chalo ek food yatrae books and stories free download online pdf in Gujarati

ચાલો એક ફૂડ યાત્રાએ

લોકો ફૂડ બ્લોગર અને વ્લોગર બને છે ને હાસ્ય, વાર્તા કે ક્રાઇમ લેખકો કરતાં વધુ પ્રખ્યાત થાય છે. સાલું હું એ લોકોનું જોઈ કાઈક આવું કરું તો કેવું હોય? (બધું હસવામાં કાઢી નાખવું. જો કે આવો હાસ્ય લેખ પણ ન હોય)
હું તો ઉંમર ની દૃષ્ટિએ તો ડોહો ડગરો. જોકે નથી ડોસો દેખાતો, અને પૂરો ટાઇટ ચાલતો હોઈ નથી ડગરો. હું જઈ જઈ ને ક્યાં ખાવા જાઉં? ચાલો, મેં છેલ્લા થોડા વખતમાં મોં માં ઓર્યું એના ટુંક રિપોર્ટ આહા.. વાહ.. યમ્મી, કયા બાત હે.. વગેરે સિવાય કહું.
મારી નજીક પડે હેવમોર હોક્કો. હેવમોર ની ચના પૂરી નો મોટો પૂરો જલ્દી ખાઓ તો સ્વાદિષ્ટ,બે મિનિટ માં ફૂલેલો બેસી જાય પછી કોળિયો તોડવો મુશ્કેલ. સાથે ચણા ની કવોન્ટિટી ..તમારી કેટલી કેર લે છે, બહુ ન ખાઓ એટલે રાંધેલા ચણા પણ માંડ એક મુઠ્ઠી . રસો સાચવીને ખાઓ નહિ તો પાણી સાથે બાકીનો પૂરો ગળચવો પડશે. ખાટું અથાણું, એક બે ગાજરની ચીર કે કેરીની ગોટલી પાસેની છાલ જ હોય એ ચૂસવા નો લહાવો લેજો.
અંબિકા દાળવડાં. ઠેરઠેર છે. સોલા રોડ પર થી લો તો કહેવું પડે કે ભાઈ તેલ એટલું મોંઘુ નથી. થોડું તળ તો ખરો! એ કહેશે આમ તો લોકો ઘેર જઈને તળે એટલે અર્ધા કાચા આપીએ.
એ જ ગોતા પાસે યોગ્ય કડક હોય. ત્યાં ગળી ચટણી ચાખવી. કાંદા તળ્યા પહેલા ના જોઈ લેવા કેટલા જૂના લાગે છે. છાપાં નો કાગળ ટિસ્યુ તરીકે વાપરવો.
ગુજરાત દાળવડાં ની પકવાન સામે થયેલી ગલ્લા બ્રાન્ચ માં 40 રી. ની ડીશ ખાઈ, (અગાઉ બીજે ત્રીજે ચોથે પણ લગ્નોમાં ખાધેલું એટલે એ એકલો ગુનેગાર નથી) ડોકટર ની ફી 2હજાર અને રિપોર્ટ વગેરેના બીજા પાંચ હજારની ઉઠેલી. એ તળે તમારી સામે પણ સરસ ખાટું ખીરું એની ખટાશ કેમ છે? એ સમજી જાઓ.
ઠીક. ફરી મારા બોપલમાં. 150 રૂ. માં ચાર પીસ ખમણ કે ઢોકળા ખાવા હોય તો અમે ગુજરાતી. હા, દાસ ખમણ મારી પ્રિય જગ્યા. ખાંડવી હાથ અડ્યો તો બે વાર સાબુથી ધોવી પડે એવી તેલ નીતરતી. રવિવારે 10.30 પછી ખલાસ થઈ જાય.
ત્યાં એ જ રીતે પાત્રા ખલાસ થતાં ઘર સામે જ આવિષ્કાર બંગલો ના ગેટ ની બહાર એક લારી ના એક વાર લીધેલાં અને સારાં હતાં. ખાઈને હું માંદો નહોતો પડ્યો.
બોપલ તેજસ સ્કૂલ સામે રસ ઝુંપડી નો રસ. હાઈજીનિક, એરેટેડ વોટર નો વગેરે જાહેરાત. એમાં હમણાં પીધો. ગોળા નું પાણી કદાચ વધુ જાડું હશે. રસ નીર ઝુંપડી કહેવું જોઈએ. ખૂબ પાતળો. હા. થોડો ઘણો રસનો સ્વાદ આવેલો. મને તો મોં માં બરફ નોં ટુકડો ચગળવા જોઈએ. આમતો મશીન પ્રોસેસ, ભૂકી પણ ન આવે. એટલે જ બીજે 20 રૂ. ના આ 25 રૂ. લે છે. બધું ઓનલાઇન પેમેન્ટ.
દર્શન કોમ્પલેક્ષ ની બહાર એક ગુલ્ફી વાળો ઊભે છે એની રોલ કટ ગુલ્ફિ 40 રૂ. માં ખાધેલી અને સરખી કવોન્ટિટી હતી. ઇસ્કોન ગાંઠિયા પાસે કર્ણાવતી નાઈટ માર્કેટ માં એથી નાની ડીશ 90 માં હતી. પેલો પેલીને ફરવા લઈ આવ્યો હોય તો ખિસ્સું ઢીલું કરે ને!
ગાંઠિયા.. માય ફેવરિટ પણ હવે બહુ ઓછાં ખાઉં છું. બોપલ લક્ષ્મી ના તો બુઢ્ઢાઓ કે દાંતની તકલીફ પણ પેઢાં સારાં માટે હશે. ખૂબ પોચા. મોં માં મૂકતા લોચો વળવા માંડે. હું હમણાં ગોપી ના ગાંઠિયા લઈ આવેલો એ કૈંક કડક હતા પણ એની લીલી ચટણી કાયમ ખાટી હોય. કોઈ લેતું નહિ હોય કે વધુ બનાવતો હશે. ખાટી વાસી હોઈ શકે. મરચાં ને પોપૈયા નો સંભારો ખાઈ લેવો.
સોલા રોડ ઉમિયા ગાંઠિયા પાસે પોપૈયાં નો સંભારો નહોતો ને અંકુર શ્રધ્ધા દીપ પાસે લક્ષ્મી કે જોધપુર ગાંઠિયા માં કાં તો એ સંભારો જ હોય કાં કઢી. ત્યાં હવે જવાનું નથી.
અંકલ સેમ પીઝા માં સલાડ ખાઈ પેટ ભરો પછી પાંચ અલગ ટુકડાઓ ખાઓ. પણ આવે મઝા. એ ગરમ હોય એટલે નોન વાસી હોય એમ માનવું નહિ.
ગીતા સમોસા હમણાં જ ઘેર બોપલના એક ગ્રુપની મીટીંગ હતી તેમાં લાવેલો. ક્રિસ્પી અને મસાલો પૂરો ભરેલાં, સારી રીતે તળેલાં. મારાથી ક્યાંય મોટા વયસ્કો એ મીટીંગ માં હતા. કોઈ માંદું પડ્યું નથી. બાજુમાં રોકડીયા ભજીયા નાં ટમેટાં ના ભજીયા સરસ છે. બધાં સ્વાદમાં સારા પણ લોટ કે તેલ જે હોય, ખાધાં પછી મને નડેલાં. કદાચ તેલ સામાન્ય હોજરીને સદે એવું નહિ હોય. રાયડો કે એવું હશે? ખબર નથી. પેટ સાઉન્ડ હોય તેઓ ખાઈ શકે. સ્વાદ ખૂબ સરસ.
એક સેલ્સ ઇન્ડીયા બહાર લારી ઊભે છે તેનાં કુંભણીયાં ભજિયાં એટલે કાંદા બટેટાં ની પાતળી છીણ લોટમાં બોળી તળેલાં. સારાં હતાં.
ઇસ્કોન પ્લેટિના પાસે મારૂતીનંદન કાઠિયાવાડી છે. મને ઓવર પ્રાઈસ લાગી. પણ રોટલો, વઘારેલૉ રોટલો, સેવ ટમેટાં વગેરે સારું હતું. સામાન્ય પ્રાઈસ માં તો મમતા હોસ્પિટલ નીચે જલારામ પરોઠા. સાદા રોટલી શાક દાળ ઘેર કોઈ ન હોય ત્યારે બે ચાર દિવસ હાલી જાય. એવી જ નવી ઠાકર થાળ બોપલ ગામ brts સામે. નામ ઠાકર થાળ છે પણ ઘરેલુ જમવાનું 150 માં થાળી. એક વાર અદાણી ગેસ બંધ થતાં એની ફૂલકા રોટલી લાવેલો. સારી હતી. સાદા લોકો જમતા હતા.
ટાઈમ્સ અને બધાએ ખૂબ વખાનેલી સાંબર કાફે સાથે મારા ગ્રહ નથી મળ્યા. એક વાર સાંબાર માં ધમધમતો ડુંગળીનો વઘાર બીજી વાર ખૂબ આંબલી એક વાર ફ્રાઇડ ઈડલી ખાટી. ત્રણેય વખતે મોડી રાતે ઊલટીઓ થયેલી. પણ મને ન ફાવે એટલે બીજાએ ન જવું એમ નહિ.
સાઉથ ઇન્ડિયન એટલે ખૂબ આંબલી કે તીખું કે છૂટથી ડુંગળી સરગવો હોય એવું નથી. મેં બેંગલોર માં આશા ટિફિન અને ઉડુપી આતિથ્ય ની થાળીઓ ખાધી છે. યે દિલ માગે મોર થાય એવી. મહિના પછી ખાતો હોઈશ. સામે સંકલ્પ બોપલ, વકીલ બ્રિજ સામે. સંબાર અને તુરની જાડી દાળ વચ્ચે કોઈ ફરક નહીં. સ્પ્રિંગ ઢોંસા ઉપર ચીઝ ખમણી નાખે એ ડીપ ફ્રીઝ માંથી હોય એટલે કોલ્ડ કોફી ની જેમ કોલ્ડ સ્પ્રિંગ ઢોસો રૂ. 350 માં ખાવાનો. એના કહેવા મુજબ આમાં ચીઝ તો જોઈએ અને ચીઝ ઠંડું હોય એટલે સ્પ્રિંગ ઢોસો ઠંડો હોય. ઇતિ સિધ્યમ. !
સોબો સેન્ટર માં ફરતાં જ જલેબીની સુગંધ આવે. એ જલેબી પહેલાં સરસ બનતી. ક્રિસ્પ અને રસ ઝરતી. પણ હમણાં કારીગર કે ઘી બદલાયું હશે. પતન શરૂ છે. ત્યાં જ ઉપર ઈડલી વિડલી શ્રીમતી ની ફેવરિટ જગ્યા. ઠીક લાગી. ત્યાં જ જય ભવાની ના વડાપાઉં સારા હતા જે ઘણું જગ્યાએ એ ફ્રેંચાઈઝ નામ હોઈ બકવાસ હોય છે.
તો આ મારી ફૂડ યાત્રા. તમને ગમે તો એ જગ્યાઓ વિઝિટ કરો અને મારી લેખક તરીકે નવી શ્રેણી ફૂડ બ્લોગ સ્વીકારો.
આ કોઈ authentic બ્લોગ પોસ્ટ નથી. મારી સ્વયમ સ્ફુરણા વાળી લેખની છે
સુનીલ અંજારીયા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED