Sweet shade books and stories free download online pdf in Gujarati

મીઠી છાંયડી





આરવનો કોલેજ માં પહેલો દિવસ હતો. એ થોડો અંતર્મુખી હતો. એ પહેલેથી એવો નહોતો પણ એક બનાવથી એની અંદર બદલાવ આવી ગયો હતો.
આરવને નાનપણથી જ સામે રહેતી આરતી ખૂબ ગમતી હતી. આરતી હતી પણ એવી જ દરેક વાતે હોશિયાર અને બોલકી પણ બહુ જ. આરવ અને આરતી બીજા દોસ્તો સાથે રમતાં હોય ને આરતી નો દાવ આવે તો આરવ કહેતો " આરતી, તું રહેવા દે હું આપી દઈશ તારો દાવ " આરતી ને તો ખૂબ ગમતું . બધા મિત્રો ને નવાઈ લાગતી કે પોતાના દાવ માટે લડતો આરવ આરતીનો દાવ અપાવવા તૈયાર કેમનો થાય છે ?!
આરવની એ નાનપણની ચાહત દિવસે દિવસે વધતી જતી હતી. એમ કરતાં કરતાં બંને અગિયારમા ધોરણમાં આવી ગયા. આરતી આરવની એવી લાગણી વિશે બિલકુલ અજાણ હતી. બંને સાથે સ્કૂલમાં જતાં. એક જ એકટીવા પર પાછળ આરતી ને બેસાડી જતો આરવ મનોમન ખૂબ સપના જોતો.
આ જ તો ઉંમર હોય છે સપના જોવાની, પ્રેમમાં પડવાની , જેણે આ ઉંમર ને ના માણી હોય , એની મુગ્ધતાને ના માણી હોય એનું જીવતર અધૂરું પણ જ્યારે પ્રેમનો એકરાર ના થાય તો એ અઘરું. પ્રેમ મનમાં ને મનમાં ખૂબ ઊંડે ઘર કરી જાય એ અઘરું.
આરતી આરવ બારમા ધોરણમાં આવ્યાં. આરતી ને એક તરવરિયો યુવક ને સ્કૂલ નો GS એવો નિપુણ ગમી ગયો. નિપુણ ખૂબ જ હોંશિયાર અને દેખાવ માં મોહક હતો એનું સ્માઈલ જાણે આરતીને ભીતરથી હલબલાવી દેતું. એક ઈન્ટરસ્કૂલ કોમ્પીટીશન માટેનાં એક નાટકમાં બંને એ ભાગ લીધો હતો, એમાં જ પ્રેમ ના અંકુર ફૂટ્યા. આરતી હવે આરવ સાથે ઘરે નો'તી જતી.રોજ નિપુણ મૂકી જતો હતો. એક જ જ્ઞાતિ ના હોવાથી વડીલ વર્ગની સંમતિથી બારમાની પરીક્ષા પછી બંને ની સગાઈ થઈ ગઈ. બિચારો આરવ ! તે રાતે બહુ જ રડ્યો એને પોતાની જાત પર જ ગુસ્સો આવતો હતો. કાશ !હું લાબું વિચાર્યા વગર આરતીને પ્રપોઝ કરી દેત. બસ એ દિવસથી આરવ નો સ્વભાવ બદલાઈ ગયો. એ શાંત શાંત અને અંતર્મુખી બની ગયો. એના ભાભી ઘણીવાર પૂછતાં અને મજાક પણ કરતા, " આરવભાઈ નાં સુખચેન કોઈ છોકરીએ લઈ લીધાં લાગે છે. જે હોય એ કહેજો હું મનાવીશ ઘરમાં બધાં ને" આરવ ફિક્કું હસીને કહેતો, "એટલો નસીબદાર નથી ભાભી તમારો દિયર"
આમ ને આમ ગ્રેજ્યુએશન પણ પૂરું થયું. આરતીનાં લગ્ન લેવાયાં. એની ખુશી સમાતી નહોતી.દોડતી આરવ પાસે આવીને બોલી, "તારે સૌથી પહેલાં આવવાનું છે આરવ , હું તારી સાથે સંગીત ફંકશનમાં એક ડાન્સ કરવા માગું છું ." આરવ દિગ્મૂઢ શો ઉભો રહી ગયો આંખો ભરાઈ ગઈ.આરતી ખડખડાટ હસતાં બોલી , " ભાભી આ જુઓ મિસ્ટર સેન્ટિ. આંખ ભરી દીધી પાગલે , એને સમજાવો હું ક્યાંય દૂર નથી જતી.બાજુની ગલીમાં તો છું એ બૂમ મારશે તો આવી જઈશ." પછી આરવને પાણી આપી ખિલખિલાતી નીકળી ગઈ.
આરતીના સંગીત માટે ડાન્સ ની તૈયારીમાં આરવ લાગી ગયો મોઢું હસતું અને દિલ રડતું ! સંગીતનાં દિવસે ડાન્સ પૂરો થયો કે એ ઘરે પહોંચી ગયો અને બાથરૂમ માં જઈ ચોધાર આંસુએ રડ્યો. આરતીનાં લગ્ન સુધી તો કેમ રોકાઈશ એમ વિચારતો હતો ત્યાં જ કુરિયર આવ્યું એને જોબ માટે અરજી કરી હતી એનો ઓફર લેટર! એને ઇન્ટરવ્યૂ માટે આરતીના લગ્નના દિવસે જ મુંબઇ જવાનું થયું. એણે મનોમન પ્રભુનો પાડ માન્યો. એ સુરત છોડી મુંબઈ જ જોબ માટે સેટ થઈ ગયો. ઘણાં માંગા આવતા હતાં એને માટે પણ એ ના ની ના જ કહેતો રહેતો. ઘરનાં લોકોએ પણ હારીને હથિયાર હેઠાં મૂકી દીધાં હતાં.
આમ ને આમ વર્ષો વીતતાં ગયાં. શરૂ શરૂ માં આવતા આરતીના ફોનકોલ્સ બંધ થઈ ગયાં એ એની ગૃહસ્થીમાં પરોવાઈ ગઈ હતી.
આરતીને એક દીકરો હતો એ ડૉક્ટર બન્યો, લગ્ન કરી સ્થાયી થયો.જ્યાં સુધી નિપુણ રહ્યા ત્યાં સુધી આરતી સાથે સારો વ્યવહાર રાખતા દીકરા વહુએ આરતી ને વૃદ્ધાશ્રમમાં જવા મજબૂર કરી દીધી.
આરતી છેલ્લા 2 વર્ષથી વૃદ્ધાશ્રમમાં રહેતી હતી પરંતુ કોઈ દિવસ એના દીકરા વહુ એ પાછા ફરીને જોયું નહોતું. એક દિવસ આરવ મુંબઈથી પોતાની માતાની તિથિ પર સુરતનાં વૃદ્ધાશ્રમમાં દાન આપવા આવ્યો. આરવે ટ્રસ્ટીઓને ગાર્ડન એરિયાનાં ડેવલપમેન્ટ માટે કંઈ કરવાની તૈયારી બતાવી અને એ એરિયા જોવા જવા કહ્યું . ટ્રસ્ટી સાથે એ ગાર્ડન એરિયામાં એન્ટર થતાં જ એની નજર બાંકડે બેઠેલી એક જાજરમાન વ્યક્તિત્વ ધરાવતી વૃદ્ધા પર પડી ગોલ્ડન ફ્રેમનાં ચશ્મામાં એનો ગૌર ચહેરો શોભતો હતો. એને એ ચહેરો જાણીતો લાગ્યો એણે ટ્રસ્ટીને એ વૃદ્ધા વિશે માહિતી આપવા કહ્યું . ટ્રસ્ટી એ જણાવ્યું એ આરતી શર્મા છે અને શી રીતે અહીં આવી એ બધું જ જણાવ્યું. આરવ તો આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો આંખના અશ્રુઓ ને ચશ્માં લૂછવાનાં બહાને બહાર જઇ લૂછી આવ્યો. એણે આરતી ને મળવાની ઈચ્છા વ્યક્ત કરી ટ્રસ્ટીની મંજૂરીથી એ આરતીને મળવા ગયો.
એ સ્વેટર ગૂંથતી ગૂંથતી ઝાડની છાયા શોધતી હતી. આરવ સામે જઈ ઉભો રહી ગયો અને પૂછ્યું , "આરતી કેમ છે તું?" આરતી ચોંકી અને ઉપર જોયું તો જોતી જ રહી ગઈ આંખોમાં આંસુઓની ધાર બંધાઈ ગઈ પછી એકદમ આરવ ને ભેટી પડી ને ધ્રુસકે ધ્રુસકે રડી પડી . રડતી રહી...રડતી રહી..આરવ એનાં માથે હેતભર્યો હાથ પસવારતો રહ્યો.થોડી ક્ષણોમાં એનું મન ખાલી થઈ ગયું. એણે આરવ ને એના ફેમિલી વિશે પૂછ્યું આરવે ભાઈનાં ફેમિલી વિશે જણાવ્યું અને હસતા કહ્યું ," હું તો એકલો મારે ફક્કડરામ ". પછી આરતી સાથે બાંકડે બેઠો અને આરતીનો હાથ હાથમાં લઈ બોલ્યો , " આરતી જે વાત હું આજથી 30 વર્ષ પહેલાં નહોતો કહી શક્યો એ આજે કહેવા માંગું છું આઈ હોપ તું પોઝિટિવ રીપ્લાય આપીશ. "હવે એ સમજી ગઈ આરવ નાં એકલા રહેવાનું અને અચાનક મુંબઇ શિફ્ટ નું કારણ. તો પણ આજે એ આરવ પાસે બધું જ સાંભળવા માંગતી હતી.એને સૌમ્ય સ્વરે કહ્યું, " બોલ, આરવ શું કહેવું છે તારે ?" આરવે બસ પૂછ્યું , " આરતી, વિલ યુ મેરિ મી ? " આરતી ફરી ચોધાર આંસુએ રડી પડી ફક્ત એટલું જ બોલી શકી, "આરવ તું મારે માટે આ ઉંમરે મીઠી છાંયડી બનીને મળ્યો છે હું તને કઈ રીતે ફરી ખોઈ શકું ચાલ, તારા ઘર ને ઘર બનાવું , કદાચ મારા ગયા જન્મનું ફળ છે તું, નહિ તો કોણ આટલો પ્રેમ કરે !"
આરવે આરતીને બાહુઓમાં ભરી લીધી .

કુંતલ ભટ્ટ "કુલ"
સુરત

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED