Anokhu bandhan books and stories free download online pdf in Gujarati

અનોખું બંધન


*અનોખું બંધન*

આજે કંઈ અલગ જ દિવસ હતો શ્યામા કાકી માટે! થયું એવું કે એમણે વર્ષોથી છુપાવી રાખેલું સત્ય બહાર આવ્યું અને સાથે અઢળક ખુશી લાવ્યું!
શ્યામા કાકી પોતાનાં એકનાં એક દીકરા આકાશ સાથે એકલાં રહેતાં હતાં. કાકા તો ભરજુવાનીએ જ કાકીને એકલાં મૂકી મોટાં ગામતરે ચાલી નીકળ્યાં હતાં. એકલાં એ જ માતા- પિતાનો પ્રેમ આપી આકાશ ને ઉછેર્યો હતો.આકાશની દરેક ઈચ્છાઓ એ બોલ્યાં વગર પણ સમજી જતાં ને પુરી કરી દેતા હતાં.
આકાશનું ભણતર પૂરું થયું અને એક કમ્પનીમાં સારી પોસ્ટ પર નોકરી મળી.સાથે જ કામ કરતી ધરા એને ગમી ગઈ હતી.એને એમ થતું કે મમ્મીને કઈ રીતે કહીશ?ધરા જુદી કાસ્ટની છે એને મારી રૂઢિચુસ્ત મમ્મી સ્વીકારશે ખરી?પણ એક દિવસ આકાશ નહાવા ગયો ને ધરાનો કૉલ આવ્યો અને શ્યામા કાકીએ જ ઉઠાવ્યો.પછી તો કાકીએ એક ને એક બે કરી તાળો મેળવી જ લીધો ને આકાશ પાસે કબૂલ કરાવ્યું જ!પછી બોલ્યા,"બેટા, તારી ખુશીમાં જ હું ખુશ હોઉં એટલું નથી સમજી શક્યો તું?આપણે કાલે જ ધરાને ઘરે જઈ વાત કરી આવીએ." આમ,ધરા સાથે આકાશનાં લગ્ન થયાં.
શ્યામાકાકી હવેલીવાળા પ્યોર વૈષ્ણવ અને ધરા અઠવાડિયે 2 વાર નોનવેજ ખાવાવાળી!થોડો ટાઈમ તો આકાશ સાથે બહાર જતી ત્યારે જ ખાઈ લેતી પરંતું એકવખત એવું થયું કે આકાશ ઑફિસ નાં કામે 2 દિવસ આઉટસીટી ગયો હતો.ધરાને એમ કે મમ્મી તો રાતે વહેલાં સૂઈ જાય છે તો હું મોડા અકટીવાની ડીકીમાંથી નોનવેજ ડિશ લઈ આવીને ખાઈ લઈશ.એ આઠ વાગ્યાની એ નોનવેજનું પાર્સલ લઈ આવી હતી.તે દિવસે નવ વાગ્યે સૂતાં શ્યામા કાકી દસ વાગ્યા તો પણ રૂમમાં જવાનું નામ જ નહોતાં લેતાં! ધરાનો જીવ ઉંચો-નીચો થતો હતો.ત્યાં જ શ્યામાકાકી બોલ્યાં,"ચાલ,વહુ બેટા હું સુવા જાઉં,કોણ જાણે કેમ આજે તો દસ વાગ્યાં પણ ઉંઘ જ નથી આવતી!આકાશનાં પપ્પાના વિચારોએ ઘેરો ઘાલ્યો છે ." ધરા તો સાસુમા ની સુવાની વાત સાંભળી જ ઝૂમી ઉઠી પાછળનું વાક્ય તો સાંભળ્યું પણ નહીં અને બોલી ઉઠી,"ગુડ નાઈટ મમ્મી, જય શ્રીકૃષ્ણ." સાસુમા અંદર ગયાં કે થોડીવારમાં જ એ ડીકીમાંથી ભાવતું ભોજન લઈ પોતાનાં રૂમ માં ભરાઈ ગઈ,સંતોષથી ખાધું અને પોલિથીનમાં પેક કરી ડસ્ટબીનમાં નાંખી આવી.

હવે,થયું એવું કે સવારે શ્યામાકાકી રોજ કરતાં વહેલાં ઉઠ્યાં એમને થયું આજે કામવાળી આવવાની નથી તો લાવ કચરો કાઢી લઉં, ધરાને એટલું ઓછું.એમણે ઝાડુ લગાવ્યું ને જેવો કચરો ડસ્ટબીન માં નાંખવા ગયાં કે ચોંકી ગયાં!એમને થયું કે ધર્મભ્રષ્ટ, ધરાને ના કહેવા છતાં એ નોનવેજ ખાય છે ! આવું તો એ કેટલીવાર કરતી હશે?!એ તો ન્હાઈ - ધોઈ પૂજારૂમ માં ગયા અને લાલજી(બાળ કૃષ્ણની મૂર્તિ) પાસે ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા.
તે દિવસે એમણે ધરાને કહ્યું, "હું આજે જમવાની નથી".સાંજે ચા બનાવવા પણ શ્યામાકાકી ના ઉઠ્યાં.ધરા ને નવાઈ લાગી ,"મમ્મીને થયું છે શું?"એ તો ગઈ એમની પાસે અને પૂછ્યું,"મમ્મી ડૉ. અંકલ ને બોલાવું?આર યુ ઓલ રાઈટ ના?" શ્યામાકાકીએ "ના જરૂર નથી"એમ ટૂંકો જવાબ આપી વાત ટૂંકાવી.
સાંજ પડી ને આકાશ આવ્યો,શ્યામાકાકીએ પરાણે સ્મિત લાવી એને આવકાર્યો.એ રાત્રે ધરા ને આકાશ બહાર જમવા જવાનાં હતાં એટલે શ્યામાકાકીએ ખીચડી મૂકી જમી લીધું.આજે એમનું મન ક્યાંય લાગતું નહોતું,રહી રહી ને ડસ્ટબીન માં જોયેલું યાદ આવતું હતું.રાત્રે મોડા આકાશ-ધરા આવ્યાં.શ્યામાકાકીએ ધીમેથી આકાશને પોતાના રૂમમાં બોલાવ્યો.આકાશ ને ડસ્ટબીનમાં જોયેલી વસ્તુની વાત કરી.આકાશ પણ એક પળ તો મનમાં સમસમી ગયો પણ મમ્મી ને સમજાવતાં બોલ્યો,"મમ્મી,એ થોડી નાદાન છે હું સમજાવીશ તું ચિંતા ના કર." પછી સીધો બેડરૂમ માં ગયો ,ધરાને પૂછયું ,"ધરા તું ઘરમાં નોનવેજ લાવી હતી?" ધરાએ બેફિકરે સ્વરે આકાશને ગળે હાથ વિંટાળતા જવાબ આપ્યો,"હા બકા તું નહોતો તો કોણ લઈ જાય મને?પણ આપણાં રૂમ માં જ ખાધું હતું"પછી એકાએક ચોંકતા તરત જ બોલી,"પણ..ઑયે ઑયે તને કહ્યું કોણે!?"આકાશ થોડો ગુસ્સે થઈ બોલ્યો,"તારાથી બે દિવસ પણ ના થોભાયું?મમ્મી એ જોઈ લીધું, એમનો ધર્મભ્રષ્ટ થયો એમ સમજી એ કેટલો જીવ બાળે છે.ધરા તારે સમજવું જોઈએ તું વૈષ્ણવ ના ઘરમાં છે."આ સાંભળી ધરા ડબલ જોરથી તાડુકી,"જો આકાશ,મેં તને પહેલાં જ કહ્યું'તું હું મારી રહેણી કરણી થોડી ઘણી એડજસ્ટ કરીશ પણ ફૂડ મને મારું ભાવતું જ જોઈશે અને તે મંજુર કરી હતી એ વાત.મને ખબર નહોતી તું આટલો માવડિયો છે નહીં તો ક્યારેય મેરેજ ના કરત." આકાશને થયું પાણી માથા ઉપરથી જઈ રહ્યું છે એટલે ચૂપચાપ સુવાનું બહેતર લાગ્યું.સવાર થઈ ત્યાં તો ધરા બેગ ભરીને તૈયાર!આકાશ ની આંખ ખુલીને જોયું તો ધરા રૂમનો દરવાજો ખોલી રહી હતી અને હાથમાં બેગ હતી.એ એકદમ દોડીને એની પાસે પહોંચ્યો અને બેગ લઈ લીધી અને રોકતાં બોલ્યો,"અરે ડાર્લિંગ! આમ ક્યાં અચાનક! એ કંઈ એટલી મોટી વાત નથી કે નથી મોટો ઝગડો કે આમ મને મૂકીને જતી રહે છે." ધરાનો ગુસ્સો આસમાને હતો બોલી,"તને ખબર હતીને તારી મા આટલી રૂઢિચુસ્ત છે તો શા માટે મને પરણ્યો? એના દાબમાં અને એની રીતે રહેવાનું મને નહીં ફાવે, કાં એ રહેશે કાં હું,વિચારી લે"નાક ફુલાવતાં, અદબવાળીને હુંકાર કરતી એ તો ઉભી રહી ગઈ.આકાશે એને સોફા પર બેસાડતાં કહ્યું,"તું ગુસ્સામાં છે એટલે આમ બોલે છે પરંતુ બોલ જોઉં એ આ ઉંમરે ક્યાં જશે?"ધરા વચ્ચે જ અટકાવતાં બોલી, "વૃદ્ધાશ્રમ"! આકાશ ચિલ્લાયો,"ધરા ...તું શું બોલે છે ભાન છે તને? મારાં હોવાં છતાં ,આટલો સંપન્ન દીકરો હોવા છતાં એક તારી મનમાની ના થઈ શકે માટે મમ્મીને વૃદ્ધાશ્રમમાં મુકું,શરમ કર શરમ!" આ બધી વાતો શ્યામાકાકીને બેડરૂમનું બારણું ખુલ્લું હોવાથી સંભળાઈ ગઈ.ધરા બોલી,"ઓકે તો ગુડબાય મિ. આકાશ હું જાઉં છું હું વેલ એજ્યુકેટેડ છું, મા-બાપને પણ ભારે ના પડું." જેવી ધરા બહાર આવી કે શ્યામાકાકીએ બેગ લઈ લીધી અને બોલ્યાં,"દીકરા,મને કાલ સુધીનો સમય આપ હું કોઈ એવો રસ્તો કાઢીશ કે ના મારા દીકરાનું નામ બગડે કે ના તને પરેશાની થાય." આકાશ બોલ્યો,"મમ્મી આ શું બોલે છે તું!?"શ્યામાકાકી એ શાંત રહેવા ઈશારો કર્યો.
બીજે દિવસે સવારે લાલજીની સેવા-પૂજા કરીને એક ડબ્બામાં ભર્યા અને પોતાની એક બેગ તૈયાર કરી શ્યામાકાકી તૈયાર થઈ ગયાં. આકાશને કહ્યું,"બેટા, મૂકી આવ મને વૃદ્ધાશ્રમ!મેં ત્યાંના ટ્રસ્ટી ને વાત કરી જણાવ્યું છે કે હું ત્યાં સેવા આપવા માંગુ છું અને આપણે ત્યાં તારા પપ્પા પાછળ ઘણું દાન આપીએ છીએ એટલે એ તો ખુશી ખુશી તૈયાર થઈ ગયા છે એટલે તારી ઈજ્જત પણ સચવાઈ રહેશે." શ્યામાકાકીનો ઈરાદો મક્કમ હતો.આકાશની આનાકાનીની કોઈ અસર ના થઈ. છેવટે આકાશ એમને વૃદ્ધાશ્રમ મુકી આવ્યો!

ભારે હૈયે ઘરે આવ્યો,"ધરા... ઓ...ધરા ક્યાં ગઈ?"એમ બૂમ પાડતો એ બેડરૂમ માં પહોંચ્યો ત્યાં ધરા રડતી હતી.હાથમાં એક કવર હતું એ જોઈને એ રડતી હતી.આકાશે પૂછ્યું," કેમ રડે છે? તારાં પિયરના કોઈ ખરાબ સમાચાર છે?"ધરા રડતાં રડતાં કવર આકાશના હાથમાં આપે છે.આકાશ કવરમાં રહેલ કાગળ વાંચે છે ને પગ તળેથી જમીન સરી જાય છે એ ફસડાઈ પડે છે ને નાનાં બાળકની જેમ રડી પડે છે.ધરા ધીમેથી આકાશ પાસે આવીને બોલે છે," ચલ,મમ્મીને લઈ આવીએ"બંને સ્વસ્થ થઈને વૃદ્ધાશ્રમ જવા નીકળે છે.

વૃદ્ધાશ્રમ માં શ્યામાકાકી પોતાના રૂમમાં લાલજીને બેસાડી ને હજી દીવા જ કરતાં હતાં કે બારણે ટકોરા પડ્યાં.બારણું ખોલ્યું તો સામે સંચાલક સાથે આકાશ અને ધરાને જોઈ વિસ્મય પામ્યા! ધરા અને આકાશ બંને દોડીને શ્યામાકાકીને પગે પડ્યાં ને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યાં. શ્યામા કાકીએ બંને ને ગળે લગાડયાં ને પૂછ્યું,"શું થયું કેમ અચાનક આમ ?!"આકાશ રડતો રડતો માંડ બોલ્યો,"મમ્મી કોઈ આટલું તે દત્તક પુત્ર માટે કરતું હશે?"ધરા બોલી,"માફ કરી દો મમ્મી,મારે કારણે તમારી આ દશા..."રડવામાં વાક્ય પૂરું પણ ના કરી શકી.આકાશ-ધરા બંને બોલ્યા,"ચાલો,આપણાં ઘરે અહીં નથી રહેવું."શ્યામાકાકી બોલ્યાં,"આકાશ તારી ખુશીમાં જ મારી ખુશી છે દીકરા!ચાલો,ધરા બેટા આપણે ઘરે."ધરા લાલજીને ઉઠાવવા જતી હતી પણ રોકાઈ ગઈ ત્યાં જ શ્યામાકાકી બોલ્યા,"આ લાલજી જેટલો મારો છે એટલો જ તારો પણ છે!" અને સહુ હસી-ખુશી ઘરે ગયાં.
આકાશ હવે દર વર્ષે શ્યામાકાકીએ જે દિવસે એને દત્તક લીધો હતો એ દિવસે જ્યાંથી લીધો હતો એ અનાથાશ્રમમાં માતબર રકમનું દાન આપે છે.ધરા હવે નોનવેજ છોડી સાસુમાને લાલજીની સેવા-પૂજામાં મદદ કરે છે.આકાશ અને ધરાના આવનારાં જીવતાં જાગતાં લાલજીની પણ તૈયારીઓ થઈ રહી છે!

કુંતલ ભટ્ટ "કુલ"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED