રોશની bharatchandra shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રોશની

રોશની

 ( આ એક કાલ્પનિક વાર્તા છે .વાર્તાના પાત્રો,તેમના નામો,ઘટનાઓ,સ્થળો બધુજ કાલ્પનિક છે જેનો જીવિત કે મૃત વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ જોડે સીધે કે આડકતરી રીતે કોઈ સંબંધ નથી અને હશે તો તે એક સંજોગ હશે.આ વાર્તા સંપૂર્ણતા કાલ્પનિક છે અને મનોરંજન માટે લખાયેલી છે)

વાચક મિત્રો, માનવીનું જીવન ઍક એવું સુંદર અને હસીન સફર છે જ્યાં આપણને રોજ એક  એક પળને માણી રહ્યા છીએ. આ પળોમાં કંઇક  પળો આપણે સુખ આપી જાય છે તો કંઇક પળો દુઃખના સાગરમાં ધકેલી દે છે. પણ આ સુખ દુઃખમાં આપણા પરિવાર સાથે રહીને જીવન વિતાવવું એજ ખરેખર જીવન છે.

"જન્મ દિવસ મુબારક-" સાહિલ!
આ શબ્દો સાહિલના  કાને  અથડાયા અને એ  નીંદરમાંથી સફાળો  જાગ્યો. એની સામે એક પ્યારી અને નિર્દોષ સ્મિત રેલાવતી ફુલોનો બુકે લઈ ઊભી હતી  રોશની.


ભૂરો સુટ, સફેદ ટોપ, લલાટે નાની પણ લાલ બિંદી, સેથામાં સિંદૂરની ચપટી,કાનમાં ઝુમકા, ગળામાં મંગળસૂત્ર મોહક અદામાં હસિન લાગતી હતી રોશની. કોઈની પણ નજર લાગી જાય એવી રોશની. અપ્રતિમ દેખાતી રોશની . આગળ આવી સાહિલને  બૂકે આપતા ફરી એકવાર " જન્મ દિવસ મુબારક" કહી  બૂકે આપ્યું.  સાહિલે  સ્મિત કરતા તેનો આભાર માન્યો.

રોશું," તને મારો જન્મ દિવસ યાદ છે?" સહજભાવે સાહિલે  પૂછ્યું.

હાસ્તો, આપણા લગ્નની તારીખ પછી છ મહિનામાં તમારો જન્મ દિવસ આવે છે. આમ પણ મને ખાસ દિવસ,તારીખો ,પ્રસંગો યાદ રહેજ છે. તમારી જેમ નથી કે ભૂલી જવાનું અને મારે યાદ અપાવવાનું." રોશની શરારતી અંદાજમાં બોલતી હતી.

"સાંભળો , મે  આજે સવારે વહેલા ઊઠીને ઈડલી સંભાર ,લસ્સી,બ્રેડ રોલ અને રસમલાઈ બનાવી છે ખાસ તમારા માટે. એટલે તમે વહેલા બહાર આઓ. અને સાંભળો, “  જેવું બન્યું હોય તેવું મે બનાવેલ મેનુનું તમારે તારીફ કરવી પડશે હોં! " શાબ્દિક છેડછાડ કરી હસતી હસતી એ રસોડામાં ચાલી ગઈ.

રોશની સ્વભાવે જે હતી એવી. લગ્નના દિવસે વિદાય વખતે તેણીના આંખોમાં આંસુ જોયા હતા. ત્યાર બાદ આજદિન સુધી સાહિલ સમજી  ન શક્યો કે કોઈ આટલો ખુશ અને આનંદમાં કેવી રીતે રહી શકે? દરેક માણસ પોતાના જીવનમાં આવેલ નાની મોટી સમસ્યાઓને લઈને નિરાશ અને દુઃખી દેખાય છે પણ રોશની દરેક પરેશાનીમાં ખુશ અને નટખટ અને ચંચલ રહેતી હતી. તેણીમાં પત્થરને પણ હસાવી દે એટલી તાકાત હતી.

એના પ્રતિ પ્રેમભાવ અને ઈજ્જત, કદરની લાગણી સાથે સાહિલ ઓફિસ જવા તૈયાર થઈ ગયો. ડાયનીંગ ટેબલ પર બનાવેલ બધીજ વસ્તુઓ સજાવીને મૂકેલી હતી. એનીબ રાહ જોતી હતી કે ક્યારે એ  ખુરશી પર બેસે  ક્યારે એ ખવડાવે.

' જલ્દી ચાલો,તમને ભૂખ નહિ લાગી તો કઈ નહિ પણ મને બહુ ભૂખ તો લાગી છે. " નટખટ અંદાજે  રોશની બોલી.

સાહિલ તરતજ ખુરશી પર બેઠો. પહેલો કોળિયો ખવડાવ્યો અને પછી એની ડિશમાં બધું પીરસવા લાગી. સાહિલ એનો મંદ સ્મિત રેલાવતો ચહેરો જોતોજ રહ્યો.

" આજે સાંજે તમને શું ગિફ્ટ જોઈએ? " સાંજે તમે ઓફિસેથી આઓ તે પહેલાં હું લઈ આવીશ." રોશનીએ સાહિલને  પૂછ્યું.

" તારા મન પસંદની ગિફ્ટ લઈ આવ. આમ તો મને મારી મનપસંદ ગિફ્ટ મળી જ ગઈ છે. આજથી પાંચ વર્ષ પહેલાં. અનમોલ ગિફ્ટ છે. કુદરતી ગિફ્ટ છે."

" હમમ...બોલો શું ગિફ્ટ મળી ગઈ"?

" રોશની" સહજતાથી સાહિલ બોલ્યો.

રોશનીને મનમાં એમ હતું કે સાહિલ ઘુમાવી ઘુમાવી કહેશે જેથી મને જાણવાની ઉત્સુકતા રહે પણ એ તો સહજભાવે તરત જ બોલી ગયો.

રોશની પણ એક આઇ. ટી.કંપનીમાં નોકરી કરતી હતી. તેણીની ઓફિસનો સમય સવારે ૧૦ થી સાંજના ૬.૩૦ નો હતો અને સાહિલનો ઓફિસનો સમય સવારના ૯.૩૦ થી સાંજના ૭.૩૦નો હતો.


સાહિલ અને રોશની પોતપોતાનાં જીવનના ઘટમાળમાં એટલા વ્યસ્ત થઈ ગયા હતા કે તેમના પરિવારજનો, મિત્રો, ઓળખીતાઓ, સગાં વહાલાઓને પણ સમય આપી શકતા નહોતા.

સાહિલ બોલ્યો,"રોશની  , આજે મને થોડો સમય આપશે?  આજે આપણે ક્યાંક  બહાર જઈએ રાત્રે ડિનર માટે? આપણે બેઉ હું અને તું."

રોશની સ્મિત રેલાવતી બોલી," જનાબ , મારો સમય તમારી માટે જ છે. મે મારો સમય રાખ્યો જ ક્યાં છે? મને કઈજ વાંધો નથી.તમે જેમ કહેશો તેમ.જઈએ આજે રાત્રે મુગલાઈ રેસ્ટોરન્ટમાં..પાકું.." તમે ઓફીસેથી આઓ તે પહેલાંજ હું તૈયાર થઈને તમારી રાહ જોઇશ."

સાહિલ ઓફીસે જવા નીકળ્યો અને રોશની  એકીટસે સાહિલને વ્યાકુળતાથી જોઈ રહી હતી. તેની આંખો અને ચહેરપરના હાવભાવ પરથી સાહિલ જાણી ગયો કે રોશનીના મનમાં શું છે.  એ મનમાં કહેતી હતી કે સાહિલ મને મૂકીને તમે નહિ જાઓ.
પરંતુ સાહિલે સ્કુટર કાર ચાલુ કરી અને ઓફિસ જવા નીકળ્યો. પણ મનમાં સાહિલને થયું કે કાશ હું એની વાત માની લેતો આજે. બહુ ખુશ થતી. તેણીની વ્યાકુળતા સાહિલને સાલતી હતી.

સાંજે સાહિલ  ઘરે જવાની તૈયારી કરતો હતો પણ અચાનક કામ આવી પડ્યું જેથી સાહિલને ઓફિસમાં થોડીવાર રોકાવવું પડ્યું.  સાહિલે રોશનીને જાણ કરી હતી કે હું ઘરે નહિ આવી શકું. તું મુગલાઇ રેસ્ટોરન્ટ પહોંચી જજો હું બારોબાર આવી જઈશ.

" ઠીક છે. પણ આની સજા તમને આપીશ જે તમારે ભોગવવાની રહશે." આટલું બોલી રોશનીએ ફોન કટ કર્યો. રોશની તે દિવસે ૧ કલાકની રજા લઈ વહેલી ઘરે આવી ગઈ હતી.

નિર્ધારિત સમયે સાહિલ રેસ્ટોરન્ટ પહોંચી ગયો હતો. પણ રોશની તેને ક્યાંય  દેખાઈ નહિ. એ રોશનીની રાહ જોતો હતો. સાહિલે મોબાઈલ પર ઘણીવાર કોશિશ કરી પણ મોબાઈલ બંદ હતો. સાહિલ સમજ્યો કે એણે મને પરેશાન કરવા જ આવી નટખટ શરારત કરી હશે. સાહિલે ગાડી ફેરવી અને ઘર તરફ નીકળ્યો. પણ ખબર પડી કે રોશની કલાક પહેલાંજ ઘરેથી નીકળી ગઈ હતી. પાછી સાહિલે ગાડી વળાવી રેસ્ટોરન્ટ તરફ જવા. રસ્તામાં એ જોતો હતો કે ક્યાંય રોશની દેખાય છે ? પણ એ દેખાઈ નહિ.

સાહિલ બેબાકળો બની ગયો હતો.  મનમાં વિચારવા લાગ્યો કે મને થોડું મોડું થયું તેથી રોશની એટલી નારાજ થઈ ગઈ? જેથી આવું વર્તન કર્યું ? પાછો સાહિલ ઘરે આવ્યો. ઘરે તાળું હતું. ગઈ ક્યાં? સાહિલ વિચારમાં પડી ગયો. રોશનીનો મોબાઈલ પણ બંદ હતો. રાતના ૯ વાગી ગયા હતાં. પાંચ વર્ષમાં રોશની કોઈ દિવસ જાણ કર્યાં વગર કશે ગઈ નહોતી. સાહિલ વધુ ગભરાઈ ગયો.જાતજાતના વિચારોએ ઘેરી લીધા. સાહિલને   હેરાન કરવા ખાતર કોઈ બહેનપણીને  ત્યાં તો નથી ગઈ ને? ગઈ હોય તો સવારે આવી જશે એમ સાહિલે વિચાર્યું. એવી મજાક કોઈ દિવસ કરી નહોતી રોશનીએ. રોશનીના આવા વર્તનથી સાહિલ નારાજ થઈ ગયો હતો.

તે રાત્રે સાહિલ માંડ માંડ ઊંઘી શક્યો. પડખા ફેરવતો રહ્યો. રોશનીના વિચારોમાં લીન થઈ ગયો. થોડીક વાર પછી એની આંખ ખુલી. સવારના ૭ વાગી ગયા હતા. અચાનક એનો  મોબાઈલ રણક્યો. સ્ક્રીન પર અજાણ નંબર હતો.  રોશનીનો જ ફોન હશે એમ સમજી સાહિલે ફોન ઊંચક્યો.
સામે છેડેથી આવાજ આવ્યો " તમે મી.સાહિલ છો?"
સાહિલ ગભરાઈ ગયો.એને અનજાન માણસને પૂછ્યું કે તમે કોણ?
" હું પોલીસ ઇન્સ્પેકટર રાજેન્દ્ર ઝાલા બોલું છું.  મુગલાઇ રેસ્ટોરન્ટ પાસે જંગલવાળી સડક પર અમોને રોશની નામની એક યુવાન મહિલા બેભાન અવસ્થામાં મળી આવી છે. તેમના મોબાઈલમાં સાહિલ હસબન્ડનો નંબર જોયો અને તમને ફોન કર્યો.તમે જલ્દી નાગરિક હોસ્પિટલ આવી જાઓ. અમે રોશનીને ત્યાં લઈ જઈએ છીએ. સાહિલના તળિયેથી જમીન ખસી ગઈ. ચક્કર આવવા માંડ્યા. એની સાથે કોઈ હતું નહિ. એકલાએજ હોસ્પિટલ જવાનું હતું. શરીર અને મન સુન્ન થઈ ગયા.પણ જેમ તેમ હિંમત એક્ઠી કરી હોસ્પિટલ પહોંચ્યો.

" ઇન્સ્પેકટર  સાહેબ, હું સાહિલ રોશનીનો પતિ" સાહિલે પો.ઇ. ઝાલાને ગભરાતા કહ્યું.

" સહિલભાઈ, તમારી પત્ની ભાગ્યશાળી છે જનાબ..આટલા સૂનસાન રસ્તા ઉપર ૪-૫ ટપોરીઓ, માવલીઓએ  તમારી પત્નીને જોઈ તેમની  સાથે જબરદસ્તી કરતા હતા. ઈજ્જત લૂટવાની કોશિશ કરી હતી. તમારી પત્નીએ હિંમતથી સામનો કર્યો. પણ એ મવાલીઓ મજબૂત હતા તમારા પત્ની કમજોર પડી ગયા. અમારા બે કોન્સ્ટેબલ રાઉન્ડ પર નીકળ્યા હતા. તેમને પોલીસ જીપની સાયરન વગાડી એટલે પેલા લોકો ભાગી ગયા. મહિલા પો.કો.એ તેમને જીપમાં સુવડાવી નાગરિક હોસ્પિટલમાં લઇ આવ્યા. તમારી પત્ની અર્ધ બેભાન અવસ્થામાં હતા. જાઓ રૂમ નંબર ૧૦મા તમારી રાહ જોઈ રહ્યા છે."

સાહિલ ભાગતો ભાગતો રૂમ તરફ ગયો અને હાંફળો ફાંફળો રૂમમાં દાખલ થયો. રોશની બેડ  પર નિસ્તેજ સૂતેલી હતી. ઉપચાર ચાલુ હતો. ઉપચાર માટે વપરાતી તમામ મશીનો ,ફરજ પરના ડોક્ટર અને નર્સેસ એમના વાત પરથી માલુમ પડ્યું કે રોશની હવે ખતરાની બહાર છે.

રોશની એકીટસે રૂમમાં છતને જોઈ રહી હતી.  એના શરીરમાં શ્વાસ સિવાય કોઈ હિલચાલ થતી નહોતી. આ શ્વાસની ગતિ પણ મંદ હતી જેનો અહેસાસ ફક્ત રોશનીને જ થતો હતો. રોજ બોલબોલ કરવાવાળી,ચંચલ, ચુલબુલી  રોશની બેજાન પૂતળાની જેમ હોસ્પિટલના  બિછાને  પડેલી હતી.
રોશનીની આ હાલત  સાહિલથી જોવાતી નહોતી. ડોક્ટરે સાહિલને દિલાસો આપતા કહ્યું, કે " ભાઈ ગભરાવની જરૂર નથી. તમારી પત્ની જલ્દી સારી થઈ જશે.તમે એમની પાસે હવે બેસી શકો છો." ડોક્ટર આટલું કહીને જતા રહ્યા. રૂમમાં ફક્ત રોશની અને સાહિલ જ હતાં. સાહિલ આંસુઓને રોકી શકતો નહોતો. કદાચ સાહિલને મનોમન પશ્ચાતાપ થતો હોવાની લાગણી થતી હોવી જોઈએ એવા હાવભાવ એના ચહેરા ઉપર ઉપસી આવ્યા હતા. કાશ જો સવારે ઓફીસે જતા રોશનીની વાત માની લીધી હોત  અને આજે ઓફીસે ન ગયો હોત તો આવી ઘટના ન બની હોત.

ત્રણ દિવસ પછી ચોથા દિવસે રોશનીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. સાહિલ એ પકડીને કાર સુધી લઈ જતો હતો.રોજ દોડાદોડ કરવાવાળી રોશનીને આજે પોતાના પગ જમીન ઉપર ઘસડીને ચાલવું પડતું હતું. જ્યારે સાહિલ ઘરે પહોંચ્યો અને રોશનીને પકડીને ગાડીમાંથી ઉતારતો  હતો ત્યારે મહોલ્લાના લોકો જોવા ટોળે વળ્યા હતા. ઘણાએ તો જોઈને ઘરના બારી બારણા બંધ કરી દીધા તો  કોઈએ  ઇન્સાનિયતને નાતે પૂછપરછ કરવાની દરકાર પણ લીધી નહોતી.

જે સમાજ અને સમાજના લોકો મરતા માણસને કે નિસહાય માણસને કે તબિયતથી બીમાર માણસને સહાય કરવાને બદલે મોબાઈલમાં ફોટા ખીચવામાં લાગ્યા હતા. એવા લોકો પાસેથી શું આશા રાખી શકાય? માનવતા અને મદદની બઢાશ મારવાવાળા લોકો આજે એક તબિયતથી લાચાર મહિલાને  ઇન્સાન માનવાની  આનાકાની કરતા હતા.  પરંતુ સાહિલને આ વાતની કોઈ અસર થઈ નહોતી. રોશની પહેલા જેટલી મૂલ્યવાન હતી તેટલી જ આજે પણ છે.

બહુજ સાચવીને રોશનીને ઘરમાં લાવી બિસ્તર ઉપર હળવેકથી સુવડાવી. ત્રણ દિવસ પહેલાં આ જ રોશનીએ સાહિલને ઉઠાડ્યો હતો અને એજ બિછાને આજે સાહિલે  રોશનીને સુવડાવી.
સાહિલ ખુરશી પર બેઠા બેઠા વિચારતો હતો કે મે રોશની પાસે ફક્ત સમય જ માગ્યો હતો પણ એને શું ખબર હતી કે તે સમય આ સ્વરૂપમાં મળશે?
રાત થઈ ગઈ હતી રોશની માટે ખાવાનું લેવા સાહિલ ઘરેથી નીકળ્યો. ફ્રીજમાં ત્રણ દિવસ પહેલાની રસમલાઈ મૂકેલી હતી. જે રોશનીએ કેટલા પ્રેમથી બનાવી હતી. સાહિલ બીજી વસ્તુઓ શોધતો હતો એટલમાં  એણે રોશનીની  ચીખ સાંભળી.

બધું છોડી સાહિલ ઉપર રૂમમાં જોવા ગયો. રોશની જોર જોરથી બૂમો પાડતી હતી"મને બચાવી લો..મને બચાવી લો..આ લોકો મને મારી નાખશે." રોશની ભ્રમિત થઈ ગઈ હતી. એના દિલોદિમાગ ઉપર બનેલી ઘટના ચલ ચિત્રની જેમ નજરો સમક્ષ  આવવા માંડી. રોશનીની શ્વાસની ગતિ તેજ થઈ ગઈ હતી.પરસેવાથી રેબઝેબ થઈ ગઈ હતી. સાહિલ તરત એની પાસે બેસી ગયો.એનો હાથ પકડી લીધો અને પોતાના ખભા ઉપર રોશનીની માથું ટેકવ્યું. રોશનીએ એકાએક સાહિલને જકડી લીધો હતો. સાહિલે  દિલાસો  આપતા કહ્યું કે, " રોશની અહી કોઈ નથી.હું છું તારો સાહિલ.તને કશું થયું નથી.તું એકદમ નોર્મલ છે. ધીમેથી રોશનીને સુવડાવી અને માથા પરથી હળવેકથી હાથ ફેરવતો હતો. રોશની ધીમે ધીમે શાંત થતી હતી. સાહિલ ફરીથી એને દિલાસો આપતા કહેતો હતો કે હું તારી પાસે જ છું.તને કશું જ થયું નથી.તું એકદમ નોર્મલ છે. પણ સાહિલે જોયું કે તેણીના આંખોના ખૂણા બાઝેલા હતાં. સાહિલ ફરીથી ખાવાનું લેવા ઊભો થયો ને તરત રોશનીએ પાછો એને  જકડી લીધો. વ્યાકુળ થઈને સાહિલને જોતી હતી. એની આંખો કહેતી હતી કે સાહિલ થોબી જા..મને છોડીને કશે નહિ જતા. આ વખતે સાહિલે પહેલા જેવી ભૂલ ન કરવાના ઇરાદે બહાર જવાનું માંડી વાળ્યું અને રોશની પાસે બેસી રહ્યો.

દુઃખ અને ક્રોધના મોજા સાહિલના મસ્તિષ્ક ઉપર અફળાતા હતાં. રોશનીને કોઈ દવાની જરૂર નહોતી.તેણીને ફક્ત અપનાપન  અને પ્રેમ અને હૂફની જરૂરી હતી. તેણીના આત્મવિશ્વાસને ફરીથી જગાડવાની જરૂરી હતી. રોશનીની તબિયત સામે ચાલી રહેલી લડાઈ સામે સાહિલના યોગદાનની પણ જરૂર હતી. સાહિલે મનોમન નક્કી જ કરી લીધું હતું કે કોઈ પણ ભોગે રોશનીને પહેલાં જેવી બનાવવાની છે.

રોશની હમેશા એની સાથે બનેલ ઘટનાને મહેસુસ કરતી હતી એટલે એ તણાવગ્રસ્ત અને ભ્રમિત થઈ ગઈ હતી.  સાહિલ માટે તેણીને બનેલ હાદસામાંથી બહાર કાઢી શાંત કરવું બહુજ અઘરું હતું.

આ ડર,રોજની ચીખો પાડવાની જાણે રોશનીનું રોજનું બની ગયું હતું.  સાહિલ એક દિવસ રોશનીને ખવડાવવાની કોશિશ કરતો હતો. ખાવાની શોખીન રોશની એક રોટલી પણ ખાઈ શકતી નહોતી. અચાનક રડવા લાગી. અચાનક કહેવા લાગી, જેનો સાહિલને સપનાંમાં પણ ખયાલ નહોતો.". સાહિલ , મને માફ કરી દો સાહિલ. મારી કોઈ ભૂલ થઈ ગઈ એવું મને લાગે છે. જેની મને આ સજા મળી રહી છે. મે કઈ પણ એવું કામ કર્યું હશે જે ન કરવું જોઈતું હતું જેથી મારી સાથે આ અણબનાવ બન્યો. મારામાં કંઇક ને કંઇક ખામીઓ જરૂર હશે. જે મને દેખાતી નથી. હું હવે તમારા માટે બોજ  બની ગઈ છું. આ બોજ મારા માટે શીરદર્દ સાબિત થાય છે. આ બોજથી મને દરદ થાય છે. તમે મને છોડીને જતા રહો ,સાહિલ! હું તમારા લાયક નથી રહી હવે" ચોધાર આંસુએ રોશની રડવા લાગી.

રોશનીના આવા અકલ્પનીય સ્વરૂપની સાહિલને જરાય કલ્પના નહોતી. જે છોકરી નિર્જીવ વસ્તુમાં પણ પ્રાણ લાવી શકે એવું સામર્થ્ય ધરાવતી  તે છોકરી આજે  આટલી હદે માનસિક રીતે તૂટી ગઈ હતી. તેણીના ચહેરા પરનું હાસ્ય,તેજ ગુમ થઈ ગયું હતું. રોશનીએ કોઈ દિન કોઈનું ખરાબ નહોતું કર્યું,કોઈના દિલને દુઃખ નહોતું પહોંચાડ્યું હતું. એ હવે પોતાના દિલ પરજ પોતાનો ભાર નાખી દીધો હતો. પોતાની જાતને જ ઘુટણ મહેસુસ કરતી હતી. સાહિલે પ્રેમથી માથા ઉપરથી હાથ ફેરવી હસતા હસતા કહ્યું," રોશની , તારી કોઈજ ભૂલ નથી. તું કેમ પોતાને દોષિત માને છે? તારામાં કોઈ ખામી છેજ નહિ. તું કેટલી પ્રેમાળ છે, બધાનું કેટલું ધ્યાન રાખે છે. તેં  કેટલા નિસહાય લોકોની મદદ કરી છે. એક નાનકડી છોકરીને તે કેવી રીતે બચાવી હતી. અને એ છોકરીના માતા પિતાને તે એ છોકરીને સોંપી હતી.તે યાદ કર રોશની. એ છોકરીના માતાપિતા તને દેવતા તુલ્ય માને છે. છતાંય તું એમ કહે છે તારામાં કોઈક ખામી છે,ભૂલ છે. તું મારા માટે બોજ છે. તારા જેવી મહિલાઓની આ દુનિયામાં જરૂર છે રોશની! તું મારા  માટે એટલી જ પ્યારી છે. જેટલી પહેલાં હતી.તારા માટે એટલું જ માન છે જેટલું આ પહેલાં હતું. બધું ઠીક ઠાક છે. બધું નોર્મલ થઈ ગયું છે.તું લકીરે ચિંતા નહિ કર."

સહિલની આ વાત રોશનીના મગજ સુધી પહોંચી હતી કે નહિ તે સાહિલને ખબર પડતી નહોતી. પણ રોશનીની ઉદાસભરી વાતથી સાહિલનું મન જરૂર વ્યતીત થઈ ગયું હતું. સાહિલના મનમાં એક જ વિચાર હમેશા સતાવ્યા કરતો હતી કે રોશની તનાવમાં અને ડિપ્રેશનમાં પોતાની જાતને કઈ કરી ના બેસે. એટલે સાહિલે ઘરમાથી ચપ્પુ, કાતર,  સુડી,વગેરે ધારધાર વસ્તુઓ છુપાવી દીધી હતી. બારીઓને જાળી લગાવી દીધી હતી. રૂમમાંમાંથી પંખો કઢાવી નાખ્યો હતો. દોરી,દુપટ્ટા, સાડીઓ પણ છુપાવી દીધી હતી. સાહિલને આ બધું કરવું ગમતું નહોતું. મનોમન એ પોતાને કોસતો હતો. આમ  કરવાથી સાહિલને જાણે રોશની પર ભરોસો નહોતો. પણ સાચું એ હતું કે સાહિલ કમજોર પડી ગયો હતો. કોઈ પણ સ્થિતિમાં ,કોઈ પણ ભોગે રોશનીને ખોવા નહોતો માગતો.

સાહિલ રોજ પત્ની જોડે વાતો કરતો. તેની તારીફ કરતો. તેણીએ જે જે સારા કામો કર્યા હતા તે બધાજ એની સામે કહેતો.લોકો કેવી કેવી તારીફ કરતા તે યાદ અપાવતો. પહેલાં પોતાની  બહેનપણીઓ,સગાવ્હાલાઓનો ફોન આવે એટલે કલાકો વાતો કરતી પણ હમણાં તો એ લોકોના ફોન આવે એટલે જોયા કરેછે. ફોન ઉચકવાની હિંમત નથી કરતી. ડર પેસી ગયો હતો. સમાજ સાથે જાણે એણે છેડો ફાડી નાખ્યો હતો. આખો દિવસ માથું ઝુકાવી વિચારોમાં તલ્લીન થઈ જતી.

આટલા પ્રયાસો કરવા છતાંય રોશનીના માનસિકતા પર કોઈ સારી અસર જોવા મળતી નહોતી. સાહિલના  મનમાં એક વિચાર આવ્યો સાહિલનો એક મિત્ર પરેશની એક નાની  ૬ વર્ષની પુત્રી જે ચુલબુલી હતી તેની સાથે રોશની બહુ રમતી હતી,વાતો કરતી. સાહિલે  વિચાર્યું કે હું રોશનીને એના મિત્ર પરેશની ત્યાં લઈ જાઉં અને એની પુત્રી જોડે  વાતો કરે,રમે તો સારું લાગે. તનાવમુક્ત થઈ જાય અને મિત્રની પુત્રીને થોડાક દિવસો માટે ઘરે લઈ જાઉં.

એમ વિચારી સાહિલ રોશનીને પરેશના ઘરે લઈ ગયો. દરવાજાની ઘંટડી વગાડી. સામે જોયું તો પરેશની પત્ની સ્નેહા હતી. સાહિલ અને રોશનીને જોઈ એને મોડું મચકોડ્યું. ના છૂટકે ઘરમાં બોલાવી બેસવા કહ્યું. આવતા વેંત પૂછ્યું કે ," તમને અહી આવતા કોઈએ જોયા તો નથી ને"? સાહિલ સમજી ગયો હતો પણ રોશની ખાતર તેણે  આ પણ સહન કર્યું. સાહિલ રોશની બેઠા હતા ત્યાં પરેશની પુત્રી દોડતી દોડતી અંકલ  અંકલ કરતી સાહિલ નજીક આવી. પણ એની માતાએ તેનો હાથ પકડી બીજા રૂમમાં મોકલી દીધી. સાહિલ સમજી ગયો અને અહી આવવાનું કારણ બતાવ્યું. અને પરેશની પુત્રીને  થોડાક દિવસ ઘરે મોકલવાનું કહ્યું. જેથી રોશનીને સારું લાગે. માનસિક હાલત હજુ થોડી સારી થાય .

પરેશ અને એની પત્નીએ  એક બીજા સામે જોયું અને આંખોથી એકબીજાને ઈશારા કર્યાં. પછી એની પત્ની બોલી, " ના ભાઈ ના..મારી છોકરીને હું ત્યાં નહિ મોકલું કે  નહીં રોશનીને અહી રહેવા દઉં. રોશની તો તેના ચાલ ચલગતની સજા ભોગવી રહી છે. મારી દીકરી એની સાથે રહશે તો એ પણ એવીજ બની જશે. મેં એવું સાંભળ્યું છે કે રોશની એની ઓફિસમાં અને ઓફિસની બહાર પુરુષો જોડે બહુ હસી હસીને વાતો કરે છે. અને આ બધું મારી દીકરીને પણ શીખવવા માગે છે. તમે તમારી પત્નીને નહિ સાચવી શક્યા અને એવી ઉમ્મીદ રાખો છો કે મારી દીકરી સાથે રહશે તો સારી થઈ જશે. માફ કરો ભાઈ..શક્ય નથી.

સાહિલ બિચારો હતાશ થયો. એક છેલ્લી ઉમીદ હતી જે બેકાર ગઈ. પરેશની પત્નીના વિચિત્ર ટોણાથી  સમાજમાંથી જાણે માનવતા મરી ચૂકી હતી. કોઈ જાણવા જ નહોતું માગતું કે સાચી હકીકત સુ છે તે. રોશની હારી નહોતી પણ આ સમાજે હરાવી દીધી હતી.

સાહિલ થોડાક ગુસ્સામાં પરેશની પત્નીને ઠપકો આપતા કહ્યું, " ભાભી, તમે જાણ્યા સમજ્યા વગર આ શું બોલો છો? એની મનોદશા કેવી છે  તેનો તમને અંદાજ છે ખરો? મેં મારી પત્નીને પહેલાં જેવી કરવા માટે કેટકેટલા પ્રયાસો કર્યા છે. એને તમારી દીકરી થકી થોડી ખુશી મળે એવી ઈચ્છા મે રાખી હતી. બહુ આશા હતી મને. પરંતુ તમે તો સીધા એના ચારિત્ર્ય પર જ શંકા કરી? "


છેલ્લા પ્રયાસ રૂપે સાહિલે એના મિત્ર  તરફ નજર કરી.પણ એને પણ મોં ફેરવી લીધું.અને મોબાઈલ મચડવા લાગ્યો.

નિરાશ અને ઉદાસ થઈ સાહિલ પત્ની રોશનીને લઈ ઘરે પાછો આવવા નીકળ્યો. રસ્તામાં એક છોકરો હાથમાં ફુલોનો ગુલદસ્તો વેચતો હતો. વિવિધ રંગના સુગંધિત ફૂલોના ગુલદસ્તાએ સાહિલને આકર્ષી લીધા હતા. એક ગુલદસ્તો જોઈ સાહિલને યાદ આવી કે એવોજ ગુલદસ્તો રોશનીએ સાહિલને એના જન્મદિવસે  આપ્યો હતો.
એજ ગુલદસ્તો સાહિલે પણ ખરીદી કર્યો. ઘરે પહોંચીને સ્મિત કરતા એ ગુલદસ્તો રોશનીના ખોળામાં મૂક્યો. પરંતુ તેણીએ ગુલદસ્તો નીચે મૂકી દીધો. પાછું એના ખોળામાં મૂક્યો. એ ગુલદસ્તાને એકીટસે જોતી હતી. અને થોડાક છૂટા ફૂલો તેણીના આજુબાજુ ગોઠવી દઇ  સાહિલ રૂમની બહાર જતો રહ્યો.

થોડી વાર  પછી સાહિલ પાછો રોશનીના રૂમમાં દાખલ થયો. માહોલ જોઈ ખુશ થયો. રૂમમાં દરવાજા પાસે જ ઊભો રહી એ નજારાને આંખોમાં સમાવતો હતો. રોશની એક બે ગુલાબના ફૂલોને ઊંચકી હાથમાં લઈ કુતૂહલ વશ જોતી હતી. તેણીના મુખ પર હલકી મુસ્કાન હતી. પછી રોશનીએ ગુલદસ્તાને પોતાની હાથે જ ખોળામાં મૂક્યો.

ધન તેરસના દિવસે કોઈ કઈ કરી ના શક્યું તે આ બેજાન ફૂલોએ કર્યું. પોતાના રંગોથી અને સુગંધથી મરણતોલ વ્યક્તિને   જીવિત કરી. તેને હસતી કરી. ઘરમાં દીવાઓ પ્રકટાવ્યા હતા. લગ્નપછી બંનેની આ પાંચમી દિવાળી હતી.અગાઉની ચારેય દિવાળીની  પ્રેમ , હર્ષ, ઉલ્લાસ  અને રંગેચંગે ઉજવણી કરી હતી. આ વર્ષની દિવાળી ફિક્કી લાગતી હતી

અને બીજી તરફ આ સમાજે અને મિત્રોએ તેની મનોદશા  અને ચારિત્ર્ય પર શંકા કરી હતી.  સાહિલ રૂમની અંદર પ્રવેશ્યો. રોશનીને ગોદમાં ઊંચકી અરીસા સામે ઉભી કરી. રોશની શરમાઈ ગઈ હતી. સાહિલ સાથે નજર મિલાવતા  પણ શરમાતી હતી. સાહિ લે એક હાર રોશનીના ગળામાં પહેરાવ્યો અને અરીસા ઉપર ચિપકાવેલ એક ચાંલ્લો રોશનીના કપાળે ચોંટાડી દીધો. રોશની ધીમે ધીમે માથું ઊંચું કરતી હતી. સાહિલ સામે જોયું. એની નજરો ને નજર મેળવી.  સાહિલે એની આંખોમાં ચમક જોઈ, વિશ્વાસ  જોયો.અને એ મંદ સ્મિત કરતી પતિ સાહિલના ગળે વળગી.

દિવાળીના દિવસે સવારથી જ સાહિલે ઉત્સાહિત થઈને નવા અને સુગંધિત ફૂલો રોશનીના રૂમમાં સરસ રીતે ગોઠવી દીધા. તેમજ નૈસર્ગિક ફોટા, ઊગતો સૂરજ,ઉડતા  પક્ષીઓ,દોડતું હરણ, રંગી બેરંગી પતંગિયાના પોસ્ટરો લગાવ્યા. સાહિલે બંનેના લગ્નની તસવીર લગાવી. એ તસવીરને રોશની એકીટસે અને  મંદ સ્મિત રાળવી જોઈ રહી હતી.  સાહિલ વિચારતો હતો કે હું  રોશનીને સુરક્ષા તો નહિ આપી શક્યો એટલે હું રોશનીનો ગુનેગાર હતો. સાહિલના પ્રયાસોએ રોશનીમાં સકારાત્મક બદલાવ લાવી દીધા હતા. પરંતુ સાહિલ હજુ પણ ચિંતા ગ્રસ્ત જણાતો  હતો કે રોશનીને પહેલાં જેવી બનાવી શકીશ?

દિવાળીની રાતે દિવાઓનાં પ્રકાશથી રૂમમાં ઝગમગાટ પાથર્યો. ઘરમાં ભગવાનનું મંદિર  રંગીબેરંગી સુગંધી ફૂલોની સજાવ્યું હતું. રોશનીને નવી સાડી ભેટમાં આપી અને પહેરવા કહ્યું.  રોશની સાડી પહેરી આવી. રોશનીના હાથમાં ફૂલઝડી આપી. ગોળગોળ ફેરવી. એના હાથે ચકરડી ફેરવી,રોકેટ છોડ્યું.

રોશની દિવાળીના ઝગમગાટમાં  પણ દીપી ઉઠી. સાહિલને દિવાળીની રોશની કરતા એની રોશની વધુ દૈદિપ્યમાન લાગતી હતી.

રોશનીને સાજી કરવામાં સમય ક્યાં વિતી ગયો તે સાહિલને ખબર જ ન પડી. સાહિલ રોશનીને કોઈવાર બહાર ખુલી જગ્યાએ ફરવા લઈ જાય,કોઈવાર સગા સંબંધીઓને ત્યાં લઈ જાય.  સાહિલ રોશનીના હાવભાવનું લગાતાર નિરીક્ષણ કરતો હતો. જેથી એના મગજ પર જોર નહિ પડે. રોશની સાહિલ જોડે થોડું થોડું બોલતી પણ હતી.
સાહિલે  રોશની પર બનેલ બનાવ પછી નજીકના સગા સંબંધીઓ સિવાય કોઈની જોડે માનવતાનો સંબંધ પણ રાખ્યો નહોતો.

સાહિલ માટે કપરો સમય હતો. એક બાજુ  ખુદ રોશની લડાઈ લડતી હતી તો બીજી બાજુ ખુદ સાહિલ લડાઈ લડતો હતો. ઓફિસમાં જ લોકોના નજરોમાંથી ઉતારી ગયો હતો. જાણે કોઈ પરગ્રહ વાસી છે એવી નજરોથી લોકો જોતાં હતા. માનવી વચ્ચે માનવીની શું જગ્યા છે તે સાહિલે મહેસુસ કર્યું હતું. બેજાન પશુ પણ મૃત પશુને ખિન્ન મને વિદાય આપે છે.

આ બધા પરથી સાહિલને એક વસ્તુ સ્પષ્ટ સમજાયું કે તો રોશનીને કોઈ સાથ આપે ન આપે પણ એ તો જરૂર આપશે કોઈ પણ ભોગે. એક છતની નીચે રહીને પાંચ  વરસ થઈ ગયા હતા.  લગ્નની પહેલી સાલગિરિપર રોશનીને શું ઉપહાર આપું તેનો નિર્ણય લેવો સાહિલ માટે અઘરું હતું. વિચારોના વમળમાં ઘેરાઈ સાહિલ ક્યારે નીંદરની સોડમાં ગયો તે ખબર જ ના પડી.

બીજે દિવસે  બેસતું વર્ષ. નવા વર્ષનો આરંભ . સવારે સાહિલની ઊંઘ ખુલી " હેપ્પી ન્યુ યર , સાહિલ"  મીઠા શબ્દો સાહિલના કાને પડ્યા.

હાથમાં ફુલોનો ગુલદસ્તો અને પ્યારી,મનમોહક મંદ સ્મિત રેલાવતી રોશની ઊભી હતી. આછા ભૂરા રંગની સાડી ,મેચિંગ બ્લાઉઝ, ગળામાં મંગળસૂત્ર,કાનમાં લટકણિયાં, માથાના વાળમાં સુગંધી  ફૂલોનો ગજરો,  કલાઈઓમાં ખણ ખણ કરતી રંગીન બંગડીઓ, કપાળે લાલ બિન્દી લગાવી રોશની ઊભી હતી.

આ જોઈ સાહિલ અવાક પામ્યો. એનો વિશ્વાસ જ બેસતો નહોતો. રોશની અંતમાં જંગ જીતી ગઈ હતી. વીર યોદ્ધાની જેમ સાહિલની સામે ઉભી હતી. ખુશીથી સાહિલની આંખો છલકાઇ. સાહિલના આંસુઓએ રોશનીનું અભિવાદન કર્યું અને રોશનીને ગળે વળગ્યો. ખુશીથી સાહિલના મોંમાંથી શબ્દો જાણે લુપ્ત થઈ ગયા હતા. આટલા મોટા અનમોલ ઉપહારની સાહિલે કલ્પના પણ નહોતી કરી. સાહિલ ફક્ત એટલુ જ બોલી શક્યો," રોશની, તને પણ આજનો દિવસ ,આવનાર બધા જ વર્ષો, એક નવી જિંદગી મુબારક"

મનમાં પ્રભુને હાથ જોડી બોલ્યો, "કૃતજ્ઞ છું પ્રભુ તારા એ પ્રેમ અને ઉપકાર માટે...

---------------------------------------------------------------------------------------------------------------------

સમાપ્ત

ભરતચંદ્ર  શાહ