હશે બનવા કાળ બની ગયું Kaushik Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હશે બનવા કાળ બની ગયું

"હશે બનવા કાળ બની ગયું"


"મિત્ર,આ રીતે તું કેવી રીતે જીવીશ? બે બાળકોને એકલા હાથે ઉછેરવા બહુ અઘરું છે." મિત્ર લાલજીભાઈ બોલ્યા.

"દોસ્ત, નસીબમાં જે હતું એ બની ગયું.કુદરત પાસે આપણું કશું ચાલતું નથી. તમારા જેવા મિત્રો હોય તો મારે ચિંતા કરવાની ના હોય. ને મારા બે બાળકોની જવાબદારી ઉપાડવા માટે હું સક્ષમ છું. હા.. જાણું છું કે બાળકો નાના છે છતાં સમજુ છે.મારી પરિસ્થિતિ સમજી શકે છે. બંને પોતાનું કામ જોતે કરે છે.જરૂર પડે મદદ કરું છું.અને રસોઈ માટે રસોઈ બનાવવા વાળા બહેન આવે છે.બે ટાઈમની રસોઈ બનાવી આપે છે." વૃજલાલ બોલ્યા.

લાલજીભાઈ:-" છતાં પણ વૃજલાલ ભાઈ આમ તમારી જીંદગી ઘસાઈ જશે. બાળકોની સારી દેખરેખ માટે પણ એક માતાની જરૂર હોય છે. પાછું આખો દિવસ તો આપણે ઓફિસમાં હોઈએ છીએ તો તારા બાળકોને એકલતા લાગશે નહીં? એમને માતાનો પ્રેમ તો મળતો નથી."

વૃજલાલ:-" તારી વાત થોડી ઘણી સાચી છે પણ મારે છુટકો જ નથી.બાળકોને માતા અને પિતાનો પ્રેમ આપું છું. આ મારી મોટી સ્નેહા અત્યારે છઠ્ઠામાં છે અને હરેશ ચોથામાં છે. પોતાની રીતે અભ્યાસ કરે છે. હું અવારનવાર એમની અભ્યાસની પ્રગતિનું ધ્યાન રાખું છું."

લાલજીભાઈ:-" મને ખબર છે કે ભાભીજીની દવાઓમાં તું ઘસાઈ ગયો હતો.આર્થિક તંગી હતી છતાં તું મિત્રો પાસેથી માંગતા શરમાતો હતો.અમે કાંઈ પારકા નહોતાં.આતો મને પછી ખબર પડી કે તેં દાગીના ગીરો મુકીને વ્યાજે રૂપિયા લીધા હતા.એ વખતે જ મેં તને કહ્યું હતું કે દોસ્ત માટે રૂપિયા કરતા દોસ્તી મહત્વની છે. તારી સ્થિતિ એ વખતે ના કહેવાય ના સહેવાય એવી થઈ હતી. એતો સારું હતું કે મારી લીલાએ મને કહ્યું હતું.લીલા ભાભીજીને મળી હતી ત્યારે તારી સાચી સ્થિતિની સમજણ પડી હતી. આટ આટલું દુઃખ વેઠીને તેં દિલથી સેવા કરી હતી પણ ઈશ્વરની મરજી આગળ આપણું કશું ચાલવાનું નથી."

વૃજલાલ:-" હશે બનવા કાળ બની ગયું.ઈશ્વરની મરજી હશે. મારાથી મારી સ્થિતિ વિશે કહેવાય એવું નહોતું.પણ ખરા સમયે તારી મદદ મળી ગઈ હતી.એટલે તો સારી દવાઓ તેમજ સારા ડોક્ટરની ટ્રીટમેન્ટ કરાવી હતી.એ વખતે લીલા ભાભીએ મારા સંતાનોને સાચવી લીધા હતા.એ ઉપકાર હું ભૂલી શકું એમ નથી. એક પુરુષ માણસ પોતાના દુઃખ કોને કહે?"

લાલજીભાઈ:-" આપણે પુરુષ છીએ એટલે આપણું દુઃખ ધર્મ પત્ની સિવાય કોઈને કહી શકતા નથી. પણ ભાભીજીને અસાધ્ય બિમારી હતી એટલે તું કોને કહે? તું મને તારો ભાઈ માનજે.લીલાએ તને ધરમનો ભાઈ બનાવ્યો છે તો કોઈ તકલીફ પડે તો કહી દેવાનું.આજ પછી તને કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો કહેજે."

વૃજલાલ:-" હા..મારા ભાઈ.તારી વાત ધ્યાનમાં રાખી છે. તેં જ મારા દાગીનાઓ છોડાવ્યા હતા.એ ઉપકાર પણ મારા પર છે. હવે જે બની ગયું એ ભૂલાય એવું નહોતું છતાં પણ સંતાનોનું સારું ભવિષ્ય જોવા માટે પણ મહેનત કરીને ઉછેરવા પડશે."

લાલજીભાઈ:-" સારું.. સારું.. આમેય તું નિઃસ્વાર્થી જીવ છે. પણ જતાં જતાં તને સલાહ આપવા માગું છું."

વૃજલાલ:-" હા..બોલ. તું શું સલાહ આપવા માંગે છે?"

લાલજીભાઈ:-" તું ફરીથી લગ્ન કરી નાખ. તારું પણ સચવાશે અને બાળકોને માતાનો પ્રેમ મળશે.છતાં પણ માતા એટલે માતા. સ્રી વગર ઘર અધૂરું છે.અત્યારે તને ખબર નહીં પડે પણ વૃદ્ધાવસ્થામાં એકલા પડી જવાય."

વૃજલાલ:-" હજુ એ વિશે વિચાર્યું નથી. હમણાં તો અત્યારનું વિચારવાનું હોય. ભવિષ્યમાં શું થવાનું છે એ કોને ખબર?"

આટલી વાતચીત પછી બંને મિત્રો છુટા પડ્યા.
વૃજલાલ પોતાના સંતાનોને સ્નેહ સાથે મોટા કર્યા.
જાતે કષ્ટો વેઠ્યા.પોતાના મોજશોખ છોડી દીધા.સંતાનોની બધી જરૂરિયાતો પુરી કરતા હતા.

એ ગાળામાં વૃજલાલની સાળી વિધવા બની.
વૃજલાલ દિલાસો આપવા ગયા હતા.
હવે વૃજલાલની સાળી વૃજલાલના ઘરે આવતી બંધ થઈ ગઈ.
વૃજલાલે એક વખત પુછ્યુ હતું પણ એની સાળીએ કહ્યું કે જે ઘરમાં સ્રી ના હોય એ ઘરમાં વિધવા સ્ત્રી એકલી જઈ શકે નહીં.
સમાજ શું કહેશે? તમે તો ઠીક પુરુષ છો.તમને કોઈ ના કહે પણ વિધવા સ્ત્રી વિશે વાતો કરે.અને બદનામ કરે.

વૃજલાલના મિત્ર લાલજીભાઈએ ઘણી વખત કહ્યું કે તારી સાળી સાથે પરણી જા. પણ વૃજલાલનું મન માનતું નહોતું.

સમય જતાં વાર લાગતી નથી.
બંને સંતાનો ગ્રેજ્યુએટ થયા.અને પરણાવવા જેવા થયા.
સ્નેહા એ પોતાની પસંદગીનો યુવાન પસંદ કર્યો.
પિતા વૃજલાલની સંમતિ પછી સ્નેહાએ સાદગીથી લગ્ન કર્યા.

સ્નેહાને સારો સાથી મળી ગયો એ જોઈને વૃજલાલ ખુશ થયા હતા.

હરેશને સરકારી નોકરી મળી જતા એને દૂર શહેરમાં જવું પડ્યું હતું.

વૃજલાલ હવે પોતાના ઘરમાં એકલો પડી ગયો હતો.
એ જુની યાદોના સહારે જીવતો હતો. સ્નેહા અને જમાઈ અવારનવાર ખબર કાઢી જતા હતા.
નિવૃત્તિ પછી કોઈક વખત વૃજલાલ હરેશની સાથે રહેવા જતા હતા.પણ હરેશ ઓફિસે જાય એટલે પાછા વૃજલાલ એકલા. એમને ગમતું નહોતું.

એક દિવસ જ્ઞાતિની સારા કહેવાતા કુટુંબની એક છોકરી શોધી કાઢી.
હરેશની સંમતિથી ધામધૂમથી લગ્ન કર્યા.

બે વર્ષ પછી હરેશની ટ્રાન્સફર અમદાવાદ શહેરમાં થઈ. જે શહેરમાં વૃજલાલ રહેતો હતો.
થોડા દિવસ તો સારા ગયા. વૃજલાલ પણ ખુશ રહેતો હતો.

પણ એક ખરાબ ઘડી આવી.હરેશે વૃજલાલને લાગણીશીલ બનીને ફોસલાવીને ઘર પોતાના નામે કરી દીધું.

લાલજીભાઈને આ વાતની ખબર પડી.
લાલજીભાઈએ ઘણું સમજાવ્યું હતું કે જીવતા જીવ લખી ના આપ.
ત્યારે વૃજલાલે કહ્યું કે હવે મારે કેટલું જીવવાનું? મારા પછી બધું તો હરેશનું જ છે.જીવતા જીવ એના નામે કરી દીધું જેથી એને પછી કોઈ તકલીફ ના થાય.

લાલજીભાઈ સમજી ગયા કે હરેશે પિતાની ભલમનસાઈનો ગેર ફાયદો ઉઠાવ્યો છે.
લાલજીભાઈ એ વૃજલાલને એકાંતમાં બોલાવીને સમજાવવા કોશિશ કરી.જો ભાભીજી જીવતા હોત તો આ સ્થિતિ ના થતી. માતા ગમે તેટલી લાગણીશીલ હોય પણ પોતાનું અને સંતાનનું ભલું ઈચ્છે છે.

એકાદ વર્ષ તો વૃજલાલને હરેશ અને એની પત્ની સારી રીતે રાખતા હતા.

પણ એક દિવસ તહેવારના બે દિવસ પહેલા હરેશે વૃજલાલને ઘરની બહાર કાઢી મુક્યા.

હરેશ બોલ્યો કે પિતાજી અમને તમારી સાથે ફાવતું નથી.તમે જુનવાણી છો. તેમજ આખો દિવસ ઘરમાં રહો છો એટલે મારી પત્નીને સ્વતંત્રતા મળતી નથી.એની સખીઓમાં હાંસી પાત્ર બને છે.

વૃજલાલ એ પોતાના બે જોડી કપડાં લીધા.અને પોતાની નાની હેન્ડબેગમાં મુકીને ઘરમાંથી બહાર નીકળી ગયા.
વૃજલાલ ઉદાસ બનીને નજીકમાં આવેલી ચા ની લારી પાસે ગયા.
ચા નો ઓર્ડર આપીને બેઠા.
વિચારવા લાગ્યા કે હવે જવું ક્યાં? ઘરડાઘર કે સ્નેહાના ઘરે કે લાલજીભાઈના ઘરે?

એટલામાં લાલજીભાઈ ત્યાંથી પસાર થતા હતા એમણે વૃજલાલને જોયા.
વૃજલાલ પાસે બેગ જોતા સમજી ગયા.
છતાં પુછ્યુ કે દોસ્ત ક્યાં જવા ઉપડ્યા?
આખરે વૃજલાલે બધી વાતો લાલજીભાઈને કહી.
લાલજીભાઈ આ સાંભળીને ગુસ્સે થયા.
બોલ્યા કે મેં તને ઘણો સમજાવ્યો હતો છતાં પણ પુત્ર પ્રેમ જીતી ગયો.હવે રસ્તા પર કાઢી મુક્યા.ચાલ હું હરેશને સમજાવવા આવું.

લાલજીભાઈ હરેશના ઘરે ગયા. હરેશને સમજાવવા કોશિશ કરી. પણ હરેશ માન્યો નહીં અને ઘરડાઘરમાં દાખલ થવા કહ્યું. તેમજ લાલજીભાઈને પોતાના ઘરની બાબતમાં માથું મારવું નહીં એમ કહ્યું.

લાલજીભાઈ વૃજલાલને પોતાના ઘરે લઈ ગયા.
લાલજીભાઈએ સ્નેહાનો સંપર્ક સાધી ને આખી વાત કહેતા સ્નેહા એના પતિ સાથે વૃજલાલને લેવા આવ્યા.

સ્નેહા અને હરેશ વચ્ચે મોટો ઝઘડો થયો.પણ હરેશ માન્યો નહીં.સ્નેહા અને એના પતિને ગેટ આઉટ કરી દીધા.

સ્નેહાના પતિએ વૃજલાલને સમજાવ્યા કે તેઓ એમની સાથે રહેવા આવી જાવ. તમે મારા પિતાજી છો. ઘરમાં અમે બંને અને મુન્નો છે.મુન્નાને પણ દાદાજીની હૂંફ મળશે.

વૃજલાલ જવા તૈયાર થયા નહિ.
આખરે લાલજીભાઈએ વૃજલાલને સમજાવ્યા કે આવો સારો જમાઈ છે.દિકરી પણ ડાહી છે. તો એમની સાથે રહેશો તો એમને પણ સારું લાગશે.બાકી મારું ઘર તો છે જ. તમારી મરજી થાય ત્યારે મારા ઘરે આવી શકો છો. એક ભાઈના પ્રેમને હું ભૂલી શકતો નથી.

આખરે વૃજલાલ માની ગયા.
સ્નેહાના ઘરે જવાના રવાના થયા.
- કૌશિક દવે