Varasdaar - 91 books and stories free download online pdf in Gujarati

વારસદાર - 91

વારસદાર પ્રકરણ 91

નવરાત્રી શરૂ થઈ ગઈ. મંથને આ વર્ષે ખાસ કેતા માટે સવા લક્ષ ગાયત્રી મંત્રનું પુરશ્ચરણ ચાલુ કર્યું. ૪૧ દિવસ સુધી રોજ ૩૦ માળા કરવાની હોય છે. રોજ સવારે ૪ વાગે એ ઉઠી જતો અને નાહી ધોઈ ૫ વાગે માળા શરૂ કરી દેતો. હવે સ્પીડ આવી ગઈ હોવાથી ૩ કલાકમાં ૩૦ માળા પૂરી થઈ જતી.

નવરાત્રીમાં અદિતિએ પણ રોજની પાંચ માળા ચાલુ કરી દીધી હતી. એની ઈચ્છા તો ૧૧ માળા કરવાની હતી પરંતુ નવી નવી માળા શરૂ કરી હોવાના કારણે એના માટે એ શક્ય ન હતું.

મંથનના સંસ્કાર હોવાના કારણે આ વર્ષે અભિષેક પણ રોજની ત્રણ માળા કરતો હતો.

એ જ પ્રમાણે મંથનના કહેવાથી કેતાએ પણ રોજની ત્રણ માળા ચાલુ કરી હતી. અડધા કલાકમાં ત્રણ માળા થઈ જતી.

ગાયત્રી પુરશ્ચરણના ૪૧ દિવસ ખૂબ જ આનંદથી પસાર થઈ ગયા. મંત્રો કર્યા પછી રોજે રોજ મંથનના શરીરમાં એક અદભુત ઊર્જાનો સંચાર થતો. દેવઉઠી એકાદશીના દિવસે ૩ પંડિતોને ઘરે બોલાવીને મંથને દશાંશ હવન પણ કર્યો !

સવાલક્ષ મંત્રજાપના પ્રભાવથી ગાયત્રી પુરશ્ચરણ પતી ગયા પછી એકાદશીની રાત્રે એટલે કે બારશ ની વહેલી પરોઢે મંથને ફરી પાછું જેવું ધ્યાન ચાલુ કર્યું અને થીટા લેવલમાં ગયો કે તરત જ ગોપાલદાદા એને આશીર્વાદ આપવા માટે એના માનસચક્ષુ આગળ પ્રગટ થયા !

" તારા ગાયત્રી પુરશ્ચરણથી હું ખૂબ જ ખુશ છું બેટા અને તને આશીર્વાદ આપવા માટે જ આવ્યો છું. તું કેતાના આયુષ્ય માટે આટલી બધી ચિંતા શું કામ કરે છે ? તું ઓખામાં જ્યારે મને મળવા આવ્યો ત્યારે મેં તને બે સિદ્ધિઓ આપેલી જ છે. એમાંની એક સિદ્ધિ તું કોઈના પણ મનના વિચારો વાંચી શકે એ છે જેનો તેં ઘણીવાર અનુભવ પણ કર્યો છે. " ગોપાલદાદા કહી રહ્યા હતા.

" જ્યારે બીજી સિદ્ધિ ગુપ્ત છે જેની તને કંઈ ખબર જ નથી ! આ ગુપ્ત સિદ્ધિ વિશે મેં તારા સ્વામીજીને પણ ના પાડી હતી કે એના વિશે તને કંઈ પણ ના કહે. કેતા વિશે તારી આટલી બધી ચિંતા જોઈને સ્વામીજીએ જ મને કહ્યું કે મારે તને આ સિદ્ધિ વિશે હવે જણાવવું જોઈએ. આ સિદ્ધિ એટલે સંજીવની વિદ્યા. તને મૃતસંજીવની વિદ્યા સિદ્ધ થઈ છે ! " ગોપાલદાદા બોલી રહ્યા હતા.

" કોઈપણ મૃત વ્યક્તિની ઉપર મૃત્યુ પછીના એક કલાકની અંદર હાથમાં પાણી લઈ ૧૧ વાર મહામૃત્યુંજય મંત્ર બોલી તું પાણી છાંટે તો એ વ્યક્તિ સજીવન થાય. તને મહામૃત્યુંજય મંત્ર પણ સિદ્ધ છે. તને ફરી સિદ્ધ રુદ્રાક્ષ હું આપું છું. કેતા સજીવન થયા પછી તારે એના જમણા કાંડા ઉપર આ રુદ્રાક્ષ બાંધી દેવાનો રહેશે. જ્યાં સુધી એ રુદ્રાક્ષ એના હાથ ઉપર રહેશે ત્યાં સુધી પૃથ્વી ઉપર એનું જીવન ટકી રહેશે. એ છૂટી જશે તો પછી એને બચાવવાનો કોઈ ઉપાય નથી. " કહીને ગોપાલ દાદાએ હવામાંથી રુદ્રાક્ષ પ્રગટ કર્યો. મંથને પોતાનો જમણો હાથ ધ્યાન અવસ્થામાં જ લાંબો કર્યો અને રુદ્રાક્ષ એના હાથમાં આવી ગયો. તરત જ એનું ધ્યાન છૂટી ગયું. એણે રુદ્રાક્ષને સાચવીને પૂજા મંદિરના ડ્રોવરમાં મૂકી દીધો !

જાગૃત અવસ્થામાં આવ્યા પછી પણ મંથનને ગોપાલ દાદાની બધી જ વાતચીત યાદ હતી. એ મનોમન નાચી ઉઠ્યો. હાશ હવે કેતા બચી જશે. પરંતુ ચિંતાનો વિષય એક જ હતો કે કેતાને કંઈ પણ થાય તો એક કલાકની અંદર જ એની પાસે પહોંચી જવું પડે.

માની લો કે એને પોતાને કોઈ કારણસર બહારગામ જવું પડે અને અચાનક કેતાને કંઈ થઈ જાય તો એને કેવી રીતે બચાવી શકાય ? કાં તો એક વર્ષ સુધી એણે બહારગામ જવાનું મુલત્વી રાખવું પડે. અને કોઈ ખાસ સંજોગોમાં ક્યાંય જવાનું થાય તો કેતાને સાથે ને સાથે રાખવી પડે ! કેતાને પણ એક વર્ષ સુધી ક્યાંય પણ બહારગામ નહીં જવા દેવાની.

કેતા બચી શકે છે એ એક માત્ર વિચારથી મંથન આજે ખુશ થઈ ગયો. જાણે કે ગાયત્રી પુરશ્ચરણનું ફળ એને મળી ગયું !

કેતાની બચવાની તકો તો વધી ગઈ પરંતુ ચિન્મયના મામાને ના બચાવી શકાયા. તર્જની આગ્રહ કરીને નવરાત્રી શરૂ થતાં જ મામા મામીને પોતાના ઘરે લઈ આવેલી. તર્જનીને કોણ જાણે કેમ અગાઉથી કોઈ સંકેત મળી ગયો હોય કે કેમ પરંતુ મામામામીને સેવા કરવા ઘરે લઈ આવી પણ દશેરાના દિવસે જ મામાને એટેક આવ્યો. હોસ્પિટલમાં એડમિટ કર્યા પરંતુ આઈસીયુ માં જ એક કલાકમાં શ્વાસ બંધ થઈ ગયા !

"તર્જની મામા જતાં જતાં તને મનોમન ખૂબ જ આશીર્વાદ આપી ગયા હશે. તારા કહેવાથી જ હું એમને અહીં લઈ આવેલો. દશ દિવસ સુધી તેં એમની ખૂબ જ સરભરા પણ કરી. એ પણ બહુ જ ખુશ હતા. રોજ દેરાસર જઈને બેસતા ! " ચિન્મયે એક રાત્રે તર્જનીનો આભાર માન્યો.

"મેં તો મારી ફરજ બજાવી છે ચિન્મય. જતાં જતાં છેલ્લે આપણી સેવા લેવાની હશે એટલે મને એવી પ્રેરણા થઈ. તમને આખી જિંદગી એમણે સંભાળ્યા તો આપણે એમના ઘડપણમાં થોડા દિવસ પણ ના સંભાળી શકીએ ? " તર્જની બોલી.

પરંતુ આ બાજુ ૧૦ ૧૨ વર્ષના દાંપત્યજીવન પછી પણ રાજન અને શીતલના લગ્ન જીવનમાં જોઈએ એવી સંવાદિતતા ન હતી. જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ તેમ શીતલ થોડી ડોમિનેટિંગ બનતી ગઈ હતી. રાજન પ્રત્યે પણ એના મનમાં પતિ તરીકેનું એવું કોઈ રિસ્પેક્ટ ન હતું. એ સમાજમાં થોડી આગળ પડતી થઈ ગઈ હતી. પાર્ટીઓમાં જતી હતી, ક્યારેક રોટરી ક્લબની પ્રમુખ પણ બનતી હતી એટલે અહંકાર પણ હતો.

પોતાની સગી મમ્મીને નવરાત્રીમાં અદિતિ ટાવર્સમાં થોડા દિવસ માટે લાવવાની વાત પણ શીતલે ફગાવી દીધેલી. પરંતુ દિવાળી પછી રાજનની મમ્મી તારાબેન બીમાર પડ્યાં ત્યારે મહાવીરનગર ના ઘરે એમની સેવા કરનાર કોઈ ન હતું એટલે રાજને મમ્મીને થોડા દિવસ માટે અહીં લઈ આવવાની વાત કરી.

" તારી મમ્મીને તું ભલે અહીં રાખવા માગતી ના હોય શીતલ પરંતુ મારી મમ્મી અત્યારે બીમાર છે તો હું તો એમને થોડા દિવસ માટે અહીં લઈ આવું છું. અત્યાર સુધી પિયુષ અને એની વાઈફ એમની સેવા કરે જ છે પરંતુ મોટાભાઈ તરીકે મારી પણ ફરજ બને છે. ગમે તેમ તો પણ એ મારી મા છે. " રાજન બોલ્યો.

" ચોક્કસ લઈ આવો. માની સેવા કરો. મેં ક્યાં ના પાડી છે ? બાકી તમે એમ કહેતા હો કે હું મારો પ્રોફેશન બંધ કરી એમના પગ દબાવું તો એ મારાથી શક્ય નથી. તમે થોડા દિવસ માટે એમને નર્સિંગ હોમમાં રાખી શકો છો. અથવા મંથન સરને કહીને કોઈ નર્સને આપણા ઘરે ૨૪ કલાક ગોઠવી શકો છો. મને કોઈ જ વાંધો નથી. " શીતલ બોલી.

" તું કેવી વાત કરે છે શીતલ ? જાણે કે તારે એમની સાથે કોઈ સંબંધ જ નથી. એ તારી સાસુ છે અને મારી સગી મા છે. માત્ર મારી જ નહીં તારી પણ ફરજ બને છે. " રાજન સહેજ ગુસ્સાથી બોલ્યો.

" તમે એમ કહેવા માગો છો કે હું મારો વ્યવસાય બંધ કરીને એમની સેવામાં લાગી જાઉં ? એમની સામે બેસી રહું અને એમને ત્રણ ટાઈમ દવાઓ આપું ? વ્હોટ નોનસેન્સ !! તમે કયા જમાનામાં જીવો છો ? પપ્પાએ કરોડો રૂપિયા વારસામાં આપ્યા. બસ પેઢી ઉપર જઈને બેસી રહો છો. એક રૂપિયો વધારવાની તો ત્રેવડ છે જ નહીં ! બસ આખો દિવસ ધ્યાન અને યાત્રાઓ !! " શીતલે પણ ગુસ્સાથી જવાબ આપ્યો.

" મેં બહુ મોટી ભૂલ કરી કે મંથનના કહેવાથી તારી સાથે મેં લગ્ન કર્યાં ! રૂપ છે પણ તારામાં લાગણી કે સંસ્કાર નથી શીતલ. અફસોસ !! " રાજન બોલ્યો.

" અફસોસ થતો હોય તો છૂટો થઈ શકે છે ! આમ પણ તેં મને શું આપ્યું છે ? અત્યારે જે વૈભવ છે એ પણ મારા પપ્પા તરફથી મળેલો છે. હું પોતે પણ ઈન્ટરીયર ડિઝાઇનર તરીકે ચાર પાંચ કરોડ રૂપિયા કમાઈ ચૂકી છું. પર્સનલ લાઇફમાં પણ ભલીવાર નથી. માંડ બે કલાકનો ટાઈમ મારા માટે બાકી સવારે ચાર વાગે તો રોજ ધ્યાનનો પીરીયડ !" શીતલ હવે તું તારી ઉપર આવી ગઈ.

રાજનને શીતલના શબ્દો છાતીમાં શૂળ ની જેમ વાગ્યા. એ જ રાત્રે પરોઢિયે શીતલ સૂતી હતી ત્યારે પોતાની બેગ ભરીને રાજન અદિતિ ટાવર્સ છોડીને કાયમ માટે મહાવીરનગર ના પોતાના ફ્લેટ ઉપર પોતાની મમ્મીની યથાશક્તિ સેવા કરવા માટે નીકળી ગયો !

સવારે વહેલી શીતલ ઉઠી ત્યારે રાજન એની બાજુમાં ધ્યાનમાં બેઠો ન હતો. એણે ફ્લેટમાં બધે જ તપાસ કરી પણ રાજન દેખાયો નહીં. વોર્ડરોબ ખોલીને ચેક કર્યું તો રાજનના કેટલાંક કપડાં પણ ન હતાં. શીતલને ફાળ પડી. રાજન ઘર છોડીને જતો રહ્યો હતો. પોતે રાત્રે ગુસ્સામાં વધારે પડતું બોલી ગઈ હતી એનું એને ભાન થયું.

શીતલે રાજનને ફોન કર્યો તો રાજને ફોન ના ઉપાડ્યો. શીતલે એના દિયર પિયુષને ફોન કર્યો.

" પિયુષભાઈ રાજન આવ્યા છે ? " શીતલ બોલી.

" હા ભાભી સવારે વહેલા જ એ તો બેગ લઈને આવ્યા હતા. કેમ તમારે બંને ને કંઈ ઝઘડો થયો છે ? " પિયુષ બોલ્યો.

" ઝઘડા તો દરેક ઘરમાં નાના મોટા થતા જ હોય છે. પણ આ રીતે ઘર છોડીને નીકળી જવાનું ? " શીતલ બોલી.

" ભાઈને તમારો ફોન આપું ? " પિયુષ બોલ્યો. એ તો શીતલના સ્વભાવને બરાબર ઓળખી ગયો હતો. ભાઈ ક્યારે પણ આ રીતે ઘર છોડીને ના આવે.

" ભાઈ શીતલભાભી નો ફોન છે. " પિયુષે રાજનભાઈના બેડરૂમનો દરવાજો ખટખટાવ્યો.

" મારે વાત નથી કરવી. તું ફોન કટ કરી દે. " રાજને અંદરથી જવાબ આપ્યો.

" ભાભી ભાઈ બાથરૂમમાં લાગે છે. તમે પછી એમની જોડે વાત કરી લેજો." કહીને પિયુષે ફોન જ કટ કરી દીધો.

મંથનને કેતાની હવે કોઈ ચિંતા ન હતી એટલે એણે નર્સિંગ સેવાસદનમાં બે કલાક માટે બેસવાનું બંધ કરી દીધું અને ફુલ ટાઈમ મલાડની પોતાની ઓફિસમાં બેસવાનું ચાલુ કર્યું.

આ બાજુ દશ વર્ષની સજા પૂરી થઈ ગઈ એટલે નસીરખાન પઠાણ જેલમાંથી બહાર આવી ગયો. ડ્રગ્સના ધંધામાં એને દશ વર્ષની સજા થયેલી. એને જેલમાં જ ખબર પડેલી કે દલીચંદ ગડાએ આત્મહત્યા કરી લીધી છે. એ ખૂબ જ ટેન્શનમાં આવી ગયેલો કારણકે બે નંબરના લગભગ તમામ પૈસા એ દલીચંદના ગોડાઉનમાં પહોંચાડતો.

જેલમાંથી બહાર નીકળીને સૌથી પહેલી એણે દલીચંદ ગડા વિશે તપાસ કરી. શેઠાણી ગુજરી ગયાં હતાં. બંગલો વેચાઈ ગયો હતો. અહીં તો કોઈ નવી સ્કીમ બની રહી હતી. ઓફિસ પણ વેચાઈ ગઈ હતી અને કોઈ નાની હોસ્પિટલનું ફર્નિચર બની રહ્યું હતું. નસીરખાનને બહુ આઘાત લાગ્યો. પૈસેટકે એ સાવ ખુવાર થઈ ગયો હતો. દશ વર્ષનો સમયગાળો બહુ લાંબો હતો. હવે કોને મળવું ?

એણે દશ દિવસ સુધી બહુ બધી તપાસ કરી તો જાણવા મળ્યું કે શેઠાણીએ કોઈ તર્જની નામની છોકરીને દત્તક લીધેલી અને બધી મિલકત એમના નામે કરી દીધેલી. એનો વર ચિન્મય શાહ શેર બજારમાં મોટો સ્ટોક બ્રોકર બની ગયો હતો અને કરોડો રૂપિયા કમાઈ ગયો હતો. કદાચ આ પૈસા દલીચંદના જ હોવા જોઈએ.

બે દિવસ પછી એક દિવસ ચિન્મયનો નંબર શોધી કાઢીને એણે ફોન કર્યો.

"ચિન્મય શેઠ મુજે તુમકો અર્જન્ટ મિલના હૈ. કિતને બજેકી અપોઈન્ટમેન્ટ મિલેગી ? " નસીરખાન બોલ્યો.

"કિસ કામ કે લિયે મિલના હૈ ભાઈ ? ઓર આપ કૌન બોલતે હો ?" ચિન્મય બોલ્યો.

" સબ પહેચાન આપકી ઓફિસ મેં હોગી શેઠ. મુજે બસ ટાઈમ દે દો. " નસીરખાન બોલ્યો.

"ઠીક હૈ ચાર બજે આ જાઓ. સાડે તીન બજે મેં ફ્રી હો જાઉંગા. ઓફિસ કા પતા તો માલુમ હૈ ના ? " ચિન્મય બોલ્યો.

" વો સબ છોડો. મેં પહોંચ જાઉંગા." કહીને નસીરખાને ફોન કટ કરી દીધો.

ચિન્મય થોડો ટેન્શનમાં આવી ગયો. સામેનો માણસ રફટફ અવાજમાં વાત કરતો હતો ! અવાજ કરડાકી ભર્યો હતો. ધંધામાં તો પોતાનો કોઈ દુશ્મન ન હતો. કારણ કે બધા જ સાથે એના સારા સંબંધો હતા. કોણ હશે આ માણસ ?

બરાબર સાડા ત્રણના ટકોરે નસીરખાન કાળા રંગના પઠાણી ડ્રેસમાં હાજર થઈ ગયો. જેલમાં રહેવાના કારણે એનો દેખાવ પણ રફટફ હતો.

" આઈયે.. " ચિન્મયે એનું સ્વાગત કર્યું અને ખુરશી તરફ હાથ લંબાવ્યો.

" બહોત બડા નામ કમા લીયા હૈ ચિન્મય શેઠ ! " નસીરખાન ખુરશી ઉપર બેસતાં બોલ્યો.

" મેં સીધી બાત પર આ જાતા હું. મેરા નામ નસીમખાન પઠાન હૈ. ઔર પુરે બાંદ્રામેં મેરા નામ પૂછોગે તો સબ મેરે ઘરકા પતા બતા દેંગે. ડ્રગ્સ કા મેરા કરોડોં કા બિઝનેસ થા. ૧૦ સાલ સે જેલ મેં થા. ૧૫ દિન પહેલે હી બહાર આયા હું. દલીચંદ ગડા મેરા પાર્ટનર થા. મેરે દો નંબર કે પૈસે ઉસકે પાસ રહેતે થે. અબ વો તો ઉપર ચલા ગયા. મેરે કરોડો કા કયા ? " નસીરખાન બોલ્યો.

" ભાઈ દેખો મૈંને તો આપકા નામ આજ પહેલી બાર સુના હૈ. મેં તો આપકો જાનતા હી નહીં હું. મુજે તો આજ તક કિસીને કુછ ભી બતાયા નહી હૈ. મેરી વાઈફ તર્જની ભી આપકે બારેમે કુછ ભી નહી જાનતી હૈ. મેરી સાસને ભી આપકા કભી જીક્ર નહી કિયા . મુઝે મંથનભાઈસે બાત કરની પડેગી. ક્યોંકી ઉન્હોંને હી મેરી શાદી કરવાઈ હૈ. " ચિન્મય બોલ્યો.

મંથનનું નામ દીધું એટલે નસીર ખાન થોડોક ઠંડો પડ્યો. એને યાદ આવી ગયું કે મંથન ગડાશેઠનો કન્સ્ટ્રક્શન પાર્ટનર હતો. એ જરૂર બધું જાણતો હશે.

" ઠીક હૈ. એક વીક કે બાદ અગલે બુધવારકો મેં ફિર સે મિલને આઉંગા. તબ તક તુમ મંથન શેઠ સે બાત કર લેના. મુઝે મેરા હિસ્સા ચાહિયે બસ. નહીં દોગે તો મુજે લેને આતા હૈ. આપ બોલ દેના ઉનકો " નસીરખાન બોલ્યો અને ઉભો થઈને બહાર નીકળી ગયો.

ચિન્મય આ માણસની ધમકી સાંભળીને થોડો ડરી ગયો હતો. એણે નસીરખાનને બહાર જતો જોયો. એ જેવો બહાર નીકળી ગયો કે તરત જ ચિન્મયે મંથનને ફોન લગાવ્યો.

" મંથન સર કોઈ નસીરખાન પઠાણ હમણાં મને મળવા આવ્યો હતો અને ધમકી આપીને ગયો છે કે મને મારો ભાગ જોઈએ છે. એના કરોડો રૂપિયા ગડાશેઠની પાસે જમા હતા એવું એણે કહ્યું. એ દશ વર્ષની સજા કાપીને હમણાં જ જેલમાંથી બહાર આવ્યો છે. એ આવતા બુધવારે ફરી મારી ઓફિસે આવવાનો છે. " ચિન્મય બોલ્યો. એના અવાજમાં ટેન્શન હતું.

" કોઈ ચિંતા નથી. તમારી ઓફિસે આવે એટલે તરત જ મારી ઓફિસે મોકલી આપજો. એના હિસ્સાની અમાનત મારી પાસે તૈયાર જ છે. મંથન કોઈના પણ પૈસા હડપતો નથી. હું માત્ર મારા હકનું જ ખાઉં છું. " મંથન હસીને બોલ્યો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED