Sadhvi books and stories free download online pdf in Gujarati

સાધ્વી

*સાધ્વી*
🍁🍁🍁
"સબ બાબેકી માયા" અવાજ સંભળાયો.રીટા દોડીને બહાર આવી,જોયું તો બાબાજીની સવારી આવી રહી હતી.રીટાની મમ્મીએ બૂમ મારી,"રીટા હજી મહિનો થયો છે ડીલીવરીને દીકરા આમ દોડાદોડી ન કર." રીટાને બાબાજીનો આ અવાજ આવે એટલે બધું ભૂલાઈ જતું.
રીટા નાની હતી ત્યારથી દાદી સાથે ટીવી પર બાબાજીના પ્રવચનો સાંભળતી હતી.એને બહુ જ ગમતી પ્રવૃત્તિમાની આ એક પ્રવૃત્તિ હતી! 22 વર્ષે એનાં લગ્ન વિકાસ સાથે થયાં. વિકાસનાં મમ્મી પણ બાબાજીના પરમ ભક્ત હતાં એટલે રીટાને ગમતું થઈ રહ્યું!વિકાસ ઘણીવાર ટોકતો,"રીટા મમ્મીની ઉંમર થઈ પપ્પા પણ નથી રહ્યાં તો આમ બાબાજીની ભક્તિમાં લીન રહે તો ચાલે હું એમને ટોકતો નથી પણ ડિયર તું એમ કરશે તો મારું શું? આપણા સંસારનું શું?"અને રીટા પ્રેમથી વિકાસનો હાથ હાથમાં લઈ કહેતી,"મારાં ભોળા વાલમજી, તમારાં સમયે તો હું તમારી જ હોઉં છું ને?"અને બંને હસી પડતાં.
દિવસે દિવસે રીટાની બાબાજી તરફની ભક્તિ વધતી જતી હતી.પાઠ, પૂજા,માળા, ધ્યાન....પણ વિકાસ આંખ આડા કાન કરતો કારણકે રીટા "મા" બનવાની હતી!આમ તો રીટા વિકાસનો દરેક વાતે ખ્યાલ રાખતી હતી.એટલે વિકાસને કોઈ ફરિયાદ કરવા જેવું લાગતું નહોતું.
સાતમે મહિને રીટાની ખોળો ભરવાની વિધિ થઈ ને એ પિયરમાં આવી.એનાં પિયરમાં એનાં મમ્મી-પપ્પા અને એની અકાળે વિધવા થયેલી ભાભી તૃષ્ણા રહેતાં હતાં.તૃષ્ણાને નવ મહિના પહેલાં પચીસમી વર્ષગાંઠે જ વૈધવ્ય ભેટ રૂપે મળ્યું હતું!નિલય કેક લઈને આવતો હતો ત્યાં જ ટ્રક સાથે એક્સિડન્ટ અને સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું.એને સાસરું ગણો કે પિયર એક આ જ ઘર હતું.માતા-પિતા નાની મૂકીને જ સ્વર્ગે સિધાવી ગયા હતાં. દૂરનાં મામાએ મોટી કરી હતી અને હવે એ મામા પણ નહોતાં રહ્યા!રીટાનાં બાળકનાં આવવાથી તૃષ્ણા ખૂબ ખુશ રહેતી હતી.રીટા એની ભક્તિમાં રહેતી ત્યારે તૃષ્ણા જ એ નાનકડાં આયુષને સાચવતી હતી.
કોણ જાણે કેમ રીટા થોડી ઉદાસ ઉદાસ રહેતી હતી.ઘરનાં બધાં ચિંતામાં રહેતાં હતાં કે રીટા ની ઉદાસીનું કારણ શું છે? ઘરમાં આયુષના આવવાથી જાણે પ્રાણ પુરાયો હતો.ત્યાં આ રીટાની ઉદાસી સમજાતી નહોતી.

એક સવારે બાબાજીની અલખ સંભળાઈ "સબ બાબેકી માયા"અને રીટાનાં મોઢા પર ચમક આવી ગઈ એણે મમ્મીને કહ્યું,"મમ્મી જો હું ઉદાસ હતી ત્યાં જ બાબાજીની અલખ સંભળાઈ,હું રોજ સવાર-સાંજ બે વખત બે કલાક સત્સંગધામમાં જાઉં તો કદાચ મારી ઉદાસી દૂર થશે.ને આમ પણ આયુષને તૃષ્ણાની માયા છે જ એ એટલું સાંભળી લેશે."આમ, રીટાએ મમ્મીને પૂછીને રોજ બાબાજીના સત્સંગ ધામમાં જવા માંડ્યું.તૃષ્ણા કે મમ્મીને કોઈ વાંધો જ નહોતો વળી,આયુષ પણ ખૂબ ડાહ્યો હતો.વિકાસને રીટા આયુષને છોડી આમ સત્સંગધામ જાય એ થોડું કઠતું હતું,પણ એણે એમ મન વાળ્યું કે એના અહીં આવ્યાં પછી જોયું જશે.રીટા તો પૂર્ણપણે બાબાજીની ભક્તિમાં લીન રહેવા લાગી.સત્સંગધામ જવા ઉપરાંત પણ ઘરમાં માળા-પૂજામાં કલાકો વિતાવતી હતી.
હવે આયુષને પાંચ મહિના થવા આવ્યાં.રીટાને સાસરે જવાનો સમય થયો.મુર્હુત જોવાય એટલી જ વાર હતી...ત્યાં તો એક સવારે તૃષ્ણાની ચીસ સંભળાઈ..."મમ્મી....રીટા દી.... " અને એના મમ્મી-પપ્પા કંઈ ખોટું થયાની ભીતિએ દોડતાં આવ્યાં,જોયું તો તૃષ્ણાના હાથમાં રીટાની ચિઠ્ઠી...લખ્યું હતું,"હું હવે પૂર્ણપણે બાબાજીના ચરણોમાં સમર્પિત છું.હું એમનાં સત્સંગરથ સાથે એમનાં મુખ્ય આશ્રમે જઈ રહી છું,હું સાધ્વી બની હવે પછીનું જીવન એમનાં આશ્રમની સેવામાં વ્યતીત કરવા માગું છું.હું આયુષ સહિતની સર્વે મોહમાયાનો ત્યાગ કરું છું."..........એનાં પપ્પાતો ચિઠ્ઠી વાંચતાં ત્યાં જ ફસડાઈ પડ્યાં. પોક મૂકીને રડવા જ લાગ્યાં, લાડકી દીકરીએ આ શું કરી નાખ્યું?!મમ્મી પણ ધ્રૂસકે ચડી ગયાં.તૃષ્ણાએ પાણી આપી સાંત્વના આપી,"આપણે વિકાસ કુમારને કહીશું એ પાછાં લઈ આવશે." પછી નાનકડાં આયુષ પાસે ગઈ.જોયું તો એ તો આ બધાંથી પર મીઠી મુસ્કાન સાથે સૂતો હતો!હવે તૃષ્ણાએ માંડ રોકી રાખેલું રુદન છૂટી ગયું,"છતી મા એ દીકરો નમાયો થઈ ગયો.." બોલી મોટેથી રડી પડી. ભારે હૈયે તૃષ્ણાએ વિકાસને જાણ કરી.વિકાસ મારતી ગાડીએ આવી પહોંચ્યો.આખું ઘર શોકાતુર!વિકાસને રીટા પર ગુસ્સો તો ખૂબ આવ્યો પણ કાબૂ રાખી બીજે દિવસે આયુષ સહિત બધાં સાથે બાબાજીના મુખ્ય આશ્રમે જવા નીકળ્યો.
સૌ બાબાજીના મુખ્ય આશ્રમે પહોંચ્યા,રીટાને મળવાની માંડ પરમિશન લીધી.રીટા આવી,કેસરી પ્લેન ગુજરાતી સાડી,માથે મોટું ચંદન તિલક,ગળામાં "જય બાબાજી"લખેલાં પેન્ડન્ટવાળી માળા! મોઢા પર સાવ નિર્લેપ ભાવ! સૌ એનાં આ અવતારને જોઈ હતપ્રભ!"સબ બાબેકી માયા"બોલી હાથ જોડતી ઉભી રહી એ....અને બોલી..."હું આપ સૌની મોહમાયા છોડી ચુકી છું,મોક્ષને રસ્તે જઈ રહી છું,કોણ માતાપિતા,કોણ પતિ-બાળક..હું સૌથી પર છું,બસ બાબાજીના ચરણોમાં જ બધું સુખ છે,આપ સૌ આમ રડી-કકળીને મને પાછી લઈ જવા આવ્યા હોવ તો એ અશક્ય છે. સૌ જઈ શકો છો સબ બાબેકી માયા."એમ કહી હાથ જોડીને આવી હતી એવા જ નિર્લેપ ભાવે જતી રહી.વિકાસ બૂમો પાડતો રહ્યો,"રીટા...રીટા..."આયુષ પણ એકદમ મોટેથી રડવા લાગ્યો..જાણે એને પણ માનું આમ બદલાવું અડી ગયું.!પણ...રીટાને એ કૂખજણ્યાનું રુદન પણ ચળાવી ના શક્યું!
સૌ નિરાશ વદને ઘરભેગા થયાં ,ઘરમાં તો જાણે નિલય સિવાય બીજું અપમૃત્યુ થયું હોય એમ શોકની લાગણી! વિકાસ હવે ભાંગી પડ્યો રીટાનાં પપ્પાને ભેટીને છૂટ્ટા મોં એ રડી પડ્યો,"પપ્પા,એને મારો કે તમારાં લોકોનો પ્રેમ નહિ પણ આ નાનકડાં બાળકની લાગણી પણ રોકવા માટે અસમર્થ નિવડી! હવે શું થશે અમારું?" રીટાનાં પપ્પાએ મન મક્કમ કર્યું,આંસુ લૂછયાં અને વિકાસને ધીરેથી અળગો કર્યો.તૃષ્ણા એ બંને માટે પાણીનો ગ્લાસ લઈ આવી.એકાએક રીટાનાં પપ્પાએ કહ્યું,"હવે બસ બહુ થયું,કોઈએ રડવાનું નથી મારે હવે બંને સંતાન મરી પરવાર્યા એવું માની લેવું છે!" પછી તૃષ્ણા અને વિકાસને ઉદ્દેશી ને બોલ્યા,"વિકાસ,તૃષ્ણા ઘણું જલ્દી જ કહેવાશે હું જે કહીશ એ પણ આયુષ માટે વિચારજો,હું તૃષ્ણાનું કન્યાદાન વિકાસ તમને કરવા માગું છું!"સૌ સ્તબ્ધ! રીટાનાં મમ્મીએ એ બંનેને ચૂપ રહેવા ઈશારો કર્યો.પછી બોલ્યા,"એ લોકોને થોડો સમય આપવો જોઈએ એમ લાગે છે."રીટાનાં પપ્પાએ હકાર માં ડોકું ધુણાવ્યું અને બોલ્યાં,"ચાલો, હવે સૂઇ જઈશું જોઈએ સવાર કેવી થાય છે!"
રાત્રે આયુષ ખૂબ રડ્યો સાસુ-વહુએ આખી રાત માંડ સાચવ્યો હતો.સવારે ભઈલુરાજા દુનિયાદારીથી બેખબર મસ્ત ઊંઘતા હતાં!નાસ્તાના ટેબલ પર ચારે જણા ગોઠવાયાં નાસ્તો અને ચા ઠંડાં પડતાં હતાં. ચારેયની આંખો લાલઘુમ અને રાતનાં દુઃખસભર ઉજાગરાથી થાકેલી હતી!તૃષ્ણા ધીમેથી બોલી,"નાસ્તો કરી લઈએ પપ્પા,પછી રાતનાં તમારાં પ્રસ્તાવનો મારો વિચાર કહું."સૌ એ યંત્રવત નાસ્તો પતાવ્યો.તૃષ્ણાએ બોલવું શરૂ કર્યું,"વિકાસ કુમારને વાંધો ન હોય તો હું આયુષને અહીં મારી પાસે રાખી મોટો કરવા તૈયાર છું.બાકી લગ્નનો નિર્ણય લેવો કપરો છે."વિકાસે નિઃશ્વાસ નાખી કહ્યું,"હું જાણું છું કે આયુષને હમણાં તો તમારાં કરતાં સારી રીતે તો હું રાખી જ ન શકું, મને મંજૂર છે."બસ..લગ્નની વાતનું પૂર્ણવિરામ!
દર અઠવાડિયે વિકાસ આયુષને રમાડવા આવવા લાગ્યો.વિકાસના મમ્મીએ ઘણું કહેવા છતાં વિકાસે બીજે ક્યાંક લગ્ન કરવાની તૈયારી ન જ બતાવી.એમ કરતાં વર્ષ વીતી ગયુ. હવે,રીટાનાં પપ્પા-મમ્મીએ તૃષ્ણા,વિકાસ અને એનાં મમ્મીને બેસાડીને ફરી તૃષ્ણા-વિકાસનાં લગ્નનો પ્રસ્તાવ મુક્યો.કહ્યું,"આયુષ સમજણો થાય એ પહેલાં લગ્ન વિધી થવી જરૂરી છે.અમને પણ તૃષ્ણા દીકરીને યોગ્ય ઘરે આપ્યાં નો સંતોષ થશે." વિકાસનાં મમ્મીએ સૂર પુરાવ્યો,"આયુષને માતા-પિતા બંનેનો એકસાથે પ્રેમ મળશે.વિકાસ અને તૃષ્ણાને પણ યોગ્ય જીવનસાથી મેળવ્યાંનો સંતોષ રહેશે." અને આમ વિકાસ-તૃષ્ણા લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં.થોડાં મહિનાઓ સમાજ અને લોકોમાં આ સંબંધ વિષે ચર્ચાઓ ચાલી પરંતુ પછી બધું થાળે પડી ગયું.
*************************
આજે....આયુષને મળવા એક સાધ્વીજી આવ્યાં!તૃષ્ણાને એમને જોતાં જ ચક્કર આવી ગયાં અને એ બેભાન થઈ ગઈ!આયુષે વિકાસને કૉલ કરી તરત જ ઘરે બોલાવ્યો,પોતે સાધ્વીજીને બેસાડી આગતા-સ્વાગતા કરી મમ્મીની સેવામાં લાગી ગયો,ડૉક્ટર બોલાવ્યાં ત્યાં જ વિકાસ પણ આવી પહોંચ્યો. સાધ્વીને જોઈ એકદમ ચોંક્યો! પણ કોઈ પણ પ્રતિભાવ આપ્યા વગર આયુષ સાથે ડોક્ટરને લઈ તૃષ્ણાના રૂમમાં ગયો.સાધ્વીજી આરામથી બેસી રહ્યાં હતાં! દસ મિનિટ માં જ તૃષ્ણા ભાનમાં આવી,વિકાસને જોઈ રડી પડી.વિકાસે એનો ખભો દબાવી મૂક આશ્વાસન આપ્યું.હવે,ત્રણેય આગળ આવ્યાં. વિકાસે આયુષને કહ્યું,"બેટા, હું જે વાત કરું છું એ એકદમ શાંતિથી અને ધ્યાનપૂર્વક સાંભળજે,મન મજબૂત રાખજે અને વિચારો સ્થિર રાખજે." વિકાસે કંઈ પણ છુપાવ્યા વગર આખી વાત માંડીને કરી.આયુષનાં ચહેરાનો રંગ જરાયે ન બદલાયો!હવે સાધ્વીજી અધીરા થયાં,"આયુષ તું મારો દીકરો છે અને હું તને મારી સાથે આશ્રમ લઈ જવા આવી છું.તારાં પર મારો પૂર્ણ અધિકાર છે.ચાલ,તૈયાર થઈ જા."તૃષ્ણા રડતી આંખે કંઈક કહેવા જતી હતી ત્યાં જ આયુષે રોકી અને બોલ્યો,"સાધ્વીજી આવા અધિકારની વાતો તમને શોભતી નથી,કોણ દીકરો ને કોણ મા?સાધુત્વમાં આવી મોહમાયા ક્યાંથી આવી?મારી મા તો તૃષ્ણા મા જ છે હું આજે જે કંઈ છું એ એને કારણે જ છું.તમારી મોહમાયા વીસ વર્ષે જાગૃત ન કરો સાધ્વીજી!સાચી સાધ્વી તો મારી તૃષ્ણા મા છે,જેણે મારે કારણે પોતાના કેટલાયે અરમાનો નો ત્યાગ કર્યો ,સમાજનાં મહેણાઓ સહ્યા છે અને સૌથી મોટી વાત કે મને ભૂલથી પણ અન્યાય ન થઈ જાય એટલે પોતાનું સંતાન પણ નથી લાવી! માફ કરજો સાધ્વી જી પણ મને તમને જોઈને એકદમ ઘૃણાની જ ભાવના આવે છે તો પ્લીઝ..જેમ આવ્યાં છો એમ જ પ્રસ્થાન કરો." સાધ્વી વિકાસ અને તૃષ્ણા સામે જોઈ રહી ..વિકાસે કહ્યું,"આયુષે કહ્યું એ સાંભળ્યું ને તમે.."એમ કહી બે હાથ જોડ્યા.સાધ્વી સમસમીને ત્યાંથી ચાલી ગઈ.તૃષ્ણા આયુષને ભેટીને રડી પડી ..આજે એનો વીસ વર્ષથી ધરબાયેલ ભય દૂર થયો! આયુષ બોલ્યો,"મમ્મી-પપ્પા નાનાજીએ હું જ્યારે હુ10thની એક્ઝામ આપી એમને ત્યાં રહેવા ગયો હતો ત્યારે જ આ હકીકત જણાવી હતી.અને હું સાધ્વીજી ને જોતાં જ ઓળખી ગયો હતો!" હવે ચોંકવાનો વારો વિકાસનો હતો.તૃષ્ણા બોલી,"આયુષ-વિકાસ હું આજે બહુ જ ખુશ છું...એક પ્રસ્તાવ મૂકું જો તમને માન્ય હોય તો.."બંને એકસાથે બોલી ઉઠ્યાં,"વળી હવે શું?!!.." તૃષ્ણાએ કહ્યું," હવે મારું નામ તૃપ્તિ રાખી દઈએ?!હું આજે પૂર્ણપણે સ્નેહસભર સંસાર પામી છું કોઈ જ તૃષ્ણા શેષ નથી!"અને વિકાસે આયુષ અને તૃષ્ણાને મીઠાં આલિંગનમાં લઈ કહ્યું,"હા તૃપ્તિ હા!"સૌની આંખે હર્ષાશ્રુ છલકાયા!

કુંતલ ભટ્ટ"કુલ"
સુરત

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED