મિલી Kuntal Sanjay Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મિલી

*મિલી*
🎈🎈🎈
"મિલી....ઓ....મિલકી કાં ગઈ લી છોરી?" મિલી ફુગ્ગાવાળીની મા નો અવાજ આવ્યો. મિલી દોડતી મા પાસે આવી,માના હાથમાં 50 રૂપિયા આપ્યા.મા ખુશ, મિલી ખુશ!
મિલી એક નાનકડી રૂપાળી બાળકી,લઘરવઘર માથું ઓળીને જે મળે એ કપડાં પહેરીને સિગ્નલ પાસે ફુગ્ગા વેચવા જતી.એના મિલી નામ પાછળ એક જુદું જ કારણ છે.એ એના ભાઈ ને મળેલી ભીખી અને દલસુખની મોટી કરેલી દીકરી છે.
એક દિવસ રામલો કચરો ઠાલવવા કચરા પેટી પાસે ગયો ત્યાં જોયું તો સફેદ કપડે વીંટાયેલી ઢીંગલી ! એને ઊંચકીને જોયું તો આ તો સાચુકલી ઢીંગલી એ તો દોડ્યો ઘર તરફ ..એને બોલવાની થોડી તકલીફ એટલે પુરા વાક્યો નહોતો બોલી શકતો. દોડતો જાય ને બોલતો જાય, "મિલી...મિલી..." રામલા ની મા દોડતી બહાર આવી ને જોયું તો રામલાનાં હાથમાં રૂપકડી પરી જેવી નાની બાળકી આરામથી સૂતી હતી! ભીખીએ વિચાર્યું કે જે હોય એ મારે હવે આને પાળવી જ રહી.દલસુખ પણ નાની આ પરીને જોઈ ખુશ થઈ ગયો.
આમ,મિલી તો મોટી થઈ ગઈ.સવારે શાળાએ જાય ને પછી ફુગ્ગા વેચે.એને કુદરતી જ ગીતો બનાવવા ને ગાવા બહુ ગમતાં. ફુગ્ગા વેચતી જાય ને ગાતી જાય,"ફુગ્ગા વેચું હું ભાતભાતનાં,હસતાં, રોતાં, રંગરંગનાં... લઈ જાઓ આ રંગીન ફુગ્ગા બાળકો થાશે ખુશ તમારાં ...".
એક દિવસ મશહૂર લેખિકા શ્રેયા નિકમ એ સિગ્નલ આગળથી પસાર થઈ રહ્યા હતાં. એમની નજર આ મિલી પર પડી, એનો મીઠો અવાજ અને તાલબદ્ધ ગવાતું ગીત એમને આકર્ષતું હતું.તેઓ એ ઉભી હતી ત્યાં ગયાં ...અરે! આ શું?! આ તો જાણે મારું બાળપણ..એ જ આંખ,એ જ નાક,એવા જ ભૂખરાં વાળ!એક સેકન્ડ એમનું માથું ચકરાઈ ગયું એ તો બસ ડેપો પાસે જ ફસડાઈ પડ્યાં. મિલી ગભરાઈ ગઈ બોલી," મેમસાબ ક્યા હુઆ , પાની લાઉ ક્યા?"શ્રેયાને કઈ સૂઝતું નહોતું,એ એની લાઈફના રિવાઈન્ડિંગ મોડ પર જતી રહી...
શ્રેયા કૉલેજનાં પહેલાં વર્ષમાં જ શ્રીકાંતનાં સંપર્કમાં આવી હતી.શ્રીકાંત ખૂબ જ સરળ સ્વભાવ અને સ્ટાઈલિશ વ્યક્તિત્વનો માલિક હતો.શ્રેયા - શ્રીકાંતની જોડી કૉલેજમાં બહુ ચર્ચાઈ હતી.બન્ને ખૂબ નજીક આવી ગયાં હતાં. એમ કરતાં કૉલેજ નું છેલ્લું વર્ષ આવી ગયું. કૉલેજ ની 15 દિવસની શિમલા ટ્રીપ ગોઠવાઈ.શ્રેયા-શ્રીકાંત પણ ગયાં. ત્યાંના રમણીય વાતાવરણ અને ઈમોશન્સમાં આવીને બંને સમાજમાં સ્વીકૃતિ ન મળે એવી ભૂલ કરી બેઠા.15 દિવસ પૂરાં થયાં,સૌ પોતાની રોજીંદી જિંદગી જીવવા લાગ્યાં. કૉલેજનું સત્ર પૂરું થયું ,હવે શ્રેયાની ચિંતા વધતી જતી હતી.એણે શ્રીકાંત ને વાત કરી ." શ્રી,હું પ્રેગનન્ટ છું યાર હવે તું ઘરે આવ ને વાત કર ઘરમાં આપણે લગ્ન કરી લઈએ."શ્રીકાંત થોડી ચિંતામાં પડ્યો બોલ્યો," હું કયા હિસાબે તારો હાથ માંગી શકું ? હજી તો મારું પોસ્ટ ગ્રેજ્યુએશન બાકી, જોબનાં ઠેકાણા નથી.થોડો,શાંત મગજે વિચાર કરી જો."શ્રેયા બોલી,"લગ્ન પછી બધું, તું જોબ શોધી લે બકા,એ મળે એટલે સીધો ઘરે આવી જજે ત્યાં સુધી હું સાચવી લઈશ."
બંનેના સદનસીબે 4 દિવાસમાં જ શ્રીકાંત ને જોબ મળી ગઈ.એણે શ્રેયાને મેસેજ કર્યો ,"તારા પપ્પાને કહે શરણાઈઓ વગડાવે ...વિધિન 15 મિનીટ હું તારા ઘરે પહોંચું છું 😀"શ્રેયાની ખુશીનું ઠેકાણું નહોતું,એ રાહ જોવા માંડી પપ્પા ક્યારે આવે અને શ્રીકાંત ક્યારે આવે? એણે પપ્પાને કૉલ કર્યો પપ્પા જલ્દી આવો એક સરપ્રાઈઝ આપું છું.લાડકી દીકરીની વાત રાખવા પપ્પા મારતી ગાડીએ ઘરે આવતાં હતાં...ત્યાં જ ત્યાં જ..એમનો એક બાઇક ચાલક સાથે ઍક્સિડન્ટ થયો.એ એમાં ગૂંચવાઈ ગયા, બાઇક ચાલકનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું.એમણે ઘરે કૉલ કરી જણાવ્યું આવતાં મોડું થશે.શ્રેયા નિરાશ થઈ ગઈ.એણે શ્રીકાંતને કૉલ કર્યો પણ શ્રીકાંતનો કૉલ સ્વીચઓફ આવી રહ્યો હતો.એને થોડી ચિંતા થઈ.
રાહ જોતાં સાંજ થઈ ના શ્રીકાંત આવ્યો ના પપ્પા આવ્યાં. મમ્મી એ કહ્યું,"શ્રેયું ખાઈ લે બેટા, તારા પપ્પાનાં કોઈ ઠેકાણા ના હોય".શ્રેયા એ કહ્યું,"ના મમ્મી ભૂખ જ નથી મને." ત્યાં જ શ્રેયા ના પપ્પા આવ્યાં એ બોલ્યા,"સૉરી બેટા એક ઍક્સિડન્ટમાં ફસાઈ ગયો હતો,આજના છોકરાંઓ બાઇક લઈને જાણે હવામાં ઊડે, ત્યાં ને ત્યાં જ ખલાસ થઈ ગયો.સારું થયું DIG અંકલને કૉલ કરતાં જ આવી ગયા." ખબર નહિ કેમ પણ શ્રેયાનું મન બેબાકળું થઈ ગયું પૂછ્યું," કોણ હતું એ શું નામ હતું એનું ?"પપ્પા બોલ્યા," કોઈ શ્રીકાંત આપટે હતો,પણ થેન્ક ગોડ કોઈ આગળ-પાછળ નહોતું એની વિધવા મા સિવાય તો પત્યું જલદી" શ્રેયા એક ચીસ સાથે ફસડાઈ પડી,બેભાન થઈ ગઈ.
ડૉક્ટર બોલાવ્યા , ડોક્ટરે જ્યારે કહ્યું કે શી ઈઝ પ્રેગનન્ટ! ત્યારે શ્રેયાના મમ્મી-પપ્પાનાં પગતળે થી જમીન ખસી ગઈ.એની મમ્મી તો ચોધાર આંસુએ રડી જ પડ્યા.
શ્રેયા ભાનમાં આવતાં બધી હકીકત જાણી એના મમ્મી એ સમજાવી ,"બેટા ,એબોર્શન કરવી લે, શ્રીકાંત તો રહ્યો નથી ખોટી શું બદનામી લેવી,તારા પપ્પાની ઈજ્જત નો વિચાર કર દીકરા."શ્રેયા કાંઈ જ બોલતી નહોતી હતપ્રભ સમ મમ્મી જેમ કહે એમ કરતી હતી.એના મમ્મી એને હોસ્પિટલ લઇ આવ્યા.ડોક્ટરને હકીકત જણાવી એબોર્શન કરવા કહ્યું.ડૉક્ટરે ચેક કરી કહ્યું,"આઈ એમ સૉરી બટ ધીસ ઈઝ ઇમ્પોસીબલ ,જો આપણે હમણાં એબોર્ટ કરીશું તો શ્રેયા ક્યારેય મા ના બની શકે એવું છે,શાંતિથી વિચારો એની સામે આખી જિંદગી પડી છે એ હજી 22 વર્ષની જ છે." એના મમ્મી ધર્મસંકટમાં આવી ગયાં. એના પપ્પાએ એક વિચાર મુક્યો કે કોઈ અજાણી વસ્તીમાં અજાણ્યાં લોકો વચ્ચે મા-દીકરી 5-6 મહિના માટે રહેવા જાઓ.બધું પતે પછી આવી જજો.ત્યાં સુધી હું બધાને કહીશ કે સિંગાપોર ગયા છે.
દિવસો જતા ક્યાં વાર જ લાગે છે ? જોતજોતામાં 5-6 મહિના વીતી ગયાં.શ્રેયાને ઘણા પ્રૉબ્લેમ હોવાથી સિઝેરિયન કરવું પડ્યું.એ ભાનમાં આવીને જાણવા મળ્યું કે એને મરેલું બાળક અવતર્યું હતું અને એવો રોગ હતો કે તરત જ તેને દફનાવી દેવું પડ્યું.શ્રેયાએ કાળજું કંપાવી દે એવું આક્રંદ કર્યું ભગવાન સાથે લડી, "બધું મારે માટે જ કેમ ભગવાન હું જ કેમ તારી પરીક્ષાની એરણે?"
વર્ષો વીતતા ગયા લગ્ન માટે માંગા આવતાં ગયાં પણ શ્રેયાની ના સામે કોઈનું કાંઈ ના ચાલ્યું.એણે પોતાની જાતને ,પોતાના દર્દને કલમ ના હવાલે કરી દીધું હતું.એ ખ્યાતનામ લેખિકા શ્રેયા નિકમ બની ગઈ હતી.
મિલી નો અવાજ ધીમે ધીમે સંભળાઈ રહ્યો હતો."મેમસાબ, બોલો તો સહી અચ્છા તો લગ રહા હૈ ના અભી ?" શ્રેયા સ્વસ્થ થઈ અને પોતાની સાથે જે ખેલ રચાયો હતો સમજી ગઈ હતી.એણે મિલીને ધીમેથી કહ્યું ," બેટા આપ તો બડી અચ્છી હો મુઝે બચા લિયા,આપ કે મમ્મી -પાપા સે મિલના હૈ મુઝે લે ચલોગી ના ?" મિલી તો ખુશ થઈ ગઈ એને લાગ્યું આ મેમસાબ થોડાં પૈસા આપી જશે પછી મજા, મજા!
શ્રેયા ભીખીને મળી ને સાચી હકીકત જાણી ને મિલી ને ભેટી પડી," તું મારી દીકરી છે મિલી,તું મારી જીવનની મૂડી છે બેટા,તું જ આધાર છે હવે મારો." થોડીવાર એ નાનકડા ઘરમાં એકદમ નિરવતા છવાઈ ગઈ.પછીભીખી અનેદલસુખરડીપડ્યા.બોલ્યા,"મેમસાબ આ મિલી અમારા કાળજાનો ટુકડો છે એના વિના ના જીવી શકીએ અમે,તમે તો જીવો જ છો આમ પણ એકલા, અમારી છોરી ના લઇ જાતા".શ્રેયાનાં પગ પકડી લીધાં સાથે રામલો પણ રડવા લાગ્યો , મિલી બોલી," હું ક્યાંય નથી આવવાની તમે જાવ મેમસાબ આવું જાણતે તો તમને અહીં લાવતે જ નહીં."
શ્રેયાએ મામલો શાંત પાડતાં કહ્યું ," હું ક્યાં મિલીને એકલીને લઇ જવાનું કહું છું? તમે બધાં જ આવશો મારા મોટાં મકાનમાં". હવે ખુશી છવાઈ ગઈ સૌને ચહેરે અને ખુશીના આંસુ સાથે મિલી શ્રેયા ને ગળે વળગી વ્હાલથી બોલી," બધી મા આટલી જ સારી હોય ને મમ્મી"!
સૌ ખુશી ખુશી શ્રેયાની કારમાં બેસવા આગળ વધ્યાં.

*કુંતલ ભટ્ટ"કુલ"*