Aage bhi jaane na tu - 8 books and stories free download online pdf in Gujarati

આગે ભી જાને ના તુ - 8

આગે ભી જાને ના તુ (ભાગ -૮)

પ્રકરણ- ૮/આઠ

ગતાંકમાં વાંચ્યું........

અનન્યાએ પિયરમાં લગ્ન પહેલાંની છેલ્લી હોળી પરિવાર સાથે ઉજવી. રાજીવ રાજપરા જવાની તૈયારી કરી રહ્યો હતો. રોશની અને મનીષકુમાર વડોદરા આવી રહ્યા હતા.

હવે આગળ.......

વહેલી સવારે આશરે પાંચ વાગ્યે રાજીવ બેગ અને લેપટોપ લઈ, બ્લેક સ્કોર્પિયો ગાડી લઈ રાજપરા માટે નીકળી ગયો.
માર્ચ મહિનાનો અંતિમ અઠવાડિયો, વાતાવરણમાં તાજગીસભર ઠંડક, ચારેકોર ખીલેલી વસંતઋતુની આગવી કુદરતી રંગછટા. પ્રકૃતિએ છુટા હાથે માર્ગમાં સૌંદર્ય વેર્યું હતું. નિસર્ગની નજાકતને નિહાળતો ને માણતો રાજીવ વચ્ચે બે વાર ચા પીવા અને વોશરૂમ જવા હાઇવે પરના ઢાબે હોલ્ટ કરી સૂરજના આકરા થતા જતા સોનેરી તાપમાં રતન સાથે કોલેજમાં માણેલી રંગીન પળોને વાગોળતા ભર મધ્યાહ્નને રાજપરાના પાદરે પહોંચ્યો ત્યારે રતન રાની પર સવાર થઈ રાજીવની અપલક નયને રાહ જોતો ત્યાં ઊભો જ હતો.

"આવ દોસ્ત, આવ, નાનકડા રાજપરામાં વિશાળ હૃદયે તારું સ્વાગત કરવામાં આવે છે," રતન રાની પરથી ઉતરી ગાડીમાંથી ઉતરીને ઉભા રહેલા રાજીવને ઉમળકાભેર ભેટી પડ્યો. રાજીવે ગોગલ્સ ઉતારી ટી-શર્ટ ની સ્લીવથી જ આંખોના ભીના થયેલા ખૂણા લૂછી નાખ્યા.

"સૂરજદાદા માથે આવ્યા છે ને તડકો આકરો છે, ઝટ ઘેર પહોંચીએ. જમીને નિરાંતે બેસીએ," રતને રાની પર સવાર થઈ રાજીવને પોતાની પાછળ આવવાનો ઈશારો કર્યો. રાજીવ રાની પાછળ દોરવાયો.

પાદરે ખળખળ વહેતી નદી તો રાજીવે આવતાવેંત જ જોઈ લીધી હતી. સામે કાંઠે નાનામોટા પર્વતોની હારમાળા, ક્યાંક છૂટાછવાયા વૃક્ષો, ક્યાંક ઘનઘોર ઝાડી, પક્ષીઓનો કલરવ. રાજપરાના અલૌકિક વાતાવરણમાં પ્રવેશતાં જ રાજીવનો થાક જાણે ઉતરી ગયો હતો. રાજીવ રાજપરાની જાહોજલાલી જોવામાં લીન થઈ ગયો. સ્વચ્છ રસ્તાની બંને બાજુ નાનામોટા મેડીબંધ મકાનો. પાદરથી ગામ વચ્ચેના ચોક સુધી પહોંચતા રાજીવે આજુબાજુના મંદિરોથી રાજપરાના લોકોની આસ્તિકતાનો અંદાજ લગાવી દીધો હતો. પાંચ-સાત મિનિટ પછી ભૂલભૂલામણી જેવા ફળિયા પાર કરી રતનના ઘરે પહોંચતા જ રાજીવે અનંતરાય અને અનન્યાને ફોન કરી સુખરૂપ આવી ગયાની જાણ કરી દીધી હતી.

જોરાવરસિંહ બંનેની રાહ જોતા ઘરના આંગણે ઢોલિયામાં જ બેઠા હતા. રાજીવે આંગણાની પાસે ખાલી જગ્યામાં સ્કોર્પિયો પાર્ક કરી અને રતને રાનીને લીમડાના ઝાડ સાથે બાંધી બંને જોરાવરસિંહ પાસે આવ્યા, રાજીવે નીચા નમી જોરાવરસિંહને પગે લાગી એમની ચરણરજ માથે ચડાવી. રતન એને ઘરમાં લઈ ગયો. હીંચકા પર બેઠેલા કનકબાને પણ પગે લાગી રાજીવે એમના વ્હાલભર્યા આશિષ મેળવ્યા અને માયાનું બે હાથ જોડી અભિવાદન કર્યું. રતન રાજીવની બેગ લઈ મેડીપર બનાવેલા ગેસ્ટરૂમમાં આવ્યો એની પાછળ પાછળ રાજીવ પણ ઉપર આવ્યો. જોરાવરસિંહનું મેડીબંધ મકાન બહારથી સાદું પણ અંદરથી ભવ્ય હતું. આંગણું, ચાકળાથી સજાવેલી ઓસરી, નાનું પણ આધુનિક સગવડ ધરાવતું રસોડું, જોરાવરસિંહ અને રતનના બેડરૂમ, એક નાનો સ્ટોરરૂમ અને ઉપર શક્તિસિંહ અને પ્રતાપસિંહના બેડરૂમની પાસે આવેલા ગેસ્ટરૂમમાં રાજીવને રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ગેસ્ટરૂમમાં જયપુરી પ્રિન્ટની બેડશીટ લગાવેલો બેડ, બાજુમાં ડ્રેસિંગ ટેબલ અને વિન્ડોની બાજુમાં સંખેડાની બે ચેર અને સેન્ટર ટેબલ હતા. વિન્ડો પાસે એક દરવાજો હતો જે ખોલતાં જ ઝરૂખા જેવી બાલ્કની. ભરપૂર હવા ઉજાસ અને મોકળાશ જોઈ રાજીવને શાંતિનો અનુભવ થયો.

લાંબી મુસાફરીના થાકથી ફ્રેશ થઈ, કપડાં બદલી રાજીવ નીચે ઉતર્યો. ભૂખની વ્યાકુળતા એના ચહેરા પર દેખાતી હતી.

"ચાલો રાજીવભાઈ, બેસી જાઓ ભાણે, પેટમાં ઉંદરડા દોડે છે એ દેખાઈ રહ્યું છે. હું ગરમાગરમ રોટલા લાવું છું," માયાએ બધાની થાળીઓ ગોઠવતા કહ્યું. બધા સાથે બેસી જમ્યા. રતનના પરિવારના પ્રેમ અને ઉષ્માભર્યા આવકારથી રાજીવ અભિભૂત થઈ ગયો હતો.

"અમારા રાજપરાના રોટલાઓની તોલે તમારા શહેરની રોટલીઓ ના આવે, રાજપરાના માણસોય મીઠા ને રોટલાય મીઠા," માયાએ આપેલો મુખવાસ ચાવતા રાજીવ હીંચકે બેઠો. કનકબા અને માયા એમનું કામ કરી રહ્યા હતા. થોડીવાર બેસી વાતો કરી જોરાવરસિંહ પાછા બહાર આંગણામાં આવી ઢોલિયે આડા પડ્યા અને રાજીવ અને રતન ગેસ્ટરૂમમાં ગયા.
"રાજીવ, લોન્ગ ડિસ્ટન્સ ટ્રાવેલિંગ અને ડ્રાઇવિંગથી તુ થાકી ગયો હશે, થોડીવાર આરામ કર પછી આપણે વાત કરીએ,"

રતન રૂમમાંથી બહાર જવા માટે નીકળ્યો ત્યાં રાજીવે રતનનો હાથ પકડી લીધો. રતન પાછળ ફર્યો, રાજીવની આંખોમાં શંકામિશ્રિત ભય જોઈ એણે રાજીવના બંને ખભા કસીને પકડ્યા. "રાજીવ, શું થયું છે? એવું લાગે છે કે તું ઘડીક આરામ પણ નહીં કરે. આટલો અધીર કેમ? માંડીને વાત કર," રાજીવને બેડ પર બેસાડી રતન એની બાજુમાં બેઠો.

કેટલાય સમયથી વર્તાતા અનંતરાયના વણછૂપ્યા અજંપાથી લઈ ગયા અઠવાડિયે રાજપરાથી આવેલા ખીમજી પટેલના ફોનના લીધે બગડેલી અનંતરાયની તબિયત સુધીની વિગતવાર વાત રાજીવે રતનને કરી પોતાનું મન હળવું કર્યું. લાંબા સમય પછી મળેલા મિત્ર આગળ પોતાનું હ્રદય ખાલી કરી રાજીવે મનનો ભાર ઓછો કર્યો.

"હવે થોડીવાર આડે પડખે થા, મન સાથે તનનો આરામ પણ એટલો જ જરૂરી છે. હું ખેતરે જઈને આવું છું પછી આપણે ખીમજીબાપાને મળવા જઈએ" રાજીવે હકારમાં માથું ધુણાવ્યું અને સુઈ ગયો. થાકની અસર હેઠળ એની આંખ તરત જ ઘેરાઈ ગઈ અને એ ગાઢ નિદ્રામાં સરી પડ્યો.

*** *** ***

સાંજે લગભગ છ વાગ્યાની આસપાસ કારનું હોર્ન સાંભળી સુજાતા દરવાજો ખોલી બહાર નીકળીને જોયું તો રોશની અને મનીષકુમાર કારમાંથી ઉતરી રહ્યા હતા.

"મમ્મી..ઇ.... ઇ.... ઇ...." રોશની દોડતી આવી સુજાતાને ભેટી પડી અને સુજાતાનો હાથ ખેંચી ઘરમાં લઇ ગઈ. પર્સ સોફા પર મૂકી સુજાતાના ખોળામાં માથું ઢાળી દીધું.

"કોઈ મને પણ મદદ કરવા આવશે," મનીષકુમાર બે મોટી ટ્રોલી બેગ ઘસડતાં અને ખભે થેલો લટકાવી ઘરમાં પ્રવેશ્યા.

"શું નાના છોકરા જેવી હરકત કરે છે.... ઉઠ...અરે.... એ.....મનીષકુમારને.... જો તો ખરી, પિયર આવીને પતિને ભૂલી ગઈ," સુજાતાએ જમનાબેન અને આશાને હાક મારી અને મનીષકુમાર પાસેથી બેગો લઈ રોશનીના રૂમમાં મુકવા જણાવ્યું.

"હા...... શ......, કમર બેવડાઈ ગઈ," મનીષ સુજાતાને પગે લાગી હસતા હસતા સિંગલ સીટર સોફા પર બેઠો,"આ તમારી દીકરી કેટલી મજૂરી કરાવે છે મારી પાસે, જોયું ને તમે મમ્મી?" મનીષકુમારે ફરિયાદ કરી.

"મનીષકુમાર, આ તો પોતાના એરિયામાં કુતરા પણ રાજા જ હોય, શી ખબર આનાથી ઊંધું પૂનામાં પણ થતું હોય તો," મોકો જોઈ સુજાતાએ ચોકો માર્યો, "જુઓ તો કેટલી સુકાઈ ગઈ છે મારી દીકરી." સુજાતા હજી રોશનીના માથે હાથ ફેરવી રહી હતી.

"અરે..... ના.... ના.... મમ્મી, આ શું બોલો છો તમે. મારો ભોળો ચહેરો જોઈ તમને લાગે છે કે આવું હું કરી શકું?" નિર્દોષ હોવાની એક્ટિંગ કરતા કરતા મનીષ થોડો ગૂંચવાઈ ગયો. " એક પુરુષ જ બીજા પુરુષનું દુઃખ સમજી શકે, અત્યારે પપ્પા હાજર હોત તો મારા પક્ષે ઉભા હોત."

"પપ્પા કા નામ લિયા ઔર પપ્પા હાજીર હો ગયે," અનંતરાય ઘરમાં એન્ટર થતા બોલ્યા,"આવતાવેંત શું ખીચડી-બિરયાની પાકી રહી છે તમારા વચ્ચે. કેમ મારા દીકરાને હેરાન કરો છો? હેરાન કરવા માટે તો આખી જિંદગી પડી છે, થોડો આરામ કરવા દો," રોશની ઉભી થઈ અનંતરાયને ભેટી પડી. બંનેની આંખો ભીંજાઈ ગઈ.

"પપ્પા તમે મારા પક્ષે બોલો છો કે રોશનીના,"મનીષ અવઢવમાં મુકાયેલો હોય એમ બોલ્યો. બધા હસવા લાગ્યા.

"બંને જણ રૂમમાં જઈ ફ્રેશ થઈ આવો ત્યાર સુધી તમારા માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરું," સુજાતા રસોડામાં ગઈ. અનંતરાય અને રોશની-મનીષકુમાર પોતપોતાના રૂમમાં ગયા.

"કેમ છો માસી," રોશની પ્રેમથી જમનાબેનને પગે લાગી. મનીષકુમારે પણ એનું અનુકરણ કર્યું.

"મજામાં હો બેટા, કેટલે વખતે જોઈ તને,"જમનાબેને ચા નાસ્તાની પ્લેટો ટીપોય પર ગોઠવી,"સાંજે તને ભાવતા દહીંવડા બનાવવાની છું."

"વાહ....., માસી તમે તો..... શું કહું તમને, તમારા હાથની રસોઈ કેટલી મિસ કરું છું. મનીષને તમારા જેવું ટેસ્ટી રાંધતા પણ નથી આવડતું."

"માસી, તમારી દીકરીને મારા હાથની રસોઈ તો શું પથરા એ પચી જાય."મનીષકુમાર પણ પાછા પડે એમાંના નહોતા.

"મમ્મી-પપ્પા, ચાલોને ગાર્ડનમાં બેસીએ," ચા નાસ્તો કરી ચારે જણ બહાર ગાર્ડનમાં ગોઠવેલી ચેરમાં બેસી પારિવારિક, સામાજિક, રાજકારણ, ધંધાકીય ચર્ચામાં પરોવાઈ ગયા.

*** *** ***

એકાદ કલાકની ઊંઘ કરીને ઉઠ્યા બાદ રાજીવ થોડો ફ્રેશ લાગતો હતો. હાથ-મોં ધોઈ લેપટોપ બેગ લઈ રાજીવ નીચે ઉતર્યો ત્યારે માયા ટ્રેમાં ચાના કપ લઈ રસોડામાંથી બહાર નીકળી રહી હતી.

"ચાલ દોસ્ત, ચા પી લે એટલે રહ્યોસહ્યો થાક પણ ઉતરી જશે. ગામની દેશી ગાયના દૂધની ચા ચાખી તો જો," રતને રાજીવને કપ આપ્યો ને પોતે પણ એક કપ ઉપાડી મોંએ માંડ્યો. ચા પીધા પછી રાજીવને ઘણું સારું લાગ્યું.

"બાપુ, હું રાજીવને ગામમાં ફરાવી આવું. રાજીવને અહીં થોડું કામ પણ છે એ પણ પતાવતા આવીએ. ચાલ રાજીવ, રાજપરાની સેર કરાવું," રાજીવ પાછળ બેઠો એટલે રતને કિક મારી બુલેટને ખીમજી પટેલના ઘર તરફ દોડાવી.

બે-ત્રણ મિનિટ સુધી દરવાજાની સાંકળ ખખડાવ્યા બાદ ખીમજી પટેલના ડેલાનો દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. "કોણ આવ્યું છે?" અંદરથી અવાજ સંભળાયો.

"બાપા, હું રતન, જોરુભાનો દીકરો,"રતન અને રાજીવ ડેલામાં સેન્ડલ ઉતારી આંગણું વટાવી અંદર ગયા. ક્યાંક ક્યાંક ભીંત પરથી ઉખડી ગયેલો રંગ ક્યારેક આ ડેલી પણ ભવ્ય હશે એની ચાડી ખાતો હતો. મોટા હોલમાં એક બાજુ બારી પાસે મુકેલા લાકડાના પલંગ પર ખીમજી પટેલ બીડી ફૂંકતા બેઠા હતા.

"આવ ભાઈ આવ, હારે કોણ આવ્યું છે?" નોકરને પાણી લાવવા કહી ખીમજી પટેલે રતનને પ્રશ્ન કર્યો.

"મારો મિત્ર છે, વડોદરાથી તમને મળવા માટે આવ્યો છે. એ તમને કાંઈક પૂછવા માંગે છે એને સંતોષકારક જવાબ આપજો ," રતને ખુલાસો કર્યો.

"હા ભાઈ, પૂછ જે પૂછવું હોય," ખીમજી પટેલે બીડી દીવાલ પર ઘસી ઓલવી ને બારી બહાર ફેંકી.

"હું રાજીવ પારેખ, અનંતરાય પારેખનો પુત્ર," આટલું સાંભળતા જ ખીમજી પટેલ એકદમ ઉભા થયા.

"હું કોઈ અનંતરાય પારેખને ઓળખતો નથી. મને એક કામ યાદ આવ્યું છે. તમે જઈ શકો છો,"

"ખીમજીબાપા, રાજીવ આશા લઇ તમારી પાસે આવ્યો છે એને નિરાશ નહીં કરો," રતને ખીમજી પટેલ આગળ હાથ જોડ્યા.

" થોડા દિવસ પહેલા જ તમે મારા પપ્પાને ફોન કર્યો હતો અને હવે તમે કહો છો કે તમે એમને નથી ઓળખતા. પ્લીઝ દાદા, મારું એ રહસ્ય જાણવું બહુ જ જરૂરી છે. તમારા એક ફોનથી મારા પપ્પા અસ્વસ્થ થઈ ગયા છે." રાજીવ ખીમજી પટેલના પગ આગળ બેસી ગયો.

"ભલે, બેસો," ખીમજી પટેલ ધ્રુજતા હાથે પત્ર લઈ પાછા પલંગ પર બેઠા અને રતન-રાજીવ એમની સામે ખુરશીઓ પર ગોઠવાયા.

વધુ આવતા અંકે .........

આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED