Atmosphere and mind (article) books and stories free download online pdf in Gujarati

માહોલ અને મન (લેખ)

*માહોલ અને મન*

Be positive..
અત્યાર સુધી દરેક પરિસ્થિતિમાં કારગત નિવડતો આ મંત્ર! પણ હવે એમ કહેવું પડે છે કે પોઝિટિવ ને નેગેટિવ કરવામાં હાંફી ગયા છીએ!હમણાં દરેક જગ્યાએ ભીતિ અને ભયાવહ માહોલ જણાય છે છતાંયે જીવન જીવવા કે એનો ભાર વેંઢારવાની પ્રક્રિયા જારી રાખવી પડે છે ને!રોજની દિનચર્યામાં કરફ્યુ,માસ્ક સેનિટાઈઝર અને એમ્બ્યુલન્સનાં ડિસ્ટર્બ કરતાં સાઈરનો સિવાય ક્યાં કશો ફેર છે?!વિચારીએ તો ઘણું બધું છે અને ન વિચારીએ તો "જો હોગા દેખા જાયેગા" જેવું છે.
હાલનો આ કોરોનીયન માહોલ ભલભલાને હચમચાવી રહ્યો છે!હાલી ગયા છે મન અને મગજ,લાગણીઓમાં ચઢાવ-ઉતાર અનુભવાઈ રહ્યા છે.ન્યૂઝપેપર્સ,ન્યૂઝ ચેનલ્સ મન-મગજ પર હાવિ થઈ રહ્યાં છે.ઘણી જગ્યાએ સાંભળ્યું અને વાંચ્યું પણ છે જ કે ન્યૂઝ ઓછાં જુઓ કે વાંચો પણ એ સંપૂર્ણપણે શક્ય નથી.માનવમન જિજ્ઞાસા વૃત્તિથી ભરપૂર છે અને વળી રોજેરોજના આવાં હલબલી જવાય એવા સમાચાર સાચાં છે કે ખોટાં એ તો જાણવું જ રહયુને!જોવું,જાણવું અને સમજવું અહીં આ ત્રણેય વાતો જુદી સાબિત થાય છે.વળી,સમજીને શું યાદ રાખવું?શું ઇગ્નોર કરવું એ આપણે વિચારવાનું હોય.
આ માહોલમાં કાળજી લેવી બહુ જરૂરી છે સૌ જાણીએ જ છીએ. કદાચ, સોશિયલ મીડિયે ઢગલો ફોરવર્ડ થયેલા મેસેજીસનો ખડકલો દરેકના મોબાઈલમાં સેવ હશે!શું કરવું શું ન કરવું?કોરોનાથી બચવાના અનેકાનેક ઉપાયો!કોઈ પણ ફ્રેન્ડ કોઈ પણ જગ્યાથી કાંઈ પણ નવું જાણે કે વાંચે તો એમ વિચારે કે લાવને, ફોરવર્ડ કરું કોઈને ઉપયોગી થશે.(ક્યારેક તો પોતે પણ આખું વાંચ્યું ના હોય!)પણ શું એ મેસેજીસ દરેકના મન- મગજને તંદુરસ્ત રાખી શકવા સક્ષમ છે ખરા?શું એ દરેક મેસેજીસ દરેકના મન પર સરખી જ છાપ છોડે છે ખરાં?અરે! કોઈ વાંચતું જ નથી તો કોઈ વાંચીને ઓવર થીંકિંગ કરી-કરીને ચિંતિત રહે છે તો કોઈ વળી,એકદમ કોંશિયસ થઈને પોતાની સાથે પરિવારના દરેક સભ્યોને પણ ચુસ્તપણે આવા વાંચેલા નિયમોનું જબરજસ્તી પાલન કરાવવા ઉહાપોહ કરી મૂકે છે!અરે! ભલા માણસ ગયા વર્ષથી કોવિડ આપણો માથે પડેલો મહેમાન છે તો આપણે એને કેમનો ટ્રીટ કરવો જાણી જ ગયાં છીએ તો આપણું ફોરવરડેડ જ્ઞાન ન વહેંચીએ તો કદાચ ઘણા ઓવરથીન્કર લોકો માટે સારું રહેશે.

વર્ષોથી સાંભળતાં આવ્યાં છીએ કે કોઈપણ પરિસ્થિતિમાં મનોબળથી જ માણસ જીતી શકે છે અને એ તદ્દન સાચી જ વાત છે એ 80ટકા કૅસીસમાં સાબિત પણ થયું છે.જુઓ, આપણે આ જ માહોલમાં રહેવાનું છે તો મનને મજબૂત બનાવ્યે જ છૂટકો!રોજેરોજ આટલા કેસ-તેટલાં કેસ ફક્ત વાંચવા પૂરતાં જ રાખવા હા, પૂરતી કાળજી તો લેવી જ પરંતુ જે દુઃખ આપણાં સુધી નથી આવ્યું એની કલ્પના કરી વધુ પડતાં ચિંતિત રહેવું અને મરવા પહેલાં જ જીવવું છોડી દેવું એ કેટલું યોગ્ય?શું દુઃખડા રડી રોજ મરવું?આવા માહોલ ને મન પર હાવિ ના થવા દેવાય.અફેકટેડ થવાય એ નેચરલ છે પણ ભૂલવું નહિ આપણે માણસ છીએ આપણી પાસે લાગણીઓ સાથે મગજ પણ છે. મગજને બીજી દિશા તરફ વાળવું એ ધારીએ તો 5 મિનિટનું કામ છે.બસ,યાદ રહે કે ધારવું અને કરવું એની વચ્ચે બહુ સમયગાળો ન રાખવો, નહિ તો ડિપ્રેશન પાક્કું.બીજું એ કે અમુક ટાઈમે પલાયનવૃત્તિ કેળવવી જરૂરી હોય છે.આપણી હાલની દુન્યવી વાતો સાંભળીને અફેકટેડ થવાની ક્ષમતા આપણને ખ્યાલ હોય જ છે તો આપણે પોતે જ એવી મનને દુઃખ આપે કે વિચલિત કરી જાય એવી વાતોથી દૂર રહેવાનાં શક્ય એટલાં પ્રયત્નો કરવા.આવાં માહોલમાં પણ મર્યાદામાં રહીને ખુશીઓ શોધી ખુશ રહેવું અને આપણી આસપાસનાં લોકોને ખુશ રાખવાનો સતત પ્રયત્ન કરતાં રહેવું.નેગેટિવ વાતો અને નેગેટિવ લોકોથી દૂર રહેવું.બાકી તો મારાં એક મિત્રનાં શબ્દો મને બહુ જ ગમ્યાં છે"છેવટે કશું ન કરી શકીએ તો મસ્ત મરી જઈશું,અત્યારે તો મર્યાદાઓ સાથે જીવી લઈએ."


કુંતલ ભટ્ટ
સુરત.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED