવા છે કે પછી નવા બનાવડાવશું?" સુજાતાએ પ્રશ્ન કર્યો.

"હેં... હા...." અનંતરાય વિચારોની ભૂલભુલામણીમાંથી બહાર નીકળ્યા," શું કીધું તેં?"

"ક્યાં ખોવાયેલા છો તમે અનંત? કેટલાક દિવસથી હું જોઈ રહી છું કે તમે કોઈ ચિંતાથી ઘેરાયેલા છો. કોઈ પ્રોબ્લેમ થયો છે? ઓફિસમાં કોઈ ટેંશન છે?" અનંતરાયની શૂન્ય પ્રતિક્રિયા જોઈ સુજાતાએ પ્રશ્નોનો મારો ચલાવ્યો.

"સુજાતા, કાંઈ નથી થયું. તું શાંતિથી સુઈ જા. આ તો બસ સગાઈ દરમ્યાન કોઈ વિઘ્ન ના આવે એ જ વિચારતો હતો. બધું સમુંસુતરું પાર પડે એટલે બસ."અનંતરાયે ઉત્તર આપતાં કહ્યું.

"બધી ચિંતા છોડી ને તમેય સુઈ જાઓ. માતાજી સૌ સારાવાના કરશે," સુજાતા બાલ્કનીમાંથી આવીને બેડ પર સુઈ ગઈ.

એક અણધાર્યા, અકથિત અકલ્પનિય અજંપમાં રાત્રે પોણા બાર વાગે અનંતરાય બાલ્કનીમાં બેસી વારંવાર એ અજાણ્યા પત્ર વિશે વિચારતા હજી બેઠા હતા. ઊંઘ એમનાથી જાણે કોશો દૂર ચાલી ગયી હતી. થોડીવાર પછી અંદર આવી બેડ પર પડખા ફેરવતાં આશરે બે વાગે અનંતરાયની આંખ લાગી હતી.

*** *** ***

સવારે સાડા સાત વાગે તો રાજીવ ઉઠી ગયો હતો. રોજ વહેલા ઉઠનારા અનંતરાય હજી સુતા છે એ જાણી એને નવાઈ લાગી. રોજિંદી દિનચર્યા પતાવી એ સાડા આઠે તૈયાર થઈ નીચે ઉતર્યો. ડાર્ક ગ્રે કોટન પેન્ટ ઉપર લાઈટ બ્લુ શર્ટ, કલીન શેવડ ચેહરો, હાથમાં પકડેલું ડાર્ક ગ્રે બ્લેઝર અને લેપટોપ બેગ સોફા પર મૂકી રાજીવ ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયો. સાથે અનંતરાય અને સુજાતા પણ બેઠા.

જમનાબેને આવીને ચા સાથે થેપલા અને અથાણું ટેબલ પર મૂક્યું.

"પપ્પા, આજે આટલે મોડે સુધી સુતા હતા. કાલના રોમાન્સનો નશો હજી ઉતર્યો નથી કે શું?" રાજીવે અનંતરાયની ફીરકી લેતા ચાનો ઘૂંટ ભર્યો.

"રોમાન્સનો નશો તો રાત્રે જ ઉતરી ગયો હતો પણ તારી સગાઈની ચિંતામાં એમને રાત્રે મોડેથી ઊંઘ આવી. જો ને હજીય ચેહરો કેટલો ઉતરેલો છે," સુજાતાએ રાજીવના સુરમાં સુર પરોવતા કહ્યું. ત્રણે જણ ચા-થેપલા અને અથાણાંનો સ્વાદ માણી રહ્યાં હતાં. નાસ્તો કરી અનંતરાય છાપું લઈ બહાર ગાર્ડનમાં ખુલી હવામાં બેઠા. સુજાતા રોજિંદા કામમાં પરોવાઈ અને રાજીવ ઓફિસ જવા નીકળ્યો.

આજે રાજીવની શાહ બ્રધર્સના સર્વેસર્વા એવા આનંદ શાહ અને અમર શાહ એ બંને ભાઈઓ સાથે મિટિંગ ગોઠવાયેલી હતી. ઓફિસ પહોંચી, મિસ જેની સાથે મિટિંગ બાબત ચર્ચા કરી રાજીવ શાહ બ્રધર્સની ઓફિસે શાર્પ દસ વાગે પહોંચી ગયો. શાહ બ્રધર્સને રાજીવની કલાત્મક જવેલરીમાં ઇન્ટરેસ્ટ હતો, એ બંને રાજીવ સાથે કામ કરવા માંગતા હતા. મિટિંગ પતાવી રાજીવ બારેક વાગે ઓફિસ પાછો ફર્યો ત્યારે અનંતરાય પણ ઓફિસે હાજર હતા. બંને જણ કામ પતાવી દોઢ વાગે લંચ માટે સાથે ઘરે આવવા નીકળ્યાં. રાજીવે કાર સ્ટાર્ટ કરી ટર્ન લીધો ત્યાં જ અનંતરાયનો મોબાઈલ વાગ્યો. અનંતરાયે ફોન રિસીવ કર્યો. અવાજ સાંભળી અનંતરાયને પરસેવો વળવા લાગ્યો. આંખો ચકળવકળ થવા લાગી. હાથ ધ્રુજવા લાગ્યા. મોબાઈલ હાથમાંથી નીચે પડી ગયો.

"પપ્પા...... પપ્પા.... શું થયું," રાજીવે ફેમિલી ડોક્ટર અરવિંદ ઉપાધ્યાયના ક્લિનિક તરફ કાર મારી મૂકી.

વધુ આવતા અંકે.....

આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED