સંગાથ Sheetal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંગાથ

"માતાજીએ મારી પ્રાર્થના સાંભળી લીધી, સાંભળો છો તમે, ત...મે....દાદા બનવાના છો ને હું દાદી....થોડા મહિનાઓ પછી આપણું ઘર બાળકની કિલકારીઓથી ગુંજી ઉઠશે." વિદ્યાબેન હાથમાં પ્રસાદની થાળી લઈને પૂજાઘરમાંથી હરખથી બહાર આવ્યા અને મહેશભાઈ કાંઈ બોલે એ પહેલાં જ એમના મોઢામાં સુખડીનો ટુકડો મૂકી દીધો.

"કાલે જ ડબ્બો ભરીને સુખડી બનાવી મૂકી'તી, કાલે ઉદય અને ધારા ડૉ. પંડ્યા પાસે ચેકઅપ માટે ગયા હતા એનો રિપોર્ટ આજે સવારમાં જ આવી ગયો છે. મારી ધારણા સાચી પડી. ધારાને સારા દિવસો જાય છે. ધારા..... ધારા બેટા...."વહુને વ્હાલની વધામણી આપવા વિદ્યાબેન એને બેડરૂમમાં બોલાવવા ગયા.

"જી મમ્મી, શું થયું? મારાથી કોઈ ભૂલ થઈ ગઈ? તમે આમ આકળા ઉતાવળા દોડી આવ્યા." દરવાજો ખોલતાં જ સામે સાસુને ઉભેલી જોઈ ધારાના મનમાં ઊઠેલો પ્રશ્ન હોઠો પર આવી ગયો.

"કાંઈ નથી થયું ને કાંઈ થશે પણ નહીં. આ લે માતાજીનો પ્રસાદ અને આ લે, આ વાંચ, ડો. પંડ્યાનો રિપોર્ટ." ધારાના મોઢામાં સુખડી મૂકી કમરે ખોસેલું એન્વેલપ એના હાથમાં મૂક્યું.

પ્રેગ્નન્સી રિપોર્ટ પોઝિટિવ જોઈ ધારા લજ્જામિશ્રિત હર્ષાશ્રુ સાથે વિદ્યાબેનના ચરણોમાં ઝૂકી પડી.

"ચાલ, આ બ્રેકીંગ ગુડ ન્યૂઝ તારા વરનેય આપી દઈએ. તારા સસરા તો અત્યારથી જ પોતાના વિસરાયેલા શૈશવની સ્મૃતિઓ આવનારા બાળક સાથે ઉજવવાના સપના જોવા લાગ્યા છે." સાસુ-વહુ બંને ડ્રોઈંગરૂમમાં આવ્યા. ધારાએ મહેશભાઈના ચરણસ્પર્શ કરી એમના પણ આશીર્વાદ લીધા. મહેશભાઈએ મોબાઇલથી ઉદયને ફોન લગાડ્યો.

"હેલ્લો....." બાઇક ચલાવતા ઉદયે બ્લુટુથનું બટન દબાવી વાત ચાલુ રાખી.

"ઉદય...દીકરા, તું અત્યારે ક્યાં છે? વાહનોનો ને હોર્નનો અવાજ આવે છે. તું ઓફીસ પહોંચીને ફોન કર."

"પપ્પા કોઈ અરજન્ટ કામ છે કે, બે મિનિટ પછી કોલ કરું, બાઇક સાઈડમાં લઈ લઉં."

"ના....ના...કોઈ અરજન્ટ કામ નથી, તું ઓફીસ પહોંચ પછી વાત."

"ઓકે પપ્પા, હું પહોંચીને ફોન કરું છું." ઉદયે આગળ જઈને ટર્ન લીધો પણ સામેથી પુરપાટ આવતા ટેન્કરને જોઈ પોતાને બચાવવા જતાં એની બાઇક ફૂટપાથની પાળી સાથે અથડાઈ અને એ ઉછળીને સ્ટ્રીટલાઈટના થાંભલા સાથે અથડાઈને ફૂટપાથ પર પડતાં જ એનું માથું ભટકાયું અને એ ત્યાં જ ઢળી પડ્યો.

ત્યાંથી પસાર થતા એક રાહદારીએ ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવી ઉદયને હોસ્પિટલ પહોંચાડ્યો અને એના મોબાઈલમાં સર્ચ કરી લાસ્ટ કોલ નંબર પર ફોન કરી ઉદયના એક્સીડેન્ટના સમાચાર મહેશભાઈને આપ્યા. મહેશભાઈ, વિદ્યાબેન અને ધારા હોસ્પિટલ પહોંચે ત્યાં સુધીમાં ઉદય કોમામાં જતો રહ્યો હતો.

"તમારા સનની હાલત જોતા એને માથાના અંદરના ભાગમાં સીવીયર ઇન્જરી થઈ હોવાનું જણાય છે. અત્યારે તો એની કન્ડિશન ક્રિટિકલ છે. અમે બનતી કોશિશ કરીએ છીએ એને બાકી ઉપરવાળાના હાથમાં છે." ડોકટરના વચનો સાંભળી મહેશભાઈ અને પરિવાર નિરાશાની ગર્તામાં ધકેલાઈ ગયા. ઉદયને સારા સમાચાર આપવાની હર્ષની વાદળી અશ્રુધારામાં પલટાઈ ગઈ.

ડૉક્ટરોની ટીમ સતત ખડેપગે કાર્યરત હતી, કેટલીય ટેસ્ટ, એક્સ-રે, સીટી સ્કેન, એમ.આર.આઈ., પણ પરિણામ શૂન્ય. ઉદયના ધબકતા છતાંય બેજાન શરીરમાં ભોંકાતી સોયો જોઈ ધારાના હૃદયમાં પણ ટીસ ઉઠતી. એના શરીરમાં લાગેલી નળીઓ જોઈ મહેશભાઈનો દમ ઘૂંટાઈ જતો. મોનીટર પર ઊંચીનીચી, આડીઅવળી ચાલી જતી રેખાઓ જોઈ વિદ્યાબેનનો જીવ ઉંચોનીચો થઈ જતો.

સમયનું વહેણ વહેતું ગયું. પુરા માસે ધારાએ પુત્રને જન્મ આપ્યો પણ પુત્રજન્મની ખુશાલીમાં સામેલ થવા માટે ઉદય હયાત હોવા છતાંય નહોતો. એની સૂકી હથેળીમાં બાળકને રમાડવાની રેખા ઘસાઈ ગઈ હતી. સતત દોડધામ, સખત પરિશ્રમ અને ઓછી થઈ રહેલી મૂડી વચ્ચે પણ બધાની આંખોમાં ટમટમતો આશાનો દિપક એક દિવસ અજવાળું રેલાવશે એ વાતના અહેસાસ અને બધાના સંગાથ સાથે ઉદય અને ધારાનો પુત્ર શિવાન પાંગરી રહ્યો હતો.

બે વર્ષ બાદ પણ ઉદયની હાલતમાં કોઈ સુધાર ન જણાતાં મહેશભાઈ એને ઘરે લઈ આવ્યા. ઉદયનો રૂમ કોઈ હોસ્પિટલના વોર્ડ જેવો જ હતો. દવાઓની બાટલીઓ, ગોળીઓના બોક્સ, ઇન્જેક્શન, ગ્લુકોઝના બાટલા..... એક્સરસાઇઝ માટે આવતા નિયમિત ફિઝિઓથેરાપીસ્ટ, એની સારવાર માટે રાખવામાં આવેલી નર્સ, ચેકઅપ માટે આવતા ડોકટર... આ બધા વચ્ચે પડ્યો હતો ઉદયનો સંચારરહિત જીવંત દેહ.

ઉદયની સારવારમાં સાત સાત વર્ષના વહાણા વાઈ ગયા. એના કાનેથી અથડાઈને પડઘાતી શિવાનની કાલીઘેલી ભાષા, એની ખરબચડી હથેળીઓ પર ફરતાં શિવાનના નાજુક, કોમળ ટેરવાંનો અણસમજુ સ્પર્શ, એની આંખો સામે થતી શિવાનની મસ્તી, જીવંત વાતાવરણમાં અભાવ હતો ઉદયના સ્પંદનોનો, એની લાગણીઓનો, એના સ્મિતનો, એના મીઠા ઠપકાનો.

બધાની સાથે સાથે શિવાન પણ ઉદયની એટલી જ કાળજી લેતો. નાની વયમાં ઉછરેલા છોડપર પરિપક્વતાના ફળ લાગી ચુક્યા હતા. આજે આટલા વર્ષો પછી પહેલીવાર ઉદયની આંગળીઓમાં હલનચલન વર્તાઈ રહી હતી. એની આંખોના ખૂણેથી ઉતરી રહેલા આંસુઓ એના પાછા હેમખેમ ફરવાની સાબિતી આપી રહ્યા હતા. બદલાયેલી પરિસ્થિતિમાં પણ અકબંધ રહેલા એકબીજાના લાગણીભર્યા સંગાથનો પ્રવાહ આશાની નદી તરફ વળી ચુક્યો હતો. પોતાનાઓનો સંગાથ મહેશભાઈના પરિવારમાં નવી ઉજ્જવળ સવાર લઈ આવનારો બની રહ્યો.


શીતલ મારૂ...૧૩/૮/૨૦૨૧.